જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી, એમ અમે માનતા. મેં શરૂઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે, તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં, ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે, તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળજ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદીદિને દિલ્હીમાં એમણે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.
ગાંધીજીના વિચારો બાબત ઘણી વાર થાપ ખાઈ જવાય છે. એનું કારણ એ કે એમણે ધર્મ અને રાજકારણને વેગળાં રાખવાનો સતત ઇનકાર કર્યો. ‘ધર્મ’ને બદલે ‘નૈતિકતા’ શબ્દ વાપરો અને ‘રાજકારણ’ને બદલે ‘સત્તા’ શબ્દ વાપરો, એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણામાંથી કોઈ એવું છે કે જે એમ માનતું હોય કે સત્તાનો ઉપયોગ નૈતિક ખ્યાલોને અભેરાઈએ ચડાવીને જ થવો જોઈએ? ગાંધીજી પોતાને કર્મયોગી માનતા હતા. આત્મપ્રતીતિ અને સામુદાયિક મુક્તિ માટે નિઃસ્વાર્થ સાંસારિક કાર્ય કરવું તેને એ પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માનતા હતા. રાજકીય પ્રવૃત્તિ એમની નજરે સામાજિક કાર્ય માટેનું સર્વોત્તમ ક્ષેત્ર હતું, પરંતુ એમનો એ આગ્રહ પણ હતો કે આ કાર્ય અહિંસા અને આભડછેટની નાબૂદી જેવાં નૈતિક મૂલ્યોથી સિંચિત હોવું જોઈએ. પરંપરાગત હિન્દુ ‘ત્યાગી’નું ખાસ લક્ષણ આત્મરતિ છે અને ગાંધીજીએ એવાં સ્વાર્થપ્રેરિત લક્ષ્યોનો ત્યાગ કર્યો. એમને અંગત હેતુઓ માટે સત્તા નહીં, ભારતની જનતા માટે સાર્વભૌમત્વ જોઈતું હતું. એ જ કારણે એમનો જબરદસ્ત નૈતિક પ્રભાવ રહ્યો. એમની નજરે, મોક્ષ અને આત્મસાક્ષાત્કાર સહિત આધ્યાત્મિકતાનાં બધાં સર્વશ્રેષ્ઠ ધ્યેયોની અભિવ્યક્તિ માટે એક જ શબ્દ પૂરતો હતો – સત્ય. એ જ એક શબ્દ ન્યાય અને નિષ્ઠા જેવાં મૂલ્યો માટે પણ પૂરતો હતો. એમના સત્યમાં અહિંસા અંતર્નિહિત હતી. “સત્ય પોતે જ પોતાની સાબિતી છે અને અહિંસા એનું સર્વોત્તમ ફળ છે”. એમના ઉદ્દેશ એકીસાથે આધ્યાત્મિક અને રાજકીય હતા અને સાધન અને સાધ્યનું સાયુજ્ય સાધીને એમણે આ ઉદ્દેશોની વ્યાખ્યાનો ભેદ ભૂંસી નાખ્યો. એમનો ધર્મ રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનું વ્યૂહાત્મક હથિયાર નહોતો, ઊલટું, એમનો વિચાર હતો કે નક્કર ધ્યેયો સિદ્ધ કરવા માટે રાજકીય ક્રિયાકલાપોને જ નૈતિકતાના રંગે રંગીને પારદર્શક બનાવવાની જરૂર છે.
