ઑગસ્ટ ક્રાંતિનાં અમૃતવર્ષોમાં ખોડાઈને આઝાદીના એકોતેરમા વરસની વિદાય લેતાં કરવાજોગ વાતો તો ઘણી સામે આવે છે, પણ ૯ ઑગસ્ટનો જે એક વૈશ્વિક જોગાનુજોગ છેલ્લાં થોડાં વરસોથી બની આવ્યો છે એના વિશેષોલ્લેખથી આરંભ કરીએ તો ઠીક.
આ જોગાનુજોગ, યુનાઈટેડ નેશન્સે આદિ પ્રજાઓના દિવસ તરીકે ૯ ઑગસ્ટ પર પસંદગી ઉતારી એ છે. ભલે એ વિશ્વવસ્તીના પાંચ ટકાથી પણ ઓછા હશે, આખા સાડત્રીસ કરોડ માંડ, પણ એ હકસર વિકસવંચિત શા છે. એમને વિકાસથી વંચિત કહીએ કે વિકાસને કારણે વંચિત, પણ છે તો વંચિતના પણ વંચિત. આપણે જે રાષ્ટ્ર રાષ્ટ્ર કૂટીએ છીએ એના શોરમાં (અને સ્ટીમ રોલરમાં) તે બચાડાં નથી તો સંભળાતા, નથી તો શોધ્યા જડતા : દુનિયા આખીમાં વિસ્તરતાં ઇન્દ્રપ્રસ્થો સારુ ખાંડવવન દહન સિન્ડ્રોમનો ભોગ બનેલા આ સૌ કને એમની બોલી કહેતાં ભાષાનુંયે કોઈ ભાવિ કદાચ નથી. છેલ્લાં સાઠ વરસમાં વૈશ્વિક ને રાષ્ટ્રીય સપાટાઓમાં જે ગતિએ આ ભાષાઓ ઓલવાતી ચાલી છે એ જોતાં અનુમાન તો છે કે ચાલુ સૈકો સમેટાશે ત્યાં સુધીમાં નેવું ટકા નાશ પામી ચૂકી હશે. કાશ, વિશ્વવારસાની આ અપૂરણીય ક્ષતિનો આછોપાતળો પણ અહેસાસ આપણને હોત!
દુનિયાની ચિંતા ને ચર્ચા વિપળવાર વાસ્તે માનો કે કોરાણે મેલીએ પણ નવમી ઑગસ્ટે સંસ્થાનવાદ જોગ ‘ક્વિટ ઇન્ડિયા’ શો જાહેર જાસો આપનાર આપણે એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ઘરઆંગણેના નાનામોટા સંસ્થાનવાદો સંદર્ભે ક્યાં ઊભા છીએ એને વિશે તો ચંદ મિનિટ જોગવીએ. જેને આદિ જાતિ કે આદિ પ્રજા કરીએ છીએ એમને સારુ સહજ સરળ સ્વરાજપ્રવેશની કસોટીએ હજુ તો કદાચ પાસ માર્કની પળોજણમાં ગ્રેસ ગોઠવણે ઠિંગરાતા માલૂમ પડીએ છીએ.
જે પણ છે આઝાદી, જૂઠી તો નહીં કહીએ એને. પણ અધૂરી એ અવશ્ય છે. દેશના (અંગ્રેજ હકૂમત તાબે વિસ્તારના) ભાગલા પડ્યાના વિચારે જે આઝાદી ખંડિત લાગતી રહી છે એમાં પ્રજાકીય સ્તરે રાષ્ટ્રની વ્યાખ્યાથી માંડી નાતજોતકોમને ધોરણે જે બધી ખંડિતતાઓની ગુંજાશ છે એની અને ખંડ ખંડ ગુંજાશમોકળાશ સહિતની (બલકે એથી જ) અખંડ સ્વરાજસાધનાનો કેટલો લાંબો પંથ કાપવાનો છે હજી. વિષમતા નિર્મૂલન આપણા આગ્રવર્ગના હાડમાં અગ્રતાક્રમે ક્યાં છે, ન જાણે.
