કાશ, તે આવે
• દીપક બારડોલીકર
મૃત્યુ
મારા માટે
કોઈ નવી વસ્તુ નથી !
હું
અર્ધનગ્ન દશામાં
ફળિયા વચ્ચે
દોડાદોડી કરતો હતો ત્યારે
મૃત્યવશ થતાં જોયેલા
મારા પ્રતાપી પિતાને !
અને
ત્યાર પછી
મારી સમીસાંજ થાય તે પહેલાં તો
ઘર ખાલી થઈ ગયું !
વહાલચમેલી બની જતી બહેનો
પોરસના પ્યાલા પિવરાવતા ભાઈઓ
ને જેનો કોઈ જોટો જડે નહીં
તે મમતાના મેહ સમી મારી મા,
માની દુઆઓનું છત્ર,
બધું જ ચાલ્યું ગયું !
મૃત્યુ
મારા માટે કોઈ નવી વસ્તુ નથી !
એક વાર
મગરને જડબે જતાં
તો એક વાર
વાઘનો કોળિયો થતાં
બચી ગયેલો !
હા, અણીચૂક્યો આદમી છું !
અને
બહુ નજીકથી જોયું છે મૃત્યુને
ઘરમાં અને ઘર બહાર !
ઉપાડ્યા છે જનાઝાઓ બેશુમાર !
અને
હવે કોઈક દિવસ
ઊપડશે જનાઝો આ બંદાનો !
ઉપાડશે મારા વહાલા, મારા દુલારા,
ઓઢીને ગમદુશાલા !
પરંતુ
સાચું પૂછો તો
મને એનો ઇન્તેઝાર નથી
હું તો બેઠો છું
કોઈક અન્યની પ્રતીક્ષામાં !
કાશ !
તે આવે !
સિતારે સિતારે પગલાં પાડે
ને સ્નેહભીના શબ્દોમાં
માત્ર આટલું કહે :
ચાલો, દીપકજી !
સાંજ થઈ ગઈ છે !
દીપક બારડોલીકરના આ કાવ્ય ‘કાશ, તે આવે’નો કાવ્યનાયક કોની રાહ જુએ છે ? ‘કાશ’ શબ્દથી જાણે એની વાટ જોવાનો થાક લાગ્યો હોય કે પછી તેના આવવાની ઝંખનામાં શંકા પ્રવેશી ગઈ હોય તેમ જણાય છે. પણ આ ‘તે’ છે કોણ ? ‘તે આવે’ એટલે કોણ આવે ? શીર્ષક પરથી જાત-ભાતના તર્કો જાગે તે સ્વાભાવિક છે ! પણ સમગ્ર કાવ્યના વાચનથી આ કાવ્યનાયકની પ્રતીક્ષા કોની છે તે તરત સમજાઈ જશે. અહીં પ્રતીક્ષિત છે મૃત્યુ.
આમ તો મૃત્યુ મનુષ્ય માટે, ના; પ્રાણીમાત્ર માટે અનિવાર્ય ઘટના છે. પરંતુ મનુષ્યને જીવનભોગ પછી મૃત્યુનો ઓડકાર જાણે ભારે દુ:ખદાયક લાગે છે. મરવું કોને ગમે ? આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂર ખરી ? પણ કાવ્યાન્તરે કાવ્યનાયક,, અહીં કાવ્યસર્જન પોતે, મૃત્યુ આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છે. તે મૃત્યુને સ્વીકારવા તત્પર છે.
હા, આવા અનિવાર્ય મૃત્યુના અનુભવો તો પરલક્ષી જ રહેવાના. મૃત્યુનો અનુભવ ક્યારે ય આત્મલક્ષી ના બની શકે. મૃત્યુ બાદ મૃત્યુક્ષણનું વર્ણન કરવા તેને ભેટનાર કરી શકતો નથી. પણ માણસ પોતાના જીવન દરમિયાન અનેકોના અવસાનનાં અનુભવ તો પામતો જ હોય છે. અને એ અનુભવ જ વ્યક્તિને પોતાના મૃત્યુની ક્ષણનો તલસાટ કેવો હોઈ શકે તે કલ્પી શકતો હોય છે.
