
courtesy : "The Indian Express", 29 March 2017
![]()

courtesy : "The Indian Express", 29 March 2017
![]()
ગાયને બચાવવાની ખાતર સુધ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી
આઝાદ ભારતમાં મઠાધીશ કે ધર્મગુરુ સાંસદ હોય એની નવાઈ તો ક્યારની જતી રહી હતી. હવે એવા એક સાંસદ ‘યોગી’ આદિત્યનાથ બઢતી મેળવીને મુખ્યમંત્રી બન્યા છે.
ભારતીય પરંપરામાં યોગનો એક અર્થ સરવાળો કે સંયોજન થાય છે ને બીજી વ્યાખ્યા પ્રમાણે, કર્મમાં કૌશલ્ય એ જ યોગ ગણાયો છે. પહેલા અર્થમાં આદિત્યનાથ યોગી નથી. કારણ કે અત્યાર લગીનો તેમનો ઇતિહાસ સંયોજનનો નહીં, વિભાજનનો છે. ભગવાધારી આદિત્યનાથના મોઢેથી અત્યાર સુધી નીકળેલાં ઘણાં વિધાન ભગવાંને કે હિંદુ ધર્મને શરમમાં મૂકે એવાં છે. (અહીં હિંદુ ધર્મની વાત થાય છે – સંઘ પરિવારે કોમી ધીક્કારના અને રાજકીય સ્વાર્થના પાયા પર ઊભા કરેલા હિંદુત્વની નહીં.) રહી વાત બીજી વ્યાખ્યાની. તેમાં કર્મની સાથે દુષ્કર્મનો સમાવેશ થાય છે કે નહીં, તે આદિત્યનાથ-બ્રાન્ડ હિંદુ ધર્મના સમર્થકો વધારે અધિકારથી કહી શકે.
આદિત્યનાથના હિંદુત્વનાં વધામણાં ચાલતાં હોય ત્યારે ગાંધી સ્વચ્છતાની (કચરા) ટોપલી ભેગા જ સારા. છતાં, સરકારે સ્વચ્છતાની જાહેરખબરો માટે તફડાવી લીધેલાં ગાંધીચશ્માં ભૂલેચૂકે પહેરી લઇએ તો શું દેખાય? તેમાં દેખાય કે અમેરિકા- રિટર્ન્ડ સ્વામી સત્યદેવ પરિવ્રાજક ગાંધીજીને મળવા આવ્યા છે. તેમની ધાર્મિકતા નહીં, પણ તેમનો હિંદીપ્રેમ જોઇને ગાંધીજી તેમને હિંદીપ્રચાર માટે મદ્રાસ મોકલે છે. સ્વામી સાબરમતી આશ્રમમાં આવે ત્યારે તેમના ખાવાપીવાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. એક દિવસ સ્વામી આશ્રમવાસી બનવાની વાત કરે છે. ત્યારે ગાંધીજી કહે છે કે ‘આશ્રમમાં દાખલ થવું હોય તો તમારે ભગવાં કપડાં ઉતારવાં પડશે.’
સ્વામી સત્યદેવ આઘાત અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ. પણ સામે ગાંધીજી છે. કોઈ પણ સંન્યાસી કરતાં વધારે સમાજલક્ષી દેશસેવક. સ્વામી કારણ પૂછે છે ત્યારે ગાંધીજી કહે છે, ‘હું સંન્યાસ છોડવાનું નથી કહેતો … આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)
ખુદ ગાંધીજીના મોઢેથી આ વાત સાંભળ્યા પછી, સ્વામી સત્યદેવ તે સમજ્યા તો ખરા, પણ સ્વીકારી શક્યા નહીં અને આશ્રમમાં ન જોડાયા. ગાંધીજીના નિકટના સાથી અને ઉત્તમ ગુજરાતી લેખક સ્વામી આનંદ રામકૃષ્ણ મતના સંન્યાસી હતા. હિમાલયમાં ફર્યા પછી તેમને દેશની સેવામાં સાર્થકતા લાગી. એટલે તે પહેલાં લોકમાન્ય ટિળકના અને પછી ગાંધીજીની અહિંસક લડાઈના સાથી બન્યા – પણ ભગવાંનો મોહ તજીને.
