ભારતના આધુનિક ઇતિહાસકાર તરીકે જાણીતા લેખક રામચંદ્ર ગુહા તેમના સંશોધનકાર્ય અર્થે અમદાવાદના સાબરમતી આશ્રમના અભિલેખાગાર(આર્કાઇવ્ઝ)ની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ વાતચીત દરમિયાન લેખક રામચંદ્ર ગુહાએ સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અને સાથે કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનુંશું મહત્ત્વ રહેલું છે, તે વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.
અમદાવાદના સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અંગે વાતચીત કરતાં રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે હું અહીં લગભગ ત્રીજી અથવા ચોથી વખત મુલાકાત લઈ રહ્યો છું. અહીં આર્કાઇવ્ઝ માટેનું એક અલગ જ બિલ્ડિંગ છે અને ત્યાં કાર્યરત કર્મચારી તેમ જ સંશોધક આરામથી સંશોધનનું કાર્ય કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કાર્ય કરતાં લોકો આર્કાઇવ્ઝ અને પોતાના કાર્ય અંગે માહિતગાર છે અને સાથે મદદગાર પણ છે. મારા સંશોધનના કાર્ય માટે મને ત્રિદીપભાઈ અને કિન્નરીબહેન તરફથી ખૂબ જ મદદ મળી રહી છે. સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝનું આ નવું બિલ્ડિંગ ખૂબ જ સરસ છે અને મને લાગે છે કે ભવિષ્યમાં અહીં ગાંધીજી અને તેમની સાથે સંલગ્ન વિવિધ સ્વરૂપની સામગ્રી તેમ જ ડૉક્યુમેન્ટ્સમાં વધારો થતો રહેશે. મહાત્મા ગાંધી અને તેમની સાથે જોડાયેલ તેમ જ કાર્ય કરી ચૂકેલા લોકો અને તેમના પરિવારોના પેપર્સ અને સામગ્રી અહીં લાવી શકાય તેમ છે. આ સિવાય ભવિષ્યમાં તીનમૂર્તિ (The Nehru Memorial Museum & Library (NMML))ની પણ કેટલીક સામગ્રીનો અહીં સમાવેશ થઇ શકે તેમ છે. મેં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા દેશ-વિદેશના આર્કાઇવ્ઝની મુલાકાત લીધી છે,1 તેમાં માહિતી અને ડૉક્યુમેન્ટ્સના સંદર્ભમાં તીનમૂર્તિ અને સાબરમતી આશ્રમની આર્કાઇવ્ઝ મને શ્રેષ્ઠ લાગે છે. મહાત્મા ગાંધી વિષય આધારિત સંશોધન કરવા માટે પણ આ બંને જગ્યાઓ શ્રેષ્ઠ છે.
જો કોઈએ આર્કાઇવ્ઝ ચલાવવી હોય, તો તે માટે કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો જે ક્ષેત્ર અથવા વિષયનું આર્કાઇવ્ઝ હોય, તે માટેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે અને બીજું પ્રતિબદ્ધતા હોવી અગત્યની છે, કારણ કે તમારી પાસે આર્કાઇવ્ઝમાં જે કોઈ ચીજવસ્તુઓ છે, તે ખૂબ જ મૂલ્યવાન છે અને ત્યાં કાર્યરત વ્યક્તિ પણ ઇતિહાસ સાથે સંકળાયેલ હોય છે, માટે આર્કાઇવ્ઝમાં કાર્ય કરવું એ માત્ર કોઈ નોકરી નથી પણ તેથી વિશેષ છે. સૌથી અગત્યનું આર્કાઇવ્ઝ તો એ જ છે કે જેમાં માહિતી ઉપલબ્ધ હોય, તે કાર્યક્ષમ હોય અને સાથે તેમાં જે કોઈ પણ ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવે છે, તે અંગે તે માહિતગાર હોય.
કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝની અગત્યતા વિશે વાત કરતા રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે જે-તે ક્ષેત્રના આર્કાઇવ્ઝમાં તેના રેકૉડ્ર્સ, લેખિત તેમ જ ઑડિયો-વિઝ્યુઅલ અને અન્ય ડૉક્યુમેન્ટ્સની જાળવણી અને સાથે તેનું ડિજિટાઇઝેશન કરવું આજના સમયમાં જરૂરી છે. તે અંગેનું ઉદાહરણ આપતાં તેઓ જણાવે છે કે ક્રિકેટના વિષયમાં તેના રેકોર્ડસ અંગેની પૂરતી જાણકારી હજુ પણ ઉપલબ્ધ જ નથી, માટે રાષ્ટ્રીય નેતાઓ સિવાય પણ અન્ય વિષય જેવા કે ક્રિકેટ, કળા, બિઝનેસ અને અન્ય તમામ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનું હોવું એ ખૂબ જ અગત્યનું છે. આર્કાઇવ્ઝમાં માત્ર પેપર્સ અને ડૉક્યુમેન્ટ્સ હોવા ઉપરાંત ભૌતિક ચીજવસ્તુઓ હોવી પણ જરૂરી છે. જેમ કે મહાત્મા ગાંધી સાથે સંલગ્ન આર્કાઇવ્ઝમાં જો ચરખો પણ રાખવામાં આવ્યો હોય તો તેનું પણ મૂલ્ય રહેલું છે. જેમ વધુમાં વધુ આર્કાઇવ્ઝની રચના થતી રહેશે, તે રીતે લોકોને પણ ભવિષ્યમાં તેનો લાભ મળતો જ રહેશે.
