ભારત મારો દેશ છે અને મને તેનું ગૌરવ છે. આવું સ્કૂલમાં બોલતાં અને બોલાવતાં હતાં. અને આમાં કશું જ ખોટું પણ નથી. પડોશમાં રહેલા મહેલને જોઈને ઘરનું ઝૂપડું બાળી થોડું નંખાય છે? મારું ઝૂપડું એ મારું ઝૂપડું છે અને પડોશીનો મહેલ એ પડોશીનો મહેલ છે.
તા. 04-09-2023ના રોજ પુત્ર અને પુત્રવધૂ અમને બન્નેને પૌત્ર સાથે ઓથમ મોલ, જે જ્યુબેલ શહેરથી સો કિલોમિટરને અંતરે આવેલા દમામ શહેરનો મધ્યમ કક્ષાનો મોલ છે. તે જોવા લઈ ગયાં.
આપણે પ્રેરણા લેવા જેવી આ અનુભવને આધારે ત્રણ વાતનો સગૌરવ ઉલ્લેખ કરું છું.
અમે સાંજે પાંચ વાગ્યે જ્યુબેલથી ઓથમ મોલ જવા નીકળ્યા હતા. જ્યુબેલથી દમામનો આઠ ટ્રેક વાળો નેશનલ હાઈ વે છે. જે એકદમ સીધો છે, ક્યાં ય વળાંક કે અન્ય રોડ ક્રોસ થાય નહીં અને થાય તો પણ અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ હોય, ક્યાં ય ગાડી ધીમી પાડવાનો કે ગિયર બદલવાનો આવે જ નહીં અને હવે તો મોટા ભાગની ગાડીઓ ઑટો ગિયરરવાળી છે. એટલે ડ્રાયવરને ગિયર બદલવાની કોઈ ઝંઝટ જ રહેતી નથી. રસ્તામાં વચ્ચે કોઈ રાહદારી, પશુ કે પક્ષી આવવાની સંભાવના નહીંવત. મોટા ભાગની ગાડીઓ 120 કિલોમીટરથી વધારે સ્પીડમાં દોડતી હતી. અમારી ગાડી 135-140 કિલોમીટરની સ્પીડે ચાલતી હતી અને હું ડ્રાયવર સીટની બાજુમાં બેઠો હતો. માઈલો મીટરનો કાંટો સ્પષ્ટ રીતે જોઈ શક્તો હતો અને મારો પુત્ર ડ્રાઈવિંગ કરતાં-કરતાં અને અમે બધાં પોપકૉર્ન – મકાઈની ધાણી – ખાઈ રહ્યાં હતાં. જો કે મને વ્યક્તિગત રીતે આ વ્યવહાર પસંદ નહોતો. પરંતુ બધાં મુસાફરી દરમિયાન ધાણી ખાતાં હતાં.
પછી સાંજે જ્યારે ભોજન કરતાં હતાં ત્યારે સહેજ ટકોર કરી કે બેટા, આટલી સ્પીડમાં મોટર ચલાવતાં ધાણી ખાવી યોગ્ય નથી. જવાબ મળ્યો, પપ્પા તમે ખોટા ગભરાવ છો. આ અમદાવાદ – બરોડા નેશનલ એક્સપ્રેસ હાઈવે નથી. અહીં અકસ્માત થવાની સંભાવના બહુ જ ઓછી છે. કારણ રોડની ગુણવત્તા અને નાગરિકોની ટ્રાફિક સેન્સ હોય છે. તેથી અકસ્માત થવાની સંભાવના ઓછી છે. મને લાગે છે કે આ વાત આપણે પ્રેરણા લેવા જેવી છે. સો કિલોમીટરનું અંતર પચાસ મીનિટમાં પૂરું કર્યું.
અમે ઓથમ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. પાર્કિંગ જોઈને જ અભિભૂત થઈ જવાય, એવી અદ્ભુત વ્યવસ્થાવાળું પાર્કિંગ. ત્રણ માળનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને નીચે ભોય તળિયામાં બે માળ પાર્કિંગના ફાળવેલા. સેંકડો નહીં, પૂરી ત્રણ હજાર ગાડીઓ સરળતાથી પાર્ક થાય એવું પાર્કિંગ. મેં મારા જીવનમાં પ્રથમ વખત આવું પાર્કિંગ જોયું. જો આપણે પાર્કિંગ સેકટર યાદ ન રાખ્યું હોય, તો આપણને આપણી ગાડી શોધવા માટે ફાંફાં મારવાં પડે. આટલું વિશાળ પણ અતિશય વ્યવસ્થિત અને સુવિધાપૂર્ણ.
