ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના જાણીતા શાયર દીપક બારડોલીકર ગત ૧૨ ડિસેમ્બરે અલવિદા કરી ગયા. તેના બે મહિના પહેલાં જ તેમનું પુસ્તક ‘સૌગાત’ [(પાંચ ભાષાનાં કાવ્યો); અનુવાદક -દીપક બારડોલીકર; મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ – ઑક્ટોબર 2019; કિંમત રૂ. 130] પ્રકાશિત થયું. મુખ્યત્વે ક્રાંતિકારી, બાગી અને સૂફી કવિઓ – શાયરોની પસંદગીની કૃતિઓના અનુવાદના આ પુસ્તકમાં એક શાયર તે ફૈઝ અહેમદ ફૈઝ પણ. તેનો પરિચય આપતાં બારડોલીકરે લખ્યું છે, “તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો અને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો”. અત્યાર સુધી આ હકીકતથી અજાણ રાષ્ટ્રપ્રેમીઓને ‘હમ દેખેંગે’ ઘટના પછી તેની પ્રતીતિ થઈ હશે. બારડોલીકરને શબ્દાંજલિ આપતા અહીં તેમણે આપેલો ફૈઝ અહેમદ ફૈઝનો પરિચય અને બારડોલીકરના સર્જનનો પરિચય વિપુલ કલ્યાણીની કલમે પુસ્તકમાંથી સાભાર
…. સંપાદક, “નિરીક્ષક”
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું નામ એવા ‘દીપક બારડોલીકર’નો જન્મ (૧૯૨૫) ભારતમાં, યુવાની પાકિસ્તાનમાં અને હાલ માન્ચેસ્ટર-બ્રિટનમાં સ્થિત છે. તેમની કવિતામાં આ ત્રણેય ભૂમિની લહેજત પ્રગટ થતી રહી છે. શિક્ષક, પત્રકાર, સંશોધક, સંપાદક … એમ અનેકવિધ પ્રતિભાનો પરિચય કરાવનાર દીપક બારડોલીકરની આત્મકથા ‘સાંકળોનો સિતમ’ (૧૯૯૯) અને ‘ઊછાળા ખાય છે પાણી’ (૨૦૦૪) રૂપે આપણને મળી છે. તેમની બધી જ રચનાઓ ‘કુલ્લિયાતે દીપક’ સંગ્રહમાં મુકાઈ છે – મૂળે તો ગઝલકારને.
તેમનો ગઝલસર્જનનો આરંભ ૧૯૫૦માં થયો. પાકિસ્તાનમાં ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટન વસવાટ કર્યો. ત્યાં તો ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઇકુ જેવા કાવ્યપ્રકારોમાં પણ સર્જન કર્યું. સાથે સાથે પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા છે. પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલનો મુખ્ય વિષય રહ્યો છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા કવિઓ-શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગુજરાતીમાં ‘સૌગાત’ લઈને આવનાર બારડોલીકરની કાવ્ય-પસંદગીમાં પણ કાવ્ય સંવેદના અને સ્વરૂપ બંને રીતે આ તત્ત્વ અનુભવાય છે.
ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧ • ૧૯૮૪), ઉર્દૂ ભાષાના,વીસમી સદીના એક શ્રેષ્ઠ શાયર છે. એમને જે ખ્યાતિ, જે લોકચાહના મળી છે એવી અન્ય કોઈ શાયરને મળી શકી નથી. તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો ને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો. તેમણે એક શેરમાં કહ્યું છેઃ
હમ શેખ ન લીડર
ન મુસાહિબ, ન સહાફી
જો ખુદ નહીં કરતે
યહ હિદાયત નહીં કરતે
કરીએ તે કહીએ ને કહીએ તે કરીએ એનાથી મોટી સચ્ચાઈ બીજી કઈ હોઈ શકે! આ કવિનાં જીવન તથા કવનમાં કોઈ ફરક જોવા મળતો નથી. જેવી જિંદગી ગુજરી એવી જ એમની શાયરી છે. સચ્ચાઈભરી, ખૂબસૂરત, કલાત્મક. જાણે તાજા ગુલાબની પાંખડી!
