સમજૂતીપરક વિધાનો વિશે કહું એ પહેલાં, ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું અર્થઘટન કરીએ.
એક વાતની સ્પષ્ટતા : હાલ હું ખરાં કે ખોટાં અર્થઘટનોની ચર્ચામાં નથી જવા માગતો, અત્યારે તો મારે અર્થઘટન કેમ કરાય તે વિશે થોડું કહેવું છે.
દાખલા તરીકે, ’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’-ને કેમ ઘટાવીશું?
સામાન્યજનો તો એટલું જ ઘટાવે છે કે શકુન્તલા પિયર જઈ રહી છે, સૌએ એને પરવાનગી આપવાની છે.

Apna Art Adda -WorldPress.com
જુઓ, કૃતિના અર્થઘટન વખતે એક પણ એકમને વીસરી જઈએ તે ન ચાલે, તેમ એકમના એક પણ શબ્દને વીસરી જઈએ તે પણ ન ચાલે.
આપણે આપણને પૂછવું જોઈશે : ‘તે’ એટલે કઈ શકુન્તલા? ‘આ’ તે કઈ? કવિનો કથક પંક્તિના પ્રારમ્ભમાં જ એ બે શબ્દ મૂકે છે, તો કંઈક ને કંઈક તો હશે ને એના મનમાં !
હું ‘તે’-નો અર્થ એમ ઘટાવું કે – જેનાં ગાંધર્વવિધિથી દુષ્યન્ત સાથે લગ્ન થયાં છે. એ આશ્રમવાસી કન્યા હવે પરિણીતા છે.
‘આ’-નો અર્થ ઘટાવું કે – આ એ શકુન્તલા પતિગૃહે જઈ રહી છે, જેને પ્રેમના પ્રતીક રૂપે દુષ્યન્તે વીંટી આપી છે; જેને દુષ્યન્તે લેવા આવવાનું વચન આપ્યું છે.
‘પતિગૃહે જઈ રહી છે’ એટલે? એટલે, પરિણીતા પતિના ઘરે પિયર છોડીને જઈ રહી છે.
‘આપો અનુજ્ઞા’ કેમ કહ્યું? કેમ કે, જવા વિશે શકુન્તલા દુ:ખી છે એટલે એને એમ જ નથી જવા દેવાની, એટલે કે, સૌએ એને અનુજ્ઞા રૂપી બળ આપવાનું છે.
જેઓને છોડીને જઈ રહી છે તેઓ એને આજ્ઞા નહીં કરી શકે, આદેશ કે સલાહ નહીં આપી શકે, કેમ કે એ તો કઠોરતા કહેવાય. વળી, તેઓ પણ દુ:ખી છે. જો કે, તેઓ દુ:ખી ભલે છે પણ ઍળે કે બૅળે વિદાય આપવાને સમર્થ છે, એમ ‘અનુજ્ઞા’ શબ્દથી સૂચવાય છે – અનુજ્ઞા નામની વ્યક્તિઓ સ્વભાવથી જ સૅલ્ફઍસરટિવ હોય છે !
આમ, અનુજ્ઞા એટલે સમ્મતિ, હૃદયપૂર્વકની ખરી ‘હા’. જીભ હલાવવા જેવું ઉપરચોટિયું આવજો આવજો નહીં.
‘સહુ’ કેમ? એક-બે જણાં અનુજ્ઞા આપે ને બીજાં જોયા કરે એમ નહીં, એ અનુજ્ઞામાં સૌએ જોડાવાનું છે.
આ સંશ્લિટ પંક્તિને અર્થઘટનમાં આમ વિશ્લિષ્ટ કરવી પડે છે. શબ્દ શબ્દને ખોલવો પડે છે. એવા વિશ્લેષણ વિના અર્થઘટન શક્ય જ નથી. હું તો વિશ્લેષણ અને અર્થઘટનને એકમેકનાં હરીફ ગણું છું. અર્થઘટન વિશ્લેષણને અને વિશ્લેષણ અર્થઘટનને હંફાવે …
સંસ્કૃત પણ્ડિતોએ ‘કૈશિકી વૃત્તિ અને વિશ્લેષણ’-ની કલ્પના કરી છે, જેને હિન્દીમાં ‘બાલ કી છાલ નિકાલના’ અને અંગ્રેજીમાં ‘હૅઅર-સ્પિલ્ટ ઍનાલિસિસ’ કહેવાય છે. એટલી હદે જવાની જરૂર પડે એવી જટિલ સાહિત્યકૃતિ હોય, તો જુદી વાત, બાકી, એવા વિશ્લેષણથી તો સુગરીનો માળો ફૅંદી નાખવાનું થશે – વાનરવેડા ! ડૉક્ટરે સર્જરિ કરવાની, પણ સાવધાન રહેવાનું કે વાઢકાપ દરમ્યાન દરદી બચારો મરી ન જાય !