ચારેય દિશાઓમાં મોટી મોટી લિફ્ટ, એક સાથે વીસ માણસો લીફ્ટ થઈ શકે એવી મોટી લીફ્ટસ્ અને યાંત્રિક સીડીઓ. મારા જેવા એક મધ્યમ વર્ગીય નાગરિક માટે જાદુઈ નગરી લાગતી હતી.
આ મોલ પાંચ માળનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે છે, બીજો, ત્રોજો અને ચોથો માળ વિશાળ વિવિધ શો રૂમ છે. અને પાંચમો આખો માળ બાળકોની વિવિધ રાઈડઝ્ અને ખાણીપીણી તેમ જ પ્રાર્થના હોલ છે. પુરુષો અને સ્ત્રીઓના અલગ-અલગ પ્રાર્થના રૂમો છે. હું જ્યારે પાંચમો માળ કહું છું, ત્યારે ગેરસમજ થવાની સંભાવના છે કે મોટા મકાનનો પાંચમો મોટો માળ હશે. સમજો એક મોટું ગ્રાઉન્ડ. જેમાં જાત-જાતની અને ભાત-ભાતની અનેક રાઈડસ્, વિવિધ રમતો, વિવિધ ખાણીપીણીનાં સ્ટોલો, દુનિયાભરના તમામ ભોજનો પ્રાપ્ય. આ વિભાગમાં બાળકો એટલાં ખીલી ઊઠે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. નેવું રિયાલમાં બાળક અનલિમિટેડ રાઈડ્સનો આનંદ લઈ શકે. અમે બધાં પૌત્ર ખીલેલ ફાલ્ગુનને જોતાં ઊભા હતાં અથવા સામેની ખુરશી ઉપર બેઠાં હતાં. સેંકડો બાળકો જોયાં, કોઈ બાળક રડતું હોય કે જીદે ચડેલું જોયું નહીં. એકદમ સ્વચ્છ, તંદુરસ્ત અને પૂર્ણપણે ખીલેલાં બાળપણને આનંદ સાથે જોતો હતો. એક વિચાર આવ્યો, જે દેશનું બાળક પોષણક્ષમ ખોરાકના અભાવે કે ઓવર ખોરાકનાં કારણે બાળક રોગીષ્ટ તે દેશનું ભવિષ્ય પણ રોગીષ્ટ. ચાર- પાંચ કલાક ક્યાં ગયા ખબર ન પડી.
ખરીદી તો કંઈ કરવાની હતી નહીં, પરંતુ પુત્રની સદ્ભાવના હતી કે પિતા કંઈક ખરીદે. પણ મારી પાસે મારી જરૂરિયાત કરતાં વધારે જરૂરી વસ્તુઓ છે. પછી ખરીદી શું કરવાની? પણ વિવિધ વિભાગો જોયા. ચાલતાં થાકી જવાય એટલો મોટો મોલ. કન્ટેનરના કન્ટેનર માલના ઢગલાઓ. ગોલ્ડના શો રૂમ જોયા, અંદર પ્રવેશવાની હિમ્મત તો નહોતી, પણ પુત્રને ખુશ કરવા જોયા. મણના હિસાબે ગોલ્ડ અને પ્લેટિનમની હજારો આઈટમ જોઈ. મેં પુરાણોમાં કુબેર નગરીનું વર્ણન વાંચ્યું હતું, પણ આ તો પ્રત્યક્ષ કુબેરનો ભંડાર જોયો. પણ એક વિચાર સતત મનમાં ઘુમરાતો હતો કે વિક્સિત રાષ્ટ્રોની અવિક્સિત રાષ્ટ્રો માટે કોઈ ઉત્તરદાયિત્વ હોઈ શકે ખરું? મારા મનમાં ગાંધીજી સતત ઘુમરાતા રહ્યા.
