આજથી સાતેક દાયકા પહેલાંની આ વાત છે. મુંબઈમાં જુનિયર બી.એ.માં ભણતો એક વિદ્યાર્થી. દોઢેક મહિના સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીમાં રોજના પાંચ-છ કલાક બેસીને ભારતીય સંસ્કૃિતની પરંપરા, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો, વગેરે વિષે વાંચે છે, નોંધો કરે છે. કેમ? કારણ, ‘૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ ભારતમાં થયેલી ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષેની નિબંધ હરીફાઈમાં ભાગ લેવાનું તેના અધ્યાપકે કહ્યું છે. ૧૦૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખી સ્પર્ધામાં મોકલે છે, અને ૨૦૦ રૂપિયાનું ઇનામ મેળવે છે.
બે-પાંચ વર્ષ પહેલાંની વાત છે. એ વિદ્યાર્થી ગાંધીજી અને આપણા પાંચ સાક્ષરો વિષે પુસ્તક લખી રહ્યો છે. સંદર્ભ માટેનાં એક-બે પુસ્તકો અમદાવાદમાં ક્યાંયથી નથી મળતાં. ‘ચાલશે’ એમ નહીં, જવા દો ને માથાકૂટ એમ નહિ. મુંબઈની લાયબ્રેરીઓમાંથી જરૂરી પુસ્તકો શોધીને અને તેની ઝેરોક્સ નકલો મેળવીને જ જંપે છે. અને યુવાન વિવેચકો કે સંશોધકોને પણ ઈર્ષા આવે એવું પુસ્તક આપણને આપે છે. પેલો જુનિયર બી.એ.માં ભણતો વિદ્યાર્થી અને ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ પુસ્તકનો લેખક, તે બંને એક જ – ધીરુભાઈ ઠાકર.
કોડીનાર જેવું ગામડું, જ્યાં જન્મ થયેલો, ૧૯૧૮ના જૂનની ૨૭મી તારીખે. એટલે વરસ ગણો તો ઉંમર ૯૬ વર્ષ. પણ નારાયણ દેસાઈએ તેમને ‘ચિર યુવા’ તરીકે અને ‘આજીવન સંશોધક’ તરીકે ઓળખાવ્યા છે. ધીરુભાઈ ચિર યુવા રહી શક્યા કારણ તેઓ આજીવન સંશોધક રહ્યા. જે માણસ સતત નવું નવું શોધતો જ રહે તે પોતે જૂનો કઈ રીતે થાય? અને ધીરુભાઈ આજીવન સંશોધક રહી શક્યા કારણ તેઓ રહી શક્યા ચિર યુવા. જે માણસે યુવાની ગુમાવી જ ન હોય તેને નવું નવું શોધવાની ધગશ તો રહે જ ને?
બાળપણનાં વર્ષો ગામડામાં વીત્યાં. શરૂઆતમાં તો ભણવાનું પણ અનિયમિત. પિતાજી સાત ચોપડી ભણેલા. સાહિત્યના સંસ્કાર ક્યાંથી આવ્યા હશે? આજે તવંગરોનાં ઘણાં ઘરમાં પણ જે જોવા નથી મળતાં તે પુસ્તકો એમના ઘરમાં હતાં. વડોદરા રાજ્યની નોકરીમાં ટૂંકો પગાર, પણ પિતાનો વાચનશોખ ટૂંકો નહીં. ભીંતમાં જડેલા કબાટમાં રહેતાં જે પુસ્તકો વાંચેલાં તે દાયકાઓ પછી પણ ધીરુભાઈને યાદ હતાં : કપડાનું પૂંઠું ચડાવેલું શ્રીમદ્દ ભાગવત, નથ્થુરામ શર્માની ટીકાવાળી ગીતા, સસ્તું સાહિત્યનું મહાભારત, ગિરધરકૃત રામાયણ, ગુજરાતી પ્રેસના કાવ્યદોહનના આઠ ભાગ, સરસ્વતીચંદ્રના ત્રણ ભાગ, વગેરે. આ પુસ્તકોને સંભારીને ધીરુભાઈ કહે છે : “આ પુસ્તકોએ અમારા નાનકડા કુટુંબની વાચનરુચિ ઘડીને સતેજ રાખી હતી.”
