
ઉષા ઠક્કર
શાંતિ અને હિંસાથી સંતપ્ત માનવજીવન પર ગાંધીવિચાર અમીછાંટણાનું કામ કરે છે અને જ્યારે ગાંધીવિચારના સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન ઘડનાર વ્યક્તિના અનુભવો સાંભળવા મળે ત્યારે આશાનું અજવાળું ફેલાય છે. હાલમાં ગાંધીવિચારનાં સત્ત્વ અને તત્ત્વને જીવનમાં આત્મસાત કરનાર ચંડીપ્રસાદજી ભટ્ટને મળવાનો સરસ અવસર મળ્યો. મળવાની તારીખ અને સ્થળ બંને ઐતિહાસિક. તારીખ હતી ૬ એપ્રિલ અને સ્થળ હતું મણિભવન. ૬ એપ્રિલ, ૧૯૧૯ના ગાંધીજીએ દમનકારી રોલેટ કાયદા સામે રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનો શંખનાદ કરેલો. તે સમયે ગાંધીજી મણિભવનમાં રહેલા. અને ૬ એપ્રિલ, ૧૯૩૦ના દાંડીમાં ગાંધીજીએ મીઠું ઉપાડીને કાયદાનો સવિનય ભંગ કરેલો.
‘ચિપકો આંદોલન’ વિશે ઘણું વાંચેલું અને સાંભળેલું, પણ તેના પ્રણેતા ચંડીપ્રસાદજી ભટ્ટ પાસેથી જ તેમના કાર્ય અને ચિપકો આંદોલન વિશેની વાતો અને હકીક્ત ભણવાનો આનંદ અનોખો જ હતો. હમણાં જ ‘ચિપકો આંદોલન’નાં પચાસ વર્ષ પૂરાં થયાં.

ચંડીપ્રસાદ ભટ્ટ
ચંડીપ્રસાદજીનું વ્યક્તિત્ત્વ શાંત અને પ્રભાવશાળી. ખાદીનાં વસ્ત્રોમાં તેમની ગરિમા અને પ્રતિભા સ્વભાવિક રીતે જ ઝળકે. કોઈ પણ જાતના આડંબર વિના તે સહજ રીતે પોતાના અને સાથીઓનાં કાર્યની વાતો કરતા રહ્યા. ક્રમબદ્ધ વિચારો સરળશૈલીમાં વહેતા રહ્યા. લોકોની તકલીફો, મુશ્કેલીઓ અને તેમના સંઘર્ષ અને ઉપાયો શોધવાની મથામણની વાતો પણ આવતી રહી. અમે સૌ મંત્રમુગ્ધ બની તેમનાં વાણી અને કાર્ય સાથે જોડાતાં ગયાં.
ચંડીપ્રસાદજી પદ્મભૂષણ (૨૦૦૫), રેમન મેગસેસે એવૉર્ડ (૧૯૮૨) અને ગાંધી પીસ પ્રાઈઝ (૨૦૧૩) જેવાં પુરસ્કારોથી સન્માનિત થયા છે. તેમનું સમગ્ર જીવન અને કાર્ય ગાંધીમૂલ્યો અને ગાંધીવિચાર પર આધારિત છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગોળેશ્વરમાં રહેતા આ પર્યાવરણવાદી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત છે.
તેમના જીવનની વિકાસયાત્રા મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી છે. યુવાવસ્થાથી જ તેમના પર ગાંધીવિચાર પ્રત્યે અનેરું આકર્ષણ હતું. ૧૯૫૬માં જયપ્રકાશ નારાયણ બદ્રીનાથ ગયેલા. ત્યારે પીપલકોટીમાં ચંડીપ્રસાદજીએ તેમનું ભાષણ સાંભળ્યું અને સાંભળીને તેમના જ શબ્દોમાં ‘મારા માટે સમાજકાર્યનાં દ્વાર ઊઘડી ગયાં.’ તે પછીના વર્ષમાં તેમણે સાથીઓ સાથે પદયાત્રા કરી, જેમાં દરેક ગામડે ગ્રામ-સ્વરાજ્ય અને સર્વોદય અંગેની ચર્ચા થતી. તદુપરાંત, તેમનો સંપર્ક વિનોબા ભાવે અને દાદા ધર્માધિકારી જેવા ચિંતકો સાથે પણ રહ્યો.
ચંડીપ્રસાદજીના મત મુજબ હિમાલય ક્ષેત્ર વિવિધતા અને પ્રાકૃતિક સમૃદ્ધિથી ભરપૂર છે. પણ તે સાથે યાદ રાખવું જોઈએ કે હિમાલય અત્યંત સંવેદનશીલ પર્વત શ્રૃંખલા છે. તેના ભૂગર્ભમાં ઊથલ-પાથલ થયા કરે છે અને ધરતીકંપ, ભૂસ્ખલન અને પૂર જેવી આફતો આવ્યા કરે છે. આમાંથી થોડી પ્રકૃતિજન્ય છે, અને વધારે માનવસર્જિત. વિકાસના નામે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે. ચીનના આક્રમણ પછી આ ક્ષેત્રમાં વિકાસને લગતાં કામો વધી ગયાં છે, જેમ કે, મોટા રસ્તાઓ કે મોટા મકાનો કે મોટા ઉદ્યોગો.
ચંડીપ્રસાદજી અને તેમના યુવા સાથીઓએ ૧૯૬૦ના દશકમાં દશૌલી ગ્રામ-સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી. તેનો હેતુ હતો કે જંગલની આજુબાજુ રહેનારા લોકોને વનસંપદાના માધ્યમથી સન્માનજનક રોજગાર મળે. પણ તેમના માર્ગમાં રાજ્ય સરકાર, જિલ્લ પ્રશાસન અને વનવિભાગ તરફથી અનેક અવરોધો આવ્યા અને સંસ્થાએ શાંતિપૂર્વક તેમનો સામનો કર્યો.
૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશના વનવિભાગે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના કાષ્ઠ-કલા કેન્દ્રને અંગૂનાં વૃક્ષ આપવાની ના પાડી. પહાડોની ખેતીમાં આ વૃક્ષના લાકડાનો ઘણો ઉપયોગ થતો હતો. જો આ લાકડું ન મળે તો સંસ્થાનાં જંગલો પાસે નાના ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ થાય. એટલું જ નહીં, વન વિભાગે તો અંગૂનાં વૃક્ષોને નીચેના મેદાનોમાં રહેલી કંપનીઓને વેચવાનું શરૂ કર્યું.
દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના સભ્યોને પરાજ્ય સ્વીકાર નહોતો. તેઓ ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. તે દરમિયાન તેમને ખબર પડી કે વનવિભાગે રમત-ગમતનાં સાધનો બનાવતી અલાહાબાદની સાઈમન કંપનીને ગોપેશ્વરથી એક કિલોમીટર દૂર મંડલ વનમાંથી અંગૂનાં વૃક્ષ કાપવાની પરવાનગી આપી દીધી છે. પરિસ્થિતિ તો વિકટ હતી. તેમાં ખબર પડી કે સાઈમન કંપનીના માણસો ગોપેશ્વર પહોંચી ગયા છે. હવે તો ઉપાય શોધવો જ રહ્યો. ચંડીપ્રસાદજીનું હૃદય વલોવાયું અને ઉત્તેજનાથી તે બોલી ઉઠ્યા, “આપણે વૃક્ષ કાપવા નહીં દઈએ. જો તેઓ વૃક્ષ પર કુહાડી મારશે તો આપણે અંગવાષ્ઠા કરી લઈશું.” ત્યાંની ભાષામાં ‘અંગવાષ્ઠા’ એટલે આલિંગન. જ્યારે કોઈ વૃક્ષ પર કુહાડી ઊંચકાય, ત્યારે લોકોએ વૃક્ષને અલિંગનમાં લઈ લેવાનું. ચંડીપ્રસાદજીએ લોકોને કહ્યું કે ઠેકેદારની કુહાડી પહેલાં આપણાં પર અને પછી વૃક્ષ પર. આપણે તો વૃક્ષોને ચોંટીને-ચિપકીને રહેવાનું. ‘ચિપકો’ શબ્દને નવો ક્રાંતિકારી અર્થ મળ્યો અને ગોપેશ્વરમાં ૨૭ માર્ચ, ૧૯૭૩ના ‘ચિપકો આંદોલન’નો જન્મ થયો.

