સાંપ્રત, નોખાં, વિવિધ વિષયનાં, વૈશ્વિક બનાવોનો સંદર્ભ ધરાવનારાં પુસ્તકો વિશેનું પુસ્તક
‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.
અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.
સંપાદકીયના આરંભે રમણભાઈ નોંધે છે: ‘આ ‘અવલોકન-વિશ્વ’ દુનિયાભરમાં આજે પ્રકટ થતાં અસંખ્ય પુસ્તકોમાંથી થોડાંક પ્રતિનિધિરૂપ અને સક્ષમ પુસ્તકો વિશેની રસપ્રદ વાતો, અલબત્ત સમીક્ષિત રૂપે સૌની સામે મૂકવા ચાહે છે. દેશવિદેશની વિવિધ ભાષાઓ-પ્રદેશોનાં, વિવિધ સાહિત્ય સ્વરૂપો અને અન્ય શાસ્ત્રીય વિષયોનાં સામ્પ્રત સમયનાં પુસ્તકો આવરી લઈ શકાયાં હોવાથી ગ્રંથવિશ્વનું એક વિશિષ્ટ ભાતીગળ ચિત્ર ઉપસી શક્યું છે.’
પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે. અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.
અદ્યતન પુસ્તકોમાં ય અસલ પુસ્તકપ્રેમીને ખાસ રસ પડે તેવા અરુઢ વિષયો પરનાં જે નોખાં પુસ્તકો અહીં મળી આવે છે. ન્યૂઝીલૅન્ડની ડચ મહિલા માર્ગરાઇટ વાન ગેલ્ડરમૅસલન જૉર્ડનમાં ગુફાઓ કોતરીને બનાવેલાં પેટ્રા નગરમાં પ્રવાસે આવે છે. પેટ્રાની મૂળનિવાસી અને અત્યારે વિસ્થાપિત બેદૂઈન કોમના એક વેપારી સાથે માર્ગરાઇટ લગ્ન કરે છે અને આપવીતી લખે છે – ‘મૅરિડ ટુ અ બેદૂઇન’. વાર્તાકાર ઝુમ્પા લાહિરી લિખિત ‘ભાષાકેન્દ્રી આત્મકથન’ – લિન્ગ્વિસ્ટિક ઑટોબાયોગ્રાફી છે ‘ઇન અદર વર્ડસ’. ‘લાઇન્સ ઑફ વિઝન : આઇરિશ રાઇટર્સ ઑન આર્ટ’ આયર્લૅન્ડની નૅશનલ ગૅલરીની કલાકૃતિઓ જોઈને સાહિત્યકારોએ રચેલી કૃતિઓનો સંગ્રહ છે. રાજનીતિશાસ્ત્રને લગતાં ૩૫૦ અંગ્રેજી પુસ્તકોનો સાર ટૉમ બટલર બાઉડનના ‘ફિફ્ટી પૉલિટિક્સ ક્લાસિક્સ’માં મળે છે. ‘રામલીલા ઍટ રામનગર’ અનુરાધા કપૂરનો સચિત્ર અભ્યાસગ્રંથ છે. તેના વિશેની અવલોકન નોંધ એક ફિલર – અવકાશપૂરક તરીકે મળે છે. આવાં ચોવીસ લાંબા-ટૂંકા અવકાશપૂરકો આ ગ્રંથની આગવી મિરાત છે. એ પણ નોંધવું જોઈએ કે આ પુસ્તક ‘પ્રત્યક્ષ’ સામયિકના આજીવન ગ્રાહકોને અગાઉ જાહેર કરેલા એક વિશેષાંક તરીકે આપવું કે ઓછી પણ અલગ કિંમત લઈને પુસ્તક તરીકે આપવું તે અંગે સવાલ થયો હતો.