મુકામ ‘ફૈઝ’ કોઈ
રાહ મેં જઁચા હી નહીં
જો કૂ-એ-યાર સે નિકલે
તો સૂ-એ-દાર ચલે
તેમણે જે કંઈ લખ્યું તે જવાબદારીના ભાન સાથે લખ્યું, સમજી વિચારીને લખ્યું. કાવ્યસંગ્રહ ‘દસ્તે સબા’ના ઉપોદ્ઘાતમાં તેમણે નોંધ્યું છે : ‘કવિનું કાર્ય માત્ર દર્શનનું નથી, સંઘર્ષ પણ તેની ફરજ છે.’ – તેમણે એમ પણ કહ્યું છે કે આસપાસનાં વ્યાકુળ બિંદુઓમાં જિંદગીની મહાનદનાં દર્શનનો આધાર કવિની દૃષ્ટિ પર હોય છે અને અન્ય લોકોને તે દર્શન કરાવવાનો આધાર કવિની કલાકીય ક્ષમતા પર અને એ મહાનદના વહેણમાં પ્રવેશવાનો આધાર તેની આરત, લાયકાત તથા લોહીની ઉષ્મા પર હોય છે.
કવિ આટલો સુસજ્જ હોવો જોઈએ. એ વગર તે સાચી કવિતા કરી શકતો નથી.
ફૈઝ સાહેબનો જન્મ સિયાલકોટના એક સુશિક્ષિત, સંસ્કારી કુટુંબમાં થયો હતો. પિતા ખાન બહાદુર સુલતાન મુહમ્મદ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. એમણે વિદ્યાભ્યાસ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં કર્યો હતો અને શાયરીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અંગ્રેજી તથા અરબીમાં એમ.એ. કર્યા પછી અધ્યાપક બન્યા, અને પછી ‘ધી પાકિસ્તાન ટાઇમ્સ’ જેવા એક મોટા પત્રના તંત્રીપદે નિમાયા. એમના તંત્રીપદે અખબાર ખાસું ચમક્યું, પણ એ દરમિયાન ઘણું કરીને ૧૯પ૧માં રાવલપિંડી કાવતરા કેસમાં અન્ય ફોજી અફસરો ભેગા ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ કાવતરું વડા પ્રધાન લિયાકત અલી ખાનની સરકાર ઉથલાવવા વિશેનું હતું. ૧૯પપમાં તેઓ જેલમુક્ત થયા. તેમની કવિતા તથા સમાજવાદી વિચારસરણીના કારણે પણ અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દેશનિકાલ પણ કરાયા હતા.
તેમનાં કાવ્યો કોઈ એક દેશના ખૂણામાં સીમિત રહેનારાં કાવ્યો નથી. તેમની અંદર વિશ્વવ્યાપકતા(Universality)નાં તત્ત્વો ભર્યાં પડ્યાં છે. તેઓ ઇન્સાનને ચાહે છે, રંગ, નસલ કે દેશ-વિદેશના કશા ભેદ વિના.
એમના આઠ કાવ્યસંગ્રહો, નકશે ફરિયાદ, દસ્તે સબા, ઝિંદા નામા, દસ્તે તહે સંગ, સરે વાદીએ સીના, શામે શહરે યારાં, મેરે દિલ મેરે મુસાફિર અને ગુબારે ઐયામ પ્રગટ થયા છે. અને એ સૌનો એક કુલ્લિયાત [કુલ્લિયાત : શાયરની રચનાઓનો સંગ્રહ] – નુસ્ખ હાયે વફા.
તેમણે એક ફોજી અફસર તરીકે પણ સેવા બજાવી હતી. કર્નલની હેસિયતે નિવૃત્ત થયા હતા. લેનિન પીસ પ્રાઇઝ(૧૯૬૨)થી વિભૂષિત થનારા આ કવિનાં લગ્ન એલિસ નામે એક આયરિશ મહિલા સાથે થયાં હતાં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 07 તેમ જ 05
![]()


યુવા કવિ ઉમેશ સોલંકી નવલકથાકાર અને કવિ છે. આ અવલોકન લખાઈ રહ્યું છે ત્યારે રેખાચિત્રોનું એમનું પુસ્તક ‘માટી’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ફેરફાર’ નવલકથા બાદ ‘૨૮ પ્રેમકાવ્યો’ એમનું બીજું પુસ્તક છે. પારંપરિક રીતે લખાતાં આવતાં અને એવા નામાભિધાનથી અપેક્ષિત પ્રેમકાવ્યોનો છેદ ઊડાડી દઈને શીર્ષક જેટલું ચોંકાવનારું પુરવાર થાય છે એટલાં જ કાવ્યો ચોંકાવનારાં પુરવાર થાય છે. નથી અહીં પ્રેમની સુંવાળપનું સ્થૂળ આલેખન કે એને વર્ણવતી પુષ્પિતા વાણી. કાવ્યોમાં કવિએ ’ઑબજૅક્ટિવ કૉરીલેટિવ’નો જાણતા-અજાણતા વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. સઘળું કહી દેવાને બદલે ઇંગિત કરે છે અને ભાવકો પર છોડી દે છે. ક્યારેક, એથી ‘કોઠી’ જેવું કાવ્ય કોયડો બની રહે છે.
