વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે
વર્ષાઋતુ બેસે એટલે મન મારું ઊડું ઊડું થાય. ઘનઘોર વાદળાંની જેમ એને પણ થાય કે ક્યાં જઇને વરસું, જઇને કોના પર તૂટી પડું. પણ વાદળાં કરી શકે એ મારાથી ન થાય. સંભવિત ખરું પણ શક્ય નહીં. એમ પણ કહેવાય કે શક્ય ખરું પણ અસંભવિત. 'સર્જનાત્મક જૂઠ' ચલાવવાની મહાકવિ હોમરની ક્ષમતા વિશે વાત કરતાં ઍરિસ્ટોટલે 'પોએટિક્સ'-માં કહેલું કે સર્જકોએ 'સંભવિત અશક્યતાઓ' માટે મથામણ કરવી જોઇએ, નહીં કે 'અસંભવિત શક્યતાઓ' માટે. સર્જક કલ્પનાનો એ એક મહા સિદ્ધાન્ત છે. સિદ્ધાન્તનું દૃષ્ટાન્ત એમણે એવું આપ્યું કે 'નિદ્રિત' ઓડિસ્યસ ઈથાકા પ્હૉંચી ગયો. આમ, કવિ હોમર જ લખી શકે. ઓડિસ્યસ ભલે પ્હૉંચી ગયો બાકી મારા-તમારાથી ઊંઘતાં ઊઘતાં થોડું કંઇ અમદાવાદથી વડોદરા પ્હૉંચી જવાય? પણ સર્જકો એમ લખી શકે; કરી પણ શકે. પણ છોડો, વાતો આજે કરવી છે વરસાદની. પણ હા, વરસાદની વાતો કરવાથી વરસાદ જો આવે, તો માનવું કે સંભવિત શક્ય થયું અથવા શક્ય હતું તે સંભવ્યું.
પ્રેમ હોય તો, ના, પ્રેમ હોય તો જ વિરહ હોય. વર્ષાઋતુમાં વિરહીઓના હાલ બૂરા હોય છે. એ ભઇલો ભલે બીજાની તો બીજાની પણ આ પંક્તિ ખાસ લવલવ્યા કરવાનો : રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે : બધો મદાર વરસાદ પર બાંધીને રસ્તો જોતો બારીએ બેસ્યો રહે. એની પ્રેમિકાને ય ભાન રહેવું જોઇએ કે વાદળ ઘેરાયાં લાગે કે તરત પ્હૅરેલે કપડે નીકળી જવાનું હોય, તડપનમાં ઝાઝું પડ્યાં ન રહૅવાય. મારે એમ પણ કહેવું છે કે અતિ પ્રેમ હોય તો અતિ વિરહ હોય, સ્હૅવાય નહીં, અસહ્ય થઇ પડે એવો વિરહ. આ વિશે મેં કાલિદાસને પૂછ્યું. તો કહે, વર્ષાકાળે વિરહ તીવ્રથી અતિ તીવ્ર થઇ ઊઠે છે એટલે તો મેં 'મેઘદૂત' રચ્યું છે – કશ્ચિત્ કાન્તાવિરહગુરુણા … એમની વાત સાચી છે. મન્દાક્રાન્તા છન્દમાં ૧૨૨ જેટલા શ્લોકમાં વિરહ ખૂબ ઘોળાયો છે. છન્દોલય સાચવીને 'મેઘદૂત' ગાવાથી વિરહ સહ્ય થઇ જાય તો થઇ જાય. મને એવી મનોવસ્થા હોય ત્યારે રાગ મેઘ-મલ્હાર સાંભળવો ગમે છે ને ચાલુ વરસાદે તો બહુ જ. એકવાર ભીમસેન જોશીના કણ્ઠે ગવાયેલો સૂર-મલ્હાર સાંભળતો'તો, અને 'ગરજત બાદલવા' પરની એમની કણ્ઠલીલાથી હું દ્રવિત થઇ ગયેલો.
