મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો આ યુગમાં સત્તર વર્ષમાં એક દિવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરિકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાંજતાં મહિનાઓ લાગે તેમ સત્તર વાર કરવું. મન ગણગણે છે, ‘ઇઝ ઇટ સો ? ઇઝ ઇટ પોસિબલ ? ઇઝ નોટ સમથિંગ રોંગ ?’ મન માનતું નથી, પરંતુ ઇતિહાસ ખોટો ન હોઈ શકે.
મહમ્મદે સેનાપતિને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’
સેનાપતિ કહે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’
મહમ્મદ કહે, ‘સોમનાથ લૂંટવા.’
સેનાપતિ કહે, ‘અગેઈન ? આપણા સૈનિકો ગુજરાતથી હવે કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું ?’
મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને સાથે ગુજરાત આવવા દો.’
સેનાપતિ થોડી વારમાં પાછો આવે છે. ‘જહાંપનાહ, સૈનિકો બધા ગુજરાત જવા રાજી છે, કારણ કે ત્યાં મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશૂકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’
મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનિકે લાંબા લાંબા બ્લૅન્કેટ ઓઢ્યાં છે.
‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લૅન્કેટ વેચવાં છે ?’
અફઘાન સૈનિકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કૂચ કરે તો સારું એવું ઇચ્છતા હતા.
(‘ફ્રીક્વન્ટ રાઈડર’)
••••••
‘સુશીલા’નો સર્વોત્તમ નિબંધ ‘ફ્રીક્વન્ટ રાઈડર’ છે, તેમ પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયા માને છે, તેમાં ભારોભાર સત્ય છે. હરનિશ જાનીના નિબંધોમાં તેનું પહેલી હરોળે સ્થાન છે, તેમ સતતપણે લાગ્યા કર્યું છે.
દલીલ પુરવાર કરવા મધુસૂદનભાઈનું નિરીક્ષણ’ ટાંક્યા વિના ચાલે એમ નથી. એમણે લખ્યું છે :
‘આનું શીર્ષક જ લાજવાબ છે. મહમ્મદ ગિઝનીએ પ્રભાસપાટણના સોમનાથમંદિર પર 17 વાર ચઢાઈ કરી હતી, તેથી લેખક ભીમદેવ બાણાવળી અને મહમ્મદ ગિઝનીની મુલાકાત પણ ગોઠવે છે. આ મુલાકાત હાસ્યરસથી છલોછલ છે. ભીમદેવ મહમ્મદ ગિઝનીને કહે છે, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે, પણ આ આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવા આવો છો. યૂ આર માય ન્યૂ ફૅમિલી.’ ભીમદેવ એમ પણ કહે છે, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાંબધાં મંદિરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દ્યો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની નગરી છે.’ મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપવા છતાં તે તો પ્રભાસપાટણના પાદરે આવીને ઊભો રહે છે અને લેખક મહમ્મદ ગિઝનીના મુખમાં ભીમદેવને ઉદ્દેશીને આ શબ્દો મૂકે છે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા, પણ જૂનાગઢથી બંને મંદિર જતાં રસ્તા ફંટાણા હતા. પણ ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા.’ [‘સુશીલા’, પૃ. 69]
હરનિશ જાનીએ 20 અૉગસ્ટ 2018ની સાંજે વિદાય લીધી. આ સમાચારે જબ્બર આઘાત પહોંચાડ્યો છે. ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય જગતને, હકીકતે, પહેલી હરોળે ગૌરવભેર સોહે તેવા સાહિત્યકારની ખોટ હવે પછી વેઠવાની રહી. એમણે નવલિકાઓ આપી, નિબંધો આપ્યા, ચરિત્રચિત્રણો આપ્યા અને લેખો પણ કર્યા. એમના નામે ચારેક પુસ્તકો બોલે છે : હાસ્યવાર્તાઓનું પુસ્તક “સુધન”, હાસ્યનિબંધોનું સંકલન “સુશીલા”, લેખોનું પુસ્તક “તીરછી નજરે અમેરિકા” તેમ જ બળવંત જાની સંકલિત “હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ”.
ઇન્ટરનેટ પર હરતીફરતી માહિતી મુજબ, અંદાજે, 1992માં તેમણે અમેરિકામાં પહેલો ગુજરાતી ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને 1994 સુધી ડાયરેક્ટર, રાઈટર અને પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું. 1961માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખાનો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો 'કુમાર', 'નવનીત સમર્પણ', ‘ઓપિનિયન’ 'ગુર્જરી', 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર' જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.
