
સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
![]()

સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
![]()
સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉત્તર કોરિયાની ઘોર ખોદી

દક્ષિણ કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે
ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે.
આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉત્તર કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત, તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉત્તર કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.
ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉત્તર કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.
જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જો કે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જો કે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉત્તર કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉત્તર કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.
આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બી.બી.સી.ના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’
સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉત્તર કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દક્ષિણ કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉત્તર કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દક્ષિણ કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દક્ષિણ કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉત્તર કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.
ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉત્તર કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.
(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)
http://samaysanket.blogspot.co.uk/2017/08/NKoria.ChoManSik.html
![]()
શુક્રવારની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે એક પ્રકારના રાજીપાનો અનુભવ પણ થઈ રહ્યો છે કે ચાલો, ધર્મસંસ્થા એના અંત તરફ ઝડપથી આગળ વધી રહી છે.
ધર્મસંસ્થાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે. દેહ ર્જીણ થઈ જાય અને મૃત્યુ નજીક આવે ત્યારે ધીરે-ધીરે શ્વાસ શરીરનાં બીજાં અંગોમાંથી સમેટાતો જાય છે અને કેવળ નાભિથી લઈને શ્વાસનળી વચ્ચે ચાલે છે. દેશી ભાષામાં આને નળો કહેવામાં આવે છે અને મૃત્યુ પામનાર માણસનો શ્વાસ જ્યારે નળામાં ચાલતો હોય છે ત્યારે જોર-જોરથી અવાજ આવે છે (કાઠિયાવાડમાં એને હઈડો કહે છે). આને શિષ્ટભાષામાં નાભિશ્વાસ કહે છે જે મૃત્યુનો સંકેત આપે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં. વિનોબા આ દ્વારા શું કહેવા માગતા હતા એની વાત આ લેખમાં આગળ જતાં સ્પષ્ટ થતી જશે.
ગઈ કાલે કહ્યું હતું એમ મોટા ભાગના (અહીં પહેલાં મેં કેટલાક એવો શબ્દ લખ્યો હતો, પરંતુ એ પછી દરેક ધર્મ અને જાણીતા ધર્મગુરુઓ પર બારીક નજર કર્યા પછી એમ લાગ્યું હતું કે કેટલાકની જગ્યાએ મોટા ભાગના શબ્દ ઉચિત રહેશે) ખ્યાતિપ્રાપ્ત ધર્મગુરુઓ ધર્મનો અફીણ તરીકે, વેપાર તરીકે, રાજકારણ માટે અને પેટ્રોલ તરીકે એકસાથે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હજારો એકર જમીન ધરાવે છે. તેઓ ધંધો કરે છે અને કેટલાકે શાસકોને સાધીને વાણિજ્ય સામ્રાજ્યો ઊભાં કર્યાં છે. કેટલાક આશ્રમોમાં પાપલીલા આચરે છે, કેટલાક રીતસર રાજકારણ કરે છે અને સત્તા ભોગવે છે, કેટલાક રાજકારણીઓને આર્શીવાદ આપે છે અને જે-તે રાજકીય પક્ષોને મત આપવાની સલાહ આપે છે, કેટલાક મહાવીરસ્વામીને શરમ આવે એવી વાણીમાં બોલે છે. જગતને ઉદારતાનો સર્વોત્તમ સંદેશ આપનારા અનેકાંતવાદથી વિપરીત તેમની વાણી હોય છે.
