I am your constant companion; I am your greatest helper or your heaviest burden. I will push you onward or drag you down to failure.
I am at your command. Half of the tasks that you do you might just as well turn over to me and I will do them quickly and correctly.
I am easily managed; you must merely be firm with me. Show me exactly how you want something done. After a few lessons, I will do it automatically.
I am the servant of all great people and the regret of all failures as well. Those who are great, I have made great. Those who are failures, I have made failures.
I am not a machine but I will work with all its precision plus the intelligence of a person.
Now you may run me for profit or you may run me for ruin. It makes no difference to me. Take me, train me, be firm with me and I will lay the world at your feet.
I am called 'habit.'
— Author Unknown
°
હું તમારી નિત્યસંગિની છું, તમારાં કપરાં કામોમાં મોટી સહાયક છું.
હું તમને આગળ ધપવામાં મદદ કરું, અને નહીં તો વિફળતાના ખાડામાં પણ પાડી શકું.
તમારો આદેશ માથે ચડાવવા સદા હાજર છું. તમારાં અરધોઅરધ કામકાજ મારી ઉપર છોડી દ્યો તો ઝટપટ સરસ રીતે પાર પાડી દઉં. મારી પાસેથી કામ લેવું સહેલું છે – બસ, એટલું કે તમારે મારી સાથે મક્કમ બનવું પડે! તમારું કયું કામ પાર પાડવાનું છે એ સમજાવવું પડે : થોડું શીખવશો પછી તો હું એ કામ સડસડાટ, એકધાર્યું કરીશ.
મહાન મનુષ્યોની હું દાસી છું. કેટલાક લોકો મહાન થયા છે એ મારા કારણે, તેમ બીજા એવા લોકોય છે જેમની નિષ્ફળતાનું કારણ પણ હું છું.
હું યંત્ર તો નથી પણ એના જેટલી જ ચોકસાઇથી કામ કરું છું, અને એમાં જીવતાજાગતા મનુષ્યની બુદ્ધિ પણ ઉમેરું છું. તમે મારો ઉપયોગ કરીને ખૂબ ફાયદો મેળવી શકો, તેમ બધું ગુમાવીને મને દોષ પણ દઇ શકો.
મને સાચવો, મને તાલીમ આપો, ને મારી સાથે મક્કમ રહો તો દુનિયા તમારાં ચરણ ચૂમશે.
મારું નામ ટેવ, આદત.
![]()


‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.
અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.
પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે. અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.
સાહિત્યક્ષેત્રે પા … પા … પગલી ભર્યાં બાદ ચાલવા માટે યોગ્ય રાહ ન મળે તો ઉપડેલા કદમ ડગમગાવા લાગે છે. વાસ્તવમાં નવ્ય સર્જકો માટે સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રકારની યોજનાઓ હોય જ છે, જેનો લાભ નિર્ધારિત માપદંડ પૂર્ણ કરતાં નવ્ય સર્જકને મળી શકે છે. ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે તો ક્યારેક સંકલનના અભાવે આ યોજનાઓનો લાભ તેઓ લઈ શકતા નથી. આમ થવાથી મોટે ભાગે સર્જક પુસ્તક પ્રકાશિત કરવાનું જ માંડી વાળે છે. શક્ય હોય તો પ્રથમ પ્રકાશન માટે વિવિધ સાહિત્યિક સંસ્થાઓની યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી પ્રકાશનના આર્થિક ભારણમાંથી તો બચી જ શકાય અને સાથે સાથે સાહિત્યિક સંસ્થાના પ્રકાશન સહયોગથી સર્જન-યાત્રાને પરોક્ષ સહયોગ મળી રહે. આમ, પ્રથમ સાહિત્યિક પુસ્તક પ્રકાશિત કરવાનું વલણ દાખવવું જોઈએ. કારણ કે યોજના નિમિત્તે નવ્ય સર્જકની હસ્તપ્રત સંબંધિત સાહિત્ય ક્ષેત્રનાં સાહિત્યકારો પાસે પરામર્શન માટે મોકલવામાં આવતી હોય છે. આથી સમગ્ર હસ્તપ્રતને એક અન્ય પારખું નજરનો પ્રત્યક્ષ લાભ મળે છે. હસ્તપ્રત મંજૂર થયે નવોદિતમાં એક ઉત્સાહ તેમ જ પરોક્ષ સ્વીકૃતિનો ભાવ પણ જન્મે છે, જે આગળ જતાં તેની કલમને ઉપકારક નીવડે છે. આવી કેટલીક યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીએ અને ઊગતી કૂંપળોને ખીલવવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ. સાથેસાથે પ્રથમ પુસ્તકને મળતાં પુરસ્કાર તેમ જ ત્યાર બાદના પુરસ્કારો વિશેની પણ થોડી માહિતી મેળવીએ, જેથી આ 'નવ્ય' સફર 'ભવ્ય' બની રહે.