પુસ્તક પરિચય

સંજય ભાવે
‘સત્યનું કાવ્ય : બાપુ: 75 ગાંધી કાવ્ય’ સચિત્ર, સુરુચિપૂર્ણ અને તાજગીસભર સંચય છે. તે અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાબાપુરની શ્રી સર્વોદય વિદ્યા મંદિર સંસ્થાએ, પોતાના અમૃતમહોત્સવી વર્ષના આરંભે, ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કર્યો છે, પણ તેનું પ્રકાશન ‘યજ્ઞ’એ કર્યું છે.
સંગ્રહની રચનાઓમાં ગાંધીજીના પ્રભાવ અને અભાવ, તેમના વ્યક્તિત્વ અને મહત્ત્વને અનેકવિધ રીતે અભિવ્યક્ત કર્યા છે. તેમાં એકાદ સદીથી બિલકુલ અત્યાર સુધીના સમયગાળાના કવિઓનો સમાવેશ છે. એટલે તેમાંના સહુથી વરિષ્ઠ કવિ પિંગળશી ગઢવી અને અરદેશર ખબરદાર છે. સાહિત્યના ઇતિહાસના ગાંધીયુગ અને અનુગાંધી યુગના સાહિત્યકારો હોય એ સ્વાભાવિક છે.
સંગ્રહની વિશેષતા બિલકુલ અત્યારે કવિતાઓ લખતા-લખતા વાંચતા હોય તેવા ભાવેશ ભટ્ટ અને પારુલ ખખ્ખરની રચનાઓના સમાવેશમાં છે. સાથે તેમનાં પહેલાંની તાજેતરની પેઢીના ઉદયન ઠક્કર અને હરીશ મીનાશ્રુ પણ છે. આવી નોંધપાત્ર સમકાલીનતામાંથી આવતી નજરિયાની તેમ જ રચનારરીતિની નવીનતા સંગ્રહને તાજગી આપે છે. પદ્યરચનાની એકંદર વિવિધતા પણ નોંધપાત્ર છે.
સંગ્રહના સંપાદકો અમિત ચાવડા, અખિલ દવે અને મનીષા રીબડિયા બાબાપુરની નીવડેલી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે અન્યત્ર શિક્ષકો છે. ગાંધી માટેની તેમની આસ્થા અને સાહિત્યિક સૂઝ સંગ્રહમાં દેખાય છે. જો કે ‘અગાઉના સંપાદનોની મોટા ભાગની કવિતાઓ લેવામાં આવી નથી’ એવું વિધાન વિચારણીય છે.
ગાંધીનું મહાત્મ્ય ઉજાગર કરવા માટેની કવિઓની એક દુ:ખદ પ્રેરણા ગાંધીહત્યા છે. તેનાથી અવિનાશ વ્યાસને ‘ઝૂકી પડ્યો હિમાલય’ અને સ્નેહરશ્મિને ‘મોટા ઘરનો મોભ તૂટ્યો આ’ એમ લાગે છે. કવિ ખબરદાર ગાંધીનાં ‘ફૂલવિસર્જન’ વેળાની જનતાની વેદનાની કવિતા લખે છે.
જો કે ઉપેન્દ્ર પંડ્યા માટે હત્યા ‘મહાત્માનું મહાપ્રસ્થાન’ છે. અમીન આઝાદ માટે ગાંધીના મૃત્યુએ અહિંસાને અમર બનાવી છે. મકરંદ દવે કહે છે કે ગાંધીનો અંત અમરોને પણ ઇર્ષાથી બાળે તેવો છે. બ.ક. ઠાકોર ‘ગાંધીજીની શહીદી (પંડિતજીની નભોવાણી)’ નામની રચના કરે છે.
ગાંધીજીની સમાધિની મુલાકાત અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની ત્રણ પંક્તિમાં મૂકાયેલા 16 શબ્દોની કવિતાનો વિષય છે. સંગ્રહની આ સહુથી ટૂંકી કવિતા, કવિઓના નામના કક્કાવારી મુજબ ગોઠવાયેલા સંગ્રહની પહેલી રચના છે. ઉશનસ્ રાજઘાટે મંદાક્રાન્તામાં પૂછે છે : ‘કેવી સહેલી સરલ ભૂલવા કેરી આ રીત,ગાંધી !’ યોસેફ મેકવાન પણ ‘રાજઘાટ જોતાં’ કવિતા લખે છે.
ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ‘હતાશ હૈયે’ પાછાં વળ્યાં તે વિશે ઝવેરચંદ મેઘાણી ‘માતા ! તારો બેટડો આવે રે..’ નામનું લાંબું ગીત ‘શિવાજીનું હાલરડું’ના તાલે લખે છે. અત્યારના ઉદયન ગોળમેજી વખતે બાપુને ઇંગ્લેંડના ગરીબો, મજૂરો અને બાળકોએ આપેલા પ્રેમની વાત કરે છે. કલ્પનો સાથેની ત્રણ નાની પંક્તિઓની અગિયાર કડીની કવિતાને અંતે તેઓ પૂછે છે : ‘… તમે કહો છો કે ગોળમેજીથી / ગાંધી આવેલા ખાલી હાથે ?’
નલીન રાવળની કવિતામાં રંભા દાઈએ આપેલા રામનામના મંત્રથી ડર ભગાડનાર ‘નાનો મોહન’ દક્ષિણ આફ્રિકાના અંધારાંમાં અને નોઆખલીની આગમાં અભયપદ જાળવી રાખે છે. પ્રવીણ ગઢવી ચોટદાર રીતે લખે છે કે રામથી હો ચિ મિન્હ સુધીના નાયકો પદો પર બિરાજ્યાં પણ ‘એકલો ગાંધી કેવળ તું, તાજ ઓ તખ્ત વિહીન’.
‘ગાંધીને પત્ર’માં હિતેન આનંદપરા ફોટા, તેમના નામના રસ્તા, ઇમારતો, ટ્રસ્ટો, પુસ્તકો, વેબસાઈટ ઇત્યાદિ થકી થતાં મહાત્માના મહિમામંડનની વચ્ચે ગાંધી ‘ક્યાં ય નથી’ તેવો કટાક્ષ વિકસાવે છે. સિંતાશુ યશશ્ચન્દ્રની ત્રણ પાનાંની, સાદ્યંત મધ્ય ગુજરાતની બોલીમાં લખાયેલી અઘરી વ્યંજનાત્મક ‘દૂધ’ કવિતા પૂછે છે : ‘ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો ?’
સંગ્રહની સહુથી લાંબી ચાર પાનાંની કવિતા ‘ગાંધીને માથે કાગડો’ હરીશ મીનાશ્રુની છે. તેમાં સાંપ્રત દેશકાળનું કંઈ કેટલું ય છે – વિદ્યાપીઠ, રિવરફ્રન્ટ, ન્યુ નૉર્મલ, ન્યૂઝ ચૅનલ, સાર્થ જોડણીકોશ, ડેમૉક્રસી, રાફેલ, રાષ્ટ્રવાદ, સુડા બહોતેરી, ફેન્ગ શુઇ, ક્રોમેટોલોજિ, પૉલિટિકલી કરેક્ટ – આવા સંદર્ભોની યાદી લાંબી થઈ શકે.
અંતે પ્રશ્ન છે કે આપણે જેને કાગડો કે બીજું કોઈ પક્ષી સમજી રહ્યા છીએ ‘એ હુમા તો નહીં હોય ને ?’ કેમ કે, ‘કિવાદંતી છે કે / જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો / એ ચક્રવર્તી બને ભૂમાનો’. રમેશ પારેખની કવિતા ‘બાપુ બોલ્યા’માં કટાક્ષ સાથેનું હાસ્ય છે.
બાપુને કરસનદાસ માણેક ‘હરિનો ખેપિયો’ કહે છે, તો કિસ્મત કુરેશી ‘રાષ્ટ્રના બાગબાં’. એકવીસ શબ્દો અને છ લીટીમાં લાલજી કાનપરિયા લખે છે કે નજીકના ભવિષ્યમાં ‘સપ્તર્ષિ બની જશે અષ્ટર્ષી’. વિપિન પરીખ ગાંધી સાથે ઇસુને મૂકે છે, તો રાજેશ પંડ્યા કબીરને. ચશ્માં,ઘડિયાળ, ચપ્પલ, લાકડી જેવી ગાંધીની વિવિધ વસ્તુઓમાં તેમના ગુણોના પ્રતીક જોતી એકાધિક રચનાઓ છે.
