25 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે અમે આગળના પ્રવાસે રવાના થયા. હવે અમારું ડેસ્ટિનેશન Denver છે; જે Colorado રાજ્યની રાજધાની છે.
James William Denver (1817-1892) અમેરિકન રાજકારણી, સૈનિક અને વકીલ હતા. તેમણે કેલિફોર્નિયા રાજ્ય સરકારમાં, બે યુદ્ધોમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં અધિકારી તરીકે અને કેલિફોર્નિયાથી યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટિક સભ્ય તરીકે સેવા આપી હતી. તેમના નામ પરથી આ શહેરનું નામ ‘ડેનવર’ પડ્યું છે.
વ્યોમિંગમાં, ઇન્ટરસ્ટેટ હાઇવે-80ની બાજુમાં કિલોમીટર સુધી લાકડાની બેરિયર જોઈ – સ્વાભાવિક પ્રશ્ન થયો કે આવી છૂટક છૂટક બેરિયર કરવાની જરૂર કેમ પડી હશે?
આ વાડને ‘snow fences’ પણ કહે છે. આ વાડનો હેતુ ઇન્ટરસ્ટેટ હાઈવે 80 પર સ્નો ન આવે તે માટે ઊભી કરેલ છે. શિયાળાના હવામાન દરમિયાન રસ્તાઓને સુરક્ષિત અને પસાર થવા યોગ્ય રાખવા આ છૂટક છૂટક વાડ ઊભી કરી છે. આ વાડ પવનને રીડાયરેક્ટ કરવા અને રસ્તાથી દૂર બરફના પ્રવાહો બનાવવા માટે વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવે છે. આ વાડ બરફના પ્રવાહને ઘટાડવા, દૃશ્યતા સુધારવા અને બરફની રચનાને રોકવા માટે રસ્તાને ગરમ રાખવામાં અસરકારક રહી છે. વાડના સ્લેટ્સ પવનને પસાર થતાં ધીમો પાડે છે. અને પછી પવન તેના વહન કરતા સ્નોનો થોડો ભાગ નીચે ફેંકી દે છે.
કિલોમીટર અને કિલોમીટર સુધી આવી વાડ ઊભી કરવાનો ખર્ચ કઈ રીતે પોસાય? આવો પ્રશ્ન થાય. પરંતુ શિયાળામાં હાઈવે પર સ્નો વધુ જામે તો તેને દૂર કરવાનો ખર્ચ વધારે થાય છે. વળી રોડ પર સ્નો જામી જાય તેથી અકસ્માતો થાય તે ખર્ચ યાય. અકસ્માત ઓછા થાય તો ખર્ચ બચે. શિયાળામાં આ fences હાઈવેને સાફ રાખવામાં મદદ કરે છે.
આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે. આયોજનનો અભાવ સમસ્યાઓ સર્જે. આપણે ત્યાં આયોજનનો અભાવ તો છે જ, ઉપરાંત ભ્રષ્ટાચારના કારણે સમસ્યાઓ ઓછી થતી નથી ! આપણે ત્યાં વરસાદ શરૂ થાય ત્યાં જ રોડમાં ખાડા પડી જાય છે ! નદીનું પાણી દેખી પુલ ભડકી જાય છે ! રોડ પર ગાયો / આખલાઓના કારણે અકસ્માતો થાય છે. ફરિયાદ કરો તો પોલીસ ફરિયાદીને જ આરોપી બનાવી દે છે ! આવું યુનાઇટેડ સ્ટેટ્સમાં થતું નથી. કદાચ આ કારણે જ અમેરિકાના વિઝા મેળવવા આપણે ત્યાં લાઈન લાગે છે !
26 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર