પારગી કે થાનકી (અને ક્યારેક હું અને બીજા કેટલાક મિત્રો પણ) જોડણીદોષ સુધારવાની વાત કરે ત્યારે કેટલાક લોકો કહેતા હોય છે કે શા માટે કોઈએ શુદ્ધ ભાષાનો આગ્રહ કરવો જોઈએ?
જ્યારે કોઈક વિષયની ચર્ચા નિષ્ણાતોના હાથમાંથી સરેરાશ માણસના હાથમાં જતી રહે ત્યારે ઘણી વાર પરિભાષાઓ વચ્ચે ભેળસેળ થઈ જતી હોય છે અને એને કારણે આખી ચર્ચા ગેરમાર્ગે જતી રહેતી હોય છે. Facebook પર ચાલતી જોડણીદોષોની અને ભાષાશુદ્ધિની ચર્ચા પણ અવારનવાર ગેરમાર્ગે જતી રહેતી હોય છે.
હું માનું છું કે પારગી કે થાનકી ભાષાશુદ્ધિની વાત નથી કરતા. હા, એ ક્યારેક 'ભાષાશુદ્ધિ' શબ્દ વાપરતા પણ હશે પણ પારિભાષિક અર્થમાં નહીં. ભાષાવિજ્ઞાનમાં language purismની વિભાવના છે. આ વિભાવનાની ઐતિહાસિક સમાજભાષાવિજ્ઞાનમાં ખૂબ ચર્ચા થઈ છે અને હજી પણ થઈ રહી છે. આ language purismની બે અંતિમ છેડાની વ્યાખ્યાઓ મળે છે. એક વ્યાખ્યા કહે છે કે ભાષામાંથી વિદેશી તત્ત્વોને વીણી વીણીને બહાર કાઢી નાખવાની પ્રક્રિયા તે language purismની પ્રક્રિયા. બીજી વ્યાખ્યા કહે છે કે કેવળ વિદેશી જ નહીં, ભાષાને અશુદ્ધ બનાવતાં સ્વદેશી તત્ત્વોને પણ વીણીને બહાર કાઢવાની પ્રક્રિયા તે language purism. ગુજરાતીમાં language purismનો એક જ 'બાદશાહ' થયો છે અને એ છે ભદ્રંભદ્ર. એ ઉપરાંત ક્યાંક છૂટીછવાઈ language purismની પ્રક્રિયા ચાલી હશે ખરી. કોઈકે એના પર સંશોધન કરવું જોઈએ.
પણ, પારગી અને થાનકી જે વાત કરે છે એ ચૂસ્ત અર્થમાં language purism નથી. એ language standardization છે. બન્ને જણ, અને બીજા કેટલાક મિત્રો પણ, કહે છે કે જ્યાં ભાષાનો જાહેર ઉપયોગ થતો હોય ત્યાં જે તે વ્યક્તિએ માન્ય જોડણી પ્રમાણે લખવું જોઈએ. આ માન્ય જોડણી તે કોશે સૂચવેલી જોડણી.
જો કે, કેટલાક લોકો કોશની નબળાઈઓની ફરીયાદ કરતા હોય છે પણ એમાંની મોટા ભાગની ફરીયાદોનાં મૂળ એમની ભાષા અને જોડણી વિશેની ગેરસમજમાં પડેલાં છે. જેમ કે, ઊંઝા જોડણીએ કહ્યું કે હ્રસ્વ-દીર્ઘ કાઢી નાખવાથી બાળકો માટે જોડણી સહેલી બની જાય. પણ, આ એક વાહિયાત દલીલ છે. કેમ કે આ જ બાળકો અંગ્રેજી ભાષાની જોડણી શીખે છે અને ગણિત તથા ભૂમિતિ જેવા અઘરા વિષયો પણ શીખે છે. જો તમને બાળકોની જ ચિન્તા હોય તો તમારે આ બધું ધ્યાનમાં લેવું જોઈએ.
જ્યારે કોઈ માણસ કોશ પ્રમાણે જોડણી ન કરે ત્યારે આપણે કહીશું કે એ માણસ આપણે સ્વીકારેલી જોડણીવ્યવસ્થા પ્રમાણે જોડણી કરતો નથી. એ માણસ કદાચ એમ કહી પણ શકે કે હું ગમે તેવી જોડણી કરું. તમારે શું? મારી મરજી. જો એ એવું કરે તો આપણે એની સામે કોઈ પગલાં ન લઈ શકીએ. કેમ કે આપણે ગુજરાતી ભાષાનું નિયમન કરતો કોઈ ધારો બનાવ્યો નથી. વળી જો એ જોડણી સર્જનાત્મક પ્રયોગના ભાગ રૂપે હોય તો પણ આપણે એની સામે વાંધો ન ઊઠાવી શકીએ. ઉદાહરણ તરીકે, ૧૯૬૬માં પ્રગટ થયેલી શ્રીકાન્ત શાહની 'અસ્તી' નવલકથા લો. એની પહેલી આવૃત્તિમાં એમણે કેવળ દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ જ વાપર્યા છે!
જ્યારે લોકો મનફાવે એમ જોડણી કરે ત્યારે જે તે ભાષાની જોડણીવ્યવસ્થામાં વિકલ્પો જન્મતા હોય છે. થાનકી અને પારગી જેવા આવા વિકલ્પોની સામે લડે છે. એ ભાષાશુદ્ધિ માટે નથી લડતા. જોડણીના વધુ પડતા વિકલ્પો ભાષામાં અરાજકતા ઊભી કરે. એટલું જ નહીં. એને કારણે લખનાર અને વાંચનાર પર પણ વધારાનો cognitive load આવે. કદાચ એને કારણે જ હું ઊંઝા જોડણીમાં આવેલું લખાણ વાંચી શકતો નથી. મારા ચિત્તે (brain) એને જરા જુદી રીતે process કરવી પડે. હું એના માટે તૈયાર નથી.
ટૂંકામાં, મારી જે દલીલ છે તે આ : સાચી જોડણી એ ભાષાશુદ્ધતાની ચળવળનો ભાગ નથી. એ ભાષામાં, એમાં પણ ખાસ કરીને લેખનવ્યવસ્થાના સ્તર પર, વધતી જતી અતંત્રતાને ઓછી કરવા માટેની ચળવળનો એક ભાગ છે. કોઈ નવોદિત લેખક કે કોઈ પત્તરકાર એમ કહે કે મારા ભાવકો વાંચે છે ને સમજે છે. મને આ જોડણીફોડણીની કાંઈ પડી નથી તો આપણે એને કાંઈ ન કહી શકીએ.
સૌજન્ય : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ફેઇસબૂક દિવાલેથી સાદર