કાવ્યના ઉપાડમાં જ કવિ કહે છે કે −
મૃત્યુ
મારા માટે
કોઈ નવી વસ્તુ નથી !
મતલબ કે કાવ્યનાયકે અન્યોના મૃત્યુને જોયું છે અને જાણ્યું છે આ અન્યો પણ કોઈ પરાયાં નહીં પણ પોતીકાં આથી મૃત્યુનો એ અનુભવ માણસને, અહીં વિશ્વનાયકને, વધુ વિચારો-વિમાસતો કરી દે છે. કવિ પોતાના બાળપણનું સ્મરણ આરંભમાં રજૂ કરે છે. એક નિર્દોષ બાળક છે તે ‘નગ્ન દશા’ શબ્દોથી ઇંગિત કરાયું છે. આ બાળવયે મૃત્યુનો જે પ્રથમ અનુભવ થયો છે તે પોતાના પિતાનો છે. અને તે પણ ‘પ્રતાપી’ પિતા ! બાળવયે પિતાના મૃત્યુનો આ પ્રથમ અનુભવ કોઈને પણ હલબલાવી દે. પણ વાત આટલેથી અટકતી નથી. કાવ્યના નાયકની બાલ્યાવસ્થાથી આ મૃત્યુના અનુભવો તેનાં પાછલી વય સુધી સુધી સતત થતા રહ્યા. એટલે જ કવિ કહે છે :
મારી સમી સાંજ થાય તે પહેલાં તો
ઘર ખાલી થઈ ગયું !
અહીં સમીસાંજના પ્રતીક દ્વારા કાવ્યનાયકની જીવનસંધ્યા નિર્દેશાયેલી છે. કાવ્યનાયકને પોતાની વૃદ્ધાવસ્થા સુધીમાં મૃત્યુના અવારનવાર અનુભવો થતા રહ્યા છે, અને એ પણ બહેનો, ભાઈઓ અને માતા પણ કાવ્યનાયક ગુમાવે છે. બહેનો માટે જે વિશેષણ વપરાયું છે ‘વહાલચમેલી’ તે બહેનના ભાઈ પ્રત્યેના સહજ વહાલની પ્રતીતિ તો કરાવે જ છે પણ સાથેસાથે કવિની સર્જનાત્મક કલ્પનાનો આ ‘વહાલચમેલી’ શબ્દયુગ્મથી આવે છે. તો વળી ભાઈઓનું પણ મૃત્યુ થાય છે. આ ભાઈઓ કેવા ? કવિ કહે છે ‘પોરસના પ્યાલા પીવરાવતા’. ભાઈઓ પણ કાવ્યનાયકને જીવનમાં ‘જોસ્સો’ જગાવતા હતા. એમાં પણ ‘પ’ વર્ણની વર્ણસગાઈ સહેજ રીતે અનુભવને અલંકૃત કરે છે. પણ જાણે આટલું અધૂરું હોય તેમ માતા પણ કાવ્યનાયક ગુમાવે છે !
માતા તો ગમે તેટલી ઉંમરના દીકરા માટે સહજ વહાલનું છત્ર છે. આ કાવ્યનાયક પોતાના આયુના સાંધ્યસમયે માતા ગુમાવે છે. આમ, જીવનના પાકટકાળે પણ મમતામયી માતા ગુમાવવી તે વ્યક્તિ માટે ભારે આઘાતજનક ઘટના બની રહે છે. આથી જ કાવ્યનાયકને માતા ગુમાવતા લાગે છે −
મારી સમીસાંજ થાય તે પહેલાં તો
ઘર ખાલી થઈ ગયું !
અત્યંત વેદના ગર્ભ અનુભૂતિના આ કરુણ સહજોદ્દગાર છે. આથી કાવ્યનાયક કહે છે કે −
મૃત્યુ
મારા માટે
કોઈ નવી વસ્તુ નથી !