અને છતાં બીજા અનેક યુવાનોની જેમ સ્વપ્ન તો જોયું હતું ઈજનેર બનવાનું. ગુજરાત કોલેજમાં સાયન્સનું ભણવા દાખલ પણ થયા. પણ પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન હાથમાંની ક્રૂસિબલ પડીને તૂટી ગઈ અને ગુજરાતી સાહિત્યના સારા નસીબે ધીરુભાઈ પ્રેક્ટિકલમાં નાપાસ થયા. ૧૯૩૬ના જૂનમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટર આર્ટસમાં દાખલ થયા. પણ તેમની કારકિર્દીને ઘાટ આપ્યો તે તો એલ્ફિન્સ્ટન કોલેજ અને તેના ગુજરાતી વિભાગના વડા ડૉ. કાંતિલાલ બી. વ્યાસે. પછી તો બી.એ. થઈને એ જ કોલેજમાં ધીરુભાઈ અધ્યાપક થયા. પણ પછી વ્યવહારડાહ્યો ગુજરાતી સહેલાઈથી ન લે તેવા નિર્ણયો લીધા. એ વખતે એલ્ફિન્સ્ટન કોલેજ માત્ર મુંબઈની જ નહીં, આખા પશ્ચિમ ભારતની અગ્રણી કોલેજ હતી. પણ તે છોડીને અમદાવાદ આવી ગુજરાત કોલેજમાં જોડાયા. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત કોલેજ આખા રાજ્યની અગ્રણી કોલેજ બની. લગભગ તે જ વખતે બેંતાલીસ વર્ષની ઉંમરે આ કોલેજ છોડી રેલવે સ્ટેશન પણ ન ધરાવતા મોડાસામાં શરૂ થતી નવી કોલેજના આચાર્ય તરીકે જોડાયા. ૧૮ વર્ષમાં એ કોલેજને એવી વિકસાવી કે ઉમાશંકર જોશી મોડાસાને ‘સાબરકાંઠાનું ઓક્સફર્ડ’ તરીકે ઓળખાવતા. નિવૃત્તિ પછી ૬૭મે વર્ષે વિશ્વકોશના મુખ્ય સંપાદકની જવાબદારી સ્વીકારી. અંગ્રેજીમાં કહે છે તેમ ‘ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.’
ધીરુભાઈનો અંગત પરિચય તો છેલ્લાં થોડાં વર્ષોમાં થયો. પણ પાંચેક દાયકા પહેલાં બી.એ. અને એમ.એ.માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેમનાં પુસ્તકો દ્વારા પરોક્ષ પરિચય થયો હતો. પણ તેમાંથી એ વખતે હજી નવું પ્રગટ થયેલું ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ પુસ્તક તો અમારું વિદ્યાર્થીઓનું બાઈબલ હતું. એ પછી તો તેની બારેક આવૃત્તિઓ થઇ છે, પુનર્મુદ્રણ નહિ. જેમાં વખતોવખત સુધારા, વધારા, ઉમેરા થતા રહ્યા એવી નવી આવૃતિઓ.
આપણી પરંપરામાં એક તપ બાર વર્ષના ગાળાનું ગણાય છે. ધીરુભાઈ આઠ તપની અખંડ શબ્દોપાસના પછી આપણી વચ્ચેથી ખસી ગયા. ધીરુભાઈ જેવા સારસ્વત તપસ્વીને આપણે તે શું અંજલિ આપી શકીએ? તેમના સારસ્વત-તપ નું તેજ થોડું ઘણું પણ આપણી શબ્દ-સાધનાને અજવાળે એવો આપણો પ્રયત્ન એ જ તેમને સાચી અંજલિ હોઈ શકે.
(સૌજન્ય : ‘ટૃિબ્યૂટ’, ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 03 ફેબ્રુઅારી 2014)
e.mail : deepakbmehta@gmail.com
![]()


અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જો કોઈ કવિઓને સાચા અર્થમાં લોકપ્રિયતા મળી હોય – અને લાંબા કાળ સુધી, આજ સુધી – ટકી રહી હોય તો તે બે કવિઓને. એક ઝવેરચંદ મેઘાણીને અને બીજા કવિ કલાપીને.