રવીન્દ્રનાથના એક અધ્યેતા રૂપે મેં નૉધ્યું છે કે એમની સૃષ્ટિમાં લોટ કે બુસ્કાંની જેમ વરસતી રજ-વર્ષાથી માંડીને ઘેરી ઘનશ્યામ વર્ષાનાં બધાં જ રૂપો આલેખાયાં છે, કવિ એક પણ રૂપ ચૂક્યા નથી. વિરહની પીડાનું નિવારણ કાવ્યગાનથી થઇ જાય તો સારી વાત છે. બાકી એવી કશી ગૅરન્ટી નથી હોતી. કેમ કે કલાઓ માત્ર સાંત્વના આપી શકે. પણ એક સાવ શક્ય ઇલાજ સાંભળો : ડોલમાં ગરમ પાણી લઇ વરસતા વરસાદમાં આંગણામાં કે બાલ્કનીમાં કે ટૅરેસમાં બેસીને ન્હાવાનું. તમારે તમારી કાયા પર ગરમને રેડતા રહેવાનું, ઉપરથી વરસાદ તો વરસતો જ હશે. હું તો નાનાપણથી એ ઊની-ભીની મજા વરસોથી લેતો આવ્યો છું. આ ઇલાજથી સંભવિત છે કે વિરહનાશ થાય અને મિલનસમ્મુખ થઇ જવાય. બને કે ટુવાલ લઇને કોઇ સ્મિતવદના તમને ઢબૂરી લેવાને આતુર ઊભી હોય. બાકી જીવનમાં સમ-વિષમ જળનું મિશ્રણ રસાનુભાવ્ય હોય છે. રવીન્દ્રનાથના શતાબ્દીવર્ષમાં, ૧૯૬૧માં, હું જુનિયર બીએમાં હતો. કૉલેજે ઉત્સવ યોજેલો. એક બેઠક રવીન્દ્રનાથનાં ગીતોનાં ગાયન માટે હતી. અમે ગાતાં'તાં. અમે જ્યારે 'બાદલ મેઘે માદલ બાજે' ગીત શરૂ કર્યું તો જોતજોતામાં બારીઓના આકાશેથી વરસાદ વરસવા લાગ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી આનન્દ પ્રગટ કરેલો. તાળીઓ અમને અમારા માટે લાગેલી. સભાઓમાં તાળીઓ બહુ-સૂચક હોય છે.
પહેલાં તો સાત સાત દિવસની હેલી થતી. આમ મને સારું લાગે પણ આમ ન લાગે. જીવ સૉરાય. ગૂંગળામણ થાય. મનુષ્યજીવ તરીકે આ ધરતી પર એકલા પડી ગયાની તીવ્ર લાગણી થવા માંડે. મૂંઝારાનું મારું એ આછુંપાછું સંવેદન સમર્થ આધુનિક કવિ બૉદ્લેરના Spleen કાવ્યના સમ્પર્કમાં મુકાયા પછી સાવ ખીલી ગયું. પાંચ ચતુષ્કના એ કાવ્યના ત્રીજા ચતુષ્કની પહેલી બે પંક્તિનો ભાવાર્થ અહીં મૂકી શકાય એમ છે : વર્ષાની અવિરત ધારાઓ એકધારું વરસતી હોય છે ત્યારે એ કોઇ વિરાટ જેલના સળિયા જેવી લાગે છે : પછી તો કવિ એમ પણ કહે છે કે ત્યારે થાકેલા કરોળિયા પોતાની જાળ ગૂંથવાને આપણાં મગજમાં સળવળવા લાગે છે… વગેરે. પૃથ્વીનો આ ગોળો કોઇ વિરાટ જેલ હોય ને વર્ષાની ધારાઓ જેલના સળિયા ! અદ્ભુત-રસિત છતાં વાસ્તવશીલ છે આ કલ્પન. કવિેએ ક્યારેક એમ પણ કહ્યું છે કે
'ધ સ્કાય ! બ્લૅક લિડ ઑફ ધ ગ્રેટ કિટલિ
વ્હૅર હ્યુમેનિટી
સીમર્સ, વાસ્ટ ઍન્ડ ઈમ્પર્સૅપ્ટિબલ :
રે આકાશ, જેમાં માનવતા ઊકળે છે એ મહા કિટલિ (પૃથ્વી)નું તું શ્યામ ઢાંકણ, વિરાટ ને અગોચર …(અનુવાદ, કામચલાઉ).

