૧૮૫૭ના બળવામાં હિન્દુ-મુસ્લિમોએ અદ્ભુત એકતા બતાવીને કંપની સરકાર સામે બહાદુરીથી લડ્યા. બળવાખોરોએ ભેદભાવ ભૂલી છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ જફરને હિંદુસ્તાનના સમ્રાટ ઘોષિત કર્યા હતા. બળવાની નિષ્ફળતા પછી અંગ્રેજો મુસ્લિમ દ્વેષી બન્યા અને હિન્દુઓ તરફ ઢળ્યા. પરિણામે હિન્દુઓમાં જાગૃતિ વહેલી આવી.
સર સઇદ અહમદખાન અંગ્રેજોની આ ચાલ સમજી ગયા અને એમણે મુસ્લિમોને અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું. તેઓ પહેલાં ચાર વર્ષ કટ્ટર રાષ્ટ્રવાદી હતા, પછી એકાએક કટ્ટર કોમવાદી બની ગયા અને મુસ્લિમો માટે અલગ મતાધિકાર માગ્યો અને મેળવ્યો.
હિન્દુ-મુસ્લિમ એકતા તૂટવાની ત્યાંથી શરૂઆત થઈ. મુસ્લિમ લીગની સ્થાપના સામે હિન્દુ મહાસભા ઊભી થઈ.
મુસ્લિમોને આધુનિક બનાવવાનું કામ તુર્કસ્તાનમાં મુસ્તફા કમાલ આતાતુર્કે ઉપાડ્યું અને ખિલાફત દૂર કરી. તેના પડઘા ફક્ત ભારતમાં પડ્યા. મુસ્લિમો ઉશ્કેરાયા. ગાંધીજીને તેમાં હિન્દુ-મુસ્લિમ એકતાની રાજકીય તક દેખાઈ. તેઓ જોડાયા. ભારતમાં ફરી એકવાર હિન્દુ-મુસ્લિમ ભાઈભાઈ વાતાવરણ ઊભું થયું, પરંતુ તે અલ્પજીવી નીકળ્યું.
ગાંધીનો ખિલાફત બાબતે વિરોધ કરનાર ઝીણાએ મુસ્લિમ કટ્ટરવાદનો સાથ લીધો અને પાકિસ્તાનની માગણી મૂકી. તે પછીનો ઇતિહાસ જાણીતો છે.
પરંતુ મુસ્લિમ કટ્ટરવાદ ત્યારથી રાજકીય સપાટી પર આવ્યો. પાકિસ્તાન બન્યું. કાશ્મીરનો પ્રશ્ન સળગતો રહ્યો. પરિણામે બેઉ દેશો વચ્ચે વૈમનસ્ય વધ્યું. અને એનો ભોગ ભારતના મુસ્લિમો બનતા રહ્યા.
કાશ્મીરનું પાક તરફી અને અલગતા તરફી આંદોલન હિંસક બન્યું અને આતંકવાદનો જન્મ થયો. તેને અફઘાનિસ્તાનના તાલિબાનોએ મદદ કરી.
ધીરે-ધીરે આખું મુસ્લિમવિશ્વ કટ્ટરવાદ, આતંકવાદ અને હિંસામાં સંડોવાયું. આજે તુર્કસ્તાન, ઇરાક, સિરિયા રાતદિવસ સળગી રહ્યા છે અને મુસ્લિમ આતંકવાદે વિકરાળ સ્વરૂપ પકડી લીધું છે.
પરિણામે આતંકવાદ એટલે મુસ્લિમ એવું સમીકરણ રચાઈ ગયું છે. અમેરિકા-યુરોપમાં પણ મુસ્લિમ વસાહતીઓ-શરણાર્થીઓ અળખામણા બની ગયા છે.
આતંકવાદે અમેરિકા, ફ્રાન્સ, જર્મનીને હચમચાવી મૂક્યાં છે. તાલિબાન કરતાં ચઢિયાતું ખતરનાક આઈ.એસ.આઈ.એસ. આતંકવાદી સંગઠન અમેરિકાની ખોટી ઇરાકનીતિને કારણે બની ગયું છે. અમેરિકાની અફઘાનનીતિને કારણે જ તાલિબાનનો જન્મ થયો હતો.
