'કોઈ તો સૂદ ચૂકાયે
કોઈ તો જીમ્મા લે,
ઉસ ઈન્કિલાબ કા
જો આજ તક ઉધાર હૈ.
— કૈફી આઝમી
વર્ષા અડાલજા લિખિત પ્રલંબ મહાગાથા ૧ સપ્ટેમ્બર ૧૯૨૩ થી (સ્વતંત્ર ભારતના પ્રથમ પારડી અન્ન ખેડ સત્યાગ્રહના ૩૦ વર્ષ પહેલાં) એક ઐતહાસિક સમયખંડનાં પડ ઉકેલવાનું શરૂ કરે છે, જે આઝાદી આંદોલનના સશસ્ત્ર ક્રાંતિકારી માનસથી લઈ ગાંધીમૂલ્યોમાં પરિવર્તિત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રી કેન્દ્રિત કથાઓને ઉજાગર કરે છે. તે સમયનો રૂઢિચુસ્ત સમાજ, યુવાન માનસની ઘટમાં ઘોડા થનગને, અદીઠી ભોંય પર યૌવન માંડે આંખની (મેઘાણી પરિકલ્પના) માનસિકતા, લખતર, નવસારી વાયા કલકત્તા, મુંબઈ, અમદાવાદ, અમેરિકા ને લખતરનું વર્તુળ પૂરું કરી એ પલટાતાં યુગકર્મ ને ક્રમની ઝાંખી કરાવે છે.
આ નવલકથા વાંચવાં દરમ્યાન વાચક, ભાવક, કર્મશીલ તરીકે મેં તો મારી જાતનું પ્રતિબિંબ નાનાવિધ રૂપે એમાં જોયું છે, એટલે એ વધારે પોતીકી વાત લાગી છે. આ કથામાં અનેક પાત્રો છે અને સમાંતર પારિવારિક ઘટનાઓ ગૂંથાયેલી છે. છતાં ક્યાંક ને ક્યાંક એનું ઘટ્ટ પોત એક પરિવારની ફરતે મજબૂત રીતે વણાયેલું છે. ગોરબાપા ને જયાબાનો વિષ્ણુ-લક્ષ્મી-કુમુદ-ઉષા સાથે ત્રણ પેઢીમાં વિસ્તરેલો પરિવાર, સમુબા ને વાસંતીનું એ પરિવાર સાથેનું સાયુજ્ય, વેવાઈ ભવાનીપ્રસાદ – ફૂલકુંવર, દરબારગઢના બાપુનો પરિવાર, રણછોડ – ગોદાવરી પરિવાર, કલકત્તામાં ક્રાન્તિકારીઓના અલપઝલપ સંબધ ને કુટુંબ ભાવના પર હાવી રાષ્ટ્રભાવ, મહમ્મદ – રામચન્દ્ર ને વિષ્ણુના ઠાકુરમા, શાન્તાબહેન, પ્રીતિલતા, નરેન જેવાં સહ્યદયો સાથેના ભાવનાત્મક સંબંધો, પરાશર – કુમુદનું લગ્નજીવન ને ક્રાંતિકારી સામાજિક વલણ ઉષાની સમાજસેવી એકત્વની આરાધના, વાસંતી – વિષ્ણુની અધૂરી પ્રેમકથાઓને આવરી લઈ એવો કથા પ્રવાહ વર્ષાબહેન વહેતો કરે છે, કે મેં પુસ્તક હાથમાં લઈને એકી બેઠકે સતત વાંચન દ્વારા પૂરું ન કર્યું ત્યાં સુધી મને ચેન ન પડ્યું.
એ કાળખંડ એવો જ હતો કે બ્રિટિશરાજના પાયા હચમચાવી દેવા હોય તો સશસ્ત્ર ક્રાન્તિ જ ચાલે એવી વિચારલહેર હતી. ત્યારે ગાંધીજીએ સમાંતર અસહકાર ને અહિંસા દ્વારા માનસ પરિવર્તનનો મંત્ર ફૂંક્યો ને ચૌરીચોરાથી દાંડી – ધરાસણા આંદોલનનું વાતાવરણ ગૂંથી લઈ કરેંગે યા મરેંગેની હાકલ કરી ને પૂરો દેશ એક થયો. આઝાદી મળી. એક તરફ આ ગતિવિધિ ને બીજી તરફ સામાજિક રૂઢિચુસ્તતાના કાંગરા ખરવાની પ્રક્રિયાનું ગુંફન સહજ – સરળ રસાળ ને રોચક આકૃતિનું સર્જન કરે છે. કારાગારના અત્યાચાર જો વખોડવા જેવા હતા તો જ્ઞાતિ ને સમાજના રીતરિવાજોની જડબેસલાક શૃંખલા પણ તોડી નાખવી મુક્તિ માટે જરૂરી જ હતી ને મારા મતે તો તે હજી પણ છે જ. બાળલગ્ન, પણતર-જણતર-ચણતર વચ્ચે રહેંસાતી જિંદગીઓ, વિધવાજીવન, પુન:લગ્ન, શહેરીકરણ પ્રભાવ ને ફાયદા – ગેરફાયદા, મુંબઈના માળા ને લખતરનાં ફળિયાં, કલકત્તાની ગીચ મજૂર બસ્તી ને વિકટતાઓ વચ્ચે નિકટતાઓને દ્રશ્યાંકિત કરી વર્ષાબહેને એક યુગદર્શન કરાવ્યું છે.
