
courtesy : "The Indian Express", 02 December 2019
![]()

courtesy : "The Indian Express", 02 December 2019
![]()
હિંદુઓ માટે ત્રણ ચીજ સાવ પરાઈ છે.
એક આત્મકથા-લેખન. પોતે થઈને પોતાના વિષે લખે એ કેટલી મોટી ગુસ્તાખી! કોઈ અભિમાની આત્મરતિથી પીડાતો માણસ જ આમ કરે. આત્મકથા લેખન તો ઠીક, આપણે ત્યાં એવા અનેક ગ્રંથો છે જેમાં કર્તાનું નામ નથી અથવા પુરોગામી કર્તાઓનાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે વ્યાસના નામે અનેક ગ્રંથો છે જે મહાભારતકાર વ્યાસ પછી થયેલા વિદ્વાનો કે સર્જકો દ્વારા લખાયા છે, પણ તેમણે પોતાનું નામ આપવાની જગ્યાએ વ્યાસનું નામ મૂક્યું હતું. આનું મુખ્ય કારણ નમ્રતા. “મેં કઈ એવી મૌલિક વાત કહી છે જે આગળના વિદ્વાનોએ નથી કહી!” વિચાર એક પરંપરા છે, એક ધારા છે એટલે એમાં ઉમેરો હોય, હજુ વધુ સ્પષ્ટતા હોય; પણ સાવ નવું કે મૌલિક કશું ન હોઈ શકે. આવી નમ્રતાથી પ્રેરાઈને અનેક લેખકોને પોતાનાં પુસ્તકમાં લેખક તરીકેનું પોતાનું નામ નથી જાહેર કર્યું. આને કારણે વ્યાસ એ વ્યક્તિ નથી, પરંતુ પરંપરા છે એમ માનવામાં આવે છે.
પોતાના ધર્મને અને પોતાના ધર્મગ્રંથને વિચારના આ પ્રવાહથી, પ્રવાહપતિતતાથી અને એમાં સ્વાભાવિકપણે રહેલી મર્યાદાઓથી બચાવી લેવા માટે ધાર્મિકજનો તેને અપૌરુષેય કહે છે. વેદ કોઈ પુરુષની રચના નથી એટલે એમાં કહેવાયેલ પ્રત્યેક વાક્ય મૌલિક છે. એ કથનો પહેલીવાર કહેવાયેલાં છે અને માનવજાતના કલ્યાણ માટે ઈશ્વરે કહેલાં છે. કુરાન માટે પણ આમ જ કહેવાય છે. અંગ્રેજીમાં આને રિવીલેશન કહે છે. ખાસ તમારા માટે ઈશ્વરે કહેલું દર્શન. તો વિચાર એક પ્રવાહ છે અને પ્રવાહનું સ્વરૂપ એવું છે કે ધાર્મિક લોકોને પોતાના ધર્મગ્રંથોની કહેવાતી મૌલિકતા બચાવવા માટે તે ‘અપૌરુષેય’ હોવાનો આશરો લઈને તેને તેનાથી બહાર રાખવા પડ્યા છે. આ રીતે જોઈએ તો જે વિચારકોએ પોતાના ગ્રંથના કર્તા તરીકે પોતાનું નામ નથી આપ્યું એ લોકો ખરેખર મહાન હતા.
જો કે આ પરંપરાનો દુરુપયોગ પણ થયો છે. જો કોઈ પૂર્વસૂરીનું નામ આપવાથી પોતાનો ગ્રંથ કાળના ચાળણામાંથી બચતો હોય અને અમર થતો હોય તો મોકો ઝડપવો જોઈએ એવી ગણતરીથી પણ ગ્રંથના કર્તાઓએ પોતાનાં નામ આપ્યાં નથી. હું ભલે અમર ન થાઉં, પણ મારો પરિશ્રમ બચી નીકળે તો ઘણું. નામ છૂપાવવા પાછળની ગ્રંથકર્તાની પ્રેરણા નમ્રતા હોય કે સ્વાર્થ પણ આ પરંપરાને કારણે વિચારવિમર્શમાં સમસ્યાઓ પેદા થઈ છે. કોણ ક્યારે થયો અને કોણે કોની પાસેથી શું લીધું એના તાળા મળતા નથી. ગમે તે દાવાઓ થઈ શકે અને દરેક પાસે પ્રમાણ છે. આપસમાં ઝઘડવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે અને એક બીજાનું એક બીજા પરનું ઋણ સ્વીકારવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે. આમ એક બીજા પર સરસાઈ મેળવવા ઇચ્છનારાઓને આમાંથી ભરપૂર મસાલો મળી રહે છે.
