૧૯૫૦ પછીનાં વર્ષોમાં થોડો વખત આપણે ત્યાં આધુનિકતાને નામે લેખકો અને તેમનાં લખાણો લોકોથી વિમુખ થવા લાગ્યાં. જે સાહિત્યિક હોય તે લોકપ્રિય ન થઈ શકે, અને જે લોકપ્રિય થાય તે સાહિત્યિક ન હોઈ શકે એવી એક (ગેર)સમજણ ફેલાવાઈ. આપણું લખેલું રખેને લોકોને સમજાઈ જશે એ બીકે લેખકો વધુ ને વધુ વાયવ્ય લેખન કરવા લાગ્યા. આધુનિકતાના પ્રચાર-પ્રસાર માટે ઘણાં લઘુ સામયિકો – લિટલ મેગેઝિન્સ – શરૂ થયાં. અને ઘણાંખરાં થોડા વખત પછી સમેટાઈ ગયાં. આ લઘુ સામયિકોની પહોંચ બહુ મર્યાદિત વાચકવર્ગ સુધી હતી, પણ સાહિત્યની દુનિયામાં તેમની આણ પ્રવર્તતી હતી. મનીષા, ક્ષિતિજ, એતદ્, રે, સંજ્ઞા, જેવાં આ પ્રકારનાં સામયિકોમાં તો ધારાવાહિક નવલકથાને અવકાશ જ નહોતો. ક્યારેક કોઈ સામયિક તો વળી તંત્રીઓની એવી નોંધ સાથે પણ પ્રગટ થતું કે ‘આ સામયિકમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એવું કોઈએ માની લેવું નહિ.’ સમજાઈ જાય એવી કૃતિઓ લખનારાઓ જાણે ગુનેગારો હોય તેવો હાઉ ઊભો થયો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારોનું અવમૂલ્યાંકન કરવાના પ્રયત્નો થયા હતા. અને નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે એવું નિદાન કરવામાં આવ્યું હતું. આપણા ઘણા લેખકો પર ભલે થોડો વખત, પણ આ આધુનિકતાની ભૂરકી છંટાઈ ગઈ હતી.
પછીથી છેક ૨૦૦૭માં વીનેશ અંતાણીએ નિખાલસતાથી લખ્યું: “મેં લખવાનું શરૂ કર્યું એ વખતે ગુજરાતી સાહિત્યમાં ચારેકોર પ્રયોગલક્ષી સર્જનની આબોહવા ચાલતી હતી … લાગતું હતું કે સાહિત્યમાં ટકવું હશે તો જે પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં જ ખાબકવું પડશે.” પ્રયોગશીલ તરીકે વખણાયેલી બે નવલકથા લખી પણ ખરી. પછી તેઓ જ કહે છે : “પણ પછી મને લાગ્યું કે હું જે દિશામાં જઈ રહ્યો હતો એનાથી સંતુષ્ટ નહોતો.” અને તેમણે પોતાની નવલકથાઓનું સુકાન ફેરવ્યું અને સાહિત્યિકતાને જોખમાવ્યા વગર લોકો સુધી પહોંચનાર નવલકથાકાર બન્યા. બહુ ઓછા વાચકો સુધી માંડ માંડ પહોંચી શકતી કેટલીક લઘુનવલો અને નવલકથાઓને અમૂક જૂથ દ્વારા વખાણી વખાણીને છાપરે ચડાવવામાં આવી હતી. સમજાય કે ન સમજાય, અધ્યાપકો એવી કૃતિઓ ભણાવતા હતા અને વિદ્યાર્થીઓએ એ ભણવી પડતી હતી. આજે એ ‘આધુનિક,’ ‘પ્રયોગશીલ,’ ‘ઘટનાનો હ્રાસ’ કરીને લખનારાઓ, ‘ભાષાકર્મ’ની લીલા કરનારાઓ અને તેમની નવલકથા નામધારી કૃતિઓ ક્યાં ખોવાઈ ગયાં છે એની પણ ખબર પડતી નથી.
