સુરતની છોકરીની ભારતથી અમેરિકાની સંઘર્ષથી સિદ્ધિની યાત્રા એટલે અર્થશાસ્ત્રી પદ્મા દેસાઈની આત્મકથા ‘Breaking Out’ [મુક્તિયાત્રા]. પદ્મા દેસાઈનો જન્મ ૧૯૩૧ એટલે હાલ એમની વય એકાણુ વર્ષ પૂરાં. એમને દેશ છોડ્યાને ૬૪-૬૫ વર્ષ થયાં. સુરત, મુંબઈ, દિલ્હી, અમેરિકા, રશિયામાં એમણે વસવાટ કર્યો અને હાલ અમેરિકા રહે છે. તેઓ રશિયન અર્થતંત્રના અમેરિકન અભ્યાસુ અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત છે.
એમની આત્મકથા વાંચતાં પ્રથમ છાપ એમની અપ્રતિમ બૌદ્ધિકતા, સંવેદનશીલતા, સંઘર્ષને અતિક્રમી જઈ ફરીથી જાતને પુરવાર કરવાની ઉત્કટતા માટે અહોભાવ જગાડે છે. એમના પિતા કાલિદાસ દેસાઈ – કે.એલ. દેસાઈ સુરતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રોફેસર તો હતા જ ઉપરાંત નિવૃત્તિકાળમાં સુકાની પણ બનેલા. બે બહેનો અને એક ભાઈ સાથે એમનું બાળપણ વીતેલું. ઘરમાં માતા-પિતા અને કાકી સાથે તેઓ કુલ સાત વ્યક્તિ રહેતાં અને મહેમાનો, વિદ્યાર્થીઓની અવરજવર પણ રહેતી. ઉચ્ચ મધ્યમવર્ગીય, સંપન્ન અને સમૃદ્ધ જીવનશૈલી તો હતી જ. શાળાજીવનથી જ પ્રથમ સ્થાને રહેવાની સહજતા એમને વરી હતી. ભણવામાં તો હોશિયાર હતાં જ સાથે સંસ્કૃત, વક્તૃત્વ, સંગીત પણ એમના રસના વિષયો હતા. સુરતમાં શિક્ષણ લીધા પછી અર્થશાસ્ત્રનો વધુ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈ હતાં ત્યારે જ ‘આર.બી.’ના પ્રેમમાં પડેલાં અને પછી એની સાથે લગ્ન પણ કર્યાં. ત્યાર પછી દિલ્હી જોબ માટે અને અમેરિકા વધુ અભ્યાસ માટે ગયાં અને ત્યાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. આર.બી. સાથે લગ્ન ન ટક્યું. છૂટાછેડા માટે ખાસ્સી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. આ દરમિયાન જગદીશ ભગવતી સાથે ઓળખાણ થયેલી અને નવ વર્ષના મૈત્રીસંબંધ પછી તેઓએ લગ્ન કર્યા. અમેરિકામાં એમની સરસ કારકિર્દીનું મંડાણ થયું. તેઓ હાર્વર્ડમાં ભણ્યાં. એમનાં જેવી જ તેજસ્વી કારકિર્દી જગદીશ ભગવતીની પણ રહી. ઉપર જણાવ્યું તેમ તેઓ રશિયા પણ સંશોધન પ્રકલ્પ અંતર્ગત ગયાં હતાં. અમેરિકામાં એમને એક દીકરી જન્મી જેનું નામ અનુરાધા-ક્રિસ્ટીના. આત્મકથામાં એમણે પોતાનાં સમગ્ર જીવનની વાતો અત્યંત નિખાલસતા અને પારદર્શકતાથી લખી છે.