બીજું, માણસ આખરે માણસ હોય છે. કીર્તિની વાસના પ્રબળ વાસનાઓમાંની એક છે. હવે આત્મકથા લખીને સ્વપ્રસંશા કરવી એ તો આપણે ત્યાં અવિવેક ગણાય એટલે બીજા દ્વારા પ્રશસ્તિગાનો લખાવવાનું શરૂ થયું. બીજા આશ્રિત માણસ પાસે જ્યારે વ્યક્તિની પ્રશસ્તિ કે કૂળપ્રશસ્તિ લખાવવામાં આવે ત્યારે પહેલી ખો સત્યને અને પ્રમાણભાનને આપવામાં આવે. સાવ અસત્ય પણ હોય અને અતિશયોક્તિઓ પણ હોય. આમાંથી આપણે ત્યાં ભાટ-ચારણ-બારોટની એક પરંપરા વિકસી છે. આવાં પ્રશસ્તિગાનોમાં કહેવાયેલી વાતોને પ્રમાણ તરીકે ન લઈ શકાય.
સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે બીજા પાસે પ્રશસ્તિ કરાવવાને કારણે અને પોતાના કથનને પોતાના કથન તરીકે નહીં કહેવાને કારણે અથવા બીજાના નામે કહેવાને કારણે વસ્તુનિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે! પહેલી નજરે જે નાની વાત લાગે છે તેણે એક બીજા પર સરસાઈ ધરાવવા ઇચ્છનારાઓ માટે, અંગ્રેજીમાં કહીએ તો ફ્રી ફોર ઑલ જેવી સ્થિતિ પેદા કરી આપી છે. કહો જે કહેવું હોય તે, પ્રમાણ મળી રહેશે. આને કારણે આપણે ત્યાં સાંકડી, સંકીર્ણ, સંપ્રદાયીક એજન્ડાવાળી અને કૃતક (જૂઠી) વિદ્વત પરંપરા વિકસી છે.
હવે આનો કોઈ ઉપાય ભલે નથી, પણ આપણી પરંપરાની સારી-નરસી બાજુ સમજી લીધી હોય તો આપણે વિવેક તો જરૂર કરી શકીએ. વર્તમાનમાં અને ભવિષ્યમાં આપણું અને આપણાં સંતાનોનું હિત છે એટલે અતીતને જોતાં શીખવું જોઈએ. જે લોકો પોતાના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે અતીતનો ઉપયોગ કરે છે તેમનો એજન્ડા સમજી લેવો જોઈએ. તેઓ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે. આની ગંભીરતા સમજાય છે?
હિંદુઓ માટે બીજી પરાઈ ચીજ દસ્તાવેજીકરણ છે. ઇતિહાસની ઇન્દ્રિય જ આપણે ધરાવતા નથી એટલે કોઈ ઐતિહાસિક ચીજનું મૂલ્ય આપણને સમજાતું જ નથી, પછી એ વસ્તુ હોય કે દસ્તાવેજ. જો બનારસ જવાનું થાય તો સારનાથના સંગ્રહાલયમાં અવશ્ય જજો. ત્યાં અશોકના શિલાલેખમાંના ચાર દિશામાં જોનારા ચાર સિંહવાળો અશોકસ્તંભ ભગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો છે. એ ચાર સિંહોવાળો સ્થંભનો હિસ્સો બસો-ત્રણસો વરસ સુધી અવાવરુ ખંડેરમાં પડ્યો હતો અને કોઈએ તેને હાથ નહોતો લગાડ્યો. કોઈએ ચોરી પણ નહોતી કરી. બીજા કોઈ દેશમાં આ અમૂલ્ય ઐતિહાસિક ચીજ પડી હોત તો ચોરાઈ ગઈ હોત અને અબજોમાં વેચાતી હોત!