દેશ અને દુનિયામાં સાહિત્યકારો રાજકારણ-સમાજકારણની સભાનતા અને પીડિતો માટેની નિસબત સાથે લેખન કરે છે. આપણે ત્યાં તેનો ઘણે અંશે છોછ કે અભાવ છે. સામાજિક નિસબત ધરાવતાં સાહિત્ય તરફનો, આપણા મોટાભાગના સાહિત્યકારોએ બહુ ધ્યાનમાં લેવા જેવો નિર્દેશ, આ પુસ્તકમાંથી મળે છે. નક્ષલવાદનું નિરુપણ કરતાં પુસ્તકોમાં ગૌરહરિ દાસના વાર્તા સંગ્રહ અને પ્રતિભા રાયની નવલકથા ‘શેષ ઇશ્વર’ એ ઉડિયા કૃતિઓ, મરાઠી નવલકથા ‘થૅન્ક યૂ મિસ્ટર ગ્લાડ’ અને અદૂર ગોપાલકૃષ્ણનની ફિલ્મ પરના પુસ્તકનો સમાવેશ કરી શકાય. સલમન રશ્દીની નવલકથા ‘ટુ ય ર્સ…’ તેમ જ આત્મકથા ‘જોસેફ અૅન્ટન’ અને મલાલાનું આત્મકથન આતંકવાદ સાથે કામ પાડે છે. તેનઝિન સન્ડુની તિબેટિયન કવિતા, રણેન્દ્રની હિંદી અને મૌશુમી કન્દાલીની અસમિયા વાર્તાઓ, અને રત્તન તલાશીની કાશ્મીરી નવલકથા લોકસમૂહો કેવી રીતે હાંસિયા બહાર મૂકાય છે તે નિરૂપે છે. તમિલ લેખક પેરુમલ મુરુગને રૂઢિચુસ્ત ગામડાંમાં જીવનનાશ અને મરાઠી લેખક આનંદ વિંગકરે ખેડૂત આત્મહત્યાઓ પર નવલકથા લખી છે. કન્હૈયા કુમારની આપવીતીમાં રાષ્ટ્રવાદ આવે છે. તે વિસ્થાપન તેમ જ વૈશ્વિક માનવતાવાદના સંદર્ભે પૅલેસ્ટાઇનિયન લેખક સુઝન અબુલ્હાવાની ‘મૉર્નિંગ્સ ઇન જેનિન’ નવલકથાનો વિષય બને છે. દલિત વેદના-વિદ્રોહ (પંજાબી નવલકથા ‘શાન્તિ પરવ’), રંગભેદ(અમેરિકન નવલકથા ‘ધ સેલ આઉટ’), રશિયન સંગીત કલાકાર દિમીત્રી શોષ્ટકોવિચનો સત્તા સાથેનો સંકુલ સંબંધ (અંગ્રેજી નવલકથા ‘નૉઇસ ઑફ ટાઇમ’), નિરંકુશ સત્તાવાદ (બંગાળી કવિ શંખ ઘોષની રચનાઓ) જેવા વિષયોની યાદી લાંબી થઈ શકે. નરેન્દ્ર મોદીની લગભગ સીધી ટીકાવાળા સંદર્ભ જેમાં હોય તેવાં બે પુસ્તકો અહીં છે : સતીષ કાળસેકરની મરાઠી વાચનકથા અને વિનોદ મહેતાની અંગ્રેજી આત્મકથા. ઇસ્લામની કડક અને અભ્યાસપૂર્ણ આલોચના કરતાં, આયાન હીર્સી અલીના ‘હેરેટિક’ પુસ્તક પરનો લેખ છાપવામાં પણ સંપાદકે હિમ્મત દાખવી છે.
‘અવલોકન-વિશ્વ’ પુસ્તક ‘પ્રત્યક્ષ પ્રકાશન’એ બહાર પાડ્યું છે. રમણ સોનીનું ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક પુસ્તકોને વરેલું એકમાત્ર સામયિક હતું. તે ચોવીસેક વર્ષ ચાલીને સોમા અંક સાથે ગયા મહિને બંધ થયું. એનું દુ:ખ હોય જ. પણ સાથે આપણી ક્ષીણ થતી જતી સાહિત્યસંસ્કૃિતમાં આ વિધિલિખિત ગણાય. ‘પ્રત્યક્ષ’નું જે ઉત્તમ હતું તેનો અર્ક ‘અવલોકન-વિશ્વ’ છે.