રામ્બોના Drunken Boat કાવ્યનું etching કરેલું વિખ્યાત કલાકાર કર્ટ કૅમ્પે …
Courtesy : Etching Artist : Kurt Kemp
વરસી ગયેલા વરસાદનાં પાણી ફળિયાની નાની નીકોમાં વહેતાં હોય ત્યારે કાગળની હોડીને વહેતી કરીને એકીટશે જોવાની મજા કોણે ન લીધી હોય? પણ હોડી હાલકડોલક કરતી ક્યાંક તો બેસી પડે. નસીબનો વાંક દેખાય. કેમ કે એ ઉમ્મરે 'જીવનનાવ' શબ્દ થોડો સાંભળ્યો હોય? કદાચ એટલે મને વર્ષાના દિવસોમાં ફ્રૅન્ચ કવિ આર્થર રામ્બોનું Drunken Boat કાવ્ય ખાસ યાદ આવે છે. માણસ ડ્રન્કન હોય, પીધેલ, લથડિ યાં ખાતો જતો હોય, પણ બોટ? પીધેલ બોટનું કાવ્ય કેવુંક હોય? સાંભળો : કાવ્યમાં એક એવી નાવની કથા છે જે પોતાના બધા અંકુશ ગુમાવી બેઠી છે ને દિશાહીન અફળાતી-કૂટાતી સાગર ભણી ફંગોળાતી જાય છે. નથી કોઇ નાવિક, નથી પતવાર, કે નથી લંગર. અબાધ સ્વતન્ત્રતા છે, સાગરને પામવાની ગાંડીતૂર ઘેલછા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ જીવનના એ સંમિશ્ર અનુભવથી થાકીહારીને નાવ છેલ્લે છૂટકારો ઇચ્છે છે… રામ્બોએ આ કાવ્ય ૧૬ વર્ષની ઉમ્મરે લખેલું – એવા સક્ષમ કવિઓ સમક્ષ રજૂ કરેલું જેમને એ ૧૮૭૧માં પૅરીસમાં મળવાનો હતો. ૨૫ રૂબાઈમાં વ્હૅંચાયેલી ૧૦૦ પંક્તિનું આ છન્દોબન્ધ કાવ્ય મુક્તિ ઝંખતા લબરમૂછિયા તરુણની, એટલે કે રામ્બોની ખુદની, લાગણીઓ અને વિચારોનું એક સ-રસ ભાવસંકુલ છે. રામ્બો માત્ર૩૭ વર્ષ જીવેલા. આધુનિક સાહિત્યકલાના અગ્રયાયી. ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિતાનો બળુકો અવાજ. આ કાવ્યનો અનુવાદ રામ્બોથી વયમાં ૩૩ વર્ષ મોટા બૉદ્લેરે કરેલો ! નીવડેલા કવિની નવ્ય કવિને કેવી તો ભાવાંજલિ !