પણ કોઈ નવલકથા પહેલાં ધારાવાહિક પ્રગટ થઈ હોય તો અને તેથી તે ઉત્તમ કૃતિ બની જતી નથી, તેમ નિકૃષ્ટ કૃતિ પણ બની જતી નથી. ધારાવાહિક નવલકથા ત્રણ રીતે લખાતી હોય છે. કેટલાક લેખકો – મોટે ભાગે બહુ જાણીતા થઇ ચૂક્યા હોય તેવા – પહેલાં આખેઆખી નવલકથા લખી નાખે છે, અને પછી તેને ધારાવાહિક રૂપે પ્રગટ કરવા માટે સામાયિકના કે અખબારના તંત્રીને તે સોંપે છે. દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ને ઉદાહરણ રૂપે ધરી શકાય. તો બીજા કેટલાક લેખકો પહેલાં આઠ-દસ પ્રકરણ લખે છે, પછી તંત્રી સાથે ધારાવાહિક પ્રકાશનની વ્યવસ્થા ગોઠવે છે. શરૂઆતનાં પ્રકરણ પ્રગટ થવા લાગે એટલે નવલકથા આગળ લખાતી જાય છે અને છપાતી જાય છે. તંત્રી કે વાચકોના અભિપ્રાયની અસર ક્યારેક લેખન પર પડી પણ શકે. તો ત્રીજી રીત એ છે કે નવલકથાનો એક હપ્તો લખાય અને એ છપાય પછી બીજો, ત્રીજો … આવા લેખકો ‘ચેપ્ટર ટુ ચેપ્ટર’ લખતા અને જીવતા હોય છે. ચુનીલાલ મડિયાની ઘણી નવલકથા આ રીતે લખાયેલી. મેટર મોકલવાનો છેલ્લો દિવસ હોય ત્યારે મડિયા લખવા બેસે અને લખાઈ રહે કે તરત આંગડિયા દ્વારા તંત્રીને મોકલી દે.
આ પ્રકારનું લેખન કદાચ સૌથી વધુ જોખમી હોય છે. મડિયાની જ એક ખૂબ જાણીતી નવલકથા ‘લીલુડી ધરતી’માં કથાનાયક માંડણનો કોણી સુધીનો એક હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો તેમ શરૂઅાતના એક પ્રકરણમાં લેખકે કહેલું. ઘણાં પ્રકરણ પછી એ જ માંડણ એક ગૂનામાં સંડોવાય છે ત્યારે લેખકે લખી નાખ્યું : ‘પોલીસે આવીને માંડણના બંને કાંડે બેડીઓ પહેરાવી દીધી.’ કોણી સુધીનો એક હાથ અગાઉ કપાઈ ગયો હતો એ વાત જ લેખક ભૂલી ગયેલા. એક સાથે બે-ત્રણ ધારાવાહિક નવલકથા લખનાર લેખની એક નવલકથામાંનું કોઈ પાત્ર ભૂલથી બીજી નવલકથામાં ઘૂસી ગયું હોય એવું પણ બન્યું છે. વાચકોના પ્રતિભાવો – એટલે કે વખાણ – ના નશામાં લેખક કૃતિની જરૂરિયાતને બદલે વાચકોને વશ થઈને લખવા લાગે એવું પણ બને. જો કે કેટલાક લેખકો પુસ્તક રૂપે છપાવતાં પહેલાં આખી નવલકથા રી-રાઈટ કરતા હોય છે અને તે વખતે બધું સમુસુતર કરી લેતા હોય છે.
