શિવ છત્રપતિનું હિંદવી સ્વરાજ હોય કે ક્રાંતિકારીઓને વહાલું મુક્ત ભારત હોય, કિસાન આંદોલન એ સંદર્ભમાં ખાસું વૈચારિક ખાણદાણ લઈને આવે છે. બને કે વર્તમાન સત્તાવિમર્શ પરત્વે તે એક સંસ્કારક ભૂમિકા ભજવી શકે

પ્રકાશ ન. શાહ
અવરોધ પર અવરોધ અને એવો જ અનિરુદ્ધ પ્રતિરોધ : કિસાન આંદોલન જેનું નામ, થંભવાનું નામ જ લેતું નથી. બને કે કેન્દ્ર સરકાર તરતમાં ચૂંટણી જાહેરાત સાથે આચારસંહિતાનું નિમિત્ત પકડીને એમાં ઝોલો પાડવાની ફિરાકમાં હોય.
મારો રસ જો કે આ લખતી વેળાએ કિસાન આંદોલને હાલના સત્તાવાર રાજકીય વિમર્શમાં જે સંસ્કારક વિચાર પ્રક્રિયા(કરેક્ટિવ થોટ પ્રોસેસ)નાં ઈંગિત આપ્યાં છે એમાં છે. ગયે મહિને, ત્રીજી ફેબ્રુઆરીએ ક્રાંતિકારી અજિતસિંહના જન્મદિવસનો યોગ ઝડપીને એમણે ‘પગડી સંભાલ જટ્ટા’ (‘તારું સ્વમાન સંભાળ, ઓ ખેડુબાળ!) દિવસ મનાવ્યો.
‘પગડી સંભાલ’ એ લડાકુ પત્રકાર બાંકે દયાલની ઐતિહાસિક એટલી જ યાદગાર રચના છે જેનું પ્રથમ જાહેર પઠન લાયલપુરમાં 1907ની બાવીસમી માર્ચે થયું હતું. બસ, નવ દિવસ અને એને 117 વરસ થશે. બ્રિટિશ સરકારે કિસાન વિરોધી જુલમી કાયદાઓનું એલાન કર્યું એના પ્રતિકાર રૂપે આ રચના આવી હતી.
અહીં કાયદાની વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું કે ખેતી માટેનાં પાણી પર આકરા વેરા ઉપરાંત સવિશેષ તો મોટો પુત્ર કાચી વયે મૃત્યુ પામે ત્યારે જમીનની માલિકી પરબારી સરકાર હસ્તક ચાલી જાય એવીયે જોગવાઈ હતી.
બે શબ્દો અજિતસિંહ વિશે. જુલમી કાયદાઓ સામે પંજાબભરમાં એમણે ઝંઝાવાતી ઝુંબેશ ચલાવી હતી. એ ભગતસિંહના કાકા હતા એમ ઓળખાણ આપવી સહેલી પડે પણ તે અક્ષરશ: અપૂરતી બલકે સપાટ ઓળખ છે. ઉત્કટ દેશભક્તિવશ અજિતસિંહે સૂફી અંબાપ્રસાદ અને જિયા ઉલ્લાહ વગેરે સાથે મળીને ‘મહેબૂબાને વતન’(ભારતમાતા સોસાઈટી)ની સ્થાપના કરી હતી અને 1907માં 1857નાં પચાસ વરસ થતાં હતાં એની ઉજવણીનીયે યોજના કરી હતી. સ્વાતંત્ર્ય ચળવળના ભાગ રૂપે એમણે જલાવતન જિંદગી ગુજારી.

સરદાર અજિતસિંહ (1881-1947)
શરૂનાં વરસોમાં અહીં કુટુંબને એમની ખાસ ભાળ નહોતી ત્યારે લાંબે ગાળે ભગતસિંહને એમના સમાચાર એગ્નીસ સ્મેડ્લીના પત્રથી મળ્યા હતા. આ એગ્નીસ એક આઝાદમિજાજ અમેરિકી પત્રકાર હતી અને હિંદની આઝાદી, રૂસી ક્રાંતિ, ચીની ક્રાંતિ યુદ્ધ વગેરેમાં હાથ બટાવવા ને કલમ ચલાવવામાં એણે પોતાનો ધર્મ જોયો હતો. બર્લિનના દિવસોમાં એ અને ચટ્ટો – સરોજિની નાયડુના ક્રાંતિકારી ભાઈ વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સદૈવ સહચરવત્ હતાં.