આમ, વરસાદ ન હોય કે હોય કે આવે; પણ સંગીત હોય, સાથમાં આવા સમર્થ શબ્દસ્વામીઓ હોય, કેટલું સરસ ! જો કે વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. ગરમ સુખડીના સાથમાં મીઠામરચાવાળા તળેલા સિંગદાણા ખાનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. તું ભલા ! સરસ સરસના ભેદની ચિન્તા શીદને કરે છે… કૃષ્ણને કરવું હોય એ કરવા દે ને …
= = =
શનિવાર, તારીખ ૩/૮/૨૦૧૯-ના ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે
![]()


કમ્પ્યૂટરને લીધે મારી બે વસ્તુઓ ઝુંટવાઈ ગઇ છે : એક તો, કાગળ પર ઈન્ડિપેનથી પત્ર લખવાની મજા. કેટલી સરસ એ દેશી અને વિલાયતી પેનો હતી. આજે ઠરીને ઠીકરું થઇ ગઇ છે. એ પેનોની સામે જોતાં મને શરમ આવે છે. ’ફરગેટ મી નૉટ’-ના મૉંઘા ભૂરા કાગળ પર લખેલા પ્રેમપત્રો, ઓ ભગવાન ! ખૂબ યાદ આવે છે. બીજી વસ્તુ ચાલી ગઈ તે મારા અતિ સુન્દર હસ્તાક્ષર. ‘મોતીના દાણા જેવા’ તો ચવાઈ ગયેલી ઉપમા છે. બીજી કોઇ ઉપમા સૂઝતી નથી એટલે હું એને ‘અનુપમ’ કહું છું. એ અનુપમ વડે બે કાગળ વચ્ચે ભૂરું કાર્બન પેપર મૂકીને લખેલા લેખો યાદ આવે છે. એ પછી ‘સન્લિટ બૉન્ડ’ પેપર પર લખીને ઝેરોક્ષ કરાવેલા લેખો યાદ આવે છે. આજે તો કશું ટપકાવવું હોય ને કમ્પ્યૂટર બંધ હોય, કાગળનો ટુકડો કે ચબરખી જે હાથ ચડે એ પર ફટાફટ લખી નાખું છું. એટલું બધું જલ્દી જલ્દી કે પછી એને હું જ નથી ઉકેલી શકતો !
એવું તે કયું કામ એમણે કર્યું? ૯૬૪ પાનાંનું એક પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું, સંખ્યાબંધ ચિત્રો સાથે. ના. ‘મૌલિક’ પુસ્તક નહોતું એ. તરજુમો કહેતાં અનુવાદ હતો, અરેબિયન નાઈટસની વાર્તાઓનો. અહીં એ યાદ રાખવું ઘટે કે અરેબિયન નાઈટ્સનો પહેલવહેલો અંગ્રેજી અનુવાદ જોનાથન સ્કોટે કર્યો હતો જે ૧૮૧૧માં પ્રગટ થયો હતો. એટલે કે, તેના ૫૪ વર્ષ પછી તો આ ત્રણ વિદ્યાર્થીઓએ ગુજરાતી અનુવાદ કર્યો. પુસ્તકના ટાઈટલ પેજ પર કે બીજે ક્યાં ય પણ કોઈનું નામ નહિ! ટાઈટલ પેજ પર લખ્યું હતું: ‘બનાવનાર તરણ પારશી વીદીયારથીઓ.’ ૧૯મી સદીમાં પારસી લેખકો – અને કેટલીક વાર બિન-પારસી લેખકો પણ – લેખક, અનુવાદક, સંપાદક વગેરેને માટે આ ‘બનાવનાર’ શબ્દ વાપરતા. આ ‘બનાવનાર’ એટલે કર્તા, અંગ્રેજીમાં ઓથર. અને કાયદાની દૃષ્ટિએ અનુવાદક તેના અનુવાદનો, સંપાદક તેના સંપાદનનો ઓથર, કર્તા છે એટલે આ ‘બનાવનાર’ એવો સાવ ઘરેલુ શબ્દ પારસીઓએ ‘કર્તા’ને બદલે ચલણી કર્યો. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ‘મૌલિક’, અનુવાદ, રૂપાંતર વગેરે વચ્ચે આજે આપણે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો ૧૯મી સદીમાં થતો નહોતો.
