એમની ઉપસ્થિતિમાં વટવૃક્ષની છાંય તળે હોવાનો એહસાસ થાય એવું શાંત, શીતળ, સૌમ્ય અને સરળ એમનું વ્યક્તિત્વ! મૃદુભાષી અને મિતભાષી, એમની આંખમાંથી સ્નેહ સતત ઝરે. જેને જુવે એને પોતાના કરી લે. કોઈ વ્યક્તિ સાથે એ અજાણ્યા તરીકે ન વર્તે, સૌ એમને માટે ચિરપરિચિત અને સૌ માટે સરખો સ્નેહ. ન કોઈ ગુરુ, ન કોઈ અધ્યાત્મની ભારેખમ વાતો, ન કોઈ વાંચન-મનનનો ભાર, છતાં એમને જીવનનો સાર સહજપણે સમજાઈ ગયો છે એવી પ્રતીતિ એમને મળનારને તરત જ થાય. બાબુભાઇ પટેલ – એ નામના વ્યક્તિઓ તો દુનિયામાં હજારો હશે, પણ એ હજારોમાં એક હતા. ૧૦મી જુલાઈ, ૨૦૨૦ની સવારે, ૮૯ વર્ષની વયે લંડનના એમના નિવાસસ્થાને એમની આંખો સદા માટે મીંચાઈ તે પૂર્વે એ લાંબી માંદગીમાંથી પસાર થયા. મૃત્યુ સન્મુખ હતું એવા સમયમાં પણ કેમ જીવવું એ એમને જોઈને શીખવા મળે, એવું એ જીવ્યા. કહે છે કે જેને મૃત્યુ સમજાઈ ગયું હોય છે એણે જીવનનો મર્મ પામી લીધો છે. એ વાતની પ્રતીતિ બાબુભાઈને એમની બિમારી દરમ્યાન મળનાર સૌ કોઈને થઇ જ હશે.
જન્મ મોમ્બાસામાં અને પછી ઉછેર ગુજરાતના નવસારી તાલુકાના દાંડી પંથકમાં. ત્યાંથી ફરી ૧૮ વર્ષની વયે કેન્યાના નૈરોબી જઈને સ્થાયી થયા પછી પારિવારિક જીવન શરૂ કર્યું. 'ગવર્નર્સ કેમ્પ' માં મેનેજર તરીકેનો કાર્યકાળ એ એમના જીવનનો સુવર્ણકાળ રહ્યો. ભર્યોભર્યો પરિવાર અને વિસ્તૃત કુટુંબીઓ-મિત્રો સાથેનું એમનું ત્યાં એમનું જીવન ભરપૂર આનંદ અને સંતોષમય રહ્યું. બે દીકરીઓ (સ્મિતા અને અનિતા) અને એક પુત્ર(ચેતન)ને યુનાઇટેડ કિંગ્ડમમાં અભ્યાસ માટે મોકલી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી સક્ષમ અને સંવેદનશીલ નાગરિકો તરીકે ઉછેરવામાં બાબુભાઈનાં પત્ની સરસ્વતિબહેનનો ખૂબ મોટો ફાળો. હંમેશાં સહજ બનીને સૌને હસ્તે મોઢે આવકાર આપવો, જેને માટે જે શક્ય હોય એ કરી છૂટવું એટલું જ નહીં, કોઈને માટે કશું કર્યું એવો ભાર ન તો પોતે રાખવો અને સામેની વ્યક્તિને એનો ભાર લાગવા ન દેવો! આ દરિયાદિલી બાબુભાઇ-સરસ્વતિબહેને એમનાં સંતાનોમાં પણ સિંચી છે. સરસ્વતિબહેનની વિદાય બાબુભાઈ માટે મોટો આઘાત હતો. એમના અવસાનના દસેક વર્ષ પછી યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થિર થયેલાં સંતાનો એમને આગ્રહપૂર્વક કેન્યાથી લંડન લઇ આવ્યા, જ્યા બાબુભાઇએ છેલ્લાં લગભગ ૧૫ વર્ષ પ્રવૃત્તિમય બનીને ગાળ્યાં.