ધર્મગુરુઓ આમ ચિડાઈને, ગુસ્સે થઈને મોટે-મોટેથી શા માટે ઉપદેશ આપતા હોય છે એવો સવાલ એક દિવસ મેં મારા એક મિત્રને પૂછ્યો હતો. તેણે જવાબ આપ્યો હતો કે શ્રોતા વિચારી ન શકે એટલા માટે. શ્રોતા ધર્મગુરુની થિયેટ્રિકલ ભાષા અને બૉડી-લૅન્ગ્વેજમાં એટલો પરોવાઈ જાય કે નેતા કે ધર્મગુરુ શું બોલે છે એની ચકાસણી જ ન કરે. જે. કૃષ્ણમૂર્તિ એક મિત્ર મિત્રો સાથે બેસીને વાત કરતા હોય એમ ગંભીર વાત કહેતા હતા. તમે કોઈ ધર્મગુરુને મિત્રભાવે ગંભીર વાત કહેતા સાંભળ્યા છે? નહીં સાંભળ્યા હોય. એ રીતે નેતાઓ પણ નથી બોલતા જે રીતે એક જમાનામાં એમ.એન. રૉય બોલતા હતા. નેતા જાણે કે ક્રાન્તિ કરવા કેસરિયા કરીને બહાર પડ્યો હોય એમ બરાડા પાડીને બોલે છે. જો મિત્ર તરીકે વાત કરે તો શ્રોતા વિચારમાં ભાગીદાર બની જાય. આ તેમને પરવડતું નથી. શ્રોતા ભક્ત બની રહેવો જોઈએ, વિચાર-વિમર્શમાં ભાગીદાર સહચિંતક નહીં.
આમ ખ્યાતવાન ધર્મગુરુઓ એકથી એક બત્રીસલક્ષણા છે. એક ખ્યાતનામ ધર્મગુરુએ દાયકા પહેલાં વિશ્વશાંતિ ખાતર મુંબઈમાં વિશ્વધર્મ પરિષદ બોલાવવાનો વિચાર કર્યો. તેમના એક સહાયક સાધુએ મારી મદદ માગી અને સર્વધર્મ સંવાદમાં કયા-કયા ધર્મના કયા ધર્મગુરુને બોલાવવા એની યાદી બનાવવા અમે સાથે બેઠા. તેઓ ધર્મગુરુઓના જે નામ સૂચવતા હતા એ ગામના ઉતાર જેવા હતા. મેં એ ધર્મગુરુએ સૂચવેલાં નામો સામે વાંધો લીધો અને તેમનાં કરતૂતોની જાણકારી આપી ત્યારે તેમણે કહ્યું હતું કે હા, એવું હશે; પરંતુ તેઓ જાણીતા છે. બીજા દિવસથી તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ મારી પણ આંખ ઊઘડી હતી કે ધર્મસંવાદ એક ઢોંગ માત્ર છે. જેને અધ્યાત્મનાં રહસ્યો સમજાયાં છે એ રૂઢ અર્થમાં ધાર્મિક ન હોય અને જે રૂઢ અર્થમાં ધાર્મિક હોય એ અંદરથી સાવ ખાલીખમ હોય. તે સંવાદ કઈ રીતે સાધી શકે? તે શ્રોતા સાથે જે. કૃષ્ણમૂર્તિની માફક વાતચીતનો સંબંધ કેવી રીતે વિકસાવી શકે? વધુમાં વધુ તે ભસી શકે અને સ્ટેજ પરથી બે ટુચકા બે ડૂસકાંનાં નાટકો કરી શકે, શ્રોતા સાથે વાતચીત ન કરી શકે.
જે બાજુમાં બેસીને મિત્ર તરીકે ઉપદેશ આપે તે જ્ઞાની અને જે સામાન્ય માણસને દૂર ટોળાનો ભાગ બનાવી રાખીને દિવસરાત VIPઓને શોધતો ફરતો હોય અને કેવળ VIP માટે ઉપલબ્ધ હોય તે ઢોંગી. છેતરપિંડીથી બચવા માટેની આ ગુરુચાવી હું તમને આપું છું. આમ પણ ઉપદેશ શબ્દમાં ઉપનો અર્થ નજીક એવો થાય છે. જે નજીકમાં બેસાડીને સંસારનાં રહસ્યોનો સંદેશ આપે એ ઉપદેશ.