1. હાલ હું બૅંગલુરુ શહેરમાં રહું છું કે જ્યાંનું વાતાવરણ સરસ છે, ત્યાં સરસ ગાર્ડન્સ પણ આવેલા છે, એક ક્રિકેટ-સ્ટેડિયમ પણ છે અને સાથે દેશનો સૌથી સારો સેકન્ડ હેન્ડ બૂકસ્ટોર પણ આવેલો છે, પરંતુ આ શહેરમાં કોઈ ચોક્કસ આર્કાઇવ્ઝની વ્યવસ્થા નથી. એટલે હું મારા કાર્ય માટે ચોક્કસ સમયના અંતરે અન્ય શહેરની મુલાકાત લઉં છું અને મારી જાત સાથે જૂના પત્રો તેમ જ મૅન્યુિસ્ક્રપ્ટ્સમાં લીન થઈ જાઉં છું. મેં ભારતમાં સંશોધનના કાર્ય માટે અત્યાર સુધી દિલ્હી, દેહરાદુન, નૈનિતાલ, લખનઉ, મુંબઈ, પૂના, અમદાવાદ અને ચેન્નાઈના આર્કાઇવ્ઝની મુલાકાત લીધેલી છે. મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે તેઓને લખવાના કાર્ય કરતાં સંશોધનના કાર્યમાં વધારે મજા આવે છે. આક્રાઇવ્ઝમાં ઉપલબ્ધ ડૉક્યુમેન્ટ્સ આધારિત કાર્ય કરવામાં એક પ્રકારનો રોમાંચ રહેલો છે અને એવા ડૉક્યુમેન્ટ્સ જે વર્ષોથી સચવાયેલા હોય અને જે અગાઉ ક્યારે ય કોઈએ જોયા પણ ના હોય તેવું કાર્ય માત્ર આર્કાઇવ્ઝ થકી જ શક્ય બની શકે છે.
(19 ડિસેમ્બર, 2015ના રોજ હિન્દસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં આક્રાઇવ્ઝ અંગે તેમની નોંધ)
E-mail : nbhavsar1990@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 17
![]()


હું એક અભ્યાસી છું, કર્મશીલ કે રચનાત્મક કાર્યકર નથી. હાલમાં હું ગાંધીજીના જીવન અંગે બે ભાગમાં પ્રકાશિત થનાર પુસ્તકના લેખનમાં રોકાયેલો છું. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકામાં વીતેલાં વર્ષો અંગેના પહેલા ભાગ પછી, હવે બીજા ભાગમાં તેઓ જાન્યુઆરી ૧૯૧૫માં પરત આવ્યાથી માંડીને ૩૩ વર્ષ બાદ તેમની હત્યા થઈ તે અંગેની વિગતો છે.

સિતાંશુભાઈ, અમિત ધોળકિયા, અત્રે ઉપસ્થિત થયેલાં સજ્જનો અને સન્નારીઓ, હું મારું વક્તવ્ય, જો કે વક્તવ્ય શબ્દ જરા વધારે પડતો મોટો થઈ ગયો, શરૂ કરું એ પહેલાં બે કારણસર માફી માગી લેવી જરૂરી છે. પહેલું તો એ કે સિતાંશુએ જેમ કહ્યું તેમ ગુજરાતીમાં બોલવાની ટેવ મેં ઘણાં વર્ષોથી છોડી છે. છેલ્લું ગુજરાતીમાં મેં પ્રવચન આપ્યું’તું એક સિરિયસ વિષય ઉપર, ૧૯૮૩માં. કાર્લ માર્ક્સની શતાબ્દી હતી. મારું માર્ક્સ વિશેનું પુસ્તક, ‘માર્ક્સિઝ થિયરી ઑફ આઇડિયોલૉજી’ તે જ વખતે પ્રસિદ્ધ થયું હતું. અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં શામલાલે એનો સેન્ટર પેઇજ ઉપર મોટો અને સુંદર રિવ્યૂ કર્યો અને કહ્યું હતું કે માર્ક્સ ઉપર ઘણાં પુસ્તકો લખાયાં છે પણ અત્યાર સુધી distinctively Indian perspective મળ્યો નથી. ફ્રૅન્ચ પર્સ્પેક્ટિવ આલ્થુઝરે આપ્યો છે, ચાઇનીઝ પર્સ્પેક્ટિવ માઓ ત્સે તુન્ગે આપ્યો છે, પણ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ નથી. જ્યારે આ ચોપડીમાં ઇન્ડિયન પર્સ્પેક્ટિવ દેખાય છે, એમ શામલાલે લખ્યું. મને આશ્ચર્ય થયું કે આટલાં બધાં વર્ષો વિદેશમાં રહ્યા પછી ઇન્ડિયન પર્સ્પેક્ટિવ ક્યાં રહ્યો ? અને કોક-કોક વાર એમણે એમ પણ કહ્યું’તું કે ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ છે. ત્યારે મને થયું કે મારા જેવો સોનીનો દીકરો ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ ક્યાંથી લાવ્યો ? છતાં ય, એ ઉમાશંકરભાઈએ વાંચ્યું’તું ને ખૂબ ખુશ થયા. મને ચોપડી આપો મારે વાંચવી છે. આપી. ઘણી ગમી એમને. પછી મને કહ્યું એ આ માર્ક્સવાદ અને સૌંદર્યશાસ્ત્ર ઉપર તમે લેક્ચર આપો. ને એક શરતે કે ગુજરાતીમાં બોલવું પડશે. મેં એમને કહ્યું કે એક શરતની સામે મારી બીજી સામી શરત એ છે કે અડધું અંગ્રેજી, અડધું ગુજરાતી – compromise કરીએ! તૈયાર થયા. ત્યારથી સિતાંશુએ મને કહ્યું કે એક દિવસ તમારી પાસે સંપૂર્ણ ગુજરાતીમાં બોલાવીશ. મને ડર હતો કે કદાચ જો સિતાંશુ સત્યાગ્રહ કરે તો મારી પાસે એનો પ્રત્યુત્તર નથી. એટલે મેં હા પાડી. અને ત્રીસ વર્ષ પછી પહેલી વાર આ રીતે ગુજરાતીમાં એક ઊંડા વિષય ઉપર કે જે ખૂબ ચિંતન માગી લે છે, એ વિષય ઉપર ગુજરાતીમાં બોલી રહ્યો છું. જ્યારે મારી આખી વૈચારિક ભૂમિકા જે છે conceptual framework જે આ વિષય ઉપર ઍપ્લાય કરીશ એ આખું અંગ્રેજીમાં ઘડાયેલું છે. કોક-કોક વાર જો કંઈક લાગે કે આ માણસ કંઈક વિચિત્ર બોલે છે, તો ભાષાનો વાંક છે. મારો વાંક નથી.