આટલી તો એમની જીવનકથાની ઝલક. બાકી એમનું જીવન કાંઈ ખાયાપીયા અને મઝા કીયા એવું સીધુંસાદું રહ્યું નથી. બાળપણમાં પણ માતાની માનસિક હાલત અને મિજાજ પરિવર્તનનો અનુભવ કપરો જ રહેલો. મુંબઈમાં આર.બી. સાથે શરૂઆત તો સારી થયેલી, પરંતુ પછી એ જ સંબંધના કારણે જાતીય રોગનો ભોગ બનવું પડેલું. એની શારીરિક-માનસિક અસર અમેરિકા ગયા પછી પણ રહેલી. દિલ્હી અને અમેરિકાના વસવાટ દરમિયાન જગદીશ ભગવતીનો પરિચય રાહતપ્રદ રહ્યો, છતાં છૂટાછેડાની જટિલ પ્રક્રિયાએ એમને ખાસ્સી તકલીફ આપી ત્યાં સુધી કે એમણે ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી- ક્વેકર બનવું પડ્યું. એ પ્રક્રિયા પૂરી તો કરી અને આર.બી.એ મન બદલ્યું અને છૂટાછેડા ન આપ્યા ! આ સમયખંડ જ્યારે છૂટાછેડાનો કાયદાકીય માર્ગ સરળ ન હતો ત્યારનો છે. એક સવાલ તો આજે પણ થાય કે કાયદા સરળ કેમ નથી હોતા અને તે વ્યક્તિગત ભીંસ કેમ વધારે છે ? જો કે પદ્માબહેન પોતાના ધર્મપરિવર્તનની ઘટનાને દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ તરીકે મૂલવે છે. પોતે કર્મકાંડી નથી અને ધાર્મિકતાનો પોતીકો અર્થ ધરાવે છે જેની છણાવટ એ કરતા રહે છે. જે રીતે ધર્મ એમના પર હાવી નથી તે રીતે સામાજિક બંધનોને પણ નજરઅંદાજ કરીને જીવનશૈલી ગોઠવવાની એમને ફાવટ રહી છે. અલબત્ત, એમને માનસિક રીતે જે તકલીફો પડી, એમણે એ સંદર્ભે જે સારવાર લેવી પડી, બાળક જન્મ માટે પણ જે પડકારોનો સામનો કર્યો તેનું વિશદ વર્ણન પણ એમણે કર્યું જ છે. માતાપિતા સાથેના સંબંધોમાં પિતા સાથે એમનું પ્રત્યાયન સંવાદિત રહ્યું છતાં એમને એ સંબંધો વિશે જે અનુભૂતિ રહી એનું વર્ણન પણ એમણે કર્યું જ છે, માતાની મક્કમતા અને નિર્ણયશક્તિની વારસાઈનો પણ એ ઉલ્લેખ કરે છે. ભાઈ-બહેનો સાથે સંબંધોમાં સૌહાર્દ ખરો પરંતુ સંપર્ક જ છૂટી ગયો. તો જગદીશ ભગવતી સાથેના લગ્નજીવનની સુખદ અનુભૂતિને પણ આલેખી છે. દીકરી સાથેના નિખાલસ સંબંધો અને દીકરીના નિજી જીવનનાં વલણોની સ્વીકૃતિ એ એમની અમેરિકન માનસિકતા અને જીવનશેલીને સમજવાની દૃષ્ટિનો પરિચય કરાવે છે.
ભારત, અમેરિકા અને રશિયા, દેસાઈ અને ભગવતી પરિવારની જીવનશૈલી, સંબંધો, પરંપરા વિશે એમનું આલેખન સમજીએ તો ભગવતી કુટુંબ સાથે સંબંધોની પરિપાટી સુગમ રહી તે સહજ દેખાઈ આવે. અમેરિકામાં ‘મનુષ્યત્વ’ના સ્વીકાર સાથે પણ કારકિર્દીના પડકારોની સંઘર્ષકથા કાંઈ લાલ જાજમની બિછાત તો નથી જ એમ તેઓ માને છે છતાં પોતે અમેરિકામાં મોકળાશથી પોતાનું સ્થાન બનાવી શક્યાં તે પણ સ્વીકારે છે. આપબળે કારકિર્દી બનાવવી એમાં પણ આર્થિક રીતે સ્વનિર્ભર રહેવું એ તો પદ્માબહેનની યાત્રાનું અભિન્ન અંગ રહ્યું છે. વાચકે એ સમયખંડ ધ્યાનમાં રાખવો જ જોઈએ. બન્ને પરિવાર પોતપોતાના ક્ષેત્રમાં અગ્રણી છતાં કારકિર્દી બનાવવા માટે તો સ્વબળ પર જ ઝઝૂમ્યાં. પદ્માબહેન પોતાની સિદ્ધિઓ માટે તો સંયમથી જ કલમ ચલાવે છે. પોતાનું અર્થશાસ્ત્રી તરીકે વૈશ્વિક સ્તરે પણ અવ્વલ હરોળમાં હોવું ક્યારે ય એમના પર હાવી થયું હોય તેવું જણાતું નથી. પોતાના કે જગદીશ ભગવતીના નિજી સંપર્ક ભારતના તત્કાલીન વડા પ્રધાન સાથે હોય કે યુનોનાં મહામંત્રી સાથે હોય પણ પદ્માબહેન અછડતો જ ઉલ્લેખ કરે. એમણે પ્રવાસ તો ખાસ્સો કર્યો, જગદીશભાઈ સાથે પુસ્તક લખ્યું, એ વખણાયું, જર્નલ્સમાં પણ લેખો લખ્યાં, અનેક સેમિનારોમાં પેપર વાંચ્યાં, આર્થિક નીતિમાં સલાહકાર પણ રહ્યાં અને માનઅકરામ પણ મળ્યા એવી વ્યસ્ત અને સફળ કારકિર્દી સાથે જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો તે વિશે એમણે ઉલ્લેખ કર્યો છે પણ કકળાટ નહીં. માનસિક તણાવ અને હતાશાનો દોર આવે તો પણ તેને પોતાના વ્યવસાય પર તો હાવી ન જ થવા દે એ એમનું આગવું લક્ષણ કહેવાય. તેઓ કહે છે કે એમને સંગીત અને વાંચનથી ખાસ્સો સધિયારો મળ્યો. જગદીશભાઈની ષષ્ઠીપૂર્તિ અને પોતાના અમૃત