ગાંધીજનો તેમ જ ગાંધીયુગ કે વિચારની વત્તીઓછી અસર ઝીલનારાની ભાતીગળ રચનાઓ અહીં છે. પિંગળશીભાઈ અને ભૂદર લાલજી જોશી દુહા રચે છે, તો મુરલી ઠાકુર ભજન. 1913માં લખાયેલું ‘સહુથી પહેલું ગાંધીગીત’ એ ‘લલિતજી’ પાસેથી મળે છે.
કૃષ્ણલાલ શ્રીધરાણી અને જયમિત પંડ્યાએ ગુલબંકી છંદમાં લખેલી વીરરસની કવિતાઓ છે. ગાંધી માટેની લાગણી ‘કોલક’ પૃથ્વી છંદમાં તો મનસુખલાલ ઝવેરી અને જયંત પાઠક અનુષ્ટુપમાં, અને સુંદરમ શિખરિણીમાં વ્યક્ત કરે છે. અમૃત ઘાયલ, અશોક ચાવડા, શેખાદમ આબુવાલાની ગઝલો અહીં છે.
આવરણ હકુ શાહની કૃતિનું છે, અને દરેક કવિતાને અનુરૂપ, ગુલામ મોહમદ શેખનાં ચિત્રો સહિતના, ચિત્રો મળે છે. તેનો અને પાનાં પરની મોકળાશભરી માંડણીનો યશ ‘યજ્ઞ’ના પ્રકાશન વૃંદના હંમેશના કસબીઓ પારુલબહેન દાંડીકર, આઝરાબહેન અને જ્યોતિબહેનને આપી શકાય. ચાળીસ વર્ષની આસપાસની ઉંમરના શિક્ષક-સંપાદકો માટે, અત્યારના ગાંધીવિરોધી માહોલમાં, આવો દૃષ્ટિપૂર્ણ સંચય કરવા પાછળના ચાલકબળ અંગે કુતૂહલ રહે.
સંપાદકોની માતૃસંસ્થા શ્રી સર્વોદય વિદ્યા મંદિરનાં નિયામક તેમ જ આરઝી હકૂમત અને આઝાદી જંગના લડવૈયા દંપતી દમયંતીબહેન અને ગુણવંતરાય પુરોહિતનાં પુત્રી મંદાકિનીબહેન પુસ્તકની આરંભિક નોંધમાં લખે છે : ‘અમૃતમહોત્સવની આથી રૂડી શરૂઆત સર્વોદય માટે બીજી કઈ હોઈ શકે ?આજે જ્યારે ચારે બાજુથી સંકુચિતતા, જડતા અને સ્વાર્થનો પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે પરસ્પર સહજીવન અને સૌહાર્દ ગાંધી જ શીખવી શકે, કેમ કે અસમાનતા અને કટ્ટરતાના વિષને જનમાનસની નસોમાંથી ઉતારવાની જાદુગરી ગાંધી નામના ગારૂડી પાસે જ છે.’
નવી પેઢીના સંપાદકો અને ગાંધી તેમ જ સર્વોદય વિશે ઉત્તમ પુસ્તકો પ્રસિદ્ધ કરતાં રહેનાર યજ્ઞ પ્રકાશનના સુમેળથી આવેલું આ ગાંધી કાવ્ય સંપાદન વસાવવા જેવું, પાઠ્યક્રમોમાં મૂકવા જેવું છે.