અંગ્રેજોએ સારનાથના ખંડેરને સુરક્ષિત કર્યું હતું અને ચાર સિંહવાળા અશોકસ્તંભને મ્યુઝિયમમાં મૂકાવ્યો હતો. આપણે અવશેષ અને ખંડેર વચ્ચેનો ફરક સમજતા જ નથી. અવશેષ આપણે મન ખંડેર છે. એટલે બનારસમાં જગતગંજ નામની કોલોની સારનાથની ઇંટોથી બંધાઈ છે અને બિહારમાં નાલંદા નજીકનું આખું ગામ નાલંદા વિશ્વ વિદ્યાલયના અવશેષોથી એટલે કે ત્યાંની ઇંટોથી બંધાયું છે. અંગ્રેજોએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને આપણાં ખંડેરોને અવશેષોમાં ફેરવી આપ્યાં હતાં. આપણે જ્યારે રાષ્ટ્રવાદી બની જઈએ છીએ અને કોહિનૂર અને મયૂરાસન માટે લોહી ઉકળી ઊઠે છે ત્યારે આપણે આપણી પરંપરાનું આ પાંસુ પણ સમજી લેવું જોઈએ.
આમ દસ્તાવેજ રાખવાની અને પાછળ મૂકી જવાની આવશ્યકતા આપણને ક્યારે ય સમજાતી નથી. દૂરની ક્યાં વાત કરીએ આપણા દાદા વિષે બે વાત કહેવી હોય તો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નહીં મળે. મારા પિતાશ્રીની ચોક્કસ જન્મતારીખ અને વર્ષ અમારી પાસે નથી. કોઈ ઘટના ક્યારે બની હતી એમ કહેવું હોય તો મારાં બા કહેતાં કે જયહિન્દ પહેલાં દસ-બાર વરસે વગેરે. મોટા મોટા દુકાળો આપણે ત્યાં માઈલસ્ટોન્સ તરીકે વપરાય છે. આ આપણો સ્વભાવ છે. સ્થાયીભાવ છે. આજે પણ છે. ફિલ્મ આર્કાઇવના ક્યુરેટર રહી ચૂકેલા મારા મિત્ર અમૃત ગંગર કહે છે કે કોઈ હિંદુને મ્યુઝિયમમાં ક્યુરેટર નહીં બનાવવો જોઈએ, કારણ કે સાચવણ હિંદુના સ્વભાવમાં નથી.
જ્યારે રેકોર્ડ રાખવામાં જ ન આવે અને જે રેકોર્ડ હોય તેને જાળવવામાં ન આવે તો સ્વાભાવિકપણે તેને કારણે પેદા થતા શૂન્યાવકાશનો ઉપયોગ આગળ કહ્યું તેવા પોતાના વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે ઇતિહાસનો ઉપયોગ કરનારા કરવાના છે. જેટલો ઇતિહાસ સંદિગ્ધ એટલો તેમને ફાયદો. અહીં પણ તમારે સમજી લેવું જોઈએ કે તેઓ નક્કર દસ્તાવેજરહિત સંદિગ્ધ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે.
અને હિંદુઓ માટે ત્રીજી અજાણી ચીજ છે; ઇતિહાસલેખન જેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ડિસેમ્બર 2019
![]()
૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે
તાજેતરમાં લંડનની યુનિવર્સિટી કૉલેજમાં થયેલા એક અભ્યાસ અનુસાર જે વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર બહુ વધારે હોય ત્યાં રહેનારાઓને ગ્લુકોમાની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સમાચાર વાંચીને મોટે ભાગે તો આપણા પેટનું પાણી પણ નથી હાલવાનું કારણ કે આપણે આપણા સલામત ઘરમાં છાપું પકડીને બેઠા છીએ અને રવિવારની સવાર માણી રહ્યાં છીએ. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણનાં હાલ વિષે જેને ખબર હોય એને આમ નહિવત્ કહી શકાય તેવો વિચાર ફરકી જાય કદાચ કે, ‘માળું દિલ્હીવાળાને હવે આ ય નડવાનું’ પણ બસ ત્યાં આ વિચાર અને વાત અટકી જવાના. અહીં જ આપણે થાપ ખાઇએ છીએ.