સામાજિક પ્રવૃત્તિઓ કે એના દેખાડાથી દૂર, છતાં માણસોથી એ ક્યારે ય વિખૂટા નહોતા રહ્યા, માનવતાના ગ્રાસ-રૂટ્સમાં જીવતું જીવન એ જીવ્યા. નૈરોબીમાં કામ કરતા ત્યારે પણ જીવન સુખી હતું, છતાં માલદાર કહેવાય એવી આર્થિક સ્થતિ નહોતી. તે દરમ્યાન એમને ઘેર જઈને રોકાવાનું થયું. પહેલા દિવસે ગજવામાં શિલિંગ નહોતા, પૈસા વટાવવા ટ્રાવેલર્સ ચેક લઈને ક્યાં જવું એવું એમને પૂછ્યું. એ પ્રશ્નના જવાબમાં કબાટમાંથી કાઢીને શિલિંગની નોટોની થોકડી, ગણ્યા વિના, એમણે ધરી દીધી હતી! ગવર્નર્સ કેમ્પમાં એમની કર્તવ્ય પરાયણતાથી એમની સારી વગ, જેનો લાભ એમના મહેમાનને મળતો, એ નાતે ત્યાં વાઈલ્ડલાઈફ જોવા જનારની પણ વી.આઈ.પી. જેવી તહેનાત થતી.

કેન્યા-પ્રવાસની યાદગાર છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, પુત્ર ચેતનભાઈ, પુત્રી સ્મિતાબહેન અને અનિતાબહેન તેમ જ પત્ની સરસ્વતિબહેન.
એ લંડન નિવાસી થયા તે ગાળો એવો હતો જ્યારે થોડાં વર્ષ અમારો એમની સાથેનો સંપર્કનો તંતુ તૂટ્યો. પણ વાત થાય કે મળવાનું થાય તો જ મિત્રતા ટકે એવા મિત્ર એ નહોતા. વર્ષો પછી જ્યારે ફરી એ તંતુ સજીવન થયો ત્યારે જાણે ગઈકાલે જ મળ્યાં હોઈએ એવી હૂંફ અને નિકટતાથી અમે એમની સાથે ફરીથી સંકળાઈ ગયાં.
અમે સિડની સ્થાઈ થયાં પછી બે વખત બાબુભાઈએ સિડનીની મુલાકાત પણ લીધી, ત્યારે એમની સાથે ફરીથી થોડા દિવસ ગાળવાની તક મળી. સિડનીની એમની પહેલી મુલાકાત દરમ્યાન અમે એમને લઈને અહીંની રાજધાની કેનબેરા ફરવા ગયેલાં. કારમાં લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપી અમે ત્યાં પહોંચીને હોટેલમાં ચેક-ઇન કર્યું. લાંબી ડ્રાઈવ પછી અમે સૌ થોડો સમય આરામ કરવાના મૂડમાં હતાં એટલે અમે હોટેલની રૂમમાં લંબાવ્યું. બાબુભાઈની નજર હોટેલના તરણકુંડ પર હતી. મુસાફરી પછી આરામ કરવાને બદલે સિત્તેર વર્ષના આ યુવાન સીધા ઉપડ્યા તરવા! અને એક કલાક તરીને સાંજના ફરવા જવા માટે એટલી જ સ્ફૂર્તિથી પાછા એ તૈયાર પણ થઇ ગયા! એમનો ટેનિસ પ્રેમ પણ એટલો જ જાણીતો. એમની બિમારી છતાં એ સ્કોટિશ હાઈલેન્ડ જઈને ત્યાં હાઈકિંગ પણ કરતા. વ્યાયામ અને સ્વાસ્થ્ય વિશેની એમની સજાગતા, રમતગમત માટેનો એમનો પ્રેમ એમણે છેક છેલ્લે સુધી જાળવી રાખ્યો. લંડનમાં એમના ટેનિસ ખેલાડી વર્તુળમાં ૮૭ વર્ષે તેઓ સૌથી યુવાન ખેલાડી હતા. મારો દીકરો લંડન અભ્યાસાર્થે ગયો, ત્યારે એમના ટેનિસ પ્રેમે એ બંનેની મૈત્રી વધુ સઘન કરી આપી. ‘ચાલ આપણે આ વર્ષે વિમ્બલડન જોવા જઈએ’ એવો પ્રસ્તાવ ‘નાનાજી’ એને કરતા. (બાબુભાઈનાં પૌત્ર-પૌત્રી સાથે મારો દીકરો વિવેક પણ એમને નાનાજી કહેતો થયો.)
