ગત 20મી જુલાઈ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાહકો અને મહાનુભાવોથી ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગૃહ’ ઊભરાઈ ગયું હતું. સન્માન સમારંભ બાદ ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ લેખકની રચનાઓનું વિવેચન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
સમારંભની શરૂઆતમાં સાહિત્ય અકાદમી, દિલ્હી વતી કે. શ્રીનિવાસે શ્રોતાજનોને આવકાર આપીને પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે આ વર્ષે સાહિત્ય અકાદમીએ ગુજરાતી, સંસ્કૃત, સિંધી અને નેપાળી, એમ કુલ ચાર ભાષાના સર્જકોને આ મહત્તર સદસ્યતાનું સન્માન આપવાનું નક્કી કર્યું હતું, અને તેમાં ગુજરાતી ભાષા માટે વિવેચકો અને વાચકો પાસેથી સમાન ધોરણે આદર પ્રાપ્ત કરનાર રઘુવીર ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ રઘુવીરજીની જીવનયાત્રાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું. માણસા નજીક આવેલ બાપુપૂરા ગામમાં 1938માં તેમનો જન્મ થયો હતો. પ્રકૃતિના ખોળે શાળાજીવન પસાર કર્યા બાદ, હિન્દીમાં સ્નાતક અને અનુસ્નાતક થઈને, ‘હિન્દી અને ગુજરાતી ધાતુરૂપોના તુલનાત્મક અભ્યાસ’ વિષય પર મહાનિબંધ તૈયાર કરીને તેમણે પી.એચડી.ની ઉપાધિ મેળવી હતી. 1977માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં જોડાયા હતા, જ્યાંથી 1998માં અધ્યાપક અને વિભાગાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.
આ પરિચયને આગળ વધારતા કે. શ્રીનિવાસને રઘુવીરજીના જીવનમાં ગાંધીજીના ઊંડા પ્રભાવની વાત કરી હતી. તેઓ ગાંધીજી ઉપરાંત વિનોબા ભાવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, ‘દર્શક’, ટાગોર, કાલિદાસ અને ઇલિયટ જેવા મહાન લેખકો અને કવિઓથી પણ પ્રેરિત થયા હતા. તેમણે લેખન ઉપરાંત કરેલા સામાજિક કાર્યોની પણ નોંધ લેવાઈ હતી.
લેખનની શરૂઆત કવિતાથી કરી હોવા છતાં, તેમને ખરી લોકચાહના તેમની નવલકથાઓથી મળી હતી. ‘અમૃતા’ જેવી અમર નવલકથાઓ ઉપરાંત, તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટકો, એકાંકી, ચરિત્રલેખો, વિવેચનો અને સંપાદનો પણ આપ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેના તેમનાં કાર્યો, તથા તેમના અથાગ પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનનું નિર્માણ થયાની, તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અલગ વિભાગ ઊભો કરવામાં તેમણે ભજવેલ ચાવીરૂપ ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી હતી.
રઘુવીર ચૌધરીને ગુજરાતી તેમ જ હિન્દી ભાષાની સેવા માટે દેશ-વિદેશમાં મળેલાં સન્માનોની લાંબી યાદીના અંતે એમ ઉમેરવામાં આવ્યું હતું કે નિવૃત્તિમાં તેઓ સપ્તાહાંતે ખેડૂતનું સરળ જીવન વિતાવે છે અને સાહિત્ય અકાદમી તેમને મહત્તર સદસ્યતા અર્પણ કરવામાં ગૌરવ અનુભવે છે.
ત્યાર બાદ અધ્યક્ષીય ઉદ્દબોધન કરતાં સાહિત્ય અકાદમીના ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારીએ ફૂલોથી રઘુવીર ચૌધરીનું સ્વાગત કર્યું હતું. એ ક્ષણે રઘુવીરજીએ પોતાની આગવી શૈલીથી રમૂજ પ્રસરાવી હતી. તિવારીજીએ લેખક જીવનની દુર્બોધતા અને મહત્તાની વાત કરતાં લેખકો જ કેમ સમાજના નિર્માતા છે, એ બાબત પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે રઘુવીરજી સાથેના તેમના લાંબા સંબંધોની અને તેમની સર્જકતા સાથે જોડાયાની વાતો યાદ કરી હતી. તેમણે અંતે ઉમેર્યું હતું કે દેશમાં એક મહાન લેખકની હાજરી સમાંતર સરકારની બરાબર છે.

ત્યાર બાદ રઘુવીર ચૌધરીને શાલ ઓઢાડીને મહત્તર સદસ્યતા પ્રદાન કરવામાં આવી હતી. આ મહામૂલી ક્ષણને પલકવારમાં સંકોરીને રઘુવીરજીએ ૠણસ્વીકારનું પોતાનું લાગણીસભર વક્તવ્ય પોતાની પુત્રી દૃષ્ટિ પટેલ આપશે તેમ જાહેર કર્યું હતું.