હા, સંન્યાસના પર્યાય જેવા ભગવાંનો પણ મોહ હોય છે. એટલું જ નહીં, તે લાલ બત્તીવાળી કાર કરતાં વધારે હોઈ શકે છે. આદિત્યનાથના મુખ્યમંત્રીપદમાં ભગવાં કપડાં ને લાલ બત્તી – એમ બબ્બે પાવરનો સરવાળો થયો છે. હિંદુ ધર્મને બદલે સંઘપ્રેરિત હિંદુત્વની બોલબાલા થાય ત્યારે ભગવાંધારી મુખ્યમંત્રી બને, તેમાં ઘણા લોકોને ઔચિત્યભંગ લાગતો નથી – અને વાત પાછી હિંદુ ધર્મના રક્ષણની થાય છે.
હિંદુ ધર્મની જેમ ગાયના રક્ષણના નામે – ગોવધ અટકાવવાના નામે ચાલતું રાજકારણ પણ દાયકાઓ જૂનું, બલ્કે સદી જૂનું છે અને ઉત્તર પ્રદેશ તેનું મુખ્ય કેન્દ્ર રહેલું છે. આજકાલ આદિત્યનાથની ગાયની સાથેની તસવીરો જોવા મળે છે. ગોવધ અટકાવવા અને કતલખાનાં બંધ કરાવવા માટે તેમણે લીધેલાં પગલાંનાં મથાળાં બંધાઈ રહ્યાં છે, પરંતુ ઇતિહાસકાર બિપન ચંદ્રે નોંધ્યું છે તેમ, અંગ્રેજોના રાજમાં ઇ.સ.1890ના દાયકામાં ઉત્તર પ્રદેશ-બિહારમાં ગોહત્યાવિરોધી પ્રચારઝુંબેશ ઉપાડવામાં આવી. તેનાં મૂળિયાં કોમવાદી મુસ્લિમ રાજકારણની સમાંતરે ઊભા થઈ રહેલા કોમવાદી હિંદુ રાજકારણમાં હતાં.
અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલે 19મી સદીના આરંભમાં ભારતીય ઇતિહાસના ધર્મવાર ભાગ પાડ્યા. તેમણે ભારતના પ્રાચીનકાળને ‘હિંદુ કાળ’ અને મધ્યયુગને ‘મુસ્લિમકાળ’ ગણાવ્યો. (બિપન ચંદ્ર લખે છે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળને મિલે ‘ખ્રિસ્તી કાળ’ તરીકે ન ઓળખાવ્યો) 1857ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમ એકતા જોયા પછી અંગ્રેજોએ કોમવાદના રાજકારણને તેમની નીતિ બનાવી દીધું.
અંગ્રેજોને વહાલા થવા ઇચ્છતા ને તેમના રાજતંત્રમાં પ્રતિનિધિત્વ મેળવવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ અંગ્રેજોના ખોળે બેઠા. તેમને અંગ્રેજોએ હિંદુ બહુમતીની બીક દેખાડી, તો કેટલાક ઉત્સાહી હિંદુઓએ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વને બદલે મુસ્લિમ રાજના અત્યાચારોની કથાઓ હોંશથી ઉપાડી લીધી. મુસ્લિમવિરોધને તેમણે ધર્મ બનાવી દીધો. ગાયનું રાજકારણ પણ તેમાંથી આવ્યું. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ગોવધના મામલે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્રતા અને કડવાશ વ્યાપી, ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીઓમાં બેરોકટોક ગોહત્યા થતી હતી, પરંતુ ગોરક્ષકોને તે વિશે કંઇ કહેવાનું ન હતું. કારણ કે ગોવધ તો બહાનું હતું. અસલી હેતુ મુસ્લિમવિરોધનો અને તેને શક્ય એટલી દરેક રીતે વાજબી ઠરાવવાનો હતો.