પણ આધુનિકતાની આબોહવા વચ્ચે પણ કેટલાંક સામયિકો અને અખબારોએ ધારાવાહિક નવલકથાને આઘી હડસેલી નહોતી. પણ એ અંગેનો વધુ રસિક ભાગ ક્યારેક હવે પછી.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2014
![]()


આ બીજા નોહાનું નામ નોહા વેબસ્ટર. ૧૭૫૮ના ઓક્ટોબરની ૧૬મી તારીખે કનેક્ટીકટ રાજ્યના હાર્ટફર્ડમાં તેનો જન્મ. પિતા ખેડૂત, પણ કુટુંબ હતું ખાધેપીધે સુખી. કાયદાનો અભ્યાસ કર્યો, પણ વકીલાત કરી નહિ. નાની નિશાળ કાઢી, પણ તેમાં નિષ્ફળતા. પણ તેને એક વાતનો ખ્યાલ આવી ગયો : નિશાળમાં ભણાવી શકાય એવાં અમેરિકન પુસ્તકો જ નથી. બ્રિટનથી મગાવેલાં પુસ્તકો અહીંની નિશાળોમાં ચાલે નહિ. એટલે તેણે પોતે ત્રણ પુસ્તકો તૈયાર કર્યાં : સ્પેલર (૧૭૮૩), વ્યાકરણ (૧૭૮૪) અને રીડર (૧૭૮૫). આ પુસ્તકોમાં તેણે અમેરિકન અંગ્રેજીને બ્રિટીશ અંગ્રેજી કરતાં જુદી પાડવાની શરૂઆત કરી. તેણે અંગ્રેજીના સ્પેિલન્ગમાં ફેરફાર કરવા માંડ્યા. ‘સેન્ટર’, ‘કલર’ જેવા ઘણા શબ્દોના બ્રિટીશ સ્પેિલન્ગમાં ફેરફાર કરી તેને વધુ સહેલા અને સરળ બનાવ્યા. નોહા વેબ્સ્ટરની હયાતી દરમ્યાન તેના ‘સ્પેલર’ પુસ્તકની ૩૮૫ આવૃત્તિ છપાઈ! જો કે તેમાંની મોટા ભાગની ભૂતિયા આવૃત્તિ – પાયરેટેડ એડિશન – હતી, કારણ એ વખતે અમેરિકામાં કોપીરાઈટનો કાયદો લગભગ નહોતો એમ કહીએ તો ચાલે.
આપણાં ઘણાં સામયિકો જ્યારે ધારાવાહિક નવલકથાના પ્રકાશનને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યાં હતાં ત્યારે પણ કેટલાંક સામયિકો સભાનતાપૂર્વક એનાથી દૂર રહ્યાં હતાં. આવાં સામયિકોમાં પહેલું નામ આનંદશંકર ધ્રુવના ‘વસંત’નું યાદ આવે. ૧૯૧૨થી ૧૯૨૪નાં બાર વર્ષને બાદ કરતાં લગભગ પચ્ચીસ વર્ષ આનંદશંકર તેના તંત્રી રહ્યા. રમણભાઈની નવલકથા ‘ભદ્રંભદ્ર’નો કૈંક ઉગ્રતાથી વિરોધ કરનાર આનંદશંકર પોતાના સામયિકમાં ધારાવાહિક નવલકથાથી દૂર રહ્યા હતા, એટલું જ નહિ, વચમાં બાર વર્ષ (૧૯૧૨-૧૯૨૪) ખુદ રમણભાઈ તેના તંત્રી બન્યા ત્યારે તેમણે પણ આનંદશંકરની એ પરંપરા ચાલુ રાખી. મુખ્યત્વે મધ્યકાલીન કાવ્ય કૃતિઓ – અને અત્યંત વિવાદાસ્પદ બનેલાં ‘પ્રેમાનંદનાં નાટકો’ પ્રગટ કરવા માટે જાણીતા થયેલા સામાયિક ‘સાહિત્ય’એ કેટલીક સારી ટૂંકી વાર્તાઓ પ્રગટ કરેલી. પણ ધારાવાહિક નવલકથા તરફ તેણે ઝાઝું ધ્યાન આપ્યું નહોતું. તો ઉછરંગરાય ઓઝાની ‘અજોજી ઠાકોર’ અને ભોગીન્દ્રરાવ દીવેટિયાની કોલેજિયન’ નામની નવલકથા ‘સમાલોચક’ માસિકે ધારાવાહિક રૂપે પ્રગટ કરેલી. ભોગીન્દ્રરાવની નવલકથા છપાતી હતી તે દરમ્યાન તેમનું મૃત્યુ થતાં તેમનાં પત્ની કૌમુદીબહેને તે પૂરી કરી હતી. છતાં એકંદરે ‘સમાલોચક’નો ઝોક ધારાવાહિક તરફ નહોતો. રામનારાયણ પાઠક પણ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી રહ્યા ત્યાં સુધી ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી સતત દૂર રહ્યા હતા. આ પ્રથાને અનુસરીને ‘સંસ્કૃિત’માં ઉમાશંકર જોશીએ તથા ‘ઉદ્દેશ’માં રમણલાલ જોશીએ ધારાવાહિક નવલકથા પ્રગટ કરી નહોતી.