એમના પુસ્તક "સુધન"ને ‘ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2007નો) દ્વિતીય પુરસ્કાર, “સુશીલા” પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2009નો) પ્રથમ પુરસ્કાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા (ઇ.સ. 2009નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ.સ. 2013નો) વેલજી મહેતા પુરસ્કાર પણ એનાયત થયો છે.
હરનિશભાઈનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં રાજપીપળામાં 05 એપ્રિલ 1941ના થયો હતો. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી અને ટેક્સટાઈલનો ડિપ્લોમા મેળવીને, 1969માં વધુ અભ્યાસ માટે હરનિશભાઈ અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટિક ટેકનોલોજીનો અભ્યાસ કરી, ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક કલર કંપનીઓમાં ત્રીસ વરસ રિસર્ચ સાયન્ટિસ્ટ અને ટેકનિકલ ડાયરેકટર તરીકે કામ કરીને નિવૃત્ત થયા પછી લેખન કાર્ય ચાલુ કર્યું. આમ એ 1969થી અમેરિકા ખાતે વસવાટ કરતા હતા, અને હળુહળુ અમેરિકાના સાહિત્ય આકાશના એ અગત્યના તારક બનીને રહ્યા. કેટલાય અવસરોનું સુપેરે સંચાલન કરતા રહ્યા અને સભાખંડે સભાખંડે શ્રોતાઓને જકડી રાખતા રહ્યા. આનો જોટો હવે જડવો સહેલો નથી.
મધુ રાયને સન્માનવાના 1996ના એક અવસરે એક મહેમાનરૂપે જવાની તક સાંપડી ત્યારે હંસાબહેન – હરનિશભાઈ જાની મારા યજમાન હતાં. આ દંપતીને મળવાનો, જાણવાનો અને ચાહવાનો આમ એક ધોરી માર્ગ કંડારાયો.
મધુ રાયે “સુધન”માં લખ્યું છે, ‘બાય ગૉડ, જાનીની બાનીને માણવાની સાચી રીત છે એમની સાથે બાય રોડ ફરવા જવામાં. રસ્તાનો વળાંક, રેડિયોનું ગીત, રાહદારીનો ડગલો, કોફીનો સ્વાદ કંઈ પણ એમને કશાકની યાદ દેવડાવે અને અધધધધ વરસતા એમના કથાપ્રપાતમાં હક્કાબક્કા આપણે નહાઈ ઊઠીએ. એમની વાતો સાંભળતાં સાંભળતાં હસ્યા જ કરીએ.’ (પૃ. 12) આવા અનેક અનુભવો એમની જોડે માણવાનો મોકો મને ય મળ્યો છે. અમેરિકાની મારી એ ત્રણ મુલાકાતો વેળા એ જ મારા મેજબાન. એમની સંગાથે અમેરિકાના ઊગમણા કાંઠા વિસ્તારે પથરાયા ન્યૂ યોર્ક, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયા રાજ્યોના અનેક પ્રવાસો માણ્યા છે. પ્રિન્સટન યુનિવર્સિટીનાં પ્રાંગણનો જેમ ચક્ષુભોગ કર્યો તેમ જ્યોર્જ વૉશિંગ્ટને જે નદી કિનારે બ્રિટિશ હકુમત સામે જુદ્ધ આદરેલું તે વિસ્તારે લટાર મારેલી તે ય સાંભરે છે. એમની આંગળીએ મહાલતા મહાલતા અમેિરકા વસ્યા ગુજરાતી સાહિત્ય જગતના અનેક તારલાઓની મૈત્રી બંધાઈ.
હરનિશ જાની હંસાબહેન જોડે વળતાં વિલાયતના ત્રણેક વખત પ્રવાસે આવી ગયા. પહેલી કહેતી અનુસાર, હરનિશભાઈ માટે કહી શકાય : ‘he came, he saw, he conquered’. જ્યાં જ્યાં એમના કાર્યક્રમો થયા ત્યાં ત્યાં એમણે મિત્રોનું, ચાહકોનું એક વર્તુળ મજબૂતાઈથી જમાવ્યું જાણ્યું. “ઓપિનિયન”ના દશવાર્ષિક અવસરે પધારેલાં મહેમાનોમાં એ અગ્રેસર હતા, તો વળી, અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદમાં ય એમણે ગૌરવભેર જમાવટ કરી હતી. બૃહદ્દ લંડનમાં વિવિધ સ્થળોએ એમની નિજી બેઠકો જેમ થઈ, તેમ પાટનગરની બહાર પણ કાર્યક્રમો પાર પડ્યા.