નમૂના દાખલ આટલા એક નિર્દેશ પછી કહેવાનું તો એટલું જ કે પહેલા અને બીજા સ્વરાજની (૧૯૪૭ અને ૧૯૭૭)ની ભાષામાં આપણે લાંબો વખત વાત કરતા રહ્યા છીએ. ઠીક છે એ, જે તે સમયે વિશેષ મુદ્દાને ઉપસાવવા સારુ; પણ સવાલ તો વાસ્તવમાં સ્વરાજની બાકી બલકે ચાલુ લડઈનો છે.
‘નિરીક્ષક’ એકાવનમે
આરંભે અમૃતવર્ષોની જિકર કરી, અને પછી સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈનીઃ આ જ લડાઈનો એક મોરચો સન ૧૯૬૮માં ઉમાશંકર જોશી, એચ.એમ.પટેલ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગણેશ માવળંકર, યશવન્ત શુક્લ આદિએ ‘નિરીક્ષક’રૂપે બરાબર ૧૫મી ઑગસ્ટે ખોલ્યો હતો. આપના હાથમાં આ અંક આવશે ત્યારે એકાવનમા વરસનું પ્રથમ સપ્તાહ હશે. ટાંચાં સાધનો સહિત નાનાવિધ મર્યાદાઓ વચ્ચે અને છતાં બૃહદ્ ગુજરાતને યત્કિંચિત્ સહવિચાર સામગ્રી સંપડાવવાનો ઉદ્યમ વાચકપરિવાર ને લેખકોની દિલી સંડોવણીથી સન્માન્ય આદ્ય સ્થાપકો અને દર્શક – જયન્ત પંડ્યા સરખા સન્માન્ય સંવર્ધકોને શોભીતી રીતે ચાલુ રહેશે. પચાસ વરસની ડિવિડી, સુવર્ણજયંતી વ્યાખ્યાન, વિશેષાંક પ્રકાશન, વાચક મિલન વગેરે ઉપક્રમો એકાવનમા વરસ દરમ્યાન હાથ ધરાશે, અને ખાસ તો ‘અપિ તપો વર્ધતે?’ એ પ્રશ્ન જાતને પૂછતા રહીએ એટલી એક સાધિકાર સ્નેહાશિષ સૌની કને માગી લઈએ છીએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 01
![]()


અટલ બિહારી વાજપેયી ભારતના પૂર્વ પી.એમ. હોવાની સાથે સાથે એક સાહિત્યકાર પણ છે. અટલજીએ પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ કવિતાઓ લખી છે. આ કવિતાઓનો તે હંમેશાં પોતાના ભાષણ દરમિયાન ઉલ્લેખ કરતા હતા. તેમના પુસ્તક 'મેરી ઈક્યાવન કવિતા'માંથી પસંદ કરેલી આ છે પાંચ શ્રેષ્ઠ કવિતાઓ ..
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક થયો હતો અને તેઓ બહુ નાની વયે રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાયા હતા. ગ્વાલિયરના રાજા અને રાજમાતા હિન્દુત્વવાદી હતા અને છાને ખૂણે સંઘને મદદ કરતા હતા. એટલે તો ગાંધીજીના હત્યારાઓમાંનો એક ગ્વાલિયરનો હતો. જન સંઘ/ભાજપને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં પ્રવેશ મળ્યો એનું કારણ કેટલીક રિયાસતોનો ટેકો હતો. આ સ્થિતિમાં વાજપેયી પણ સંઘના સંપર્કમાં આવ્યા હતા અને રાષ્ટ્રવાદના રંગે રંગાયા હતા. એ પછી તો બીજાઓની સાથે બન્યું એવું તેમની સાથે પણ બન્યું અને આજીવન સંઘસહોદર બની રહ્યા. તેમણે ક્યારે ય સંઘની નીતિ અને ફિલસૂફીની ઉઘાડી ટીકા કરી નથી, ઊલટું સંઘી હોવા માટે ગર્વની લાગણી પ્રગટ કરી છે, પરંતુ પોતાને અને પક્ષને જ્યારે માફક ન આવે ત્યારે બાજુમાંથી સરકી જવાનો રસ્તો પણ શોધી લે. દૂર પણ ન જાય અને આંખ વીંચીને આંગળી પકડીને ચાલે પણ નહીં એનું નામ વાજપેયી.