રઘુવીરજીએ આ સન્માન સ્વીકારતાં, દૃષ્ટિ પટેલના મુખે, એમ કહ્યું હતું કે ‘લખવું એ જ જીવન છે. જીવનથી કોઈ ફરિયાદ નથી, પરંતું લેખનથી હંમેશાં ફરિયાદ રહી છે.’ પોતાના કુટુંબજીવનની ભાવુક વાતો કરીને તેમણે સૌનો આભાર માન્યો હતો અને સમાજની તમામ સમસ્યાઓનો ઉપાય જાગરૂક નાગરિક છે, તેમ સૂચવ્યું હતું. ૠણ સ્વીકારના અંતે તેમણે સ્વમુખે થોડાંક શબ્દોમાં નિર્દંશ વ્યંગ સાથે બધાનો આભાર માનીને પોતાની બે કવિતાઓ ‘અમે આટલે આવ્યા …’ (2008) તેમ જ ‘કેફિયત’(1968)નું પઠન કરીને ઉપસ્થિત તમામ લોકોની તેમને સાંભળવાની ઇચ્છાપૂર્તિ કરી હતી.
સમારંભના અંતે, ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ, રઘુવીરજીના લેખનનું વિવિધ તજજ્ઞો દ્વારા રસદર્શન કરાવવામાં આવ્યું હતું. ‘સંવાદ’ના અધ્યક્ષ સિતાંશુ યશશ્ચંદ્રએ ‘ગુજરાતનો આનંદ હોલ ભરીને છલકાય છે’ કહીને કાર્યક્રમની શરૂઆત કરીને ચંદ્રકાંત ટોપીવાળાને રઘુવીરજીની કવિતાનું રસદર્શન કરાવવા આમંત્ર્યા હતા, ‘The Course of Commitment’ નામક તેમના પ્રવચનમાં ચંદ્રકાંત ટોપીવાળાએ રઘુવીરજીની ‘કામાખ્યા’ જેવી પ્રતિનિધિ કવિતાઓની વાત કરી હતી. ત્યાર બાદ રમેશ આર. દવેએ રઘુવીરજીની નવલકથાઓ તથા ટૂંકી વાર્તાઓનું રસદર્શન કરાવ્યું હતું. તેમણે રઘુવીરજીની ‘ઉપરવાસ’ નવલકથાને ‘અમૃતા’થી પણ ઉત્તમ ગણાવી હતી. આબાદ ઘટના નિરૂપણ અને દ્રઢ વસ્તુ સંકલ્પના જેવી ખૂબીઓ સાથે અતિલેખન અને વિશેષણોની ભરમાર જેવી કેટલીક ખામીઓ તરફ આંગળી ચીંધીને તેમણે આ સમારંભને માત્ર પ્રશસ્તિપર્વ બનવામાંથી બચાવી લીધો હતો. છેલ્લે સતીશ વ્યાસે રઘુવીરજીના નાટકો અને એકાંકીની વાત લાઘવમાં કરી હતી. તેમણે પણ ખૂબીઓ સાથે ખામીઓ દર્શાવીને રઘુવીરજીના પોતાના જ કથન ‘(મને) લેખનથી હંમેશાં ફરિયાદ રહી છે’નું સમર્થન કર્યું હતું.
અંતે જ્યારે કે. શ્રીનિવાસે સાહિત્ય અકાદમી વતી સૌનો આભાર માન્યો, ત્યારે શ્રોતાજનોમાં રઘુવીરજી ચૌધરીની ‘અમૃતા’, ‘ઉપરવાસ’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘ઇચ્છાવર’, ‘રૂદ્રમહાલય’ જેવી નવલકથાઓ; ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ જેવી નવલિકાઓ; ‘તમસા’, ‘વહેતાં વૃક્ષ પવનમાં’ જેવા કાવ્યસંગ્રહો અને ‘અશોકવન’, ‘ઝુલતા મિનારા’, ‘સિકંદર સાની’ જેવાં નાટકો તેમ જ ‘ડિમલાઇટ’, ‘ત્રીજો પુરુષ’ જેવી એકાંકીઓની ચર્ચા શરૂ થઈ હતી.