દાક્તર સુમન્ત મહેતાએ એમને મળવાનું થયું તે પછી માર્મિક ટિપ્પણી કરેલી કે ભટકતાં રામસીતાને પરણવાની ફુરસદ નહોતી. આપણે ત્યાં જવાહરલાલના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ ત્યારે એમના વિશેષ પ્રયાસથી અજિતસિંહ જર્મનીની જેલમાંથી છૂટ્યા હતા અને દિલ્હીમાં નેહરુના મહેમાન તરીકે રહ્યા હતા. કથળેલી તબિયતે આરામ સારુ તેઓ ડેલહાઉસીમાં હતા ત્યારે 14-15 ઓગસ્ટની મધરાતે ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’નું ચિર યાદગાર સંબોધન રેડિયો પર સાંભળી ‘જયહિંદ’ના ઉરઘોષ સાથે એ ભાવસમાધિમાં સરી ગયા તે સરી જ ગયા.
અજિતસિંહ વિશે ને મિશે જરી લાંબે પને વાત થતાં થઈ ગઈ, પણ જે મુદ્દો હતો અને છે તે એ કે એમનું ક્રાંતિકારી રુઝાન રૂંવે રૂંવે કેવળ ભારતભક્તિમાં બદ્ધ નહોતું. એની સાથે ન્યાયી પરિવર્તનની દૃષ્ટિએ આર્થિક-સામાજિક કાર્યક્રમ અવિનાભાવ જોડાયેલો હતો. ‘પગડી સંભાલ જટ્ટા’ એ સંસ્થાનવાદ અને શોષણ સામેનું જનતાનું જાહેરનામું છે. આ લખતાં ભગતસિંહ થકી લોકપ્રિય બનેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ (લોંગ લિવ રેવોલ્યુશન) પણ સાંભરે છે. રામાનંદ ચેટર્જી ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’ ચલાવતા. કહે છે કે આ સામયિકની રાહ જોવામાં વાઈસરોય અને ગાંધીજી બેઉ હતા. એમાં ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા વિશેની ભગતસિંહની નુક્તેચીની એમનાં યાદગાર લખાણો પૈકી છે. જોગાનુજોગ કહી જ દઉં કે આ નારો મૂળે તો સ્વાતંત્ર્ય લડવૈયા શાયર મૌલાના હસરત મોહાનીની ભેટ છે. (હવે તો મોહાની જો કે ‘ચૂપકે ચૂપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ, હમકો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ’ થકી ગુલામ અલી અને ‘નિકાહ’ની કૃપાએ યાદ હોય તો હોય.)
કિસાન આંદોલને આ દિવસોમાં દિલ્હીની ભાગોળે 19મી ફેબ્રુઆરીએ શિવ જયંતી પણ વિશેષ રૂપે મનાવી. હિંદુ-મુસ્લિમ ચોકઠામાં શિવાજીની જે એક ઠાકરે આવૃત્તિ ચલણમાં છે તેથી ઉફરાટે શિવાજી ઘટના અને હિંદવી સ્વરાજનું એક વિશિષ્ટ ચિત્ર સૌની સામે આવ્યું અને જોતીબા ફૂલે સરખા ઝુઝારુ સુધારક શા સારુ ‘શિવાજી તો અમારા શુદ્રોના રાજા’ એવું ભાવભર્યું વિધાન કરતા હશે તે સમજાયું. મુઘલ સત્તાથી માંડી મરાઠા ઠકરાતો સાથે લડતાં એમણે કિસાનોને એમનો હક અપાવ્યો. કુલકર્ણી, પાટિલ, દેશમુખ એ ભૂમિ માલિકો ને જાગીરદારો પાસેથી આ હકનું કિસાનોમાં સંક્રાન્ત થવું એ છતી રાજાશાહીએ સામંતવાદના હ્રાસની ઘટના હતી. સ્વરાજકાળમાં આગળ ચાલતાં ઢેબરભાઈ હસ્તક સૌરાષ્ટ્રમાં ગિરાસદાર-નાબૂદીનો જે જગન મંડાવાનો હતો એની નાન્દી ઘટના પણ તમે એમાં જોઈ શકો.
વિદુષી પુષ્પા ભાવેનું માર્મિક અવલોકન છે કે એમની રાજવટમાં જે સરદારો અગ્રસ્થાને આવ્યા તે બધા ઓ.બી.સી. તબકાના હતા. શહીદ પાનસરેએ પણ શિવાજી થકી શક્ય બનેલ સંક્રાન્તિ રૂડી પેરે ઉપસાવી છે. કમનસીબે પેશવાઈએ આ બધું કોરાણે મેલ્યું. પરિણામે, શિવ પરંપરામાં આવેલા શાહુ મહારાજે પણ સંકુચિત શાસ્ત્રજ્ઞોની ખફગી વહોરવા વારો આવ્યો.