ઇતિહાસકારો નોંધે છે કે 1896 સુધીમાં ગોહત્યાનો વિવાદ ઠરી ગયો. પણ ત્યાર પછીનાં આશરે સવાસો વર્ષમાં એ વિવાદ સતત (અને સગવડે) માથું ઊંચકતો રહ્યો છે. તેમાં ક્યારેક મુસ્લિમો નિશાન બને છે તો ક્યારેક (ઉના જેવા ઘણા કિસ્સામાં) દલિતો. પરંતુ ગાયોને રખડતી રાખનારા અને તેમને રસ્તા પરનું અનિષ્ટ બનાવી દેનારા વિશે કદી ગોરક્ષકોનો રોષ જાગી ઊઠતો નથી કે ગાયોનાં ગોચર હડપ કરી જનારા નેતાઓનો ગોરક્ષાના રાજકારણમાં કદી ઉલ્લેખ થતો નથી. ‘ગોપ્રેમીઓને’ બીજાએ શું ન કરવું, તેના દંડુકા પછાડવાનું જ ફાવે છે.
પોતાની જાતને પ્રખર ગોપ્રેમી ગણતા ગાંધીજીએ ગોહત્યા, ગોરક્ષણ અને હિંદુ-મુસલમાન એકતા વિશે ઘણું લખ્યું છે. સ્વદેશી અને ખિલાફત આંદોલન પુરબહારમાં હતું ત્યારે તેમણે લખ્યું હતું, ‘(ગાયને બચાવવાની બાબતમાં) આપણે મુસલમાન ભાઈઓ ઉપર જેટલું દબાણ કરવા જઇશું તેટલો વધુ ગોવધ થવાનો. તેમના પોતાના જ ખાનદાની અને ફરજના ખ્યાલ ઉપર આપણે આ બાબત છોડવામાં આપણે હાથે ગાયની ભારેમાં ભારે સેવા રહેલી છે … ગાયને બચાવવાની ખાતર સુધ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મમાં ક્યાં ય એવો વિધિ નથી. હિંદુ ધર્મમાં સ્વધર્મની ખાતર – એટલે કે જ્યાં ગોરક્ષા સ્વધર્મ છે ત્યાં ગાયની રક્ષાને ખાતર – પણ જાતે મરી છૂટવાનો જ વિધિ છે.’
ખેદની વાત એ છે કે ગોરક્ષાનું સદી જૂનું રાજકારણ ‘ન્યૂ ઇન્ડિયા’માં પણ યથાવત્ છે.
ઉર્વીશ કોઠારી, લેખક જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે
સૌજન્ય : ‘ગાંધીજી અને ગોરક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 28 માર્ચ 2017
![]()
રાહુલ સાંકૃત્યાયનનું નામ હિન્દીના પ્રમુખ સાહિત્યકારોની યાદીમાં આવે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં તેમણે યાત્રા-સાહિત્ય અને વિશ્વ-દર્શનમાં જે યોગદાન આપ્યું છે તેના કારણે તેમને યાત્રાસાહિત્યના પિતામહ અને દર્શનના મહાપંડિત કહેવાય છે. આ રાહુલ સાંકૃત્યાયને બૌદ્ધ ધર્મની વ્રજયાન શાખાનાં મૂળિયાં ઉત્તરપ્રદેશમાં શોધ્યાં છે. આ વ્રજયાન શાખાના અનુયાયીઓને સિદ્ધ (સિદ્ધ એટલે શારીરિક તથા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ) કહેવાય છે. રાહુલ સાંકૃત્યાયન આ સિદ્ધોના સાહિત્યને ‘સંતોનું જનભાષામાં લખાયેલું સાહિત્ય’ કહે છે, જે સાતમી સદીથી લઇને તેરમી સદી સુધી ઉત્તર ભારતમાં એની સરગર્મી ઉપર હતું.
રાહુલ સાંકૃત્યાયને આવા 84 સિદ્ધોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હજુ સુધી માત્ર 14 જ સિદ્ધોની રચના મળી શકી છે. ‘સરહપા’ને સિદ્ધ સાહિત્યના પ્રવર્તક સંત માનવામાં આવે છે.
એ ઉપરાંત શબરપા, લુઇપા, ડેમ્ભિપા, કન્ડપા અને કુક્કરિયા જેવાઓની ગણના હિન્દીના આદિ સિદ્ધ કવિઓમાં થાય છે. આ સિદ્ધો મુખ્યત્વે દેશના પૂર્વ આંચલમાં રહેતા હતા અને નાલંદા તેમ જ વિક્રમશિલાનાં વિશ્વવિદ્યાલય એમનાં સાધના કેન્દ્ર હતાં. તુર્કી શાસક બખ્તિયાર ખિલજીએ અહીંનાં પુસ્તકાલયો સળગાવી દીધાં, મંદિર-મઠોને લૂંટી લીધાં અને પૂજારીઓ, ભિક્ષુકો, સિદ્ધોની કત્લેઆમ કરી તે પછી આ બધા સિદ્ધો અહીંથી વિખરાઇ ગયા.