ઉત્તરાખંડમાં ઘણી વનસંપદા છે. પણ સરકારની વિકાસકાર્યો માટેની ઉતાવળ અને ટેકેદારોનો લોભ પ્રકૃતિમાં અસંતુલન પેદા કરે છે. આડેધડ વૃક્ષો કાપવાથી કુદરતી આફતો આવે છે. તેનો અહેસાસ ચિપકો આંદોલનકારીઓને હતો. ચંડીપ્રસાદજીને જાણ હતી કે અલકનંદા નદીમાં ૧૯૭૦માં આવેલ મોટા પૂરે રસ્તાઓ, પુલ, ખેતરો અને પશુઓનો મોટા પ્રમાણમાં નાશ કરેલો.
જ્યારે તેમને ખબર પડી કે મંડલ ક્ષેત્રમાં જંગલમાં વૃક્ષો પર માર્કિંગ થઈ ગયું છે અને સાઈમન કંપનીના માણસો તેમને કાપવા આવી રહ્યા છે, ત્યારે આ તેજસ્વી ગાંધીજન અને તેમના સાથીઓ સક્રિય થઈ ગયા. નાના મંડલ ગામમાં ચિપકો આંદોલનકારી ગ્રામજનોની મોટી સભા જોઈને સાઈમન કંપનીના માણસો વૃક્ષ કાપ્યા વિના જ પાછા ફર્યા. સરકારે થોડાં વૃક્ષો આપી તડજોડની તૈયારી દાખવી પણ આંદોલનકારીઓની દૃષ્ટિ વ્યાપક બની હતી. વનસંપદાનો ઉચિત અને ન્યાયપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને તેના પ્રબંધ અને રક્ષણ માટે સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
મંડલના જંગલ કાપવાનું કામ તો બંધ રહ્યું, પણ પછી તરત ખબર પડી કે હવે સાઇમન કંપનીને ફાટા ક્ષેત્રમાં વૃક્ષ કાપવાની મંજૂરી મળી છે. સત્યાગ્રહીઓના સામર્થ્યની પરીક્ષાનો ફરી સમય આવ્યો. લોકો અને ચંડીપ્રસાદજી સક્રિય બન્યા. લોકો ઢોલ-નગારાં અને ગીતોના માધ્યમથી ભેગા થતા ગયા. લોકોને અન્ય સ્થાન પર આકર્ષિત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. પાંચ વૃક્ષ કપાયાં ત્યાં તો ફરી સતર્ક ગ્રામજનો ભેગા થઈ ગયા. અને જંગલ કાપવા માટે આવેલ માણસો ત્યાંથી પલાયન થઈ ગયા. હવે મહિલાઓમાં પણ જાગૃતિ લાવવાના પ્રયત્નો સફળ થવા લાગેલા. છેવટે ૧૯૭૩ના અંતે સાઈમન કંપનીની વૃક્ષ કાપવાની પરવાનગી સમાપ્ત થઈ.
૧૯૭૪માં રેણી ગામના વનનો ગંભીર મામલો સામે આવ્યો. રેણી ક્ષેત્રના જંગલનાં વૃક્ષોની લિલામીની તૈયારી થઈ. ચંડીપ્રસાદજી અને તેમના સાથીઓએ તો ઠેકેદારોને કહી દીધું કે જો વૃક્ષો કપાશે તો રેણીના જંગલોમાં ‘ચિપકો આંદોલન’ થશે. ચંડીપ્રસાદજીને વિશ્વાસ હતો કે સાધનહીનનો દૃઢ સંકલ્પ જ સશક્ત હથિયાર છે. વનવિભાગના માણસોએ આમતેમ કરી ચંડીપ્રસાદજીને ત્યાં સમયસર ન પહોંચવા દીધા. ગામના પુરુષો તો ચમોલી જિલ્લામાં આવી ગયેલા,
કારણ સરકારે જાહેર કરેલું કે ૧૯૬૨માં જેમની જમીન સરકારે લઈ લીધેલી તેમને વળતર ચૂકવવામાં આવશે. ગામમાં ફક્ત સ્ત્રીઓ અને બાળકો જ હતાં. આ વાતનો અંદાજ આવતાં ચંડીપ્રસાદજી અને થોડા સાથીઓ રેણી પહોંચ્યા. ત્યાં જઈને ખબર પડી કે મહિલાઓના સાહસને કારણે રેણીનું વિશાળ વન બચી ગયું છે.