પહેલો સવાલ જે હું ઝડપમાં બાજુએ મૂકી દઈશ, કારણ કે બાકીના બે સવાલો મારે માટે વધારે મહત્ત્વના છે. આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત – આ વાક્ય મને ખૂબ મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનો કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે, ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું deconstruction શું ? એનો અર્થ શું ? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું ? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. મારું એવું માનવું છે કે ગાંધીજીની અંદર ગુજરાતીની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં, રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃિત જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણવ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં આપણા હિંદુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયા રૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં, પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે, ત્યારે ત્યાં મૅડમ બ્લેવેેટ્સ્કીની થિયોસૉફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે આ મોક્ષ એટલે શું ? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે ? એમની પાસે કોઈ જાતનો જવાબ ન હતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિંદુધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિંદુ જે થોડું ઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે, એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે ? શું છે ? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnold-નો The Light of Asia, જે ‘ગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ છે (અને ગાંધીજીએ છેલ્લે સુધી કહ્યુું હતું કે ‘ગીતા’નો અંગ્રેજીમાં કોઈએ સારામાં સારો અનુવાદ કર્યો હોય તો આ) – એ અનુવાદ વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો. મારો ઈશ્વર ગુમાવ્યો. વિશ્વાસ જ નહોતો બેસતો અને ખાસ કરીને હિંદુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – તેને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિંદુ છે તેનું અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. બહારના માણસો એમની પાસે જે વંચાવે છે. તે વાંચીને અભિમાન આવે છે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે. અને ગાંધીજીના જીવનમાં હિંદુ ધર્મ અને ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિંદુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિંદુ છે કે ખ્રિસ્તી હિંદુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નોન હિંદુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ માટે એક વાર; અને તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ એવો નેતા મારા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આજ મારી કર્મભૂમિ છે. અહીંયા જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’માં લંડન ગયા. બાકી આઈન્સ્ટાઇનનું આમંત્રણ આવ્યું. જે વિશે મેં લખ્યું છે. આઇન્સ્ટાઈનના Archivesમાં એમની અને ગાંધીજી વચ્ચેનો સુંદર કોરસ્પોન્ડન્સ છે. ‘તમે આવો અહીંયાં’ – તો ગાંધીજી કહે છે કે ‘હું તો મારો દેશ છોડતો નથી, કારણ કે મારા જીવનની એકેક સેકન્ડ હું મારા દેશને ગિરવે આપી ચૂક્યો છું. પણ તમે આવશો તો આનંદ થશે : એ શરતે કે મારા આશ્રમમાં આપણે જામીન ઉપર સુઈશું.’ માણસ દેશ છોડતો જ નથી. જે જોવાનું તે જોઈ લીધું છે.