ગીત-ગઝલ-અછાંદસ-સૉનેટ-આખ્યાન જેવાં પદ્ય સ્વરૂપોની સાથેસાથે વાર્તા-નવલકથા-નાટક-સ્ક્રીપ્ટલેખન જેવા ગદ્ય સ્વરૂપોમાં રમમાણ રહેતા ડૉ. ચિનુ મોદી 'ઇર્શાદ'ને એક સર્વાંગી સાહિત્યકાર રૂપે સહુ કોઈ સુપેરે જાણે છે. આ બહુમુખી પ્રતિભાએ પોતાની કલમને માત્ર સાહિત્યની શતરંજના ચોકઠામાં જ કેદ નથી કરી રાખી, પરંતુ સમયાંતરે કૉપિ, કૉલમ જેવા સ્વરૂપોમાં પણ ઝબોળી રાખીને સમૂહ માધ્યમોની અનેક સૃષ્ટિમાં તેના થકી રંગોભર્યા છે. સાહિત્યકાર તરીકે આગવું નામ-કામ-દમામ ધરાવતા ડૉ. ચિનુ મોદી કૉપિરાઇટર તરીકે પણ સફળ રહ્યા છે. તેમના અનેક જિંગલ, સ્પોટ આજે પણ લોકજીભે છે. તો આવો, ડૉ. ચિનુ મોદીની સાહિત્ય સિવાયની એક અનોખી માધ્યમ સૃષ્ટિમાં લટાર વિશે એક આછેરો ખયાલ મેળવવા તેમની સાથે કરેલો એક વિશિષ્ટ વાર્તાલાપ માણીએ.
રેમઠ શરૂ થયું અને 'રે' નો પહેલો અંક આદિલે ડિઝાઇન કર્યો. રાવજીનું કાવ્ય પહેલી વાર સારા સામયિકમાં પહેલું છપાયું. દોઢ ડાહ્યા આનું આ દોઢ માસિક. રેનો તંત્રી-પ્રકાશક હું. ૧૬, જિતેન્દ્ર પાર્કથી એ પ્રગટ થાય. હું ૧૯૬૩-૬૪ માં કપડવણજ હતો અને જે સામયિક ૧૬, જિતેન્દ્ર પાર્કથી પ્રગટ થતું એ રેના પહેલા પાના પર એવી લાઇન પ્રકટ થઈ કે 'રેમાં પ્રકટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ તે માની લેવું નહીં.' અને મારામાંના અધ્યાપકે તેનો વિરોધ કર્યો. તો 'રે' સારંગપુર ચકલાથી શરૂ થયું. 'રે' દોઢ વર્ષ ચાલ્યું. આજે પણ જોશો તો સિતાંશુ યશશ્ચંદ્ર, દિલીપ ઝવેરી, રાજેન્દ્ર શુક્લ એ સહુ. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી સાથે ઉપસ્થિત છે. હજી રમેશ પારેખનો પરિચય કોઈને નહોતો. હું 'શ્રીરંગ'નો સંપાદક હતો ત્યારે રમેશ પારેખ 'યાયાવર'ની એક ગઝલ 'ચશ્માના કાચ પર' મને પોસ્ટમાં મળી અને મેં રમેશને લખ્યું તારી ગઝલ 'કૃતિ'માં છાપીએ ત્યારે કૃતિ સામયિક શરૂ થઈ ગયેલું. અને રમેશનો તરત જવાબ આવેલો 'છાપો છાપો, બાપલા'. 'રે'ના અંકમાં મુખપૃષ્ઠ ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, પિરાજી સાગરા જોવા મળશે. આદિલ મન્સૂરીનાં તમામ તોફાનો 'રે'ના મૃખપૃષ્ઠને અને 'રે'ના અંકોને ચકડોળે ચડાવતા. દિવાળી અંક આખેઆખો કોરો કાઢવામાં આવ્યો. એક અંકમાં રે-વીટીઓ તૈયાર થઈ ગઈ છે તેવી જાહેરાત કરવામાં આવી. ઘોડાની નાળ ચંદ્રક તરીકે આપવાની જાહેરાત, પુત્તમત્તાય પુત્તાલ ઘોસાલ (એટલે વાંઝણી રાંડનો) તથા સુરેશ જોશીએ સંયુક્ત રીતે નિર્ણય કરીને મુનિશ્રી બામ એકસો એકને આપેલો. આ બધી 'કુમાર ચંદ્રક' અને 'રણજિતરામ ચંદ્રક'ની મશ્કરી હતી. એક અંક પર 'ફિર વહી દિલ લાયા હૂં' એવી પંક્તિ છાપવામાં આવી. 'રે'નો છેલ્લો અંક હિટલર અંક તરીકે બહાર પડ્યો, જે પ્રબોધ પરીખે સંપાદિત કર્યો હતો. આ અંકમાં લાભશંકરે લખ્યુંં 'ગાંધીને હું ચાહી શકતો નથી અને હિટલરને ધિક્કારી શકતો નથી.'