એક જ પંક્તિનું છે તેથી આ અર્થઘટનને માઇક્રો લેવલનું કહેવું જોઈશે, વળી એ કામચલાઉ પણ છે. છતાં, એના દૃષ્ટાન્તે, એ અંકનું અને સમગ્ર નાટકનું સંગીન અર્થઘટન કરી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સંગ્રહનું તેમ જ નવલકથા કે કોઈપણ કૃતિનું કરી શકાય. શેનું અને કેટલું કરવું છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે.
તાત્પર્ય એ કે માઇક્રો આવડી ગયું હોય એટલે મૅક્રો આવડી જાય, પ્રૅક્ટિસનો મામલો છે. પણ યાદ રાખીએ કે સીધા મૅક્રોથી શરૂ કરીશું તો ફાવટ નહીં આવે, ગોટાળા કરી બેસીશું.
સમુચિત અર્થઘટન કૃતિના હાર્દ લગી લઈ જશે. સમુચિત અર્થઘટન આપણી સર્વસામાન્ય સમજદારીની ધાર કાઢશે ને એને વધુ ને વધુ કાર્યકારી – ફન્કશનલ – બનાવશે. પરિણામે, જીવનને વધારે ને વધારે સમજતા થઈશું. આ અર્થહીન જીવન ઘડી બે ઘડી અર્થવતું અનુભવાશે.
++
એ ગુણે કરીને સમજૂતીપરક વિધાનો કૃતિથી કૃતિ-ઇતર જવાની આપણને છૂટ આપે છે. કહું કે સાહિત્યકલાથી જીવનને સમજવાની આપણામાં સૂઝબૂઝ પ્રગટે છે.
મુખ્ય તો એ કે મેં કરેલાં અર્થઘટનોને મારા વિવેચનલેખમાં મારે સમજાવવાં જોઈશે. એ માટે પહેલું તો એ કે મને સમજ પડેલી હોવી જોઈશે.
હું આવું બધું લખી શકું :
પિતા કણ્વ અનુપસ્થિત હતા છતાં લગ્ન કર્યાનો શકુન્તલાને વસવસો હોઈ શકે છે. તેમ છતાં, કહી શકાય કે પ્રિયને પરણ્યાનું મીઠું સંવેદન પણ અનુભવતી હશે. જો કે લગ્ન એના આરણ્યક જીવનમાં આવેલું મોટું પરિવર્તન હતું, અને હવે પતિગૃહે જઈ રહી છે એ એથી પણ મોટું પરિવર્તન છે. હવે એ સમ્રાટને ત્યાં, રાજધાનીમાં, નગરજીવન જીવવાની છે.
લગ્નાયેલી યુવતીને, નવવધૂને, કોડ ઘણા હોય છે. પિયરઘરથી નીસરીને પતિઘરે, સાસરે, પ્હૉંચી જવાની એને તાલાવેલી લાગી હોય છે. કલ્પતી હોય છે, કેવું હશે. એ નવોઢાને દામ્પત્યજીવનની સ્મિતમધુર કલ્પનાઓ થતી હોય છે. એ પ્રકારે, પિયર છોડીને જવાનું એનું દુ:ખ શુદ્ધ દુ:ખ નથી હોતું, સુખદ મન એ દુ:ખની સાથે જોડાયેલું હોય છે. એ એના જીવનનો સંદિગ્ધ સમય હોય છે. એ સંદિગ્ધતાને સેવવાનું અને માણવાનું એને ગમતું હોય છે. સંભવ છે કે શકુન્તલાના મનોરાજ્યમાં પણ આવું બધું ઘટ્યું હોય.
મારે સમજાવવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં પિતાના ઘરનો અને શ્વશુરના ઘરનો કેટલો બધો મહિમા છે. લગ્નથી બે જણ તો પરણે જ છે પણ બે પરિવાર પણ પરણે છે. પરિવાર વિસ્તરે છે. લગ્નથી જોડાયેલાં બે પરિવારોનો સામાજિક આર્થિક મોભો સમાન હોય તો સારી વાત, એ અસમાન પણ હોઈ શકે છે. શકુન્તલા તો સમ્રાટની રાજ્ઞી બનશે, એથી મોટું મહિમાવન્ત શ્વશુરગૃહ શું હોય વળી !