ગાંધી ભલેને રૂઢિવાદી દેખાય પણ એ તો સ્પષ્ટ છે કે એમણે પરંપરાઓ અને તત્કાલીન આધ્યાત્મિક ગુરુઓને પણ અંતરાત્માની કસોટીએ ચડાવ્યા. તુલસીદાસ પત્નીને મારતા એ સાચું હોય તો પણ ગાંધી કહે છે કે “રામાયણ પુરુષો પત્નીને મારતા હોય તેને વાજબી ઠરાવવા નથી લખાયું.” અને મહાભારતમાં હિંસાચારનું નિરૂપણ હોવા છતાં ગાંધી કહે છે કે વ્યાસે આ મહાકાવ્ય “યુદ્ધની નિઃસારતા દેખાડવા” માટે લખ્યું; મહાભારતમાં વર્ણવેલી લડાઈ તો બધા મનુષ્યોની અંદર ચાલતા શુભ અને અશુભ વચ્ચેના દ્વન્દ્વનું રૂપક છે. કર્મનું શુદ્ધતમ રૂપ પારિતોષિકની ઇચ્છા વિનાનું હોય, તો હિંસા અને અસત્ય માટે તો બારણાં બંધ જ છે; એ બન્નેમાં સ્વાર્થ વસે છે. ગાંધીજી કહે છે કે સદીઓ વીતતાં ભાષા અને અર્થ બદલાય અને વિસ્તરે છે. અને “કોઈ સુંદર કાવ્યકૃતિની ખૂબી જ એ હોય છે કે એ એના સર્જક કરતાં પણ મોટી હોય છે.” ગીતામાં પણ યુદ્ધનું નિરૂપણ હોવા છતાં ગાંધીજી આગ્રહપૂર્વક કહે છે કે “મારા જીવનનાં ચાળીસ વર્ષ સુધી મેં ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાના અથાક પ્રયાસ કર્યા, પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે મારા ખ્યાલ પ્રમાણે દરેક પ્રકારે અહિંસાનું આચરણ કર્યા સિવાય સંપૂર્ણ અનાસક્તિ સિદ્ધ ન થઈ શકે.” એમનો અંતરાત્મા એમને માનવીય સમાનતા અને રાજકીય તથા સામાજિક સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ધકેલતો રહ્યો. જ્ઞાતિપ્રથામાં રહેલી દમનકારી હિંસાને અને હિંસાને વાજબી ઠરાવવા માટે જુદા-જુદા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં રજૂ થયેલી દલીલોને – એમણે નકારી કાઢી. ધર્મના ક્ષેત્રમાં ગાંધીજીને સર્જકતાની નિશાની જ એ છે કે એમણે ભાષા તો પરંપરાગત વાપરી પણ સલાહ આપી, એ પરંપરાઓને સમૂળગી નકારી કાઢવાની.
સૌથી વધારે નોંધવાલાયક વાત એ છે કે એમના અહિંસાના સંદેશનો સૌથી વધારે ઊંડો પ્રભાવ ભારતમાં લડાયક મનાતી બે કોમો પર પડ્યો – શીખો અને પઠાણો. આજે બહુ થોડા લોકોને યાદ હશે કે અકાલીદળનો જન્મ જ ગુરુદ્વારાઓને અંગ્રેજોના ટટ્ટુ જેવા ભ્રષ્ટ મહંતના કબજામાંથી છોડાવવા માટે ચાલેલા અહિંસક આંદોલનમાંથી થયો છે. ૧૯૨૨નું ગુરુ-કા-બાગ આંદોલન એક સીમાચિહ્ન છે. ધાર્મિક હેતુ માટે લાકડાં કાપવા સામેના પ્રતિબંધનું અકાલી જથ્થાઓએ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે ઉલ્લંઘન કર્યું. આ જથ્થાઓમાં કેટલાય તો નિવૃત્ત સૈનિકો હતા અને પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી સામ્રાજ્ય માટે લડ્યા પણ હતા. અંગ્રેજ પોલીસ અફસરો અને એમના હિન્દી સિપાઈઓએ નિર્દયતાથી ડંડા વરસાવ્યા. દેશને હલાવી દેનારા આ આંદોલનમાં ૧૫૦૦ ઘાયલ થયા અને પાંચ હજારને જેલ ભોગવવી પડી. ગાંધીજીના સાથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝે આ “પરમ નૈતિક સ્પર્ધા” જાતે જોઈ અને લખ્યું કે આવી અમાનવીયતા કોઈ “અંગ્રેજના માન્યામાં ન આવે”. એમણે લખ્યું, “દરેક પ્રહારને જુસ્સાથી સહન કરી લઈને એમણે એને વિજયમાં ફેરવી નાખ્યો.”