કાવ્યનાયક આગળ જતાં પોતાના જીવનના બે અનુભવો વર્ણવે છે કે જ્યારે તે સ્વયં મૃત્યુના મુખમાંથી બચી ગયેલો. પાણીમાં તરતી વખતે મગરનો કોળિયો થઈ જતાં બચી ગયેલો તો વળી કો વનની વાટે જતાં વાઘનો કોળિયો થતાં પણ કાવ્યનાયક બચી ગયેલો. આમ, કાવ્યનાયકને સ્વમૃત્યુના મુખમાંથી બચી જવાના અનુભવોએ પણ તેને મૃત્યુની કરાળતા કે કરુણતાનો કલ્પનાનુભવ કરાવી જાય છે આથી આ કાવ્યનાયક કહે છે : હા, અણીચૂક્યો આદમી છું ! પરિવારજનોના અને સ્વજનોની મૃત્યુયાત્રામાં પણ ઓછો ભાગ નથી લીધો ! અનેકોની નનામી ઊંચકીને એમણે મૃત્યુનો માતમ જાણ્યો-જોગવ્યો છે, અને ત્યારે આત્માનુભૂતિ પણ થઈ છે કે −
હવે કોઈક દિવસ
ઊપડશે જનાઝો આ બંદાનો !
ઉપાડશે મારા વ્હાલા, મારા દુલારા,
ઓઢીને ગમદુશાલા !
આમ તો આ ભાવિ સંકેતમાં નવું કશું ન લાગે, પણ એમાં ય કવિનું ચિંતન છે કે મૃત્યુ તો અનિવાર્ય જ છે. જેમ મેં મારાં સ્વજનોનાં મૃત્યુનો અનુભવ કર્યો છે તેમ મારા દુલારાઓ પણ મારા મૃત્યુથી એમના સ્વજનના અવસાનનો વસમો અનુભવ કરશે. આ અનુભવ ગાત્રો થીજવી નાખે તેવો છે. અને તેથી જ કવિ રૂપક પ્રયોજે છે કે આ સ્વજનો ‘ગમદુશાલા’ ઓઢીને મૃત્યુના અનુભવનો થરથરાટ જીરવવાનો પ્રયત્ન કરશે.
આવા મૃત્યુ વિશેના ચિંતનથી કાવ્યનાયક પોતાના નામ સાથે જ મૃત્યના આગમનની રાજીખુશીથી રાહ જુએ છે :
તે આવે !
સિતારે સિતારે પગલાં પાડે
ને સ્નેહભીના શબ્દોમાં
માત્ર આટલું કહે :
ચાલો, દીપકજી !
સાંજ થઈ ગઈ છે ! અહીં જીવનસંધ્યાએ પહોંચેલા કાવ્યનાયકની મૃત્યુને આવકારવાની હિંમતભરી આરત સહજ રીતે અભિવ્યક્ત થઈ છે. ‘ચાલો, દીપકજી ! / સાંજ થઈ ગઈ છે !’
માણસ જો પોતાની જીવનસંધ્યાએ મૃત્યુની વેદના કરતાં તેને વધાવવાની એષણા રાખે તો મૃત્યુ ભયાનક લાગતું નથી. નરસિંહરાવના શબ્દો યાદ આવે :
મૃત્યુ મરી ગયું રે લોલ.
સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યઆરી 1016; પૃ. 11-13
![]()


રવીન્દ્રનાથ ઠાકુર એવી મેધાવી પ્રતિભા હતા કે રોજ રામાયણ, ભાગવત કે અન્ય ધર્મગ્રંથોનું પઠન કરતા હોઈએ એમ તેમને વાંચવા જોઈએ. તેમનાં પ્રવચનો, પ્રવાસવર્ણનો, નવલકથા, નાટકો, વાર્તા, કાવ્યો વાંચવાં જોઈએ. તેમના વિશે અન્ય લોકોએ જે લખ્યું છે એ પણ વાંચવું જોઈએ. સંગીતમાં તેમણે રવીન્દ્ર સંગીતની નવી મૌલિક શાખા ઊભી કરી છે. હિન્દી સિનેમામાં કામ કરતા કેટલાંક બંગાળી સંગીતકારો પર રવીન્દ્ર સંગીતની ભારોભાર અસર રહી છે. પછી એ એસ.ડી. બર્મન હોય કે શાંતનુ મોઇત્રા. ચિત્રકારીથી માંડીને સંગીત અને સાહિત્યની તમામ વિધાઓમાં રવીન્દ્રનાથે ખેડાણ કર્યું છે. ખેડાણ પણ એવું છે કે આવનારા દરેક સમયને દિશા આપવાનું કામ કરે છે.