અહીં જેમનું નામ છેલ્લું છે તે શાપુરજી બરજોરજી ભરૂચા ત્રણે મિત્રોમાં સૌથી ઓછું ભણેલા, સૌથી વધુ કમાયેલા, અને સૌથી વધુ જાણીતા થયેલા. અટક બતાવે છે તેમ શાપુરજીનો જન્મ ભરૂચ શહેરમાં, ૧૮૪૫ના એપ્રિલ મહિનાની ૩૦મી તારીખે. ૭૬ વર્ષની ઉંમરે ૧૯૨૦ના જૂનની ૨૩મી તારીખે મુંબઈમાં બેહસ્તનશીન થયા. નાનપણમાં પિતા ગુમાવ્યા. ૧૨ વર્ષની ઉંમરે મમ્મા સાથે મુંબઈ આવ્યા. એક મોટા ભાઈ થોડુંઘણું કમાતા તેમાંથી કુટુંબનું ગાડું ગબડતું. પણ થોડા વખતમાં જ મોટા ભાઈ પણ ખોદાઈજીને પ્યારા થઇ ગયા એટલે ભરણપોષણની બધી જવાબદારી આવી પડી નાલ્લા શાપુરજીના માથા પર. જાહેર બત્તી નીચે બેસીને શાપુરજી, તેમનાં મમ્મા અને બહેનો ભરતગૂંથણ કરે તેમાંથી ગુજરાન ચલાવવાનું. છતાં ભણવાનું છોડ્યું નહિ અને મેટ્રિકની પરીક્ષા આપી. પણ નસીબ બે ડગલાં આગળ, તે નાપાસ થયા. બીજી વાર પરીક્ષા આપી શકાય તેવી ઘરની હાલત નહોતી. એટલે મનેકમને બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)માં નોકરી લઇ લીધી. પછી એકાદ વરસ એશિયાટિક બેન્કમાં કારકૂન બન્યા. ભલે ઝાઝું ભણી શક્યા નહોતા, પણ ઘટમાં ઘોડા થનગનતા હતા. એટલે થોડા વખત પછી નોકરીને અલ્વિદા કહી ૧૮૬૪માં શેર બજારના ધંધામાં પડ્યા. પડ્યા એવા જ ઉછળ્યા, ઉભરાયા. પાંચમાં પૂછાતા થયા. સરકારી અમલદારો, બેન્કના મેનેજરો, જાણીતા વેપારીઓ તેમની સલાહ લેતા. મુંબઈના નેટિવ શેર બ્રોકર્સ એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા. પછી વધારામાં પડ્યા કાપડની મિલોના ઉદ્યોગમાં. કેટલીક મિલોમાં ડિરેક્ટર બન્યા. જાતમહેનતે અંગ્રેજી શીખી તેની ઉપર સારો એવો કાબૂ મેળવ્યો. ચાંદીના ભાવ અંગેના એક ઝગડામાં જુબાની આપવા સરકારે તેમને વિલાયત મોકલ્યા. તેમની જુબાનીને કારણે ફિનાન્સ કમિટીએ પોતાનો રિપોર્ટ બદલવો પડ્યો હતો. ૧૮૯૬માં જેપી બન્યા, ૧૯૧૧મા મુંબઈના શેરીફ. અને તે જ વર્ષે મિસ્ટરમાંથી બન્યા સર શાપુરજી બરજોરજી ભરૂચા. બાર વર્ષની ઉંમરે ભરૂચ છોડ્યા પછી ફરી ક્યારે ય તેની જમીન પર પગ મૂક્યો નહોતો, પણ ભરૂચને ક્યારે ય ભૂલ્યા નહોતા. ત્યાંના જરથોસ્તીઓ જ નહિ, સૌ કોઈને માટે કામ કરતી સંસ્થાઓને સતત દાન આપતા. મુંબઈમાં અને બીજે પણ સતત દાન આપતા. પોતાની જિંદગી દરમ્યાન તેમણે કુલ ૪૦ લાખ રૂપિયા (આજના ૪૦ કરોડ?) કરતાં વધુ રકમની સખાવત કરી હતી. તેમના ઉઠમણા વખતે બીજા ૧૪ લાખ ૨૨ હજાર રૂપિયાની સખાવત તેમનાં કુટુંબીઓએ જાહેર કરી હતી.