એ જ રીતે, લાલ ખમીસધારી ખુદાઈ ખિદમતગારોએ વાયવ્ય સરહદપ્રાંતમાં ચલાવેલું આંદોલન ૧૯૪૭ પહેલાના હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય સ્વાધીનતા અને સામાજિક ઉત્થાન માટેનું એક સૌથી ચુસ્ત ગાંધીવાદી આંદોલન હતું. ખુદાઈ ખિદમતગારના નેતા ખાન અબ્દુલ ગફારખાનને એના પછી જ ‘સરહદી ગાંધી’ એવું બિરુદ મળ્યું. એમણે શાંતિ, સહિષ્ણુતા અને આત્મસંયમ પર ભાર મૂકતા ઇસ્લામનો ઉપદેશ આપ્યો. ખુદાઈ ખિદમતગારોએ ૧૯૩૧માં નાગરિક અસહકાર આંદોલનમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે પેશાવરનો કબજો લઈ લીધો અને થોડા દિવસ શહેરનો વહીવટ પણ ચલાવ્યો. એમને દબાવી દેવા સરકારે ગઢવાલ રાઇફલ્સની રેજિમેન્ટ મોકલી. એમાં બધા હિન્દુઓ જ હતા પણ એમણે પઠાણ સત્યાગ્રહીઓ પર ગોળી ચલાવવાની સાફ ના સુણાવી દીધી. ૧૯૩૦ના દાયકામાં એક તુર્કી વિદુષીએ ફ્રંટિયર પ્રદેશની મુલાકાત લીધા પછી લખ્યું કે પઠાણોએ ‘તાકાત’નું નવું અર્થઘટન કર્યું છે. એમના શબ્દોમાં, “આ દૃઢ અને નીડર માણસોએ દેખાડી આપ્યું છે કે અહિંસા જ માત્ર એક એવી તાકાત છે કે જેની સમાજ પર ચિરંજીવી અસર પડે છે … આ ઘટના અભ્યાસ કરવા યોગ્ય છે.”
ગાંધીજીની હિંસાની સમજ એમની આધ્યાત્મિક આસ્થાઓમાંથી નીપજી છે. મહાભારતમાં દુષ્ટોની સાથે ભીષ્મ અને દ્રોણ જેવાં સજ્જનો પણ હતાં તેના પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે “દુનિયામાં અનિષ્ટ પોતાની મેળે ફાવે નહીં. એ માત્ર ઇષ્ટ સાથે જોડાઈને જ પાંગરી શકે.” એમણે છેક ૧૯૨૬માં આ લખ્યું અને એ વિચાર પર ઠેઠ સુધી દૃઢ રહ્યા. ૧૯૪૦માં એમણે કહ્યું, “ગુંડાઓ આકાશમાંથી ટપકતા નથી કે ભૂતાવળની જેમ ધરતીમાંથી ફૂટી નીકળતા નથી. ગુંડાઓ સામાજિક છિન્નભિન્નતાની પેદાશ છે, એટલે સમાજ એમના અસ્તિત્વ માટે જવાબદાર છે … આપણું સમગ્ર રાજતંત્ર કેટલું ભ્રષ્ટ છે, તેનું આ પ્રતીક છે.” ૧૯૪૬નાં રમખાણો વખતે એમણે કહ્યું, “બધો દોષ ગુંડાઓ પર નાખીને આપણા પોતાના માટે નૈતિક બહાનું શોધી લેવાની ટેવની હું સખત ટીકા કરું છું. એમની પેદાશ અને એમને ઉત્તેજન આપવા માટે આપણે જવાબદાર છીએ.” ૧૯૪૭માં હિંસા ચરમસીમાએ હતી, ત્યારે પણ એમણે એ જ લખ્યું, “શાંતિપ્રેમી વ્યક્તિઓ આગળ આવીને પોતાની વાત કહે અને ગુંડાઓને એકલા પાડી દે એવો સમયનો તકાજો છે. અહિંસક અસહકાર બધી જગ્યાએ અકસીર રહે એવો ઇલાજ છે. ‘શુભ’ સ્વતંત્રપણે અસ્તિત્વ ટકાવી શકે છે, પણ ‘અશુભ’ નહીં. એ શુભની અંદર અને એની આસપાસ પરોપજીવી તરીકે ટકે છે. શુભ એને ટેકો આપવાનું બંધ કરશે, ત્યારે એ આપોઆપ ખરી પડશે …”
આઝાદી પૂર્વેના હિન્દુસ્તાનમાં નોઆખલી અને કોલકાતા જેવા શહેરમાં એમણે જે અધમાધમ પ્રકારની હિંસા જોઈ તેને ખાળવાના એમના પ્રયાસોની ફળશ્રુતિ રૂપે એમનું આ દર્શન પ્રગટ થયું છે. એ વખતે નજરે જોનારને માટે એ તો સાવ જ જાદુ હતો કે હિન્દુઓ અને મુસલમાનો હજારોની સંખ્યામાં ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં જોડાતા અને ૧૯૪૭ના ઑગસ્ટમાં એમણે સાથે મળીને ઈદ ઊજવી. વાઇસરૉય માઉંટબૅટને એમને આ તાર મોકલ્યો : “મારા વહાલા ગાંધીજી, પંજાબમાં આપણે ૫૫ હજાર સૈનિકો મોકલ્યા છે, તેમ છતાં રમખાણો કાબૂમાં નથી આવતાં. બંગાળમાં આપણું એક વ્યક્તિનું સૈન્ય છે અને તો પણ રમખાણો નથી થતાં … એક સેવારત અધિકારી તરીકે હું આપણા ‘વન મૅન બાઉંડરી ફૉર્સ’ને માનાંજલિ આપવાની પરવાનગી માગું છું …” દિલ્હી ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગે ઠરાવ કરીને “કોલકાતામાં બે કોમો વચ્ચે શાંતિ અને શુભેચ્છાનું વાતાવરણ સ્થાપવામાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યો” તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક જ મહિનાની અંદર, કોલકાતામાં ફરી રમખાણો ફાટી નીકળ્યાં અને ગાંધીએ ઉપવાસ આદર્યા, ત્યારે એમની સાથે યુરોપિયનોના નિયંત્રણ હેઠળના આખા પોલીસદળે પણ એક દિવસ ઉપવાસ રાખ્યો અને લોહીતરસ્યા ગુંડાઓ આવીઆવીને પોતાનાં હથિયારો એમના ચરણે નાખવા લાગ્યા. કૉંગ્રેસના કટ્ટર વિરોધી, અખબાર ‘ધી સ્ટેટ્સમૅન’ના અંગ્રેજ તંત્રીએ જાહેર કર્યું કે હવેથી ‘શ્રી ગાંધી’નો ઉલ્લેખ એમની કૉલમમાં ‘મહાત્મા’ તરીકે થશે. ૧૯૪૭ની સ્થિતિનું બયાન કરવા માટે ગાંધીજીએ જે તર્ક વાપર્યો છે, તેનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે હિંસા અને અહિંસા વચ્ચેનો સંઘર્ષ, ગુંડાઓ હોય કે સભ્યસમાજ, પ્રત્યેક હૃદયમાં ચાલતો હતો.
ઘણા માને છે તેમ, ગાંધી નામનો આ જણ જડસુ આદર્શવાદી નહોતો. એમણે માન્યું જ છે કે સંપૂર્ણ અહિંસા એટલે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી દેવી, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સુસંગત નથી. એમણે દમનકારીઓની હિંસા અને પીડિતોની હિંસા – સ્વબચાવની હિંસા – માં પણ ભેદ કર્યો. ગાંધીજી માનતા કે આત્મરક્ષણ માટેની હિંસા આક્રામક હિંસા કરતાં નૈતિક રીતે વધારે સારી છે. ગાંધીની વ્યાખ્યા પ્રમાણે “સ્વાર્થસિદ્ધિ માટે કે માત્ર આચરવા ખાતર કરાયેલી હિંસા” એ જ ખરી હિંસા છે. ગાંધીજીએ સ્વહિત અને સ્વાર્થ વચ્ચે પણ અંતર દેખાડ્યું. સ્વહિત એટલે ગરિમાપૂર્ણ માનવીય જીવન જીવી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી કરવી; જ્યારે સ્વાર્થ એટલે પોતાનાં હિતોને સૌનાં હિતોની ઉપર મૂકવાં અને બીજાના ભોગે પોતાનું હિત સાધવું. હિંસક વિચારો જોખમી છે કેમ કે એ જ હિંસક આચારને જન્મ આપવાની સ્થિતિઓ સર્જે છે. બીજાને ઉતારી પાડવા એ પણ હિંસા જ છે. ગાંધીજીનું મૂલ્યાંક્ન એ હતું કે રાજસત્તા હિંસાનું સંસ્થાકીય અને સંકેન્દ્રિત રૂપ છે અને એમનો પાકો મત હતો કે રાજસત્તાના આવા સ્વરૂપનું કારણ એ કે તે સિવાય એક અન્યાયી અને શોષક સમાજવ્યવસ્થાને ટકાવી ન શકાય. એમણે ભાર દઈને કહ્યું કે આત્યંતિક સ્થિતિમાં કાયરતા કરતાં હિંસા વધારે સારી છે. અન્યાય અને દુષ્કૃત્યો સામે નિષ્ક્રિયતાને વાજબી ઠરાવવા માટે અહિંસાનું નામ વાપરવું તેનો એ વિરોધ કરતા. એમની સલાહ હતી કે સ્ત્રી જો બળાત્કારી સામે અહિંસક રીતે ન વર્તી શકે, તો એણે પૂરી શક્તિથી એનો સામનો કરવો જોઈએ.