રિર્ટન થતાં રસ્તામાં એક પાણીની નવી પાઈપ લાઈન નંખાઈ રહી હતી. એ એટલી મોટી પાણીની પાઈપ લાઈન હતી કે માણસ અંદર મોટર સાઈકલ ચલાવીને સરળતાથી બહાર નીકળી જાય. આપણાં ગુજરાતમાં નર્મદાનું પાણી જેમ સૌરાષ્ટ્ર કે કચ્છમાં પહોંચાડ્યું છે, એવી જ આ પાણીની પાઈપ લાઈન છે.
પાણીની પાઈપ લાઈન એ કોઈ નવી કે આશ્ચર્ય પામવા જેવી બાબત નથી. પણ મને લાગી. કારણ કે વરસાદના પાણીને સંગ્રહિત કરીને પાઈપ લાઈન દ્વારા પાણીવિહીન વિસ્તારમાં લઈ જવી એ પણ એક સિદ્ધિ જરૂર છે.
પણ જ્યાં સરેરાશ એક ઈંચ વરસાદ પડતો નથી, નર્મદા જેવી નદીઓ નથી, મીઠાં પાણીનો કુદરતી કોઈ સ્રોત નથી, ત્યાં દરિયાનાં ખારા પાણીને મીઠું પાણી બનાવીને દેશના નાગરિકોને પહોંચાડવું, એ મહાન સિદ્ધિ છે. અહીંનો નાગરિક છૂટથી ચોવીસ કલાક મીઠું પાણી વાપરે છે. નિસ્યંદિત થયેલું પાણી, ડીસ્ટ્રીલ વોટર, ચોખ્ખું પાણી વાપરે છે. મારી દૃષ્ટિએ આ એક મિરેકલ-ચમત્કાર છે. કુદરતે આપણને કેટલી સંપત્તિ આપી છે! તેમ છતાં પોષણક્ષમ ખોરાકના અભાવમાં રોગીષ્ટ બાળકોમાં બિહાર પછી ગુજરાતનો નંબર આવે છે!
પાછા વળતાં હાઈ વે ઉપરની એક સાદી હોટેલમાં અમે પાંચ જણાએ તંદુરી રોટલા, મગની દાળ ને ચણાની માખણવાળી દાળ, કોબી-ડુંગળી-મરચાંનો સંભારો અને ફળ જ્યુસથી ભોજન કર્યું. અને અમે તેના 62 રિયાલ- રૂપિયા ચૂકવ્યા. ભોજનને અંતે થોડી હોટેલના માણસ સાથે આત્મીયતાનો સેતુ રચાયો અને ખબર પડી કે આ હોટલ પાકિસ્તાનીએ કોઈ સાઉદી નાગરિક સાથે ભાગીદારીમાં કરી છે. પરંતુ તેમનો માનવીય અભિગમ ખૂબ ગમ્યો.
સૌજન્ય : લેખકની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ કરવાની કોશિષ કરી છે.
ઇલા રમેશ ભટ્ટ, ‘સેવા’નાં ઈલાબહેન સ્તો, આપણી વચ્ચે હોત તો આવતીકાલે નેવું વરસ પૂરાં કરી એકાણુંમે પ્રકાશતાં હોત. એ નેવુંમે ગયાં, નવેમ્બર 2022માં એમનું દીર્ઘાયુ એ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ભરતી ઘટના હતી. છેલ્લાં થોડાં વરસ એ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ રહ્યાં. એ ગાળામાં એમની હેડીનું ભાગ્યે જ કોઈ ગુજરાતમાં હશે જે આ પદે હોઈ શકે. એક રીતે એમની એ કારુણિકા બની રહી. જો કે, હું આ પ્રયોગ ચીલેચલુ છાપાંગત નહીં કરતાં ગ્રીક ટ્રેજેડીના અર્થમાં, કરુણભવ્ય એ અર્થમાં કરવો ઈચ્છું. ક્યારેક વિદ્યાપીઠ વિશે વાત કરવાની બનશે ત્યારે એની ચર્ચા કરવાની કોશિશ જરૂર કરીશ. પણ હમણાં તો વ્યાપક ફલક પર એક યશસ્વી જીવન નિમિત્તે થોડીએક વાતો કરવા ઈચ્છું છું.