મોટાભાગના આ સિદ્ધો નીચી જાતિના હતા અને બ્રાહ્મણવાદ તથા જાતિવાદના વિરોધમાં માણસની સાહજિક અને સ્વાભાવિક વૃત્તિઓનાં ગુણગાન ગાતી રચનાઓ કરતા હતા. સિદ્ધોની આ પ્રકારની પ્રવૃત્તિથી એક પ્રકારની સ્વચ્છંદતાનો જન્મ થયો. સિદ્ધોની સુખવાદી અને ભોગ-પ્રધાન યોગ-સાધનાની પ્રતિક્રિયારૂપે આ સિદ્ધ સંસ્કૃિતમાંથી જ નાથપંથીઓની હઠયોગ સાધનાનો જન્મ થયો. આ પંથને ચલાવવાવાળા એક મત્સ્યેન્દ્રનાથ (મછંદરનાથ) અને બીજા ગોરખનાથ (ગોરક્ષનાથ). આ ગોરખનાથ એટલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથના ગુરુ. રાહુલ સાંકૃત્યાયન ગોરખનાથનો સમય નવમી સદીમાં મૂકે છે, અને કહે છે કે ગોરખનાથે ઉત્તરપ્રદેશમાં ધનિક અને સામંતશાહીનો વિરોધ કરતી સંત પ્રણાલીની શરૂઆત કરી હતી.

યોગી આદિત્યનાથની ઓળખાણ ‘હિન્દુ હાર્ડલાઇનર’ (કટ્ટર હિન્દુ) તરીકેની છે. ગોરખનાથની ગણના પણ કડવાં વેણ ઉચ્ચારનારા સંતોમાં થાય છે. ભોગવાદી સંસ્કૃિતની નિંદા કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. હિન્દીમાં એમનાં આખ્યાન ગોરખવાણીથી પ્રચલિત છે. એક જગ્યાએ એ લખે છે:
બડે બડે કુલ્હે મોટે મોટે પેટ,
નહીં રે પતા ગુરુ સૌ ભેટ
ષડ ષડ કાયા નિરમલ નેત,
ભઇ રે પૂતા ગુરુ સૌ ભેટ
મતલબ કે જેના કુલ્હા મોટા હોય અને પેટ ફૂલેલાં હોય એ એટલા પ્રમાદી છે કે તેમને હજુ સુધી સારા ગુરુ નથી મળ્યા. અગર એનું શરીર ખડ-ખડ એટલે કે ચરબીથી મુક્ત હોય અને આંખ નિર્મળ હોય તો સમજવું કે એને ગુરુ મળી ગયા છે. શરીરની સ્થૂળતા અને અધિક આહાર પર કટાક્ષ કરનાર ગોરખનાથ પહેલા સંત છે. ગોરખવાણી એવી છે કે સતહ પરથી સમજમાં ન આવે. ‘ગોરખ ધંધા’ શબ્દ અહીંથી જ આવે છે. એવું કામ જે નરી આંખે જુદું દેખાય પણ જેના કરવા પાછળનો આશય અલગ જ હોય.