છેવટે તો, ભીખુ પારેખ કહે છે તેમ ગાંધીને એ વાત ગળે ઊતરી ગઈ હતી કે “હિંસાના શાસનનો અંત હિંસામાં ઉમેરો કરવાથી ન આવે”. હિંસાને વાજબી ઠરાવવા માટે જે વાહિયાત દલીલો આગળ ધરવામાં આવે છે, એમાં ભારે જોખમ છે; જેમ કે “માણસના સ્વહિત માટે પ્રકૃતિનો ભોગ લઈ શકાય”, અથવા “રાજ્ય એક દમનકારી મશીન હોય તો પણ એને ટકાવી રાખવાની જરૂર છે” કે પછી, “દમનનો વિરોધ ક્રાન્તિકારી હિંસાથી જ થાય.” ગાંધીજી, પારેખના શબ્દો વાપરીએ તો “માનવીય જીવનમાં મર્યાદિત હિંસાની સહ્ય સ્વીકૃતિને જેટલી સહેલાઈથી વ્યાપક સ્વીકૃતિ બનાવી દેવાય છે, તેનાથી ભારે ચિંતિત હતા.” આ રીતે માણસ હિંસાને અપવાદમાંથી નિયમમાં ફેરવી નાખે છે. એક વાર એવું થાય તે પછી “માણસો અપવાદોનો લાભ લેતા જ રહેશે અને વિકલ્પ શોધવાનો પ્રયત્ન પણ નહીં કરે.” એમની દૃષ્ટિએ સામાજિક અને રાજકીય કાર્યકરો અહિંસાની તાલીમ લે એનું મુખ્ય કારણ જ એ હતું, કારણ,કે એમની વ્યાખ્યા પ્રમાણે અહિંસા એટલે માત્ર હિંસાનો અભાવ નથી, પરંતુ એમાં કરુણાનું વિધાયક મૂલ્ય છે. અહિંસાને નૈતિક આદર્શનું સ્થાન આપવામાં એમને આશા હતી કે સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં જરૂરી બનતી હિંસાને નગણ્ય સ્તર સુધી ઘટાડી શકાશે. સંપૂર્ણ અહિંસા કદાચ કદી પણ સિદ્ધ ન થઈ શકે, તો પણ એ ‘યુટોપિયા’ તરીકે તો કામ કરશે જ; એના વગર તો માનવસમાજ પાસે પોતાનાં કાર્યોને માપવાનો પરિપૂર્ણ માપદંડ જ નહીં હોય.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 03-04
![]()


ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના જીવનની પળેપળ વિચારોનું અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બેસી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છે, “ગાંધીજી લોકોની હૃદયવીણાના હરેક તારને જાણે છે, નિષ્ણાત સંગીતકારની જેમ કયે પ્રસંગે કયો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે રણઝણી ઊઠશે તે જાણે છે.” એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતા. માનવ હતા. તેમણે એ જ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યા.
પત્રકારત્વના સઘળા ઇતિહાસ ઉપર નજર નાખવાથી ખ્યાલ આવે છે કે, સામાન્ય રીતે કોઈ પણ સુચારુ પત્રકારત્વ એ સર્વોદયનું પત્રકારત્વ છે. કોઈ પણ સાચો પત્રકાર એટલું તો માનશે જ કે, પોતાની બાબતમાં મારા અને તારાનો ભેદ કરવાના હોય નહિ. સાચી સેવાશીલ વ્યક્તિ કોઈના પણ દુઃખ-દદર્ની સામે આંખમીંચામણાં ન કરી શકે. જો પત્રકારત્વને એક સેવા ગણીએ તો પત્રકાર એક સેવક ગણાય. સેવક એટલે કે એ વ્યક્તિ જેની પાસે એવી કોઈ ઉપલબ્ધિનું સાધન નથી, પરંતુ તેનું પોતાનું સાધ્ય છે. સેવા મારફતે નથી તેને કીર્તિ જોઈતી, નહિ પદ કે નહિ પૈસા. પત્રકાર પણ એક રીતે સેવક છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભયંકર રોગચાળા, રાજનૈતિક ઊથલપાથલ, દલિત અને શોષિતોનો ઉદ્ધાર, શિક્ષણમાં જાગરણ વગેરે કોઈ પણ પ્રશ્નને લઈએ, બધા જ પ્રશ્નો પત્રકારત્વની સાથે જોડાયેલા છે. આવા અર્થમાં આપણે એમ કહી શકીએ કે, પત્રકાર તો એક સેવક છે, જેને સમગ્ર માનવતા તરફ એવી રીતે જાગ્રત અને સંવેદનશીલ રહેવું પડે છે, જેવી રીતે કોઈ માતાને તેના નાના બાળક પાછળ રહેવું પડે છે. માતાનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત છે, જ્યારે પત્રકારનું વિશાળ અને વ્યાપક. સાચા પત્રકારે આ માટે કાયમ જાગતા રહીને જ્યાં જે રીતનું કષ્ટ હોય, ત્યાં શરીર અને મનથી હાજર રહેવું પડે છે.
પત્રકારત્વ પણ એમના માટે એક સત્યની ખોજ હતી. પત્રકારત્વ અને મુદ્રણના ક્ષેત્રમાં વિલ્હેમ સ્ટીડ લગભગ શરૂઆતના અને ખાસ્સી પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયા. તેઓએ કીધું છે કે, ‘‘ખબર દેવામાં સબરનો સહારો લો, અને ખબર પર પોતાનો ખ્યાલ રજૂ કરતા મનમાં કોઈ પ્રકારનો હિચકિચાટ ન રાખો.’’ આ શબ્દોને અમે સારા પત્રકારત્વની સાથે સાથે સર્વોદય પત્રકારત્વનાં બ્રહ્મવાક્યો પણ કહી શકીએ.
શસ્ત્રબળને બદલે શાસનનો મુકાબલો નિર્ભય-સત્યના ઉચ્ચારણથી જ થઈ શકે છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના માધ્યમથી સર્વોદય-પત્રકારત્વની આ દૃષ્ટિ ૧૯૦૩માં જ આપણી સામે રાખી છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પહેલો અંક ૪ જૂન ૧૯૦૩માં નીકળ્યો અને એ પણ ત્યારે, જ્યારે તેઓએ એક પ્રેસ પણ શરૂ કર્યું. સમયસર પત્ર કાઢવા માટે પોતાનું પ્રેસ હોય તેવી વાત ગાંધીજી ચોક્કસપણે માનતા હતા. પ્રેસ નાખતા પહેલાં ગાંધીજીએ થોડું કંપોજિંગ પણ શીખી લીધું હતું અને પ્રેસમાં જે માણસોને રાખ્યા તેમાં પોતાના સહાયક સંપાદકથી લઈને દરેક સાથીને છપાઈકામ શીખવા માટે ઉત્સાહિત કર્યા હતા. મનસુખલાલ નાઝર સંપાદક અને મદનજીત ગાંધીજીના સહાયક સંપાદક હતા. મદનજીત મુંબઈના રહેવાસી હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેઓએ કામ કર્યું હતું. અખબારના ઉદ્દેશો સ્પષ્ટ કરતા ગાંધીજીએ લખ્યું, ‘‘અખબારની નીતિ આ ઉપમહાદ્વીપમાં ભારતીયોનાં હિતોને લોકોની સામે પ્રગટ કરવાની છે, પરંતુ અમે કહી દેવા માગીએ છીએ કે અખબાર ફક્ત ભારતીય સમાજના અધિકારોની જ વાત નહીં કરે, તે એક મોટા અને વિશાળ સામ્રાજ્યમાં તેઓનાં શું કર્તવ્યો છે, તે દર્શાવવામાં પણ કોઈ જાતની આનાકાની નહિ કરે. અખબાર એ વાતની પૂરેપૂરી કોશિશ કરશે કે નિયતિએ જ્યારે બે મહાન જાતિઓને એક ઝંડા નીચે ઊભી કરી દીધી છે તો તેઓ એકબીજાના હિત અને સન્માનની રક્ષા કરતા કરતા, પોત-પોતાનો વિકાસ એવી રીતે કરે કે આખી માનવજાત લાભાન્વિત થઈ શકે.
‘ઇન્ડિયન ઓપીનિયન’ અન્ય ભાષાઓની સાથેસાથે હિન્દીનું પહેલું વિચારપત્ર હતું. ત્યાર પછી ગાંધીજીના માર્ગદર્શનમાં જેઓએ પત્રકારત્વને સમજ્યું, તેઓએ લગભગ આ જ બધા સિદ્ધાંતોને પોતાની સામે રાખ્યા. સાપ્તાહિકપત્ર સમાચારને બદલે વિચાર ઉપર વધારે જોર આપે છે. તે જે સમાચારો ઉપર જોર આપે છે એ સમાચાર પણ મોટેભાગે કાં તો પોતાના ઉદ્દેશને અનુકૂળ અથવા ઉદ્દેશથી એકદમ વિરુદ્ધમાં જનારા સમાચાર હોય છે. કુતૂહલ, મનોરંજન અથવા ફક્ત હાસ્યવાળા વિચાર-પત્રોની સાથે ખાસ કરીને સર્વોદય વિચાર-પત્રોની સાથે મેળ નથી પડતો. વ્યંગનું તેમાં સ્થાન છે. પછીથી થોડાં સર્વોદય વિચાર-પત્રોએ વ્યંગને પોતાને ત્યાં કાયમી સ્તંભ તરીકે સ્વીકાર્યા – જેવી રીતે સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત ‘સર્વોદય’ માસિક, અને પહેલાં વારાણસી અને પછી દિલ્હીથી સાપ્તાહિક પત્ર ‘ભૂદાનયજ્ઞ’. ગાંધીજી આ વાતની તપાસ-જાણકારી પણ રાખતા હતા કે, ભારતના હિંદી છાપામાં એવી કેવી સામગ્રી છપાઈ રહી છે કે, જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની નૈતિક તથા ધાર્મિક ભાવનાઓને સચેત કરવા માટેની દૃષ્ટિથી કરવામાં આવતો હોય. કોઈ એક અંકમાં શ્રીરામ નરેશ ત્રિપાઠીની ‘સરસ્વતી’માંથી ઉદ્ધૃત ‘રામ’ કવિતા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાણકારી બે વાતો સૂચિત કરે છે. એક તો એ કે ગાંધીજી ભારતમાં પ્રકાશિત થતી હિંદી પત્ર-પત્રિકાઓ ઉપર નજર નાખ્યા કરતા હતા, અને બીજી એ કે તેઓ ત્યાંથી એવી બાબતો જ ઉપાડતા હતા, જે ભારતવાસીઓને નૈતિક રૂપથી ઉપર ઉઠાવવામાં સમર્થ હોઈ શકે. શ્રીરામ નરેશ ત્રિપાઠીની આ કવિતાને ઉદ્ધૃત કર્યા પછી ગાંધીજીએ તેમની સાથે જીવનભર વ્યક્તિગત સંબંધ જાળવી રાખેલ – આ એમની લોકસંગ્રહ વૃત્તિને ઉજાગર કરે છે. તેઓ વિભિન્ન કામોમાં સહયોગ મેળવવાની દૃષ્ટિથી કાયમ લોકોની શોધમાં રહેતા હતા. એક સારા સંપાદકની માફક સારા લેખકો સાથે સંબંધ જોડાયા પછી શક્ય પ્રયાસે તૂટવા દેતા નહિ.