એક ધર્મગુરુના નેતાઓ સાથેનાં પોસ્ટરો હજી મહિના-બે મહિના પહેલાં તમે જોયાં હશે. આખા શહેરને પોસ્ટરોથી છલકાવી દેવામાં આવ્યું હતું. હું મનોમન વિચારતો હતો કે જે સંતને પોતાનું સંતત્વ સિદ્ધ કરવા માટે રાજકારણીઓના ખભાની જરૂર પડે એ કેવા સંત હશે? બીજું, કોણ મહાન? રાજકારણી કે સંત? કોનો ખભો મોટો? રાજકારણીનો કે સંતનો? રાજકારણી જાહેરમાં લોકો સામે પગે લાગે અને નીચા આસને બેસે એ ભાગીદારીની શરતમાત્ર છે, બાકી રાજકારણી પણ જાણતો હોય છે કે ભાઈ કેવા છે. NDTV હિન્દીના પ્રાઇમ ટાઇમના ઍન્કર રવીશ કુમારે માત્ર એક વાક્યમાં બહુ માર્મિક વાત કહી હતી. પંચકુલામાં ગુરમીતના જે અનુયાયીઓ એકઠા થયા હતા તેઓ હથિયાર લઈને આવ્યા હતા, મીઠાઈ લઈને નહોતા આવ્યા. કહેવાનું તાત્પર્ય એ કે અનુયાયીઓને પણ જાણ હતી કે આપણા ગુરુ કેવા છે અને ચુકાદો શું આવવાનો છે.
ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ કહ્યા પછી વિનોબાએ આગળ ખુલાસો કર્યો હતો કે આ બન્ને સંસ્થા સમાજને જોડનારી નથી, તોડનારી છે એટલે એમનો સૂર્યાસ્ત નજીક છે. આ બન્ને સંસ્થાઓ પોતાને ટકાવી રાખવા લોકોની અંદર દ્વેષ ભરવાનું કામ કરે છે એટલે બન્ને સંસ્થા હિંસાનું કારણ છે. આ બન્ને સંસ્થા એકબીજા સાથે ભાગીદારીમાં કામ કરે છે એટલે બન્ને પરસ્પરના વિનાશનું કારણ બનવાની છે. આ બન્ને સંસ્થાઓનો સ્થાપિત હિતો અને ગુંડાઓ ઉપયોગ કરી રહ્યા છે એટલે તેઓ આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યા છે. આ બન્ને સંસ્થાઓ લક્ષ્મીની ગુલામ છે અને તેમના પગમાં આળોટે છે.
ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ જ્યારે વિનોબાએ કહ્યું છે તો એનો અર્થ એવો નથી કે આવનારાં થોડાં વર્ષોમાં એનો સૂર્યાસ્ત થઈ જવાનો છે. મધ્યાહ્ન પછી પશ્ચિમ તરફ ઢળતા સૂર્યને પણ અસ્ત થતાં છ-સાત કલાક લાગે છે. જેમ બપોર પછી સાંજ આવે અને પ્રકાશ ઘટતો જાય એમ ધર્મસંસ્થા અસ્તાંચળ તરફ આગળ વધી રહી છે એના સંકેતો મળવા લાગ્યા છે. આપણી હયાતીમાં ધર્મસંસ્થા હજી વધુ હિંસક અને વિકૃત સ્વરૂપમાં આપણને જોવા મળશે. આપણા પછીની બેએક પેઢી કદાચ હજી વધુ વિકૃત ચહેરો જોશે અને એ પછી ધર્મસંસ્થાનો અસ્ત થઈ જશે. એ માનવીય ઉત્ક્રાન્તિની નવી ઊંચાઈ હશે. એના માટે એકાદ સદીની રાહ જોવી પડશે. જેમ ફળને પાકતાં સમય લાગે છે એમ સડતાં પણ સમય લાગે છે.
ભગવાન કૃષ્ણ પણ સંભવામિ યુગે યુગે કહીને ગયા છે અને તેમણે પણ વાયદો પાળવાનો છે. ભગવાને જન્મ લેવો પડે એટલું પાપ નેતાઓ અને ધર્મગુરુઓ એકઠું કરી રહ્યા છે. એટલે જ પ્રારંભમાં કહ્યું એમ પંચકુલાની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે રાજીપો અનુભવાય છે. ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એનો રાજીપો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2017
![]()