હૃદયપરિવર્તન એ ધીમી પ્રક્રિયા હોય તો પણ આવકાર્ય છે, એ વાત અહીં સારી રીતે ઉજાગર થઈ છે. એક જ પરિવારના ચાર પેઢીના પ્રવર્તનમાં જે માનસિક બદલાવ છે, તે છેવટે તો દેશદુનિયાના પ્રવર્તનને જ ઝીલે છે. હજારો જિંદગીનાં બલિદાન પછીની મુક્તિ હજી પણ સ્વરાજની સાચી વિભાવનામાં હાથવેંત નથી તેની હતાશા વચ્ચે અગનપંખીની જીવવાની પિપાસાની આબેહૂબ ઝલક આપવામાં લેખિકા સફળ થયાં છે. શાસકોની માનસિકતા, પોલીસરાજ ,સમાજ- સંપ્રદાય ને ધર્મની સકારાત્મકતા સાથે સમાંતર વિરોધી નાગચૂડમાંથી મુક્તિની તો આજે પણ એટલી જ જરૂર છે તે પણ ખાસ કરીને બહોળા સ્ત્રી સમુદાયને : આ સંદેશો મેં તો ઝીલ્યો. સ્ત્રીમુક્તિ કોનાથી? એ પ્રશ્ન વારંવાર પૂછાતો નથી છતાં એ દ્વંદ્વ બોડી બામણીની લાચારીમાંથી (આ રૂઢિપ્રયોગનો મને સખત વાંધો છે, અહીં મેં એ પ્રયોગ સમાજની માનસિકતા બતાવવા જ કર્યો છે.) શહીદી ને શક્તિસામર્થ્ય સુધી ઉજાગર થઈ, અંતે સ્ત્રી સંઘર્ષની સફળ ગાથા તો બને જ છે સાથે પલટાતા યુગના સામાજિક, રાજકીય કાવાદાવાની સ્ત્રીસમુદાય પરની અસરને પણ બહાર લાવે છે. પૂરી દુનિયા એક સાથે ચારપાંચ સદીમાં જીવે છે જે પરંપરાગત ને આધુનિક તો છે, ક્યાંક સમય ને જિંદગી સ્થગિત છે, ક્યાંક પ્રવાહિત છે તો પણ સ્ત્રીઓ માટે તો એક પગલું આગળ કે બે પાછળ, અલકચલાણી પેલે ઘેર ધાણી, સાત છોકરાંની મા રાખનું વડું ખા, જૈસૈ થેની સાથે આશાન્વિત પણ છે જ. વર્ષાબહેને આ નવલકથામાં 'જય અંબે' કેટલીવાર લખ્યું તે વિચાર મને સતત આવ્યો છે. હું એને માટે એમ સમજી છું કે સ્ત્રીઓનું જે ઘડતર છે તેમાં કદાચ આસ્થા એટલી In built છે કે એને જાણે અત્યારે Criticise કરવાની જરૂર નથી! 'યથા પિંડે તથા બ્રહ્માંડે' તેમ જે 'બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે ' એ વાત પણ અહીં અવારનવાર કહેવાતી રહી છે.
સરસ્વતીચન્દ્ર પછી ગ્રામલક્ષ્મી, ઝેર તો પીધા જાણી જાણી, શ્વેત રાત્રિ શ્યામ સિતારા, બત્રીસ પૂતળીની વેદના, સાત પગલા આકાશમાં, અપરિચિતા જેવી અનેક નવલકથાઓથી હું પ્રભાવિત થઈ છું. તો પણ મારે કહેવું જોઈએ કે 'ક્રોસ રોડ' મને સાંપ્રત સમયમાં અસરકારક લાગે છે. પાંચસો ને સાઠ પાનાંમાં વિસ્તરેલી આ કથા હજી ઘણી વાત કરવાની બાકી રાખે છે એવી છાપ પણ પડે. રોજબરોજની જિંદગી કાંઈ વર્ણવવાની ન હોય છતાં રોજિંદી જિંદગી જ ઝીણી ઝીણી વાતને વણીને એક કથાનું સર્જન કરે છે. પુનરાવર્તનના જોખમ સાથે લખું છું કે મને તો મારા કાર્યક્ષેત્ર ને રસક્ષેત્રનાં કારણે સતત લાગ્યું કે આ કથાના પાત્રોમાં હું જ ક્યાંક છું. આવો અનુભવ કે અનુભૂતિ વાચક કરે એટલે સર્જક તો સફળ જ.