આ કિસ્સામાં આપણે ‘દિલ્હી અભી દૂર હૈ’માંથી આપણે ‘અભી’ શબ્દ કાઢીને નિરાંતનો ‘ચોખ્ખો’ શ્વાસ લઇએ છીએ કે આપણને આમાંનું કશું ય લાગતું વળગતું નથી. આ અભિગમ એ બહુ મોટી ભૂલની હરણફાળ છીએ. આપણાં દેશની ઉત્તર દિશા ધૂંધળી, મેલી અને પ્રદૂષણથી ખદબદી રહી છે પણ એ રાજકારણને કારણે નહીં, હવાની સતત બગડી રહેલી ગુણવત્તાને કારણે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં આપણે ત્રીજા નંબરે છીએ અને આપણી રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં મોખરે છે. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણને પગલે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરાઇ છે તો શાળા બંધ રાખવાની ફરજ પણ પડી ચૂકી છે. સરકારી અધિકારીઓ અને વડાપ્રધાનની કચેરીમાં ૨૦૧૭ સુધીમાં જાહેર જનતાનાં નાણાંથી એર પ્યુરિફાયર્સની ખરીદી પણ થઇ ચૂકી હતી, પણ આમ જનતાને આ જોખમમાંથી કોઇ રાહત નથી મળી રહી. આ પરિસ્થિતિ હવા પ્રદૂષણનાં ઉકેલ માટે જરૂરી ગંભીરતા પૂરી પાડે છે પણ છતાં ય આ સમસ્યાનાં ઉકેલની દિશામાં બહુ મોટા પાયે કંઇ થતું હોવાનું હજી નજરે નથી ચઢ્યું.
આજકાલ અખબારોમાં અને અન્ય પ્રસાર માધ્યમોમાં એર પ્યુરિફાયરની જાહેરાતો અને તે અંગે લખાણો આવવાં માંડ્યાં છે અને તે પૂરતી સાબિતી છે કે આપણે પ્રદૂષણનાં સંકજામમાં કઇ હદે સપડાઇ ચૂક્યાં છીએ. તમારા અને મારા ઘરમાં પ્રદૂષણની હેરાનગતિ નથી એટલે આપણે તેનાંથી બચ્યાં છીએ કે બચેલાં રહેશું એવું માની લેવાની ગુસ્તાખી ન કરીએ તો વધારે સારું. શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ મોટે ભાગે ટ્રાફિક, અશ્મિગત ઇંધણ, પાવર પ્લાન્ટ્સ, ખેતી અને વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઉદ્યોગોને કારણે ફેલાતું હોય છે. દિલ્હીની આસપાસ કોલસાથી ચાલતાં પ્લાન્ટ્સ ઘણાં છે તો પંજાબમાં ખેડૂતો નકામી કુશકી અને ધાનનો કચરો બાળે છે તે પણ હવાનાં પ્રદૂષણમાં મોટો વધારે કરે છે.