વીસેક જેટલી મહિલાઓ અને થોડી બાલિકાઓએ વૃક્ષ કાપવા માટે આવતા મજૂરોને પાછા વળવા સમજાવ્યા અને કહ્યું કે આ જંગલ તો અમારું પિયર છે. તેને ન કાપો ઠેકેદારના માણસો અને આવેલા થોડા અધિકારીઓ સત્તાના મદમાં હતા. કોઈકે તો દારૂ પણ પીધેલો. એક માણસે તો બંદૂક કાઢી. ડર્યા વિના મહિલાઓ ઊભી રહી અને ગૌરાદેવીએ તેમને પડકારીને કહ્યું કે પહેલાં બંદૂક ચલાવો અને પછી અમારા પિયરને કાપીને લઈ જાઓ. મજૂરો તો નાસવા લાગ્યા. બીજાઓ પણ ધીરે ધીરે ખસકવા લાગ્યા. આ બહાદુર મહિલાઓએ જોયું તો ભૂસ્ખલનને કારણે એક તૂટેલી પગદંડીને સિમેન્ટના પાટિયાથી જોડવામાં આવેલી. તેમણે જંગલ તરફ જતી આ પગદંડીને જોડતું પાટિયું તોડી નાખ્યું. પૂરી રાત આ મહિલાઓ આ સ્થળ પર બેસી ગીતો ગાતી રહી અને ચોકી કરતી રહી.
વન બચી ગયું. ચંડીપ્રસાદજી અને સાથીઓ સાથે સરકાર સમિતિઓ દ્વારા વાતચીત કરતી રહી, પણ આંદોલનકારીઓનો તો એક જ જવાબ હતો અમે આંદોલન પાછું નહીં ખેંચીએ. આ આંદોલનની ચિનગારીઓ ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ. છેવટે વિશેષજ્ઞોની તપાસ સમિતિએ 1976માં અહેવાલ આપ્યો. તેની ભલામણોને ઉત્તરાખંડની સરકારે સ્વીકારી અને ઉત્તરાખંડની અલકનંદા અને તેની સહાયક નદીઓના જલાગમ ક્ષેત્રોમાં દસ વર્ષ સુધી વૃક્ષ કાપવાની મનાઈ જાહેર કરવામાં આવી.
‘ચિપકો આંદોલન’ની સફળતાએ દેશ-વિદેશમાં વિશેષજ્ઞો, પર્યાવરણવાદીઓ અને નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. ચંડીપ્રસાદજી જણાવે છે કે આંદોલન સાથે રચનાત્મક કાર્ય પણ આવશ્યક છે. વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. અને તે સાથે નવા છોડ અને નવાં વૃક્ષ પણ વાવવાં જોઈએ. વનીકરણનું કામ ઘણું મહત્ત્વનું છે. આજે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંસ્થા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી રહી છે. છાત્રો અને યુવાવર્ગ તેમાં સહર્ષ જોડાઈ રહ્યા છે અને મહિલાઓનો સાથ તો છે જ. ‘ચિપકો આંદોલન’માં મહિલાઓનું યોગદાન અપૂર્વ છે. વનસંપદાનું રક્ષણ કરીને તેમણે ફરી પુરવાર કર્યું છે કે આત્મબળ અને સંક્લ્પની શક્તિ શારીરિક બળપ્રયોગ કરતાં વધુ અસરકારક છે. ચંડીપ્રસાદજીને તેમના કાર્યમાં પત્ની દેવેશ્વરીજી અને સુપુત્ર ઓમપ્રકાશજીનો પૂરો સાથ છે.
ચંડીપ્રસાદજી કહે છે કે અહિંસા મનસા, વાચા અને કર્મણા હોવી જોઈએ. અને સત્યાગ્રહ પણ સૌમ્ય- સૌમ્યતર અને સૌમ્યતમ હોવો જોઈએ. આ વાતની પ્રતીતિ ‘ચિપકો આંદોલન’માં થાય છે. ક્યારે ય કોઈ પ્રકારની હિંસા નથી થઈ, અહીં ઉપાયોની નવીનતા છે અને સિદ્ધાંતોની શાશ્વતતા છે. વિરોધીઓ સાથે પણ સદ્દવ્યવહાર આવશ્યક છે. ચંડીપ્રસાદજીની મીટિંગોમાં અને ચર્ચા-વિચારણામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ આવે, સરકારી અધિકારીઓ પણ આવે અને સમાજના બધા વર્ગોનું પ્રતિનિધિત્વ તો હોય જ. મુક્ત મને ચર્ચા થાય અને નિર્ણયો લેવાય. સમાજકાર્ય માટે બધાને સાથે લઈને આગળ વધવું અનિવાર્ય છે. અને છેવટે તો આપણે આપણા કામની જવાબદારી સ્વીકારવી રહી. આજે માનવસર્જિત કાર્યો પ્રકૃતિમાં અસંતુલન વધારે છે, તે પ્રત્યે ચંડીપ્રસાદજી આપણું ધ્યાન દોરે છે.