![]()


જૅકિ, તને સાત પૂંછડિયા ઉંદરની વાત ખબર છે? : ઑલ્મોસ્ટ : ઉંદર એટલે? : રૅટ : તો સાંભળ : એક જમુ નામનો ઉંદર હતો. દુર્ભાગ્યે એને સાત પૂંછડીઓ હતી : દુર્ભાગ્યે? : અન્ફૉર્ચ્યુનેટલિ : ક્લાસમેટ્સ એને, જમુ સાત પૂંછડિયો, જમુ સાત પૂંછડિયો, જમુ અગ્લિ, કહીને ટીઝ કરતા'તા. એટલે જમુએ ડિસાઇડ કર્યું કે – આ હૅરેસમૅન્ટનો એન્ડ લાવવો જોઇશે. એ તો પ્હૉંચ્યો એમના ફૅમિલિ બાર્બર પાસે : ફૅમિલિ બાર્બર? : હા, ઇન્ડિયામાં હોય. જમુએ કહ્યું – મારી વૅરી ફર્સ્ટ ટેઇલ કાપી નાખો. પેલાએ કાપી નાખી. પણ અગેઇન ક્લાસમેટ્સ કહેવા લાગ્યા – જમુ છ પૂંછડિયો. જમુ છ પૂંછડિયો, જમુ અગ્લિ. જમુએ સૅકન્ડ કપાવી તો પેલા ક્હૅ – જમુ પાંચ પૂંછડિયો, જમુ પાંચ પૂંછડિયો. થર્ડ કપાવી તો : યા યા, આઇ ગૉટિટ. ધૅટ વે, એની બધી પૂંછડીઓ જતી રહેલી : હા પણ, ત્યારે ક્લાસમેટ્સ એને શું કહેતા હશે, ક્હૅ તો? : ખબર છે, પણ વર્ડ યાદ નથી : મને જોઇ રહેલો. મેં કહ્યું : બાંડો ! જમુ બાંડો, જમુ બાંડો, જમુ બાંડો. મીન્સ, જમુ ટેઇલલેસ. જો જૅકિ, આપણે એના ટેઇલની જે વાતો કરી એથી જે ઇફૅક્ટ ઊભી થઇ એ જમુના પેઇનની જ હતી, ખરું ને? : યસ્સ : વાર્તાને એના ટ્રૅકની બ્હાર જર્રા પણ જવા જ ન દઇએ ને જે ઇફૅક્ટ આવે એને સિન્ગલ ઈફૅક્ટ કહેવાય. ક્યારનો હું ટૂંકીવાર્તા લખવા વિશે જ બોલ્યા કરું છું એની તને જે ઇફૅક્ટ આવે છે એ સિન્ગલ છે ! : ઓકે …
બે દિવસ પર સુરેશ જોષીની પુણ્યતિથિ ગઈ. અવસાન તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૮૬. હયાત હોત તો ૯૭ વર્ષના હોત. અસ્થમાથી પીડાતા હતા, પણ મનોસ્વાસ્થ્ય સારું હતું. તબિયત લથડેલી. વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરેલા. અમે લોકો મળવા જતા. ત્યારે, 'મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?' જેવો પ્રશ્ન પૂછતા… મને પૂછેલું : ડભોઇ હતો? ક્યારે આવ્યો, બોલ, શું થશે? એમને વિશેની ચિન્તાથી ગ્રસ્ત મને શું સૂઝે? મૂંગા મોઢે જોઇ રહેલો. પછી નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયેલા. ત્યાં એમનું અવસાન થયેલું.
'છિન્નપત્ર'-માં અજય માલાને કહે છે : 'ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ … ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા … પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું …કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ … શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ. પણ એ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.' (ખણ્ડ : ૨૩).
'મરણોત્તર'માં નાયકને સાંભળો, કહે છે : 'હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે … રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે … ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાં ય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે … ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે … મને આશા બંધાય છે : આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે : હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે … આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું … ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ, વળીને, જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા, માથું ઊંચકે છે ને પૂછે છે: 'ક્યાં છે મૃણાલ?' (ખણ્ડ : ૧૬).