મારે ઉમેરવું જોઈએ કે શકુન્તલા-દુષ્યન્તના દૃષ્ટાન્તમાં નાત-જાતના ભેદ નથી. આજના ભારતમાં પણ એ ભેદ ભુંસાઈ રહ્યો છે. જ્ઞાતિ-સમાજના કાયદા નથી રહ્યા. પિયર અને સાસરું એવી જુદાઈ પણ ઑસરી ગઈ છે. પણ લગ્નગ્રન્થીથી જોડાવાનું ઓછું થવા માંડ્યું છે. મુક્ત સહચારની માનસિકતા જોર પકડી રહી છે. ત્યારે શકુન્તલા-દુષ્યન્તનું દૃષ્ટાન્ત ‘અતિ’ લાગવાનો સંભવ છે. બને કે ‘આદર્શ’ પણ લાગે. વગેરે.
આ સમજૂતી પણ કામચલાઉ છે. એના દૃષ્ટાન્તે, એ અંકની અને એમ સમગ્ર નાટકની સમજૂતી આપી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સમગ્ર સંગ્રહની તેમ જ નવલકથા કે કોઈ પણ કૃતિની સમજૂતી આપી શકાય. એ પણ પ્રૅક્ટિસનો મામલો છે.
અલબત્ત, સમજૂતીને નામે, યાદ રાખો કે નિબન્ધ નથી લખવાનો, ના, નહીં જ ! શેની અને કેટલી સમજૂતી આપવી છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે. તેમ છતાં, એને જો અંદાજ હોય કે પોતાનો વાચક સમજદાર છે, તો એણે જરૂરી સંકેતો કરીને અટકી જવું જોઈશે. પ્રતિજ્ઞા જાહેર કરી એટલે પૂર્વપક્ષ, પ્રતિપક્ષ, વિચારવિમર્શ અને ઇતિ સિદ્ધમ્-નો મહા મોટો વિધિ હાથ નથી ધરવાનો. વિવેચક એ રૂપે પણ સમજુ હોવો જોઈશે.
હવે પછી, મૂલ્યાંકનપરક વિધાનો વિશે …
= = =
(October 26, 2021: USA)
![]()


ધારો કે તમે મને સરસ મજાનું પરફ્યુમ ભેટ આપો છો. હું જોઈ રહું છું ને મલકાઈને થૅન્કસ કહું છું. ત્યારે મેં એ પરફ્યુમનો અર્થ ઘટાવ્યો હોય છે – તમારો મારા માટેનો, ‘સ્નેહાદર’. મેં ત્યારે ‘પ્રેમ’ કે ‘મૈત્રી’ અર્થ પણ ઘટાવ્યો હોત. મેં ત્યારે ‘વ્હાલ’ કે ‘વાત્સલ્ય’ અર્થ પણ ઘટાવ્યો હોત – આપનાર કોણ છે એ પર આધારિત છે.
‘મેં કોઈ દ્રોણનું શરણ લીધું નથી, એટલે મારો અંગૂઠો સલામત છે. એકલતાની વાત મેં ગાંઠે બાંધી છે …. મારા સર્જન-લેખનમાં કોઈની સાહિત્યકૃતિનો પ્રભાવ નથી. ઈર્ષાભાવ મને ફળ્યો છે. એક ઝનૂની પ્રાણીની જેમ મેં સાહિત્યને ઘૂંટ્યું છે. મારું સાહિત્યકાર રૂપે અવતરવું એ જ તો ચમત્કાર છે, મહેનતનો ચમત્કાર … કહે છે કવિઓ જન્મે છે. અમે ય જન્મ્યા હતા, પણ કવિ તરીકે નહીં. અમે તો પાંત્રીસમાં વર્ષે કવિતા કરવાની શરૂઆત કરી …. લખ્યું છે, ઘણું વધારે લખવાનું બાકી છે. બસ એ વસવસો છે ….. પદ-પ્રતિષ્ઠા ક્યારે ય ઝંખનામાં આવ્યા નથી. ઈનામ-અકરામ માટે લખતો નથી …… સમાજનો ઇતિહાસ-સાચો ઇતિહાસ લખવો છે. દલિત સાહિત્યધારા કાયમી રહે એવી ઇચ્છા છે …. બ્રાહ્મણો આવે તે પોતાની કથા લખે, પટેલો પોતાની લખે, ચૌધરીઓ પોતાનું લખે, તો પછી દલિતો પોતાનું લખે જ ને. મને લખ્યા વિના જંપ નથી વળતો …. બધું રાબેતા મુજબ ચાલતું યુવાનીમાં ય. જે કંઈ ઘટ્યું સાહજિક હતું એ વખતે. આજે ભયંકર – અતિ ભયંકર લાગે છે … ૧૯૬૯ના કોમી હુલ્લડોમાં વહેતું લોહી, ૧૯૭૨-૧૯૭૪નાં રોટીરમખાણો. ૧૯૮૧ના અનામતિયા હુલ્લડ, ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૩ના કોમી હુલ્લડોનો એક ભાગ હતો હું. આ બધાથી મારામાંનું લલિત સાહિત્ય છૂટ્યું …… લેખન-સાહિત્ય સમાજનો ભાગ છે. સમાજ, વ્યક્તિ છે તો કલા છે. કલા છે તો સમાજ હોય એવું સમીકરણ વ્યર્થ ગણાય … સાહિત્યકલા જીવન માટે છે ને હું એનો પક્ષધર છું …. વિશાળ વાચકવર્ગ તો ક્યારે ય હતો જ નહિ. લોકોને રસ પડે તો વાંચે, વાંચવાનું ગમે તે વાંચે જ છે …. કોઈના ઘરમાં પાંચસો પુસ્તકો હોય એટલે તે તમામ તેણે વાંચ્યા જ હશે, એમ માનવું ભૂલભરેલું છે. જ્યાં સુધી માણસ થોડો-ઘણો નવરો થઈ શકે તેમ છે, તે વાંચશે – જોશે અને વિચારશે … જીવન ન હોય તેનાથી રૂપાળું ચિતરવું, આવા સાહિત્યનું વેચાણમૂલ્ય છે, શાશ્વત મૂલ્ય નથી ….. સાહિત્ય અકાદમી – દિલ્હી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે અન્ય સંસ્થાઓ તરફથી અપાતાં ઈનામ – એવોર્ડ અંગે રાજકારણ પ્રવર્તે છે એ મત દૃઢ થયો છે. આ મતને હું મહદઅંશે
સ્વીકારું છું ….. સાહિત્યકારો સ્વમાં – સ્વસમાજમાં કે આજુબાજુ બનતી ઘટનાઓ વિશે લખતા – વિચારતા હોય એમ સામાન્ય રીતે જોવાય છે. તેઓ તેમના કુંડાળામાંથી બહાર નિકળતા નથી. અગાઉ જે રીતે લખાયું હોય તેની નકલ કરીને ચાલતા હોય છે. નવો ચીલો સાહિત્યના રૂપમાં પાડતા હોય છે, ઘટનાઓમાં નહીં. કાળક્રમે સમાજમાં જે પરિવર્તન આવે તેની ખાસ અસર ગુજરાતી સાહિત્યકારો પર પડી નથી; ને તે જો પડી હોય તો ક્ષણિક હોય છે … શરૂઆતમાં નવું સાહિત્ય થોડુંક નબળું હોય પણ પછી તે પોતાની સ્થિતિ જરૂરથી સુધારી લે છે. ગુણવત્તા ઉત્તમ થઈને રહે છે ….. દરેક ધારા તેના ચોક્કસ ગાળા સુધી દબદબો રાખે છે ને પછી ધીમે-ધીમે વિલાય છે. એ જ તો ક્રમ છે. તેમાં કશું નવું નથી.'
તેમની નવલકથા “મલક’ Homeland નામે, “ગીધ’ Vultures નામે, ટૂંકી વાર્તાઓ Fear and Other Stories નામે અંગ્રેજી ભાષામાં તથા નવલકથા “ભળભાંખળું' ‘भोर' નામે હિન્દી ભાષામાં ટૂંકમાં પ્રકાશિત થશે. નવલકથા ‘મલકનો હિન્દી અનુવાદ ‘मुलक’ નામે રાધાકૃષ્ણ પ્રકાશન, દિલ્હી અને ઠંડા ‘ठंडा खून’ – દલિત વાર્તાસંગ્રહ શિલ્પાયન પ્રકાશન, દિલ્હી એ પ્રકાશિત કરેલ છે. તેમની કવિતાઓ, વાર્તાઓ, નાટક-એકાંકી અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, પંજાબી અને અન્ય ભારતીય ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેમની વાર્તાઓ, નવલકથા, નાટક, એકાંકી સંગ્રહની એકથી વધારે આવૃત્તિઓ થઈ છે.