સૌપ્રથમ તો ફળીભૂત થતા અટકી જતાં પ્રેમના મૂળમાં વર્ણભેદ બતાવી દલિત કવિઓની આગલી પેઢી કરતાં સાવ નોખો અને નવો ચીલો ચાતર્યો છે ઉમેશ સોલંકીએ. આ અગાઉ લખાયેલી દલિત કવિતામાં અને ગદ્યમાં ભારતીય સમાજની જ્ઞાતિપ્રથાના પરિણામે ઉદ્ભવતા બિનદલિત સમાજ દ્વારા થતાં દમન અને શોષણ, તિરસ્કાર અને આભડછેટને જેટલા વણી લેવાયાં છે એટલી હદે દલિત સમુદાયમાં પ્રવર્તતા જાતિભેદને આલેખવામાં આવ્યો નથી. દલિત ગદ્યમાં જ્ઞાતિપ્રથાના પરિણામે દલિત મહિલા પર આચરવામાં આવતાં યૌન શોષણનું પણ આલેખન થયેલું છે પરંતુ આંતરજાતીય અને આંતરપેટાજાતીય પ્રેમ કે લગ્નના મુદ્દાને સ્પર્ષવામાં આવ્યો નથી.
દલિત સાહિત્ય સમાજ અને સામાજિક વ્યવસ્થા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. અશ્વેત સાહિત્યની માફક દલિત સાહિત્યને એટલે જ સાંસ્કૃતિક ચળવળ કહેવામાં આવે છે. ભેદભાવથી ખદબદતો સમાજ બીમાર હોય છે. બીમાર સમાજની નાડી તપાસી, નિદાન કરી, સામાજિક વ્યાધિઓનો ઉપચાર કરવા માટે, એટલે કે સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિ (જાતિ-પેટાજાતિ) આધારિત ભેદભાવને નેસ્તનાબૂદ કરવાનો દલિત યુવા કવિનો નિર્ધાર આ કાવ્યસંગ્રહમાં પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે. કવિ ઉમેશને આ બદલ અભિનંદન!
આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે, જેમના જન્મને ૨૦૦ વર્ષ પૂરાં થશે, તે દલપતરામ ડાહ્યાભાઈ ઓળખાય છે કવીશ્વર તરીકે. પણ તેમનું પહેલું પુસ્તક કવિતાનું નહોતું. તેમનું પહેલું પુસ્તક પ્રગટ થયું તેના નામમાં ‘નિબંધ’ શબ્દ આવે છે. પણ આ ‘નિબંધ’ એટલે આજે આપણે જેને નિબંધ ઉર્ફે ‘એસે’ તરીખે ઓળખીએ છીએ તે નહિ. એ લખાણને જો કોઈ ચિઠ્ઠી ચોડવી જ હોય તો લાંબા કથાત્માક ગદ્ય લખાણની ચોડી શકાય. દલપતરામના એ પહેલા પુસ્તકનું નામ ‘ભૂતનિબંધ.’
ફાર્બસને આ લખાણ એટલું ગમી ગયું હતું કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાવી પુસ્તક રૂપે પ્રગટ કર્યો. તેના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ Dalpatram Daya એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા. અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે જોઈ નવાઈ લાગે. આ અનુવાદની ફાર્બસે લખેલી પ્રસ્તાવના પણ નોંધપાત્ર છે. દેશી ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત તેમાં ફાર્બસે કરી છે. તેઓ લખે છે : “હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ. પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, એ બંને સાથોસાથ ચાલવા જોઈએ.” તો ‘ભૂતનિબંધ’ના લેખક દલપતરામ વિષે ફાર્બસ લખે છે : “તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષામાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.”