‘ગોરખનાથ એન્ડ કનફટા યોગી’ નામની ચોપડી લખનાર બ્રિટિશ લેખક જ્યોર્જ બ્રિગ્સ કહે છે કે ગોરખનાથે તત્કાલીન સમાજ અને સામંતી વ્યવસ્થા સામે એક મોરચો માંડ્યો હતો. એક રીતે આ રાજનીતિક અભિગમ કહેવાય. બ્રિગ્સ લખે છે કે ગોરખનાથના વિચારોએ એક પરંપરા અને પંથનું સ્વરૂપ લઇ લીધું હતું અને આગળ જતાં ગોરખપંથના બાર ઉપપંથ થઇ ગયા હતા. બહુ બધા લોકો સંન્યાસને જીવનથી વિરક્તિ તરીકે જુએ છે અને એવું માની લે છે કે એક સંન્યાસીને સમાજથી શું લેવા-દેવા? આવું છે નહીં. સંન્યાસી પોતે ભલે સાંસારિક જીવન જીવતો ન હોય, પરંતુ આજુબાજુના સમાજને વ્યાખ્યાઇત કરવાનું કામ એના ભાગે આવે છે. ગોરખનાથનો વિરોધી સૂર કે કડવાં વેણ એ ભિન્ન મતનો જ પ્રકાર છે, જે લોકતાંત્રિક રાજનીતિનો અગત્યનો પાયો છે. જે લોકો સમાજને ત્યજીને સંન્યાસમાં જોડાઇ ગયા એમાં વિરક્તિ કરતાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો ભાવ વધુ હતો. ઇતિહાસકાર રોમીલા થાપર સંન્યાસને એક પ્રકારની પ્રતિ-સંસ્કૃિત એટલે કે કાઉન્ટર કલ્ચર કહે છે. ઉદાહરણ તરીકે બૌદ્ધની સંઘ પ્રથા, હિન્દુ સંતોની ભક્તિ પ્રથા, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ અને સનાતન ધર્મ મુખ્ય પ્રવાહની હિન્દુ સંસ્કૃિત સામેની રાજનીતિ જ હતી. ગોરખપંથ આવો જ એક રાજનીતિક અવાજ હતો.
સ્વાભાવિક રીતે જ ગોરખપીઠના તત્કાલીન મહંત દિગ્વિજયનાથ 1967માં હિન્દુ સભાની ટિકિટ ઉપર સંસદીય ચૂંટણીમાં ઊતર્યા હતા અને જીત્યા હતા. એમના ઉત્તરાધિકારી અને રામમંદિર આંદોલનના નેતા મહંત અવૈધનાથ ચાર વખત ધારાસભામાં અને ચાર વખત સંસદમાં ચૂંટાયા હતા. અવૈધનાથના શિષ્ય યોગી આદિત્યનાથ પાંચ ટર્મથી સંસદમાં ચૂંટાયા છે, અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.
ટૂંકમાં કહીએ તો એક સંન્યાસી મુખ્યમંત્રી બન્યા એમાં બહુ લોકોને જે આશ્ચર્ય થયું તે અસ્થાને છે. યોગી આદિત્યનાથ એટલા જ સંસારી છે જેટલા સંસારી કોઇ રાજનીતિક પક્ષના અધ્યક્ષ કે કંપનીના ચેરમેન છે. ગોરખપંથની પોતાની પ્રથા, નિયમો, શાખાઓ અને પ્રવૃત્તિઓ છે. એમાં પણ પૈસાની લેવડ-દેવડ થાય છે અને હિસાબ-કિતાબ રખાય છે.
આદિત્યનાથે લગ્ન નથી કર્યાં અને એમનો કોઇ પરિવાર નથી એનો મતલબ એમ નહીં કે એ સમાજથી વિરક્ત અને વિમોહી છે. સામે પક્ષે હકીકત એ પણ છે કે ભારતીય રાજનીતિ ક્યારે ય ધર્મથી અલગ રહી નથી. ઇન્દિરા ગાંધીએ, 1976માં પહેલીવાર સંવિધાનમાં ધર્મનિરપેક્ષતા શબ્દ સામેલ કર્યો હતો પણ એ પછીનાં વર્ષોમાં એ શબ્દનું સતત ખૂન થતું રહ્યું હતું. પરંતુ એ કહાની ફીર સહી. અત્યારે તો આદિત્યનાથને ગોરખવાણી યાદ કરાવીએ:
મનમાં રહિણાં, ભેદ ન કહિણાં,
બોલિલા અમૃત વાણી,
અગિલા અગની હોઇલા,
હે અવધૂ તો આપણ હોઇલા પાણી.
(કોઇનાથી ભેદ ન કરો, મીઠી વાણી બોલો … અગર સામેવાળી વ્યક્તિ આગ બનીને સળગી રહી હોય તો હે યોગી, તું પાણી બનીને એને શાંત કર.)
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 26 માર્ચ 2017
![]()