હવાનાં પ્રદૂષણનું સ્તર મોટે ભાગે તેમાં રહેલા હાનિકારક કણોનાં પ્રમાણને આધારે માપવામાં આવે છે. આપણો ગ્રહ અત્યારે હૉલીવૂડની ફિલ્મોમાં જે વિનાશ નોતરાતો દેખાડાય છે સ્થિતિ તરફ ધસતો હોવાની શરૂઆત થવા માંડી છે અને આ માટે એક માત્ર જવાબદાર માણસજાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનનાં મતે દુનિયા આખીમાં હવાનું સ્તર કથળી રહ્યું છે અને તેને કારણે થતાં અપમૃત્યુનો આંકડો સાત મિલિયને પહોંચ્યો છે. હવાનાં પ્રદૂષણને પગલે વિશ્વ આખાનાં અર્થતંત્ર, ખાદ્ય સલામતી અને ક્લાઇમેટ પર જોખમ તોળાઇ રહ્યું છે. પાણીમાં પ્રદૂષણ થાય ત્યારે એ આંખોમાં કણાની જેમ ખૂંચે છે કારણ કે એ નરી આંખે જોઇ શકાય છે. હવાનાં મામલે આમ નથી થતું એટલે હવા પ્રદૂષણની ગંભીરતા સમજવામાં આપણે પાછા પડીએ છીએ. એમેઝોનનાં જંગલોની આગ હોય કે પછી કેલિફોર્નિયા કે પછી ઇન્ડોનેશિયામાં આ ઉનાળે લેન્ડ ક્લિયરન્સની આગ હોય આ બધાંને પગલે આકાશનો દેખાવ કેવો થયો હતો તેનાં દ્રશ્યો ભુલાય એમ નથી. તમને ફરી એમ થશે કે બૉસ, આપણાં જંગલોમાં ક્યાં આવું થયું છે તે આપણે ચિંતા કરીએ. ચિંતાની વાત તો જરૂર છે કારણ કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દસમાંથી નવ જણ હવાનાં પ્રદૂષણનાં જોખમી સ્તરનાં પ્રભાવમાં આવે છે, પછી ભલેને તમે દુનિયાનાં કોઇ પણ ખૂણે કેમ ન રહેતા હો.
નેશલન ક્લિન એયર પ્રોગ્રામ અનુસાર ભારતમાં ૧૨૯ શહેરો છે જેની હવામાં હાઇ પાર્ટીક્યુલેટ કોન્સટ્રેશન એટલે કે હાનિ પહોંચાડે તેવા કણોની હાજરી છે. પ્રદૂષણ માત્ર ઉત્તર ભારત પૂરતું નથી પણ ચેન્નઇમાં પણ હવા પ્રદૂષણને કારણે લોકોને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ થઇ હોવાનાં સમાચાર આવ્યા છે. આ પ્રદૂષણ સામે પગલાં લેવા માટે આપણી વર્તમાન નીતિ પાછી પડે એમ છે. સરકારે હવા પ્રદૂષણ સામે લડવા માટે કેન્દ્રિય નીતિ બનાવીને તેનું અમલીકરણ પ્રદૂષણથી હેરાન થઇ રહેલાં બધાં જ રાજ્યોમાં થાય તેની તકેદારી રાખવી પડશે. કેન્દ્ર સરકાર આ મામલે દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળી દેશે તો સમસ્યાનો ઉકેલ તો નથી જ આવવાનો. ફેફસાં કે હ્રદયની બિમારીથી થતાં એક તૃતિયાંશ મૃત્યુ હવાનાં પ્રદૂષણને કારણે થયાં હોય છે. પાકિસ્તાનની હવાની હાલત પણ કથળેલી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે હવાનાં પ્રદૂષણ સામે કડક પગલાં ન લેવાતા હોવાની વાતે રાજ્ય અને સ્થાનિક સત્તાધીશો તથા સરકારને આકરી ભાષામાં ઝાટક્યાં છે. એ જજે તો ત્યાં સુધી કહ્યું કે કોથળામાં દારૂગોળો ભરીને બધાંને એક સાથે જ મારી નાખો, શા માટે આવી રીતે લોકોએ વેઠવું જોઇએ.
વિકાસશીલ દેશ હોવાને નાતે આપણે ગામડાંઓમાં બાળવામાં આવતા કચરા, રાંધવામાં બાયોમાસ અને અશ્મિગત ઇંધણનાં ઉપયોગ, કેરોસિનનો ઉપયોગ વગેરે ટાળી શકાય તે દિશામાં કામ કરવું રહ્યું. સૌર ઉર્જાનો વધુમાં વધુ વપરાશ તો શહેરોમાં ઇલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગ પર ભાર મૂકવા જેવાં પરિવર્તનો પરિસ્થિતિને બદલશે. આ પરિવર્તન ધીમું ચોક્કસ હોઇ શકે છે પણ સરકાર આ મુદ્દાને વધારે ગંભીરતાથી લે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. હાઇબ્રિડ કાર્સની કિંમતો અને કરવેરામાં હળવાશ લોકોને એ દિશામાં વિચારતાં કરશે.