અમદાવાદ, 20 જુલાઈ, 2013
courtesy : http://www.chiragthakkar.me/2013/07/Raghuvir-Chaudhari-Fellowship.html
![]()


શૈક્ષણિક સંસ્થા માટે ત્રણ પાયાનાં ઘટકો છે – વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કાર્યકરો તથા સંચાલકો. આમાંનો એક પણ ઘટક નબળો હોય તો સંસ્થાનો વિકાસ શક્ય નથી. સણોસરા ગામની લોકભારતી સંચાલિત પ્રાથમિક શાળા, આંબલા ખાતેની ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ જેવી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી નાની મોટી શાળાઓમાં રમેશ ર. દવેનાં તનમન ઘડાયાં છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંગે પુસ્તિકા લખવા અંગે રમેશભાઈને આમંત્રણ મળ્યું ત્યારે તેમણે તેને સહર્ષ સ્વીકાર્યું. પોતાના પ્રારંભિક જીવનનાં પચ્ચીસેક વર્ષ જે શાળાઓ અને તેમના સ્થાપકોના નર્યા સદભિઃ સંગેઃ ગાળ્યાં હોય તે વિશે લખવાના અનુભવને આનંદપર્વ ગણાવતાં લેખક, પુસ્તકની શરૂઆત ફ્લેશબેકથી કરે છે. પુસ્તકનાં પ્રકરણોનો સાર, મુદ્દાઓ, લેખકે રજૂ કરેલા વિચારો તેમ જ અવલોકનનોંધથી આ ગ્રંથપરિચયનો આરંભ કરું છું.
આંબલા અને મણારની લોકશાળાઓ તથા સણોસરા ખાતેની લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરવા માટે નાનાભાઈને પ્રેરનારાં વિવિધ પરિબળો વિશે વિચારીએ તો એમની તેજસ્વી બુદ્ધિમત્તા, ગાંધી સંપર્કથી લાધેલી જીવન-સમજ, આવનારા સમયનું સમુચિત અવલોકન કરતું દૂરંદેશીપણું, ખેતીકામ પર નભતા છેવાડાના માણસોને મદદરૂપ થવાની નિસબત્ત ને ખેવના, ડેન્માર્કમાં સફળ થયેલી ‘ફોક સ્કુલ્સ’ – લોકશાળાઓ – નો અભ્યાસ-પ્રવાસ તથા રાધાકૃષ્ણન શિક્ષણપંચના શિક્ષણવિદ્દ સભ્ય ડૉ. એ. ઈ. મોર્ગને ભારતમાં થઈ રહેલા ઉચ્ચ શિક્ષણની મર્યાદાઓ ચીંધીને, ગ્રામવિદ્યાપીઠની રચના દ્વારા થવા જોઈતા ઉચ્ચ શિક્ષણને આપેલું પ્રાધન્ય – આપણી નજર સમક્ષ સૌ પ્રથમ ઉપસી આવે છે. અલબત્ત, આ તમામ બાબતોની જેમ જ, ભાવનગર છોડીને એકલવીર સમા આંબલા પહોંચેલા નાનાભાઈને, એમના આ નવ્ય પ્રયાણમાં તનમનથી જોડાનારા મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ તથા રતિભાઈ જેવા સૂઝ સમજ ધરાવતા સંનિષ્ઠ સાથીદારોના સમર્પિત સહયોગનું મૂલ્ય પણ લગીરેય ઓછું નથી.
સર્વોચ્ચ સ્થાને બેઠેલા કેટલાક અફસરશાહ લેખકો અને પ્રકાશકો આ બધાનાં સંયોજનથી રચાતી સંગઠિત શક્તિ 'લિટરરી માફિયા'ની જેમ કામ કરી રહી છે? શું સાહિત્યના ક્ષેત્રમાં જે નવી પેઢી આવી રહી છે તે આ બધું સમજી શકે એટલી પુખ્ત અને આ ચક્રવ્યૂહને ભેદી શકે એટલી સમર્થ છે? હકીકતમાં વિશાળ સમુદ્ર જેવી આ સંરચનામાં કેટલાક લોકોએ કુલડીમાં ગોળ ભાંગવાની વ્યવસ્થા ઊભી કરી છે અને આ કુલડી જાણે સમુદ્રને ગળી રહી છે. આ લેખનો હેતુ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કાર્યકલાપ અંગે જાણકારી આપવાનો તથા સાહિત્યની મૂળભૂત સમસ્યાઓ અંગે વિમર્શ રચવાનો છે. એક અપેક્ષા એવી પણ છે કે સાહિત્યિક સમાજ નિર્ભિકતાથી જવાબદારીપૂર્વક વ્યાપક વિમર્શમાં ઊતરે તો કમસેકમ કુલડીમાં ગોળ ભાંગવાની પ્રવૃતિ પર અંકુશ લગાવી શકાય. વાતને આગળ વધારતા પહેલા પાણી કેટલાં ઊંડાં છે એની જાણકારી સારું અમીત પ્રકાશ અને વાય. પી. રાજેશ દ્વારા લિખિત ૧ નવેમ્બર,૧૯૯૫ “આઉટલુક”ના 'લિટરરી માફિયા' નામના લેખમાંથી આ અવતરણો નોંધું છું. (સંપૂર્ણ લેખ માટે જુઓ