હાલના સત્તાવિમર્શ અને પ્રાયોજિત સોશિયલ મીડિયાના ચીસોટા પરત્વે તથ્યમંડિત એવી જે સંસ્કારક સોઈ આ આંદોલન નિમિત્તે આવી મળી છે એ જરૂર સ્વાગતાર્હ છે. કબૂલ કે એક કોયલે વસંત નથી થતી, પણ એકાદા કોયલટહૂકે એનાં વધામણાં અવશ્ય સંભળાય છે. દેશમાં એક નાનોયે તબકો તો છે ને, જેને મણિલાલ દેસાઈની ઉંબરે ઊભી નાયિકા પેઠે વાલમબોલ સંભળાય છે … પગડી સંભાલ જટ્ટા!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024
![]()





પ્રશ્ન : અને પછી આ આંદોલનના ભાગરૂપ તમે જેલવાસ ભોગવ્યો અને તમારા એ અનુભવોમાંથી અમને એક સરસ પુસ્તક મળ્યું – ‘વિધર જસ્ટિસ’. એ સમયની વાત કરો, તમે જે મહિલા કેદીઓ સાથે રહ્યાં એ અનુભવોની પણ વાત કરશો ?
ઉત્તર : રાજકીય કેદીઓ માટે પોલીસ કસ્ટડીનો જે સમય છે એ જેલ કરતાં વધારે પીડાદાયક, ત્રાસદાયક, અને અન્યાયી હોય છે. કારણ કે રાજ્યનો હેતુ રાજકીય કેદીને અંદરથી તોડી નાખવાનો હોય છે. એટલે મને પણ ઘણો માર પડેલો. પોલીસ કસ્ટડીમાંથી જેલમાં ગઈ ત્યારે તો જાણે હાશકારો થયેલો. કારણ કે જેલમાં તમે ન્યાયતંત્રની કસ્ટડીમાં હો છો. મને એટલે પણ નિરાંત થઈ હતી કારણ કે મને જામીન મળશે એ હું જાણતી હતી. અમારી પાસે એક કાયદાકીય સહાયનું નેટવર્ક હતું, એ લોકો બહુ સક્રિય થઈ ગયા અને હાઈકોર્ટ સુધી જામીન માટે લડ્યા અને મારા લાંબા જેલવાસ-માંથી મારી જામીન મુક્તિ થઈ. પણ એ મુક્તિ થઈ ત્યારે મને એટલું બધું દુ:ખ લાગેલું કારણ કે ત્યાં એટલી બધી મહિલાઓ એવી હતી કે જે જામીન પર છૂટી શકે એમ હતી પણ એમની પાસે કોઈ સંસાધન નહોતું, કોઈ વકીલ કરી શકે એમ નહોતું. એમના પરિવારમાં કોઈ એટલું આર્થિક રીતે સદ્ધર પણ નહોતું કે એમને માટે જામીનની જોગવાઈ કરી શકે. એટલે આજે પણ જેમને જામીન મળી શકે એવા મહિલા કેદીઓની સંખ્યા જેલમાં બહુ મોટી છે કારણ કે જ્યારે મહિલા જેલમાં જાય છે ત્યારે એમની પાસે પોતાનું આર્થિક ભંડોળ હોતું નથી અને જો પુરુષ જેલમાં જાય તો એને માટે દોડાદોડી કરવાવાળા હોય છે, પણ મહિલા માટે નથી હોતા. એટલે ખરેખર જો હું આ આંદોલનમાં ન હોત તો આ મહિલા કેદીઓ માટે કામ કરવામાં મેં ઘણાં વર્ષો આપ્યાં હોત. એ આજે પણ બહુ જરૂરી છે.
ઉત્તર : એમનું નદી સાથે જે સામાજિક, આર્થિક, અને આધ્યાત્મિક જોડાણ છે એ જ એમના આ બંધ સામેના વિરોધનું મુખ્ય કારણ છે, એ એમની સાથેની વાતચીતમાંથી સ્પષ્ટ થાય છે. વિકાસ માટેનાં આયોજનો નદીને માત્ર એના પાણીના પુરવઠાની દૃષ્ટિએ જોતાં હોય છે, પણ સ્થાનિક આદિવાસીઓ માટે નદી એમની માતા છે, એમની અન્નદાત્રી છે. નર્મદા બંધની પરિયોજનામાં જે ૨૪૫ ગામડાંઓ ડૂબી ગયાં ત્યાંના સ્થાનિકો નર્મદાની પરિક્રમા કરનારા પરિક્રમાવાસીઓની આગતાસ્વાગતા કરતા, એમને પોતાનાં ઘરોમાં આશ્રય આપતા અને ભોજન પણ ખવડાવતા. આ આદિવાસીઓ જેને ‘ગાયણા’ કહે છે તે ભગવાનની પ્રાર્થનાઓ અને સ્તુતિ એ લોકો મંદિરોમાં જઈને નહીં, પણ નર્મદાને કિનારે રેતીમાં બેસીને ગાય છે. નર્મદા એમનું સર્વસ્વ છે અને નદી એનાં સંતાનોને કદી નુકસાન નહીં કરે એવી એમની શ્રદ્ધા છે.