જે રીતે ૨૦૧૩માં ચીને પ્રદૂષણની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે તત્કાલ પગલાં ભર્યા હતાં તેવું જ ભારત સરકારે પણ કરવું પડશે. ૨૦૧૩ની શરૂઆતમાં ચીનની સરકારને પ્રદૂષણનાં જોખમની ગંભીરતા સમજાતાં તરત જ સરકારે ૨૭૭ બિલિયન ડૉલર્સ(ભારતનાં વર્તમાન અર્થતંત્રનો દસમો હિસ્સો)ની યોજના જાહેર કરી જે ૨૦૧૭ સુધીમાં આખા દેશ પર લાગુ કરવાની હતી. કોલસાથી ચાલતાં નવાં શરૂ થયેલાં બોઇલર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મુકાયો તો જૂનાં પર કાર્બન એમિશન ઘટાડવાની હુકમ ફરમાવાયો. આયર્ન અને સ્ટીલનાં પ્લાન્ટ્સને ઉત્પાદન ઘટાડવાનું કહેવાયું તથા મોટાં શહેરોમાં હાઇ-એમિશન વાહનો પર પ્રતિબંધ મુકાયો. ૨૦૧૭માં ચીનનાં વિવિધ વિસ્તારોમાં હવાનાં પ્રદૂષણમાં ૩૬ ટકાથી મમાંડીને ૪૧ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.એ.ને સિત્તેરનાં દાયકામાં લાગુ કરાયેલા ક્લિન એયર એક્ટ પછી સંજોગોને કાબૂમાં લાવતા લગભગ એક દાયકા જેટલો સમય લાગ્યો હતો. યુનાઇટેડ કિંગ્ડમમાં આ ધારો ૧૯૫૬માં લાગુ કરાયો કારણ કે ૧૯૫૨માં તેમણે લંડનમાં ગ્રેટ સ્મોગની સ્થિતિ વેઠવી પડી હતી. આપણે ત્યાં આ ધારો ૧૯૮૧થી છે પણ તેનાથી આપણે અત્યારની પરિસ્થિતિથી બચી નથી શક્યાં. હવાનું પ્રદૂષણ સિઝનલ સમસ્યા ભલે વર્તાતી હોય પણ તેની અસર લાંબો સમય રહે અને લોકોનાં સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. હવા પ્રદૂષણનાં ઘણાં કારણો ગ્લોબલ વૉર્મિંગનાં કારણ પણ છે એટલે જો આ પ્રશ્ન ઉકેલાય તો ક્લાઇમેટની કટોકટીમાં પરિવર્તન લાવવામાં પણ આપણું યોગદાન હોઇ શકે છે.
બાય ધી વેઃ
દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર્સ સાથે થઇ ચૂકી છે અને દુનિયા આખી માટે ભારતનું ‘સ્મોગ’ ઠેકડી ઉડાડવાનો મુદ્દો બની ચૂક્યું છે તેમ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું છે. આમ તો ભારતે આ વર્ષે ધી ક્લાઇમેટ એન્ડ ક્લિન એયર કોએલિશનનો હિસ્સો બનીને આ સમસ્યાનાં ઉકેલ તરફ પ્રયાણ ચોક્કસ ભર્યું છે પણ છતાં ય કેન્દ્ર સરકારે લાંબા ગાળાનો અને સસ્ટેનેબલ ઉકેલ શોધવો રહ્યો. માત્ર કોઇ યોજનાનો હિસ્સો બનવાથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. ભારત રાતોરાત ચીનની માફક બધું બદલી નહીં શકે પણ હવા પ્રદૂષણ નામનાં આ ન વર્તાતા હત્યારા સામેની લડતનો નિર્ણય વધુ મક્કમ કરવાની જરૂર છે. ચેતવણીમાંથી જોખમનાં સ્તરે તો આપણે આવી પહોંચ્યા છે હજી કેટલાં ફેફસાં અને હ્રદય નબળા પડવા દઇશું?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2019
![]()