એ દિવસોમાં માસિક પત્રિકાઓમાં, વર્ધાથી કાઢવામાં આવતા ‘સર્વોદય’ની વિશેષ પ્રતિષ્ઠા હતી. ‘સર્વોદય’ માસિક ઓગસ્ટ ૧૯૩૮માં સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત થયું. તેના સંપાદકો હતા કાકાસાહેબ અને દાદા ધર્માધિકારી. આ માસિક ઓગસ્ટ-૧૯૪૨ એટલે કે ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત સુધી એકધારું નીકળતું રહ્યું, અને તેમાં નાની નાની ટિપ્પણીઓ તેમ જ સંપાદકીય, ઉપરાંત સર્વોદય પરિવારનાં જુદાં જુદાં ઘટકો સરળ અને સુવાચ્ય ભાષામાં અપાતાં રહ્યાં હતાં. તેના લેખકો પણ ખાસ કરીને ગાંધીવિચારના જાણકાર જ રહેતા. ક્યારેક ક્યારેક તેમાં અન્ય ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ વિચારકોના લેખોના અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. આચાર્ય ભાગવત, જાવડેકર, આશાદેવી આર્યનાયકમ, અન્નાસાહેબ, સહસ્રબુદ્ધે, શ્રીધર ધોત્રે, અને દ્વારિકાનાથ લેલે જેવા જુદાં જુદાં રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરવાવાળી વ્યક્તિઓના લેખો પણ તેમાં પ્રકાશિત થતા હતા.
હૈદરાબાદથી પાછા ફરતા ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબા પોચમપલ્લી નામના ગામમાં પહોંચ્યા. ત્યાં સાંજના તેઓએ રાબેતા મુજબ સભા કરી. આ ગામ સામ્યવાદીઓનો ગઢ હતો. સભા પૂરી થતા થોડા લોકોએ ઊભા થઈને જણાવ્યું કે, અમને લોકોને જમીન અપાવો. જમીન અપાવવા માટેનું હિંસક આંદોલન વિનોબાની ચિંતાનો વિષય બનેલો જ હતો. તેઓ તેનો પ્રતિકાર તો પ્રેમપૂર્વક જમીન અપાવીને જ કરી શકે તેમ હતા. આ માટે તેઓએ સભામાં ભેગા થયેલા લોકોને પૂછ્યું, અહીં કોઈ એવી વ્યક્તિ નથી જે પોતાની ઇચ્છાથી ભૂમિહીનોને જમીન આપી શકે ? વિનોબાએ ૮૦ એકર જમીનની માંગણી આ સભામાં ઊભી કરી. વિનોબાનું એટલું જ કહેવાનું હતું. ત્યાં તો એક લાંબા ખડતલ શરીર ભવ્ય આકૃતિવાળા યુવાને ઊભા થઈને જણાવ્યુ કે હું હરિજનભાઈઓને ૫૦ એકર તૈયાર જમીન અને ૫૦ એકર પડતર જમીન આપી શકું છું. બસ ! અહીંથી જ ભૂદાનગંગાનો સ્રોત ફૂટી નીકળ્યો. આ અહિંસક ક્રાંતિને દેશભરમાં ફેલાવવાને માટે જુદી જુદી જગ્યાઓથી સર્વોદયવિચારની પોષક વ્યક્તિઓ અને સંસ્થાઓએ અખબાર-પત્રિકઓ કાઢવાનું શરૂ કરી દીધુ. દેશના બધા રાજ્યોની ભાષાઓમાં પત્રિકાઓ નીકળી. બધાથી વધારે પત્રિકાઓ કદાચ હિંદીમાં જ નીકળી. આમાં સર્વ સેવા સંઘ વારાણસીથી પ્રકાશિત પત્રિકા ‘ભૂદાનયજ્ઞ’એ સૌથી વધારે જહેમતથી આ વિચારને ફેલાવ્યો. આ પત્રિકાએ આચાર્ય રામમૂર્તિ જેવા સંપાદક અને નારાયણ દેસાઈ અને પ્રભાષ જોષી, કુમાર પ્રશાંત, શ્રવણકુમાર વગેરે પત્રકારો પણ હિંદી જગતને આપ્યા.