ઇલેક્ટોરલ બોન્ડનો મામલો
નાગરિકની ‘પ્રાઇવસી‘ના નામે આખી ચર્ચા નાગરિકથી ‘પ્રાઇવસી‘ના દિશામાં ખેંચી જવાઈ છે અને સોબતી મૂડીવાદની કાયદેસર પ્રતિષ્ઠાનો એક વ્યૂહ કારગત બનાવાઈ રહ્યો છે.

પ્રકાશ ન. શાહ
સર્વોચ્ચ અદાલતની દેવડીએ ચૂંટણી બૉન્ડની ન્યાયિકતા (ખરું જોતાં જો કે, નૈતિકતા) ચર્ચાઈ રહી છે તેવે ચોમેરચોફેર નજર નાખતાં જે દેખાય છે તે કદાચ ન જોવું હોય તો જ ન દેખાય એટલું ચોખ્ખું એટલે કે ઉઘાડું છે.
લાટસાહેબના વકીલબાબુએ માંડેલી કાનૂની તર્કાતર્કી લગભગ ટેઇક ઓફ વગરના ચકરાવે ચકરાવા લઈ રહી છે કે બોન્ડમાં પૈસા કોણે આપ્યા, કેટલા આપ્યા એ બધું જાહેર ન કરાય, કેમ કે નામદાર સરકારશ્રી લોકશાહી રાહે નાગરિકમાત્રની ‘પ્રાઇવસી’ને પડખે પ્રતિબદ્ધ છે.
મારી ને તમારી ‘પ્રાઇવસી’ પરત્વે સત્તાવાર પ્રતિબદ્ધતાના તો કિસ્સેકિસ્સા હવાઓમાં છે. તમે જુઓ આ જ કલાકોમાં દેશભરમાં એ એપલ એલર્ટની ચકચાર છે કે વિપક્ષનાં મોટાં માથાં ને કેટલાંક પત્રકાર વગેરેનાં આઈ-ફોનમાં રાજ્યપ્રાયોજિત કબજાખોરો પેંધી ચૂક્યા છે. ઊહાપોહ પછી એપલ આ ચેતવણીને મોળી પાડે તો પણ હવાની રુખ તો સાફ, બેહદ સાફ છે.
“પેગેસસ’ એ સ્પાયવેર(શું કહીશું – જાસૂસી જીત?)નો કોયડો સત્તાવાર વણઉકેલ્યો છતાં સામાન્ય સમજમાં ઉકેલ્યા જેવો છે. કારણ, ઇઝરાયેલે વિધિવત સ્પષ્ટતા કરેલી છે કે, આ જાસૂસી ‘જીન’ કેવળ અને કેવળ સરકારને જ વેચવાનો ધારો છે. મતલબ, ભારતમાં ‘પેગેસસ’ થકી જે પણ કરતૂત ને કરતબ જોવાં મળે છે તે વિશે સરકાર નામકર જઈ શકે નહીં.
શુક્રવારે એમ.ઈ.આર.(મ્યુચ્યુઅલ ઇવેલ્યુએશન રિવ્યૂ)નો એક ઉપક્રમ છે તે પૂર્વે એક પ્રજાકીય તપાસ હેવાલ બહાર આવ્યો છે તે પણ આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે. એ હેવાલનો સાર આપું તે પહેલા એમ.ઈ.આર. સંદર્ભ થોડી સમજૂત આપી દઉં. કેટલાંક વરસ પહેલા ભારત સહિતના જી-7 દેશોએ મળીને ફિનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ(એફ.એ.ટી.એફ.)નો અભિગમ વિકસાવ્યો છે. દેશ દેશમાં અંધાધૂધ અરાજકતા ફેલાવતી બાબતો પરત્વે, ખાસ તો મની લોન્ડરિંગ અને આતંકવાદ સારુ નાણાં અંગે, તકેદારી માટેની આ જોગવાઈ છે. પણ એને અન્વયે વસ્તુતઃ શું ચાલે છે? હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ પ્રજાકીય હેવાલ કહે છે કે, સરકાર વિપક્ષને અને નાગરિક સમાજ કર્મશીલોને ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને એન.આઈ.એ. (નેશનલ ઇન્વેસ્ટિગેરિંગ એજન્સી) મારફતે ખરીખોટી ભીંસમાં લે છે.
ગમે તેમ પણ, સરકાર તરફથી સોલિસિટર જનરલ અને એટર્ની જનરલે ‘પ્રાઇવસી’ સહિતના જે બધા દલીલમુદ્દા આગળ કર્યા બદલે ઉછાળ્યા છે એનાથી એટલું સમજાય છે કે ચૂંટણી બોન્ડ પ્રકારની જોગવાઈઓથી સરકારને મળતો એકતરફી લાભ તે છોડવા માગતી નથી.
સર્વોચ્ચ અદાલતની આ સંદર્ભમાં જે છાપ છે તે એ કે આવી બધી બાબતોમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકતા ન હોઈએ ત્યારે પણ એક વસ્તુ તો સાફ સમજાઈ રહે છે કે કેન્દ્ર સરકારનું મનોવલણ જે તે તપાસ બાબતે સહકારભર્યું નથી તે નથી.
ચૂંટણી બોન્ડના પ્રશ્ને ન્યાયિક ચુકાદો હજુ સમય લેશે. પણ એક વાત ચોક્કસ છે કે સરકારી રવૈયો કશીક આઘાપાછીનો છે. મુદ્દે, આપણે સારુ બેનામી બની રહેતા આ બોન્ડના ખરીદારોને લાભાર્થીઓ કેવળ પારદર્શકતાનો અભાવના જ નહીં પણ કાળાં નાણાં, વિદેશી નાણાં પ્રવાહ વગેરેના વાહકો બને છે અને જેને સોબતી મૂડીવાદ (ક્રોની કેપિટલિઝમ) કહેવામાં આવે છે તેના સંવાહક ને સંવર્ધક – સંગોપક બની રહે છે. રાહુલ ગાંધીએ આપણી પરંપરામાંથી એક મજેથી વાર્તા સંભારી છે કે રાજાનો જીવ પિંજરના પોપટમાં રહેલો છે. પોપટ ગયો તો રાજા પણ ગયો. એટલે સરકાર તો ‘પ્રાઇવસી’નું ગોપુચ્છ છોડશે જ નહીં.
ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો અગાઉ 2019માં ઊડ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને નાણાં આપનાર સહિતની વિગતો દર્જ રાખવા કહ્યું હતું. પંચે ત્યારે તે પાળ્યું હશે પણ પછી આ જાણે કોઈ ટૂંકી મુદfdત પૂરતો આદેશ હોય એમ માંડી વાળ્યું હતું. પંચની આ ‘સમજ’માં સરકારનો ફાળો હશે ? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023
![]()






નર્મદ વિશે બાળચિત્તની છાપ કે આ તો જોસ્સાનો જણ, જેમ દલપતરામ ધીરે ધીરે સુધારાના સારવાળા. એમને તો 1857 વિશે ફરિયાદ પણ હોય કે દૂધમાં માખી પડે ને જાન ગુમાવે અને સાથે સાથે દૂધને પણ બગાડે તેમ આ ફિતૂરે કીધું. પણ આપણો નર્મદ, વીર નર્મદ, એ ઊઠીને એમ કહે કે જે જે વિક્ટોરિયા?