આમ, આખા દેશમાં મુસ્લિમો અળખામણા બની બેઠા છે. તે સામે મુસ્લિમ સમાજમાંથી બળુકો વિરોધી સૂર ઊઠતો નથી એ પણ એક હકીકત છે.
વહાબી આંદોલનને કારણે મુસ્લિમોમાં કટ્ટરતા વધી ગઈ છે. સાઉદી અરેબિયા, ઈરાનમાં તો હતી જ. તે ઇરાક-સિરિયામાં વ્યાપક બની છે. પાકિસ્તાન પણ કટ્ટરતા તરફ જઈ રહ્યું છે અને ભારતમાં તો પ્રમાણમાં ઉદાર પ્રગતિશીલ મુસ્લિમ સમાજ હતો, પરંતુ કોમી હુલ્લડો અને કશ્મીરના વિવાદને કારણે કટ્ટરતા વધી ગઈ છે, રૂઢિચુસ્તતા વધી ગઈ છે. સામ્યવાદી પક્ષની સ્થાપના કરનાર મુસ્લિમો હતા અને ફિલ્મજગતમાં પ્રગતિશીલ વિચારો આપનાર બધા મુસ્લિમ શાયરો, ગાયકો, કલાકારો હતા.
મુસ્લિમોમાં સર સઇદ અહમદખાને ઇચ્છી હતી, એવી પ્રગતિશીલતાને બદલે રૂઢિચુસ્તતા વધતી ચાલી છે.
મુસ્લિમોમાં સ્ત્રીઓ માટે પરદાપ્રથા કે તલ્લાકપ્રથા સામે કોઈ હરફ ઉચ્ચારતું નથી, ઉલટું કૉમન સિવિલ કોડનો વિરોધ મુસ્લિમ સ્ત્રીઓ સહિત થઈ રહ્યો છે. સ્ત્રીને તો મહમદ પયગંબર સાહેબે (સ.અ.વ.) ખૂબ જ સન્માન આપ્યું હતું. ખદીજાબાનું પહેલાં મુસ્લિમ બન્યાં હતાં. તે વખતના આરબો અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરતા, તેને નિયંત્રિત કરવા એમણે ચારની છૂટ આપી, તે ય સંમતિથી. મુસ્લિમ લગ્ન આપણી જેમ પવિત્રતા(!) આધારિત નહિં, પરંતુ કરાર આધારિત છે. સ્ત્રી-પુરુષને તલ્લાક સમાન હક્ક છે. હાલાંકી સ્ત્રીઓ એ હક્કો-ઉપયોગ નથી કરતી તે જુદી વાત છે. અરબસ્તાનના ગરમ હવામાનમાં બુરખો જરૂરી છે. મહમદ પયગંબર સાહેબે (સ.અ.વ.) સ્ત્રીનાં અંગ ઢંકાય અને શાલીનતા જળવાય તેવાં વસ્ત્ર પહેરવા કહ્યું છે. આપણે ત્યાં ય કેરળમાં સ્ત્રીઓ બ્લાઉઝ નહોતી પહેરતી. તે પહેરવા સામ્યવાદી નાંબુદ્રીપાદે આંદોલન ચલાવ્યું. સ્ત્રીઓ બિકીની પહેરી જાહેરમાં ન ફરે, પરંતુ શાલીન સૌમ્ય લાગે તેવાં વસ્ત્ર સાડી, સલવાર, કમીઝ કે શર્ટ, પૅન્ટ, સ્કર્ટ વગેરે પહેરે તેમાં ખોટું નથી.
મુસ્લિમો મૌલવીઓએ બુરખાનો જડ અર્થ કરી સ્ત્રીઓને કેદ કરીને ગુલામ બનાવી છે.
મુસ્લિમોમાંથી ક્યાંક ક્યાંક કોઈ રેશનાલિસ્ટ, સામ્યવાદી, પ્રગતિશીલ ઉદાર મતવાદી વિચારકોના સૂર ઊઠે છે, પરંતુ તેને મુલ્લા મૌલવીઓ દબાવે છે. બાંગ્લાદેશમાં તો આવા પ્રગતિશીલ ચિંતકોની હત્યા કરવામાં આવે છે. પાકિસ્તાનમાં પણ એમ થાય છે. હવે તો ભારત પણ આવી હત્યાઓમાં પાછળ નથી.
દુઃખ સાથે કબૂલવું પડે છે કે મોટા ભાગનો મુસ્લિમ સમાજ પ્રગતિશીલતાનો વિરોધી છે. તે આતંકવાદી સામે કે સ્ત્રીઓને ગુલામ બનાવતા પરદાપ્રથા અને તલાકપ્રથા સામે હરફ ઉચ્ચારતો નથી, પરંતુ મૂકસંમતિ આપે છે.
સમાન નાગરિકધારો જ્યારે હિન્દુઓ માટે નેહરુ-આંબેડકર લાવ્યા, ત્યારે આજના સત્તાધારી પક્ષ ભાજપનાં પૂર્વજો જનસંઘ-હિન્દુ મહાસભા-એ જ વિરોધ કર્યો હતો અને બાબાસાહેબ આંબેડકરે રાજીનામું આપવું પડેલું.
એ જ ભાજપ આજે મુસ્લિમ માટે કૉમન સિવિલકોડ લાવવા માગે છે, તેની પાછળ તેના રાજકીય હેતુઓ ચોક્કસ છે, પરંતુ કૉમન સિવિલકોડ ખરાબ નથી. અલબત્ત તેને ઉપરથી લાદવાને બદલે ખુદ મુસ્લિમ સમાજ જાગૃત થઈ માગણી કરે તેવા પ્રયાસો કરવા માટેનું આંદોલન બંને સમાજના પ્રગતિશીલ વિચારકોએ ચલાવવું જોઈએ.
આસવલોક, ૪૬૬/૨, સેક્ટર-૧, ગાયત્રીમંદિર પાછળ, ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 14
![]()


સરકાર આજે શિક્ષણસુધારણા અંગેની ઘણી જાહેરાતો કરે છે, પરંતુ તેનો પરિઘ પરીક્ષા, અભ્યાસક્રમ અને વહીવટ સુધી મર્યાદિત હોય છે. કંઈક અસામાન્ય બને, ત્યારે આશ્વાસન રૂપે કેટલુંક કહેવાય છે, દેખાવ પૂરતું થોડું થાય છે અને પછી ભૂલી જવાય છે. કારણ કે શિક્ષણ માનવઘડતરનું અસરકારક અને સૌને સ્પર્શતું માધ્યમ છે, એ રૂપે જોવાતું નથી. શિક્ષણને વહીવટ રૂપે જોવાય, તો સપાટી ઉપરનું અતિ અલ્પ કામ જ થાય. એટલે મૂળે તો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જરૂરી એવા અનેક સ્થૂળ કાર્યક્રમોનું પરિણામ થોડા વખતમાં સામે આવે છે. તે બતાવી-ગણાવી શકાય છે. પરંતુ શિક્ષણનું પરિણામ બાર-પંદર કે વીસ વર્ષે આવે છે. લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય પણ તેમાં ટોચના પાંચ-દસ હજારની નોંધ લેવાય છે. તેમની સફળતાને આધારે ગુણવત્તાનો સંતોષ લેવાય છે, પરંતુ લાખો વિદ્યાર્થીઓમાં જે અપાર શક્યતા હતી તે વણવિકસિત રહી એ રાષ્ટ્રીય ખોટ તરફ વહીવટકર્તા કે વાલીઓનું ધ્યાન જતું નથી.
સાહિત્યકારને ઇનામો કોણ આપી શકે? કોની પાસેથી ઇનામો સ્વીકારવાં? એ વાત સહુએ ઘણી ખીલે બાંધવા જેવી લાગે છે.