
જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યાનું ઔચિત્ય શું હતું, તે અંગે હત્યારા નથુરામ ગોડસેએ દિલ્હીમાં વિશેષ અદાલત સમક્ષ એક બયાન આપ્યું હતું. આ બયાન સાર્વજનિક થવું જોઇએ? ઘણા સમયથી ચાલતા આ વિવાદનો અંત લાવીને કેન્દ્રીય સૂચના આયોગના આયુક્ત શ્રીધર આચાર્યુલુએ એક આદેશમાં ગોડસેના બયાન સહિત ગાંધીજીની હત્યાના દસ્તાવેજ રાષ્ટ્રીય અભિલેખાગારની વેબસાઇટ પર મૂકવાની સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, ‘નથુરામ ગોડસે અને એના સહ-આરોપી સાથે કોઇ સહમત ન હોય પણ, એમના વિચારોને ઉઘાડા કરવાનો ઇન્કાર ન થઇ શકે.’
આચાર્યુલુએ એમ પણ કહ્યું છે કે ગોડસેના વિચારો સાથે સહમત હોય તેવી વ્યક્તિ પણ ભિન્ન મત ધરાવતી વ્યક્તિની હત્યા કરવાની હદ સુધી ન જઇ શકે. વિચારોની અસહિષ્ણુતાના આજના દાૈરમાં આ એક મહત્ત્વનો નિર્ણય છે. અસહિષ્ણુતાનો મતલબ છે કોઈ ધર્મ, જાતિ અથવા વ્યક્તિના વિચાર, રહન-સહન, વ્યવહાર કે રુચિને પસંદ ન કરવી, બર્દાશ્ત ન કરવી તે. સહમતી અને સહનશીલતા માનવ જીવનના પાયામાં છે. વસ્તુત: આ સંસાર વિશ્વાસ, આત્મીયતા અને સહયોગનું પાલન કરીને જ જીવિત છે.
સહઅસ્તિત્વ એ પ્રકૃતિનો નિયમ છે. ઇકોલોજીની માન્યતા છે કે સૃષ્ટિ સંતુલન ઉપર ટકી છે. આ રોકેટ સાયન્સ નથી. આપણા શરીરમાં પ્રત્યેક કણ પોતાને ટકાવી રાખવા માટે પાડોશી કણ ઉપર નિર્ભર છે. દરેક કણને એ પણ ‘ખબર’ છે કે એના જીવતા રહેવા માટે બીજા કણનું જીવતા રહેવું આવશ્યક છે. દરેક જીવ અને દરેક પ્રજાતિ સહઅસ્તિત્વના આ નિયમ પર કરોડો વર્ષોથી ટકી રહી છે. પ્રકૃતિમાં એક જીવ બીજા જીવને ત્યારે જ મારે છે જ્યારે એને ભોજનની જરૂર હોય છે. માત્ર માણસના કિસ્સામાં જ એવું બન્યું છે કે એક માણસ બીજા માણસને વિચાર માટે મારે છે.
અત્યારની વૈચારિક અસહમતીનો પાયો ગાંધીજીની હત્યામાં છે. ગોડસેએ સરેઆમ કહ્યું હતું કે એને ગાંધીના વિચારો સામે વાંધો હતો. તે વખતે ગોડસે લઘુમતીમાં હતો, અને શ્રીધર આચાર્યુલુ કહે છે તેમ, ત્યારે કોઈને અંદાજ પણ ન હતો કે માત્ર ભિન્ન મતનો આધાર લઈને કોઈ માણસ ગાંધીજીની હત્યા કરી નાખે. આજે આ હકીકત છે, કલ્પના કે અંદાજ નહીં. ભારતીય સમાજ અને લોકશાહીનો પાયો ભિન્ન મતમાં ચણાયો હતો, અને આજે આપણે એક રાષ્ટ્ર તરીકે સંસારમાં જે સાહસ અને ભરોસા સાથે ઊભા રહીએ છીએ એનું કારણ આ સહઅસ્તિત્વ છે.
કોઈ પણ સમાજની મહાનતાનો પુરાવો એની મૌલિકતા અને અનોખાપનમાં છે. મૌલિકતાની ક્ષમતા જ એ સમાજને પ્રચલિત મતથી વિરુદ્ધ હોય તેવી વ્યક્તિને સહન કરવાની તાકાત બક્ષે છે. સોક્રેટીસ, ક્રાઇસ્ટ, બુદ્ધ કે ગાંધીજી નોખા હતા અને પ્રચલિત ચોકઠામાં ફિટ થયા ન હતા. સમાજે એમને સહન કર્યા એમાં એમનું નહીં, સમાજનું જ ભલું થયું હતું. કેચ પણ અહીં છે. સમાજ જેમ જેમ સંપન્ન અને સફળ થતો જાય તેમ તેમ એનું ગર્વ વધતું જાય અને કટ્ટરતા આવતી જાય.