અમે સાથે રહ્યાં, આનંદ પણ કર્યો. ‘ગુર્જરી’માં હરનિશ જાનીનું લખાણ પ્રગટ થતું. જોતો. માણતો. એમની કલમે આકર્ષણ ઊભું કર્યું. અમેિરકાના વસવાટ દરમિયાન, એમનાં અપ્રગટ લખાણો જોયાં. એની પકડ જાણી અને ‘ઓપિનિયન’ માટે શ્રેણીબદ્ધ આપતા રહેવાનું બીડું ઝડપ્યું. “સુધન” માંહેના થોડાક લેખો, “સુશીલા”માંના મહદ્દ લેખોનું વાયા ‘ઓપિનિયન’ અવતરણ થયું તેનું સુખદ ગૌરવ પણ છે. આ સામિયકના હરનિશ જાની પહેલી હરોળે અગત્યના કલમકશ બનીને રહ્યા.
વારુ, ’ગુર્જરી’ ડાયજેસ્ટના તંત્રી કિશોરભાઈ દેસાઈ લખે છે તેમ, ‘હરનિશ જાની આપણી અંદર વસી ગયેલું એક યાદગાર પાત્ર છે. તેમની સાથે આપણો કેટલાં ય વર્ષોનો સહવાસ છે.’ તો બીજી પાસ, ’સૂરસાધના’ નામક બ્લૉગ પર ડૉ. કનક રાવળ લખે છે, ‘પ્યારો હરનિશ જાની તાળી દઈને રવાના થઈ ગયો પણ તેનો હસતો ચહેરો, નામ, વાક્પટ્ટુતા અને અજોડ વિનોદ વાતો અને લખાણો કાયમ આપણી પાસે જમા રાખી ગયો. નામ જાની પણ રહ્યો દિલોજાન જાની. ઉપરવાળાને પણ હસાવીને પેટ દુખાડતો હશે. પણ તે સારી કંપનીમાં હશે જેવા કે બકુલ ત્રિપાઠી, કિશોર રાવળ, વિનોદ ભટ્ટ વગેરે, આપણને યાદ કરતો હશે. આ વાંચતા હેડકી આવે તો માનજો કે, તે આપણને અને કુટુંબીજનોને યાદ કરતો હશે. વર્ષો પહેલાં પહેલી મુલાકાતમાં પાંચ જ મિનિટમાં લાગ્યું કે આ તો જૂનો ગોઠિયો મળ્યો.’
પાનબીડું :
“હાસ્યની ઝીણી સૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વક્ર દૃષ્ટિ, પ્રથમ પેઢીના ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ ગુજરાતી વસાહતીઓનું વિનોદી આલેખન, કોઈ પણ જાતના અભિનિવેશ વિના દંભી ધર્માચરણીઓ અને તેનાથી વધારે દંભી ધર્મગુરુઓનું નિર્મમ છતાં માર્મિક નિરૂપણ હરનિશ જાનીની હાસ્યરસની કૃતિઓની ગુણસંપત્તિ છે.”
− મધુસૂદન કાપડિયા
(‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’, પૃ. 53)
હૅરો, 17- 21 સપ્ટેમ્બર 2018
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[1,178]
(પ્રગટ : "ગુર્જરી" ડાયજેસ્ટ; અૉક્ટોબર 2018)
![]()


30 અૉક્ટોબર 2011. મૉસ્કો મુકામે, મિત્ર અતુલ સવાણીની આંખ મીંચાઈ, તેને હવે સાત વરસનું છેટું થયું. … તેમ છતાં, એમની યાદ સતત આવ્યા કરે છે, અને ક્યારેક તેમની ગેરહાજરી સતાવ્યા ય કરે છે.
‘એટલે જ મારા જેવા પુસ્તકપ્રેમીને રસૂલ હમઝાતોવનું ‘મારું દાધેસ્તાન’ પુસ્તક ગુજરાતી ભાષામાં વાંચવા વસાવવા મળ્યું હતું. એ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ પણ મારી પાસે છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ એ પ્રગટ કરવું એ તો એક સાહસ જ ગણાય. અને એવું જબરું સાહસ સામ્યવાદી સરકારોએ કર્યું હતું એની નોંધ લેવી જોઈએ. એને કારણે જ મહાન રશિયન સાહિત્યકારોઃ પુશ્કિન, તોલ્સ્તોય, દોસ્તોયેવસ્કી, તુર્ગનેવ, ચેખોવ વગેરેનાં અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો સાવ સસ્તી કિંમતે ઉપલબ્ધ થયાં હતાં. એક સમય એવો હતો જ્યારે બહુ મોંઘી કિંમતનાં પુસ્તકો પ્રગટ કરતાં પશ્ચિમના પ્રકાશકો સામ્યવાદના એ સાહિત્યિક અને સંસ્કારી પુસ્તકોનાં આક્રમણથી ગભરાઈ ગયા હતા.