માણસ માત્રમાં બાબુભાઈને રસ, બધાને યાદ રાખે. મારા માતા-પિતાને નહોતા મળ્યા. પણ મારે ઘેર સિડની આવીને મારા મોઢે મારા પરિવારની વાતો સાંભળી, પછીના વર્ષે એમને થોડા દિવસ માટે નવસારી જવાનું થયું ત્યારે સમય કાઢીને એ મારા નવસારી સ્થિત પરિવારને મળી આવ્યા અને લંડન પહોંચીને ફોન કરી મને મારાં માતા-પિતાના ખબર આપ્યા! એમનો વતનપ્રેમ છેક સુધી એમને ત્યાં ખેંચતો રહ્યો. મારી એમની સાથેની છેલ્લી મુલાકાત ૨૦૧૭માં નવસારી ખાતે થયેલી. અનાયાસ હું અને બાબુભાઈ એક જ સમયે ત્યાં હતાં. એ સીધા મને મળવા દોડી આવ્યા. એમની શારીરિક તકલીફો છતાં દર વર્ષે ગામમાં એમણે વસાવેલું ઘર ખોલીને રહેવાની એમની ઈચ્છા પૂરી કરવા એમનાં સંતાનો પૈકી કોઈક એમની સાથે ભારત જતું.
લંડનમાં એમના નિવાસે મળવાનું પણ બન્યું. અને અવારનવાર ફોન સંપર્ક થતો. એમની બિમારી સામે લડવાને બદલે એનો સહજ સ્વીકાર, શક્ય ત્યાં સુધી કોઈને પોતે તકલીફ ન આપવી કે ભારરૂપ ન થવું એની કાળજી, અને સૌ માટેનો નિર્વ્યાજ પ્રેમ એમની વાતોમાં સાંભળવા મળતો એનાથી ક્યારેક આંખો ભીંજાઈ જતી.

ઇંગ્લૅન્ડના પ્રવાસે લેખિકા હતાં તે વેળા બાબુભાઈ જોડેની છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, દીકરી સ્મિતાબહેન, વિપુલ કલ્યાણી તેમ જ આરાધનાબહેન ભટ્ટ
દાયકાઓ પહેલાં દેશ છોડીને સમુદ્રપાર વસનાર એન.આર.આઈ. વિશે ઘણીવાર કહેવાય છે કે જે જમાનામાં આપણે દેશ છોડ્યો હશે તે જમાનાની રીતભાત-રહેણીકરણી અને વિચારોમાં આપણે થીજી જઈએ છીએ, ક્યારેક આપણને ‘જૂનવાણી’નું તહોમત પણ લગાવાય છે. આવેલાને આવકાર આપવો, ઉદારચિત્તે સૌને સ્નેહ કરવો, પોતાનાં મૂળને ન ભૂલવાં, માતૃભાષાને પ્રેમ કરવો, કુટુંબભાવના હોવી, વ્યસનમુક્ત સાદગીભર્યું જીવન જીવવું – આ બધું જો જૂનવાણી હોય તો બાબુભાઈ સાવ ‘જૂનવાણી’ હતા. પણ એમણે અન્ય ધર્મો, જાતિ અને જ્ઞાતિના સભ્યોને પોતાના પરિવારમાં ખુલ્લા દિલે આવકાર્યા અને એમની સાથે સુમેળભર્યું જીવન જીવ્યા એટલા એ ઉદારમતના અને ‘આધુનિક’ પણ ખરા.
આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે સોશિયલ મિડિયા અને અન્ય પરિબળોએ મૈત્રીને કેટલાક બાહ્ય આચારોને આધીન અને સાવ તકલાદી બનાવી દીધી છે. આવા સમયમાં પૃથ્વીના બીજા છેડે વસતા કોઈક સંબંધનું ચાર દાયકા જેટલું સાતત્ય અને ઘનિષ્ટતા એમના અપેક્ષારહિત અને વ્યવહારિકતાથી પર એવા સ્નેહનું પરિણામ છે એમ સમજુ છું. એમનો પ્રથમ પરિચય સાવ અનાયાસ થયેલો, વલસાડમાં વસતા એમના કોઈક સગાં મારફત, અને પછી એ સંબંધ ચાળીસ વર્ષને પાર કરી ગયો. દાંડીના દરિયાની નજીક વસેલી જાતિઓ વિશે કહેવાય છે કે એમણે દરિયાની દરિયાદિલી આત્મસાત કરી છે, એ વાત બાબુભાઈ અને એમનો પરિવાર જોતાં યથાર્થ લાગે. જયારે જ્યારે એમને મળવાનું બને ત્યારે કબીરસાહેબનો દોહો ‘પોથી પઢ પઢ જગ મુવા, હુવા ન પંડિત કોય, ઢાઈ અખ્ખર પ્રેમકા પઢે સો પંડિત હોય’ જીવાતો જોવા મળ્યો એવું લાગે! બાબુભાઈને આપણા સૌના આખરી સલામ !
e.mail : aradhanabhatt@yahoo.com.au
![]()


મારો જન્મ ભારત દેશના ‘ગુજરાત’ રાજ્યમાં આવેલા આણંદ તાલુકા(ખેડા જિલ્લો)ના કરમસદ ગામમાં, તારીખ ૨૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ, ‘પાટીદાર’ જ્ઞાતિમાં થયો હતો. નસીબની બલિહારી કે ‘કર્મની ગતિ ન્યારી’ જે ગણો તે હવે મારા દીર્ઘ જીવન સંઘર્ષના નવ દસકા પૂરા થવાના પ્રસંગે તા. ૨૧-૧૨-૨૦૧૯ ને શનિવારના રોજ, ખાસ તો યુનાઇટેડ કિંગ્ડમના જાહેરજીવનના ગુર્જર સમાજવાસી રસિયા વાચકોના ચરણે જીવનના ચઢતા-ઊતરતા અનુભવોનાં મારા જીવનમાં વાસ્તવિક વહેણો, ખુલ્લી કિતાબના પાના પર યથામતિ સાદર કરવા, ઇશ્વરકૃપાએ આ કલમ સરસ્વતીને હાર્દિક વંદન સાથે ઉપાડી છે …
અમારા ઘરના આંગણામાં એક દૂઝણી ભેંસ રહેતી. ‘બાપુ’ અને બીજા બે મોટાભાઈઓની સાથે ભેંસને ખાવાની ‘ચાર’ લાવવા માટે ગામની આસપાસ જુદાં જુદાં ખેતરોમાં જવાનું થતું. બાજરી, ડાંગર, તુવેર, ચણા, વાલોળનો પાક ખેતરોમાં લહેરાતો અને દાતરડા વડે ચારના પોટલા ‘વેહરા’માં બાંધીને, માથા પર મૂકી, ખેતરોમાંથી ખુલ્લા પગે ચાલીને ઘરે લાવતા. તલાવડીના કિનારે, ઝાડ નીચે, રસ્તામાં જરૂર પડ્યે વિશ્રામ લેતા. ઘરે આવ્યા પછી મેલાં કપડાં વેહરામાં ધોવાના બહાને ગામના મોટા તળાવમાં કલાક-બે કલાક ડૂબકી પણ લગાવતા. ચોમાસામાં તળાવ પાણીથી ભરેલું હોય ત્યારે, ૫૦૦-૬૦૦ ફૂટ દૂર આવેલી ડુંગરી (ટેકરી) સુધી તરવાનું મળતું. નજીકમાં લાખા વણઝારાએ બાંધેલો મીઠા પાણીનો ‘લાખવો’ કૂવો હતો. એ વખતે તો પીવાનું પાણી ક્યાં નળ વાટે ઘરોમાં મળતું?! એટલે ત્યાં પાણીનાં બેડાં ભરવા આખો વખત ગામની બહેનોની પગરવટ જામતી. અમે નાનાં છોકરાઓની પણ ‘ની’ (માતા) સાથે જઈને દોરડે બાંધેલી પાણીની ડોલ કૂવામાં ઊતારી, ઉપર ખેંચી પાણીનાં બેડાં ભરતાં. અમારી ભાભીઓ એ ઊંચકીને ઘરે લાવતી.