ભારતને આજે ગૌતમ બુદ્ધની મૌલિકતા કે ગાંધીજીના અનોખાપનની જરૂર નથી, અને એટલે જ ભિન્ન મતને સહન કરવાની ક્ષમતા ઓછી થઇ રહી છે. સંપન્ન સમાજની ટ્રેજેડી એ હોય છે કે એનામાં અ-ભય(સિક્યુરિટી)ની જરૂરિયાત વધી જાય છે, અને એ સમાજ નિર્ભય બનવા માટે જાત-ભાતનાં બંધનો, નિષેધ અને મનાઇમાં જીવતો થઈ જાય છે. ગોડસેએ ગાંધીજીની હત્યાના સમર્થનમાં જે બયાન આપ્યું હતું તે આવા જ ડરને કારણે જાહેર કરાયું નથી.
પૂરા સંસારમાં સંવેદનશીલ માહિતીઓ એવા સંશયથી છુપાવવામાં આવે છે કે એને સાર્વજનિક કરવાથી ગલત માણસો એનો ગલત ઉપયોગ કરીને સુરક્ષા સામે ખતરો ઊભો કરશે. કેન્દ્રીય સૂચના આયોગના આયુક્ત શ્રીધર આચાર્યુલુ એવા મતના છે કે ઉચિત ખુલાસાની ઉપસ્થિતિમાં શંકા કે ગોસિપનું નિવારણ થાય. ગાંધીજીની હત્યા કેવા સંજોગોમાં થઈ હતી, અને એની પાછળ કયાં કારણો હતાં, તેને લઇને ઘણી ચર્ચા છે. આ દસ્તાવેજો સાર્વજનિક થવાથી ઘણી બધી બાબતો સ્પષ્ટ થશે, અને એ આવકાર્ય છે.
ઉદાહરણ તરીકે ગોડસેના એક સહકાર્યકર મદનલાલ પાવહાએ એવો દાવો કરેલો છે કે ગાંધીજીની હત્યા માટે 3થી 4 લાખનું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતના એક મોટા હિન્દુ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે ગાંધીજી નકામી જીદ કરીને પાકિસ્તાનને ‘ફેવર’ કરી રહ્યા છે, અને ગોડસેએ જે કર્યું એ ‘ફરજ’ના ભાગરૂપે કર્યું હતું. જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદી એક કિતાબમાં લખે છે કે ગોડસેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં લડાયકતા ઓછી દેખાઇ હતી અને હિન્દુ મહાસભામાં એ ‘રાજકીય પૌરુષત્ત્વ’ વધુ દેખાયું હતું.
ગાંધીજી ઉપર અગાઉ પણ એક હુમલો નિષ્ફળ રહ્યો હતો, અને સરકાર પાસે બાતમી હતી કે ગાંધીજીના જીવને જોખમ છે. ગાંધીજીની હત્યા રોકી શકાઈ હોત? આ અને એવા અનેક સવાલોની સ્પષ્ટતા હત્યા સંબંધી દસ્તાવેજો જાહેર થવાથી થઈ શકશે. નથુરામના ભાઈ ગોપાલ ગોડસે (જેમને પણ જેલ થઈ હતી) ‘ગાંધી વધ ક્યોં’ કિતાબમાં લખે છે કે ધરપકડ પછી (રાજમોહન ગાંધીના પિતા) દેવદાસ ગાંધી નથુરામને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં નથુરામે એમને કહ્યું હતું, ‘તેં આજે પિતા ગુમાવ્યા છે. મારા કારણે તને દુ:ખ પહોંચ્યું છે. તને અને તારા પરિવારને જે દુ:ખ આવ્યું છે, તેનું મને પણ દુ:ખ છે. મારો વિશ્વાસ કરજે, મેં આ કામ અંગત દુશ્મનીમાં નથી કર્યું, ન તો મને તારા માટે કોઈ દ્વેષ છે કે ન તો ખરાબ ભાવ. મેં આ કામ માત્ર અને માત્ર રાજકીય કારણસર કર્યું છે.’ ગોપાલ ગોડસે પુસ્તકમાં નથુરામના વસિયતનો ઉલ્લેખ કરે છે. જેમાં એણે લખ્યું હતું, ‘સરકાર જો અદાલતમાં મેં આપેલા બયાન પરથી જ્યારે પણ પાબંધી હટાવી લે ત્યારે એને પ્રકાશિત કરવાનો અધિકાર હું તને આપું છું.’
આ બયાન હવે જ્યારે સાર્વજનિક થશે ત્યારે સૌથી વધુ ખુશી કદાચ ગાંધીજીના આત્માને જ થશે કે ગલતફેહમીઓ, ગલત હકીકતો, ગલત દાવાઓ અને પોસ્ટ ટ્રુથના આ દૌરમાં એમની હત્યા લોકતાંત્રિક પારદર્શિતાને વધુ વ્યાપક બનાવવાના કામમાં આવી.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 માર્ચ 2017
![]()


India is Gandhi's country of birth; South Africa his country of adoption. He was both an Indian and a South African citizen. Both countries contributed to his intellectual and moral genius, and he shaped the liberatory movements in both colonial theaters.