વારુ ! અાઇત્માતોવની અા નવલકથામાં સ્ત્રીપુરુષ વચ્ચેની ભીષણ અસમાનતાઅોની સહજ વાત છેડવામાં અાવી છે. મધ્ય એશિયામાંના પરંપરાવાદી સમાજમાંની અા વાત અા એકવીસમી સદીમાં પણ ક્યારેક સામંતયુગમાં જીવતા અાપણા સમાજે જાણવા સમજવા જેવી છે. અા નવલકથામાં લેખકે મુલ્લાઅોનાં વલણની જેમ ભારે અાલોચના કરી છે, તેમ સ્ત્રીશિક્ષણના અભાવાની ટીકાઅો ય અહીં જોવા મળી અાવે છે. માણસ તરીકે ગણના કરવા કરતાં કોઈક પ્રકારની અમાનત તરીકે જ સ્ત્રીઅોની ગણના કરતા સમાજ વિશેનો ઊંડો રંજ અહીં જોવા મળે છે. વળી, એ દિવસોમાં અા વિસ્તરમાં ભારે પ્રચલિત અનેકપત્નીત્વવાદની ય વિષદ ટીકા લેખકે કરી છે. અા સઘળું ‘જમીલા’માં ય જોવા નીરખવાનું સાંપડે છે. જમીલા ગ્રામ્યવિસ્તરમાં જીવતી પરણેલી સ્ત્રીની કથા છે. તેનો ધણી તો જમીલાને પ્રેમનું પ્રતીક લેખવાને બદલે માત્ર તેનો માલિકીભાવ જ અનુભવે છે. તે સરહદ પરે જ્યારે સંત્રીની ફરજ પર હતો તેવાકમાં, જમીલા કોઈક પુરુષના પ્રેમમાં પડે છે. છેવટે, બંને પ્રેમી પંખીડાં પોતાનાં ગામ, પોતાની પારંપરિક વિરાસત છાંડીને નાસી જાય છે. કિરગિઝસ્તાનના કેટલાક રાષ્ટૃીય, સામાજિક અને સૈદ્ધાંતિક સંઘર્ષોનાં તાણાંવાણાં અા કથામાં વણાયાં છે.
જાણે કે શબ્દ ને સૂર થીજી ગયા હોય, તેવો માહોલ અહીં વર્તાય છે. ગુજરાતી આલમે ચોમેર સોપો પડી ગયો છે. શનિવાર, 28 જુલાઈ 2018ના રાતે નવેકને સુમારે ચંદુભાઈ મટાણીએ લેસ્ટર નગરે વિદાય લીધી, તેની જોડાજોડ વિલાયતની ભૂમિ પર વાદળ છવાઈ ગયાં હોય તેવો અનુભવ છે. ગઈ સાલ, કુમુદબહેન મોટા ગામતરે સિધાવ્યાં હતાં, અને હવે ચંદુભાઈ એમનો સધિયારો મેળવવા જાતરાએ નીકળી ગયા. હવે તો સ્મરણની કેડીએ … …
ચંદુભાઈએ વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો સંપર્ક જેમ જીવંત રાખ્યો હતો, તેમ, અા પાસ, ગીતસંગીતના પ્રસારણ માટે દાયકાઅોથી અગ્રગામી સંસ્થા તરીકે જેની નામના બંધાઈ છે તે તેમની ‘શ્રુિત અાર્ટ્સ’ સાથેની ઘનિષ્ટતા મેં સ્વાભાવિક કેળવી જાણી છે. વળી, અારંભથી એમણે “અોપિનિયન” સંગાથે ફક્ત તંતુ જોડી જ નહોતો રાખ્યો, અનેકોના તાર પણ સાંધી અાપ્યા હતા. અાજ સુધીનો અનુભવ કહે છે કે તે સરેરાશ એક ઉમદા વાચક નીવડ્યા છે.
પત્ની કુમુદબહેને, પુત્ર હેમન્ત અને પુત્રવધૂ પ્રીતિએ, પુત્રીઅો – દીના અને સાધનાએ પણ ચંદુભાઈના ગોવર્ધનને ઊંચકવામાં ડાંગનો સતત અને સજ્જડ હૂંફટેકો દીધા કર્યો. માંડવીના અા નબીરાએ બેરા, બ્લાન્ટાયર, મુફલીરા અને લેસ્ટર મુકામે થાણા જમાવ્યા, અને અા દરેક થાણે, એમનો ગઢ મજબૂત બનતો જ ચાલ્યો.