ઈ.સ. ૧૯૪૮માં મેટ્રિકની પરીક્ષા ગણિતમાં ડિસ્ટિંકશન મેળવીને પાસ કરી. મોટાભાઈ બાબુભાઈની ઇચ્છાથી મુંબઈમાં તેમની સાથે રહીને મારે કોલેજનો અભ્યાસ કરવાનો હતો. મુંબઈમાં તેમનો વાસ દસેક વર્ષોથી હતો. તેઓ ચર્નીરોડ પર ભાગીદારીમાં રેડિયોની દુકાન ચલાવતા હતા. મોહમયી નગરી મુંબઈના બી.બી. માટુંગા નામના પરામાં, દરિયા કિનારા નજીક તેમના ઘરે માર્ચ ૧૯૪૮માં રહેવા આવ્યો. અને માટુંગામાં આવેલી રામનારાયણ રૂઇયા કૉલેજમાં પ્રથમ વરસ સાયન્સનો અભ્યાસ ૧૯૪૮-૪૯માં પૂરો કર્યો. દરમિયાન કૉલેજનો સમય પૂરો થયા બાદ બાજુની પોદાર કૉલેજ આૅફ કૉમર્સની લાઈબ્રેરીમાં સાંજના ૯:૦૦ વાગ્યા સુધી વાંચન કર્યા બાદ એકાદ માઈલ દૂર આવેલા ઘરે બી.બી. (બોમ્બે-બરોડા) અને જી.આઈ.પી. (ધ ગ્રેટ ઇન્ડિયન પેસિન્સુલર) બંને રેલવેના પૂલો ઓળંગી જતો.
કરમસદમાં મારો વસવાટ કુલ ૨૬ વર્ષ ઈ.સ. ૧૯૨૯-૧૯૫૫નો રહ્યો. આ વસવાટનાં છેલ્લાં પાંચ વર્ષનો ગાળો કસોટીરૂપ બની રહ્યો. જો કે તેનું ભારણ ક્યારે ય મેં અમારા બહોળા કુટુંબમાં અનુભવ્યું નથી. જાહેર જીવનના પાયારૂપ ગાંધીજી, સરદાર કે રવિશંકર મહારાજ જેવા આઝાદીની લડતના પટનાયકોની પ્રેરણા સહિત ગામની પ્રાથમિક શાળા અને સરદાર પટેલ હાઈ સ્કૂલના વર્ષોથી ગામમાં રહેતા શિક્ષણગણનો તેમાં સવિશેષ ફાળો હતો. એટલે વિદ્યાનગરની ઇજનેરી કૉલેજમાં પ્રથમ વર્ષે નાપાસ થતાં જ હું હાઈ સ્કૂલના હેડમાસ્તર રતિલાલ તુળજાશંકર ભટ્ટને મળ્યો ને કહ્યું : સાહેબ, મારે આપણી શાળામાં શિક્ષક તરીકે જોડાવાનો સંજોગ ઊભો થયો છે. જવાબ મળ્યો : ‘આવી જાવ, છઠ્ઠા-સાતમા ધોરણમાં બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને શિખવવા માટે. તમને ગુજરાતી અને અંગ્રેજી વિષયના વર્ગો આપીશું.’ જવાબમાં મેં કહ્યું કે મને મોર્નિંગ શિફ્ટ જ અનુકૂળ પડે. કારણ કે મારે ઇજનેરી કૉલેજની ફરી પરીક્ષા આપવા બપોરનો સમય મળી શકે. ભટ્ટ સાહેબે મારી વાત માન્ય રાખી. અને હું જે શાળામાં સાતેય ધોરણ સુધીનો વિદ્યાર્થી હતો તે જ શાળામાં માસિક રૂ. ૧૧૦ના પગારથી સવારની શિફ્ટમાં ધો.૧થી ૩ના બાળકોને ભણાવવા માટે જોડાયો. આ આનંદના સમાચાર ઘરે ‘ની’ તરીકે ગામમાં જાણીતાં મારા માતૃશ્રી(ડાહીબા)ને આપતાં જ તે આનંદમાં ડોલતા ફળિયાના આડોશી-પાડોશીને કહેવા લાગ્યાં : ‘અમારા ઘનિયાભાઈ તો માસ્તર થયા.’
