ચંદ અલ્ફાઝ
‘એવું નથી કે એમને સ્વાયત્તતાનું મૂલ્ય ખબર નથી…’
પ્રશ્ન ઃ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવી પડે એ સ્થિતિને આપના સંદર્ભમાં કઈ રીતે મૂલવો છો?
ઉત્તર ઃ આમ તો મારો નિર્ધાર હતો કે નિવૃત્તિ પછી કોઈ સંસ્થા સાથે ન જોડાવું. પણ વર્તમાન સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય અકાદમીમાં જ્યારે ગેરબંધારણીય નિમણૂકની સામે ચૂંટણીનો અને સ્વાયત્તતાનો મુદ્દો છેડાયો ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એ પ્રથાને પુનર્જીવિત કરવા માટે મેં ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. હું મને પોતાને વિરોધાભાસોમાં ન મૂકી શકું.
પ્ર. ઃ અગાઉ પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકેનો કાર્યકાળ અને હવે પરિષદ પ્રમુખ તરીકે આપની પસંદગી – કેવું અનુભવો છો?
ઉ. ઃ ક.લા. સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકેના મારા કાર્યકાળ સાથે મારો હોદ્દાની રૂએ, ગુજરાતી સાહિત્ય પરિષદના નિયામક તરીકેનો પણ કાર્યકાળ હતો. પણ એ મર્યાદિત જવાબદારીમાંથી પ્રમુખ તરીકે મોટી જવાબદારીમાં હવે પ્રવેશ્યો છું.
પ્ર. ઃ પરિષદપ્રમુખની જવાબદારી અને અધિકારોની મર્યાદા વિશે તાજેતરમાં આપણાં વિચારપત્રોમાં થયેલી ચર્ચાના અનુસંધાનમાં આપનો પક્ષ સ્પષ્ટ કરશો?
ઉ. ઃ આમ તો સાહિત્ય પરિષદના બંધારણ પ્રમાણે કોઈ પણ કાર્યવાહીમાં પ્રમુખશ્રીનો નિર્ણય કે અર્થઘટન છેવટનું ગણાય છે, પરંતુ મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિ પ્રમુખપદના સહકારી અને સામૂહિક મુખો છે. એમાં શક્ય તેટલું ઓરકેસ્ટ્રેશન જાળવવું અનિવાર્ય છે.
પ્ર. ઃ પરિષદના વહીવટની બાબતમાં તથાકથિત વ્યક્તિલક્ષી પ્રભાવની સ્થિતિ સંદર્ભે આપને જે સંજોગોમાં સેવા આપવાની થશે તેને આપ કઈ રીતે જુઓ છો ?
ઉ. ઃ પરિષદની બંધારણની પુસ્તિકાના પૂંઠા પર કે. હ. ધ્રુવનો એક પરિચ્છેદ છે – ‘સમષ્ટિશ્રેય માટે વ્યષ્ટિ પ્રવૃત્તિ.’ આ મહત્ત્વનો સંદેશ છે. સમષ્ટિશ્રેય માટે જ વ્યષ્ટિ પ્રવૃત્તિ હોવી જોઈએ. એમાં જે આવશ્યક હોય એને ભારપૂર્વક સ્થાપિત કરવાનું છે અને જે અનાવશ્યક હોય, એને ભારપૂર્વક વિસ્થાપિત કરવાનું છે.
પ્ર. ઃ સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ની કાયાપલટ થવી જોઈએ એમ માનનાર વર્ગને આપ કઈ રીતે આશ્વસ્ત કરો છો ?
ઉ. ઃ ‘પરબ’ની કાયાપલટ માગનારાઓમાં મોટેભાગે પરત થયેલી રચનાઓના રચનાકારો હોય છે અથવા સંપાદકના વિરોધી હોય છે. વસ્તુલક્ષી ધોરણે સૂચનો સ્વીકારી હયાત પરિસ્થિતિને વધુ પ્રભાવક અને આકર્ષક જરૂર બતાવી શકાય. ‘પરબ’ પરિષદનું મુખપત્ર છે. એમાં આવતી નાનામાં નાની સામગ્રીનું ચયન-મૂલ્ય છે. ચયનની કક્ષા વધુ સુધારી શકાય. ઉપરાંત પ્રાપ્ત સામગ્રીનું સંપાદન નહીં પણ નિમંત્રિત લેખનો દ્વારા અંકોને વધુ કલ્પનાશીલ બનાવી શકાય.
પ્ર. ઃ પરિષદ આયોજિત કાર્યક્રમોમાં વિષય-વક્તા પસંદગીનાં ધોરણો અંગે નારાજગીનો સૂર વ્યાપક થતો જાય છે; એ બાબતે આપ શું કહેશો ?
ઉ. ઃ આજે પુસ્તકોનાં અવલોકનોથી માંડી સંપાદનોમાં જે રીતે ‘ગોઠવણી’ જોવાય છે, જે રીતે પરસ્પરના વ્યક્તિગત લાભ સેવાય છે, જે રીતે વિષયને લક્ષમાં રાખીને નહીં પણ વ્યક્તિને લક્ષમાં રાખીને વ્યાખ્યાનો યોજાય છે, એ સમગ્ર દૂષિત પરિસ્થિતિનું કારણ આપણે છીએ. સાહિત્ય માત્રને લક્ષ્ય કરી, અન્ય સંદર્ભોને કાપી નાખવાની આપણી ત્રેવડ હશે ત્યારે જ સાહિત્યની યોગ્ય પ્રતિષ્ઠા થશે.
પ્ર. ઃ પરિષદ પ્રજાભિમુખ બને એવા પ્રયત્નોમાં આપનું માર્ગદર્શન શું હોઈ શકે?
ઉ. ઃ મૂળ વાત તો પ્રજા પરિષદાભિમુખ બને, સાહિત્યાભિમુખ બને એ જરૂરી છે.
પ્ર. ઃ અકાદમીની સ્વાયત્તતા ચળવળ અને પરિષદ ટ્રસ્ટી-પ્રમુખશ્રીના ઠરાવનું ભાવિ કેવું જણાય છે?
ઉ. ઃ ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે. સાહિત્યકાર સ્વનિર્ભર નથી.
પ્ર. ઃ ચળવળને સાહિત્યકારોના ઝઘડા તરીકે મૂલવાય તે બાબતે વ્યાપક નાગરિક સમાજ સમક્ષ આપનો પક્ષ કઈ રીતે મૂકો છો ?
ઉ. ઃ કમનસીબ ઘટના છે કે સ્વાયત્તતા જેવા મૂળભૂત મૂલ્યની સમજણ હોવા છતાં સાહિત્યકારોનો એક પ્રતિપક્ષ માત્ર અંગત સ્વાર્થ માટે તર્કદલીલોમાં ઊતરી પડ્યો છે, જેનો આભાસ ઝઘડા સિવાય ઇતરજનને શો હોઈ શકે?
ભુજ અધિવેશનની પૂર્વસંધ્યાએ યોગેન્દ્ર પારેખ સાથેની મુલાકાતમાં વ્યક્ત કરેલા વિચારોમાંથી સંકલિત અંશ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 24
![]()


ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.