ગાંધીવિચારના અભયના સિદ્ધાંતને સમજાવતા ચંડીપ્રસાદજી છે કે અસત્ય અને અનિષ્ટ તત્ત્વોનો ભયરહિત થઈ અહિંસક માર્ગથી સામનો કરવો જોઈએ. તદુપરાંત, કથન અને વર્તન એવાં હોવાં જોઈએ કે વિરોધીઓને પણ વિશ્વાસ થાય. કથન અને વર્તનની એકરૂપતા જરૂરી છે.
માનવજીવન, પ્રકૃતિ અને ગાંધી-સિદ્ધાંતો સાથે ચંડીપ્રસાદજી સહજતાથી સંબંધ જોડે છે અને ભારપૂર્વક જણાવે છે કે આજે પણ ગાંધીવિચાર પ્રસ્તુત છે, પ્રાસંગિક છે અને સુસંગત છે.
(સાભાર સૌજન્ય : “જન્મભૂમિ પ્રવાસી”; 16 એપ્રિલ, 2023)
મુદ્રણ સૌજન્ય : કેતન રુપેરા
![]()





હું જોઉં છું કે આપણ બધાએ અત્યારે મારા દાદાના સત્યાગ્રહ અથવા આત્માની શક્તિમાં પાછા ફરવાની જરૂર છે. તેમણે એક ચળવળની રચના કરી જેના કારણે ભારે રાજકીય ઊથલપાથલ થઈ અને કરોડો ભારતીયોને સ્વ-શાસન અપાવ્યું. પરંતુ સૌથી અગત્યનું, બાપુજીએ બતાવવાનો પ્રયાસ કર્યો કે આપણે પ્રેમ અને સત્ય દ્વારા આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ અને જ્યારે આપણે આપણો અવિશ્વાસ ગુમાવી દઈએ છીએ અને હકારાત્મકતા અને હિંમતમાં શક્તિ શોધીએ છીએ ત્યારે સૌથી મોટી પ્રગતિ થાય છે.
આપણે અત્યારે તે પરિવર્તનની જરૂર છે, કારણ કે આપણે વિશ્વમાં હિંસા અને નફરતના અસહ્ય સ્તરે પહોંચી ગયા છીએ. લોકો પરિવર્તન માટે તલપાપડ છે પણ અસહાયતા અનુભવે છે. ભારે આર્થિક અસંતુલનનો અર્થ એ છે કે અમેરિકામાં ૧૫ મિલિયનથી વધુ બાળકો અને વિશ્વભરના લાખો લોકો પાસે એક ટંક ખાવા માટે પૂરતું નથી, જ્યારે જેઓ વિપુલતા સાથે જીવે છે તેઓને લાગે છે કે તેમની પાસે બગાડવાનું લાઇસન્સ છે. જ્યારે જમણેરી ફાસીવાદીઓએ તાજેતરમાં ઉત્તર ભારતના એક ટાઉન સ્ક્વેરમાં મારા દાદાની પ્રતિમાને વિકૃત કરી હતી, ત્યારે તેઓએ વચન આપ્યું હતું કે, “You will witness a trail of terror.”(તમે આતંકના પગેરું જોશો.) જો આપણે આ ગાંડપણનો અંત લાવવો હોય તો આપણે આપણા પોતાના જીવનમાં પરિવર્તન લાવવું પડશે.
“આપણે અહિંસા વિશે જેટલું વધુ જાણીએ તેટલું વધુ પ્રતીત થાય કે મોટામાં મોટા પડકારોનો અહિંસક ઉપાય હોય છે. આ એક આશાવાદી દર્શન છે અને તદ્દન વાસ્તવિક છે. અમે આશા રાખીએ કે આ સામગ્રી અને બનાવો વાચકોના વિચારોને ટેકો આપશે અને તેને પોષણ આપશે.”