સાસરીમાં પહોંચતાં સાસુમા લલિતાબહેનને પગે લાગ્યો. આ નવા ઘરમાં પત્નીનાં ત્રણ ભાઈઓ અને બે બહેનોને પોતીકાં કર્યાં. પણ સૌને માટે તો હું એક નવી દુનિયામાં અચાનક આવી પડેલો સાવ અજાણ્યો ‘સ્વજન’ હતો, કારણ કે આમાંના કોઈની અમારા લગ્નમાં હાજરી નહોતી તે સ્વાભાવિક જ હતું. પત્ની ‘ઇન્દુમતી’ના કુટુંબના ફુઆ સોમાભાઈ ભાદરણના હતા અને ફોઈ તો મૂળ કરમસદના હતાં. ફુઆ તેમના ત્રણ દીકરા સાથે લોખંડનો બાંધકામનો સામાન વેચવાનો ધંધો કરતા હતા.


આપણા બે સમર્થ સાહિત્યકારો ડાહ્યાભાઈ પટેલ અને બળવંત નાયકનું આ શતાબ્દી-વર્ષ છે. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ આ બન્ને સારસ્વતોનાં જીવન-કવનની ઉજવણી કરવા આ ઓચ્છવનું આયોજન કર્યું છે, એનો ખૂબ જ આનંદ છે. હંમેશાં લાંબી નજર દોડાવીને આવા મહત્ત્વનાં કામો હાથ પર લેનારી અને તેને સફળતાપૂર્વક પાર પાડનાર ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની કાર્યકારી સમિતિને, અને તેના કર્ણધાર, અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીને, આ સારસ્વતોના શબ્દોનું ગૌરવ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વળી આ વિશિષ્ટ પ્રસંગમાં આ દિગજ્જોનાં પરિજનો, બળવંત નાયકનાં ગૃહિણી કમળાબહેન અને એમનાં પરિજનો તેમ જ ડાહ્યાભાઈ પટેલનાં પત્ની પુષ્પાવતીબહેન અને તેમનાં પરિવારની ઉપસ્થિતિથી આ કાર્યક્રમની ગરિમા વધી છે.
બળવંતભાઈની વાર્તાસૃષ્ટિમાં પ્રવેશતાં એમનું વાર્તાસર્જન ત્રણ તબકકામાં વહેંચાયેલું જણાય છે. મુંબઈના વસવાટ દરમિયાન લખાયેલી વાર્તાઓ એ પ્રથમ તબક્કો. પછીથી આફ્રિકામાં થયેલું વાર્તાસર્જન એ બીજો તબક્કો અને ત્રીજા તબક્કામાં યુનાઈટેડ કિંગડમમાં થયેલું વાર્તાસર્જન. એમની પ્રારંભિક વાર્તાઓ ‘સવિતા’, ‘જન્મભૂમિ’, ‘નવનીત સમર્પણ’ જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ભારતીય સમાજના ધબકાર સંભળાય છે, તો આફ્રિકાના વસવાટ દરમિયાન ‘આફ્રિકા સમાચાર’, ‘જાગૃતિ’, ‘શોભા’, ‘મધપૂડો’ જેવાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓમાં મૂળ જનજીવનનાં અદ્દભુત સ્પંદનો ઝિલાયાં છે, એ જ રીતે લેખક ઇંગ્લેંડમાં ઠરીઠામ થયા પછી, નવ્ય વાર્તાઓના ફાલનું અવતરણ ‘ઓપિનિયન’, ‘અસ્મિતા’’, ‘નવબ્રિટન’, ‘સંગના’, ‘ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ અને ‘અમે ગુજરાતી’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં થયું, તેમાં પશ્ચિમી પુનર્નિવેશની છાંટની સાથે ડાયસ્પોરિક સ્પર્શ પણ વરતાય છે. બીજાં સામયિકોની સરખામણીએ એમની વાર્તાઓને ‘ઓપિનિયન’માં વિશેષ સ્થાન મળ્યું છે. પણ આ વાર્તાઓ સંગ્રહરૂપે કેમ પ્રકાશિત નહીં થઈ હોય. તેનું મને અચરજ રહ્યા કર્યું છે.