+++++
૦૯ નવેમ્બર ૨૦૧૭
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 ડિસેમ્બર 2017
![]()


સાહિત્યક્ષેત્રે પા … પા … પગલી ભર્યાં બાદ ચાલવા માટે યોગ્ય રાહ ન મળે તો ઉપડેલા કદમ ડગમગાવા લાગે છે. વાસ્તવમાં નવ્ય સર્જકો માટે સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રકારની યોજનાઓ હોય જ છે, જેનો લાભ નિર્ધારિત માપદંડ પૂર્ણ કરતાં નવ્ય સર્જકને મળી શકે છે. ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે તો ક્યારેક સંકલનના અભાવે આ યોજનાઓનો લાભ તેઓ લઈ શકતા નથી. આમ થવાથી મોટે ભાગે સર્જક પુસ્તક પ્રકાશિત કરવાનું જ માંડી વાળે છે. શક્ય હોય તો પ્રથમ પ્રકાશન માટે વિવિધ સાહિત્યિક સંસ્થાઓની યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી પ્રકાશનના આર્થિક ભારણમાંથી તો બચી જ શકાય અને સાથે સાથે સાહિત્યિક સંસ્થાના પ્રકાશન સહયોગથી સર્જન-યાત્રાને પરોક્ષ સહયોગ મળી રહે. આમ, પ્રથમ સાહિત્યિક પુસ્તક પ્રકાશિત કરવાનું વલણ દાખવવું જોઈએ. કારણ કે યોજના નિમિત્તે નવ્ય સર્જકની હસ્તપ્રત સંબંધિત સાહિત્ય ક્ષેત્રનાં સાહિત્યકારો પાસે પરામર્શન માટે મોકલવામાં આવતી હોય છે. આથી સમગ્ર હસ્તપ્રતને એક અન્ય પારખું નજરનો પ્રત્યક્ષ લાભ મળે છે. હસ્તપ્રત મંજૂર થયે નવોદિતમાં એક ઉત્સાહ તેમ જ પરોક્ષ સ્વીકૃતિનો ભાવ પણ જન્મે છે, જે આગળ જતાં તેની કલમને ઉપકારક નીવડે છે. આવી કેટલીક યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીએ અને ઊગતી કૂંપળોને ખીલવવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ. સાથેસાથે પ્રથમ પુસ્તકને મળતાં પુરસ્કાર તેમ જ ત્યાર બાદના પુરસ્કારો વિશેની પણ થોડી માહિતી મેળવીએ, જેથી આ 'નવ્ય' સફર 'ભવ્ય' બની રહે.
વાર્તાકાર અને બાળવાર્તાકાર ઘનશ્યામ દેસાઈ સાથે ૧૯૬૫માં લવ-મૅરેજ કર્યા બાદ ગુજરાતી વિષય પર PhD પૂરું કર્યું, લિંગ્વિસ્ટિક ડિપ્લોમા લીધો અને સતત સાત વર્ષ સુધી સાત અઠવાડિયાંની સમર સ્કૂલ ઑફ લિંગ્વિસ્ટિક માટે દેશનાં વિવિધ શહેરોમાં ગઈ હતી એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘મને સુવિધા આપવા માટે મારા પતિ ઘનશ્યામે અનેક અસુવિધાઓ ભોગવી છે અને તેમણે આપેલા ભોગના પગલે જ હું ઘર સંભાળવા સાથે સંશોધન કરી શકી. મને યાદ છે મારો દીકરો નાનો હતો અને મારે ઇન્ટરનૅશનલ વર્કશૉપ માટે મૈસૂર જવાનું થયું. એ સમયે ઘનશ્યામ ‘નવનીત સમર્પણ’ના તંત્રી હતા અને નવેમ્બર મહિનામાં દિવાળી અંકમાં તેઓ વ્યસ્ત હતા. હું જે દિવસે મૈસૂર રવાના થઈ એના બીજા જ દિવસે મારો કામવાળો કામ છોડી જતો રહ્યો હતો. દીકરાને સ્કૂલમાં મૂકવા જવા અને પાછા લઈ આવવા ઉપરાંત તેને ન્યુ ઈરા સ્કૂલના આટ્ર્સના શિક્ષકના ઘરે આખો દિવસ રાખતા અને રાતે નવ-દસ વાગ્યે ઘરે તેને લઈને પાછા ફરતા. આ સાથે ઘરનું બધું કામ પાર પાડતા. હું પાછી ફરી તો ય તેમણે ફરિયાદ કરી નહોતી. આવા તો અનેક બનાવ બન્યા છે જેમાં હું મારા સંશોધનમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હોઉં અને તેઓ મને રસોઈ બનાવવા માટે પણ કહેતા નહીં. પિતા અને પુત્ર બ્રેડ-બટર ખાઈને સૂઈ જતા. એમ કહેવાય છેને કે સફળ પુરુષ પાછળ હંમેશાં એક સ્ત્રી હોય છે, પણ મારા કેસમાં મારી સફળતાનું શ્રેય માત્ર મારા પતિને જાય છે. મારા પિતા રૂઢિચુસ્ત હતા અને તે ક્યારે ય મને એકલીને વર્કશૉપ માટે સાત અઠવાડિયાં બહારગામ જવાની પરવાનગી આપત જ નહીં, પણ મારા પતિએ ક્યારે ય મને રોકી નથી અને મારી કારકિર્દી ઘડવામાં તે મારું પીઠબળ બન્યા.’
ભાષાની થિયરી વર્લ્ડવાઇડ હોય છે અને હું મારી ભાષાના માપદંડ પર જ કામ કરું છું એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘દર ત્રણ વર્ષે એક પુસ્તક લખું છું. એના માટે લગભગ દોઢ-બે વર્ષ રિસર્ચ અને રીડિંગ કરું છું અને એકાદ વર્ષમાં પુસ્તક લખીને તૈયાર કરું છું. ‘પારસી ગુજરાતી (મુંબઈની) અને ઈસ્ટ ઇન્ડિયન કોંકણી (ખાર-દાંડાની) અધ્યયન’નું પ્રકાશન મુંબઈ યુનિવર્સિટીએ કર્યું હતું. ઉપરાંત વાડવાલી કોંકણી (વસઈ) અને પોતુર્ગાલી કોંકણી (નાલાસોપારા) બોલીઓનું વર્ણાત્મક અધ્યયન કર્યું. SNDTમાં અનુસ્નાતક વિભાગમાં રીડર હતી એ દરમ્યાન ૫૬૪ પાનાંનો ગ્રંથ ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ’ તૈયાર કર્યો. ‘ભાષા શું છે?’, ‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’, ‘ચાલો ગુજરાતી ભાષા લખતાં શીખીએ’, ‘વ્યાકરણ વિમર્શ’, ‘લેટ્સ લર્ન ટુ રાઇટ ગુજરાતી’, ‘સ્મૃિત-સંચિત શબ્દભંડોળ’, ‘ભાષાશાસ્ત્રની કેડીએ’, ‘ભાષાનુષંગ’ (ગુજરાતી સાહિત્ય પારિતોષિક), ‘રૂપશાસ્ત્ર : એક પરિચય’, ‘ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ’, ‘આંબવું આભને ને ભ્રમ ભોગવો વિકલાંગતા વિશેનો’ જેવાં પુસ્તકો લખવા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ ભાગ-૩માં મારાં ૧૧ અધિકરણોનો સમાવેશ છે.’