મહોત્સવની ઉજવણી આ બે અવસરથી એમને થયેલા રાજીપાની અભિવ્યક્તિ એમણે આનંદ અને ગૌરવથી કરી છે. એમની કુદરતી સૌંદર્ય પ્રતિની વિશિષ્ટ દૃષ્ટિ, માનવ સ્વભાવનાં નિરીક્ષણનો પરિચય એમના વર્ણનમાં મળે છે. ભગવતી પરિવારની હળવી રીતભાત અને ભોજનપ્રીતિને તેઓ સહજતાથી વર્ણવે છે. વાતોના વડાં જગદીશભાઈની પ્રિય પ્રવૃત્તિ હોય તેમ એનું વર્ણન તેઓ આ રીતે કરે છે કે ત્રણેક વર્ષની અનુરાધાને એનાં ટીચરે પૂછ્યું કે તારા પિતા શું કરે છે તો અનુરાધાએ જવાબ આપેલો કે He talks ! એક વાર નાનકી અનુરાધા એના મામા સાથે ફરી આવી અને પછી કહે કે હું તો ઝૂમાં જઈ આવી ! પદ્માબહેન લખે છે કે વિવિધ મંદિરોમાં દેવીદેવતાઓના જુદા જુદા વાહનો જોઈ આવેલી એટલે જેમ કે શિવનો પોઠિયો, ગણપતિનો ઉંદર, સરસ્વતીનો હંસ…… ! આમ પોતાની ગંભીર અનુભૂતિને આલેખવાની હથોટી એમને છે તો આ રીતે એમની લેખિનીમાં હળવાશ પણ છે. મને એક જ મુદ્દે નવાઈ લાગી કે ૧૯૩૧માં જન્મેલાં પદ્માબહેનની કથામાં આઝાદી આંદોલન વિશે કે ત્યાર પછીના નવનિર્માણ જેવી ચળવળ વિશે ખાસ ઉલ્લેખ નથી. યુવાન અનુરાધાની અમેરિકન વ્યક્તિગત સ્વતંત્રતાનો તેઓ આદર કરે છે છતાં જ્યારે અનુરાધા એમને સજાતીય સંબંધનો ઉલ્લેખ કરી સવાલ પૂછે છે ત્યારે પોતાના પહેલાં તાત્કાલિક પ્રતિભાવ માટે પાછળથી એમને અફસોસ પણ થાય છે તે કબૂલાત પણ તેઓ કરે છે. પદ્માબહેને પોતાનાં કાકીની વિધવા તરીકેની પરાધીન જિંદગીથી લઈ પોતાની, દીકરીની અને અન્ય ભારતીય – અમેરિકન સ્ત્રીઓની જિંદગીના ચડાવ-ઉતરાવ જોયાં છે તે સંદર્ભે એમની અનુભવયાત્રાનું સ્ત્રીઓનો સામાજિક દરજ્જો, હક્કો, ફરજો વગેરેની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવા જેવું છે.
સમાપનમાં તેઓ અમેરિકન અને ભારતીય જીવનનું મૂલ્યાંકન કરે છે ત્યારે આપણને મુક્તિની સાચી વિભાવનાનો અહેસાસ થાય છે. એ અહેસાસ માટે તો પુસ્તક વાંચવું રહ્યું. મને તો અનાવિલ સ્ત્રી તરીકે પણ એમનો પરિવેશ અને અનુભવનું એમણે કરેલું અર્થઘટન પોતીકું લાગે છે. જો કે એઓ તો નાતજાતને અતિક્રમીને વૈશ્વિક માનુષી જ બની રહ્યાં છે. આ પુસ્તક Kindle પર વાંચીને મે પણ એક નવો અનુભવ લીધો.
Publisher : Viking; 2012th edition (28 April 2012)
Language : English : kindle edition ₹296/80 Hard Cover ₹480 / 00
![]()






“The first aim was to campaign for a Blue Plaque with English Heritage to raise a fundamental awareness amongst the public. This was after discovering records online, which I highlighted in my application. It’s been dishearteningly hard to find first-hand accounts from the Ayahs themselves due to their background being obliterated, but I was able to find second-hand sources via English matrons or law officials and other documented evidence e.g. there’s a story about a group of Ayahs who were found in a dilapidated shack, getting horrendously drunk together; another reports an Ayah who stole jewellery from their owner to pawn in order to secure the passage back to India. Often caught by police, some were even referred to as murderesses in the press. There are also many visual records of Ayahs in the background of period paintings as well as in photographs.” 







યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.”
આ બધા અનુવાદો The Nobel Prizeની સત્તાવાર વેબસાઈટ nobelprize.org પરથી વક્તવ્યો ઉતારીને કરવામાં આવ્યા છે. જ્યાં ખપ પડ્યો ત્યાં છબીઓ પણ મોટે ભાગે એમાંથી જ વાપરવામાં આવી છે. એ રીતે વર્તમાન અને આવનારી પેઢી માટે આ ઉજ્જવળ અને ઉમદા ખજાનો ખુલ્લો મૂકનાર નૉબેલ ફાઉન્ડેશન માટે સાભાર સૌજન્યની લાગણી અને ફરજ બની રહે છે.