‘સત્યનું કાવ્ય’, પ્રકાશક – યજ્ઞ પ્રકાશન, પાનાં 100, રૂ. 60/-
પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાપાગા, વડોદરા 390 001, સંપર્ક : 0265 – 2437957, 9016479982
01 ઑક્ટોબર 2023
[આભાર : ચંદુ મહેરિયા, તોરલબહેન પટેલ, અજય રાવલ, સરલાબહેન ભટ્ટ, હંસાબહેન પટેલ]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
![]()




તો સરદાર પટેલ ૧૯૪૫માં ગાંધીજીની સાથે વધ કરવાને લાયક હતા, પણ અત્યારે આરાધ્યદેવ છે. વર્તમાનમાં હિન્દુત્વવાદીઓના આરાધ્યદેવ સરદાર પટેલને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ૨૫મી નવેમ્બર ૧૯૪૮નાં રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવે છે. એમાં પોતાનું વક્તવ્ય આપતાં સરદાર કહે છે: “… હું બીજા લાખો લોકોની જેમ ગાંધીજીનો એક વફાદાર સિપાહી માત્ર છું, જેણે ગાંધીજીનો પડ્યો બોલ જીત્યો છે. એવો એક સમય હતો જ્યારે દરેક લોકો મને ગાંધીજીના આંધળા અનુયાયી તરીકે ઓળખાવતા હતા, પણ હું અને ગાંધીજી બન્ને જાણતા હતા કે અમારી વચ્ચેની સંમતિ વિચારપૂર્વકની હતી. …. ઘણાં વર્ષો સુધી ગાંધીજી અને મારા વિચાર સંપૂર્ણપણે મળતા હતા અને તેમાં એક પ્રકારની સહજતા હતી. પણ જ્યારે ભારતની આઝાદી વિશેનો મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે અમારી વચ્ચે મતભેદ થયા. મને એમ લાગતું હતું કે આપણે અત્યારે ને અત્યારે આઝાદી મેળવી લેવી જોઈએ, પછી ભલે દેશનું વિભાજન કબૂલ કરવું પડે. હું ભારે મનોમંથન અને ઊંડા દુ:ખ સાથે આવા તારણ પર આવ્યો હતો. જો વિભાજન કબૂલ કરવામાં ન આવે તો દેશના હજુ વધુ ટૂકડા થઈ શકે છે એમ મને લાગતું હતું. … પણ ગાંધીજી મારા અભિપ્રાય સાથે સંમત નહોતા. પરંતુ તેમણે મને એમ કહ્યું હતું કે જો તમારો અંતરાત્મા તમારા તારણને પુષ્ટિ આપતો હોય તો તમે તમારા માર્ગે આગળ વધી શકો છો. ગાંધીજીએ જેમને પોતાના વારસદાર અને ઉત્તરાધિકારી જાહેર કર્યા છે એ આપણા નેતા (જવાહરલાલ નેહરુ) પણ મારી સાથે સંમત હતા. ગાંધીજીએ અમારો (સરદાર અને નેહરુ)
એ તો જાણીતી ઘટના છે કે વિભાજનનો નિર્ણય લીધા પછી કાઁગ્રેસ કારોબારીમાં મહાત્મા ગાંધીને બોલાવવામાં આવ્યા હતા અને તેમને નિર્ણયની જાણ કરવામાં આવી હતી. અને પછી કહેવામાં આવ્યું હતું કે આપને આરામની જરૂર છે, આપ આરામ કરવા જઈ શકો છો અને એ રીતે બેઠકમાંથી વિદાય આપવામાં આવી હતી. પણ મોટાભાગના લોકો આ બધું જાણતા હોતા નથી અને જાણવાની તસ્દી લેતા નથી એટલે જૂઠાણા ફેલાવનારા લોકો તેનો લાભ લે છે. અનેકવાર બોલો, અનેક રીતે બોલો અને અને અનેક મોઢે બોલો અને પછી જુઓ, સામાન્ય માણસ ડબ્બામાં આવી જશે.
1915ના અરસામાં જે ગુજરાતી તરુણો મુંબઇમાં આગળ પડતા ને સક્રિય હતા તે માંહેલી બે વ્યક્તિઓએ એમના આ વેશપ્રવેશની નોંધ પોતાપોતાની વિલક્ષણ પદ્ધતિએ લીધી છે. એક તો ક.મા. મુનશીએ, અને બીજા ઇન્દુલાલ યાજ્ઞિકે, પોતપોતાની આત્મકથામાં. તમે કનૈયાલાલ મુનશીની નાટ્યાત્મક રજૂઆત વાંચશો તો ખયાલ આવશે કે મુંબઇના સંભ્રાન્ત પારસી શ્રેષ્ઠી પરિવારે યોજેલ પાર્ટીમાં, સ્વાગતમિલનમાં, હકડેઠઠ સૌ જેની વાટ જોતા હતા તેને, દક્ષિણ આફ્રિકાના વિજયી વીરને, પહેલી નજરે ઓળખી શક્યા નહોતા. કારણ, એ કોઇ બેરિસ્ટર સહજ સુટેડબુટેડ ટાઇબંધા લેબાસમાં નહોતો, પણ કાઠિયાવાડી અંગરખાભેર હતો. મુનશીએ નોંધ્યું છે કે એમની પડોશમાં ઊભેલાં એક પારસી સન્નારી કેમે કરી હસવું ખાળી ધીમેથી બોલ્યાં હતાં કે આ તો ‘ઢનો ડરજી’ લાગે છે!