પહલગાંવમાં આતંકવાદીઓએ, સ્ત્રીઓની નજર સામે, તેમનાં સિંદૂર લૂંટી લીધાં અને બે જિંદાદીલ સ્ત્રીઓ કર્નલ સોફિયા કુરેશી, મુસ્લિમ અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, હિન્દુએ ભૂંસાયેલાં સિંદૂરનો બદલો લીધો. ગનનો જવાબ મિસાઇલથી આપ્યો. સોફિયા કુરેશીનું નામ તો આજે સ્વદેશાભિમાનની લહેરમાં છે પણ, લશ્કરમાં સ્ત્રી અધિકારીઓને કાયમી કરવાના એક લેન્ડમાર્ક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સોફિયા કુરેશીની જ્વલંત સિદ્ધિઓની નોધ લઇને તેમને રણે ચડવા શુભાશિષ તો ક્યારના ય પાઠવી દીધા હતા.

મેજર મોહમદ અલી રાઝ શેખ
આવું જ એક નામ છે, મેજર મહમદ અલી રાઝ શેખ. દેશ માટે જાન કુરબાન કરી ગયેલા, હિન્દુ-મુસ્લિમ એકતા કાયમ કરતા બિરાદરનું આ નામ છે. 6 માર્ચ 1931માં જન્મેલા માંગરોળના નવાબના વંશજે રાજવી વિરાસતનો વૈભવ નહિ, પણ દેશદાઝ હૈયે રાખેલી અને વતન વહાલું કરી 34 વર્ષે શહીદી વ્હોરી લીધી. ગુજરાતનું માંગરોળ તેમનું જન્મસ્થળ હતું અને ગાંધીનગર તેમનું નિવાસસ્થાન. પ્રારંભિક શિક્ષણ તેમણે રાજકોટમાં લીધું અને ત્યારપછી ઇન્ડિયન મિલિટ્રી અકાદમી સાથે જોડાયા. 23 વર્ષની ઉંમરે લશ્કર સાથે નાતો જોડ્યો. 6 જૂન 1956ના રોજ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિમાયા. 1965 સુધી 10 વર્ષ લશ્કરમાં સેવા બજાવી મેજર બન્યા. એ પછી વિવિધ ઓપરેશનોમાં સેવા આપી અને લશ્કરી કવાયતોનું ભાથું બાંધ્યું.
1965માં દેશના આકાશે યુદ્ધનાં વાદળો ઘેરાયાં અને શેખને દેશની સુરક્ષાની ચિંતા ઘેરી વળી. દેશાભિમાને તેમને હાકલ કરી અને 8 સપ્ટેમ્બર, 1965ના દિવસે દેશની સશસ્ત્ર ટૂકડીનું સુકાન સંભાળ્યુ અને દુ:શ્મન દેશના ઇલાકામાં ચડાઇ કરી, ખુદની પરવા કર્યા વગર વીજળી વેગે લગભગ 9 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીમાં દુ:શ્મનની આઠ પેટન ટેન્ક, બે RCL ગન અને દુ:શ્મનના કેટલાક શસ્ત્રાગાર ભસ્મીભૂત કરી દીધા. પોતાની જાતની પરવા કર્યા વગર શેખે ટેન્ક કમાન્ડર સામે લડી લેવા કમર કસી. તેમની રેજિમેન્ટ માટે સફળ થવું અઘરું હતું તેમ છતાં પૂર ઝડપે આગળ વધ્યા. આ સંગ્રામમાં મેજરને ગળા પર અને જમણા ખભે ઇજા થઇ અને 12 સપ્ટેમબર 1965ના રોજ અલ્લાને પ્યારા થયા. મેજર મહમદ અલી રાઝ શેખને મરણોત્તર “વીરચક્ર” ખિતાબ એનાયત કરવામાં આવ્યો. મેજર શેખ દેશના શહીદ તો છે જ, પણ એથી ય વધુ તો, ગાય માતાના નામે ધીંગાણું કરીને કોમી એખલાસ ડ્હોળી નાખતા લોકો માટે નીતિબોધ છે.

વાલજીભાઈ પટેલના નિવાસસ્થાન દરિયાપુરમાં, બાબાસાહેબ આંબેડકર જયંતી સભાને સંબોધતાં આયશા બેગમ શેખ
તેમનાં વિધવા આઇશા બેગમ શેખ પતિના આ બલિદાનને આંસુભરી આંખે યાદ કરતાં કહેતાં, “મેજર શેખ ઓપરેશનને અંજામ આપવાના હતા તેના આગલા દિવસે વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ શેખ અને તેમના પરિવાર સાથે રાત્રિભોજન લઇને રણસંગ્રામ માટે શુભેચ્છા પાઠવી હતી.” તે વખતે મરહૂમ શેખને બે નાની દીકરીઓ હતી. આ દીકરીઓએ પિતાની છત્રછાયા વગર જ મોટું થવાનું હતું. વડા પ્રધાન સાથેની તેમની સહપરિવાર તસવીરો આઇશાબેગમનું આજીવન સંભારણું હતું. આઇશા બેગમે કાઁગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી હતી. વી.પી. સિંહના પ્રગતિશીલ વિચારોમાં આશા દેખાતા તેઓ તત્કાલીન જનતા દળના પક્ષે પણ ચૂંટણી લડ્યાં હતાં. લોકલક્ષી લાગણી આઇશા બેગમમાં હતી. દલિત પેંથર નારણ વોરાની શોકસભામાં તેમની હાજરી દલિત-મુસ્લિમ સૌહાર્દનું સૂચક હતી.
દલિત-મુસ્લિમ સંવાદિતામાં યોગદાન આપવાનો અવસર આઇશા બેગમ ચૂકતા નહિ. દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલ 1994માં શહેરકોટડા વિસ્તારમાં વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે, તેમણે મુસ્લિમ વિસ્તારમાં બહેનોની મિટિંગ બોલાવીને વાલજીભાઈ માટે પ્રચાર કરેલો. મુસ્લિમ સમાજની વાત રજૂ કરતા વાલજીભાઇ લેખિત અહેવાલના પ્રેસ કટીંગની નકલ તેઓ મિટિંગમાં સાથે રાખતાં અને વહેંચતાં. સાચા દેશપ્રેમ અને કોમી એકતા બને આજની તાતી જરૂરિયાત છે. આ બંને દિશામાં યોગદાન આપતા સૌને સલામ.
e.mail : sanita2021patel1966@gmail.com
![]()




“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.