જીવનમૂલ્યશ્રેણી – 09
સહિષ્ણુતા : Tolerance
દેશ આખામાં અસહિષ્ણુતા કશા ઝૅરી પવનની જેમ પ્રસરી રહી છે.
સરકાર, નેતાઓ અને અમુક પ્રજાજનો એક એવા હીન પ્રકારની બાલિશતા દાખવી રહ્યાં છે જે લોકશાહીય વિકાસને ઘણો રૂંધી રહી છે.
ગિરીજાશંકર માસ્તર અમને ભણાવતા – જુઓ વિદ્યાર્થીઓ ! જીવનમાં સહી લેતાં શીખજો, સુખી થશો. રમણીમાસી દીકરીને કહેતાં – જો બેટા, સાસરામાં થોડું વેઠી લઈશ, તો સુખી થઈશ. ચન્દુકાકા કહેતા – જેને દરેક વાતે ચલાવી લેતાં આવડે, એવિયો સુખી થાય. સહી લેવું વેઠી લેવું ચલાવી લેવું જેવાં ગુજરાતી ભાષાનાં ક્રિયાપદો એમ સૂચવે છે કે આપણે ગુજરાતીઓ સુખવાદી પણ એક સહિષ્ણુ પ્રજા છીએ.
તેમ છતાં, છાપાંમાં આવતા રહેતા બનાવો દર્શાવે છે કે અંગત જીવનમાં આજકાલ અસહિષ્ણુતા વધી ગઈ છે. રકઝક તડાતડી ગૃહક્લેશ તેમ જ ડોમેસ્ટિક વાયોલન્સ વધી ગયાં છે. દામ્પત્યજીવનમાં જીભાજોડી વધી ગઈ છે. પત્નીનાં સાચાં વૅણ પતિ સાંખી શકતો નથી. પતિની નાનકડી સલાહ પણ પત્નીને ભારે પડે છે. મિત્ર, મિત્ર જોડે ભા.જ.પ.ના કોઈ મુદ્દે છેડો ફાડી લે છે. જુવાનિ યાં મામૂલી કારણોસર બ્રેક-અપ અને વળી પૅચ-અપનાં ચક્કરમાં અટવાયા કરે છે અને એટલે લાગે કે સપાટી પરનું પ્રેમજીવન જીવી રહ્યાં છે.
રાષ્ટ્ર સમસ્તના જાહેરજીવનની તો શી વાત જ કરવી? દેશમાં ઠંડી હજી એટલી તીવ્ર અને વ્યાપક નથી બની. કોરોનાવાયરસ ચીનથી જરૂર પ્રવેશ્યો છે; પણ એવો કંઇ વ્યાપક નથી થયો. પરન્તુ દેશ આખામાં અસહિષ્ણુતા કશા ઝૅરી પવનની જેમ પ્રસરી રહી છે.
જેમ કે, Caa, Nrc તેમ જ Npr-ના વ્યાપક વિરોધ માટે કે એની વ્યાપક સ્વીકૃતિ માટે તાજેતરમાં ઠૅર ઠૅર તોફાનો થયાં. ભ્રમિત રાજનેતાઓના મુખેથી પ્રસવેલાં ‘ગોલી માર દો’ જેવાં દુષ્ટ વચનો પ્રસવ્યાં અને ‘મૈં હું રામભક્ત, મેં આઝાદી દૂંગા’ મતલબનાં જોશ-વૅણ સાથે પેલાએ, ગોલી, માર ભી દી …
Caa વગેરે ધારાઓના વિરોધકો અસહિષ્ણુ ગણાય કે કેમ, તેમનો વિરોધ કરનારા સ્વીકારકો પણ અસહિષ્ણુ ગણાય કે કેમ, એ વિવાદનો છેડો ન આવે, સરવાળે એ વ્યર્થ નીવડે. પરન્તુ તેમ છતાં વિરોધ કે સ્વીકારને માટેની ભૂમિકાઓ જો તાર્કિક હોય તો સ્વસ્થ ચર્ચાઓને જરૂર જગ્યા મળે. બાકી, કોઈ આજે કોઈને સાંખી લેવા તૈયાર નથી. ભાવાવેશો અને છેવટે નાસંભાગ મારઝૂડ ને નિર્દોષોની હાલાકી …
વાણી-સ્વાતન્ત્ર્યને નામે વાતે વાતે બકવાસ કરનારાઓની સંખ્યા દરેક સૅક્ટરમાં વધતી ચાલી છે. એ જ અધિકારે કરીને કેટલાક પાગલો જાહેરજીવનને રંજાડી રહ્યા છે. જાતજાતનાં તૂત અવારનવાર કાઢતા ચાલે છે. એ શૂરવીરો કશું પણ કરતાં જરા પણ ખંચકાતા નથી બલકે એવા ભ્રમને સેવે છે કે પોતે કેવા તો જાગ્રત નાગરિક છે. કાયદાની સુરક્ષા કરનારાં તન્ત્રો નમાલાં દીસે છે. સરકાર, નેતાઓ અને અમુક પ્રજાજનો એક એવા હીન પ્રકારની બાલિશતા દાખવી રહ્યાં છે જે લોકશાહીય વિકાસને ઘણો રૂંધી રહી છે.

જીતને જીરવી જાણવી, હારને પણ સહી લેવી, જીવનમૂલ્ય છે. અંગત જીવનવ્યવહારોમાં, ખાસ તો બૌદ્ધિકોના દાખલાઓમાં, હાર-જીતની દલીલબાજી વધી ગઈ છે. દરેક જણો સામાની દલીલને જીતવા કરે છે. સાહિત્યકલાનું સર્વ કંઈ હું જ જાણું છું – એવી અહંભાવી શેખીમાં કેટલાક મોવડી સાહિત્યકારો કારકિર્દી-વિજય જોઈ રહ્યા છે. કોઈ કોઈ સંસ્થાકીય પ્રમુખો સંતોષી સ્મિત ધારણ કરીને એમ ચીંધી રહ્યા છે કે સાહિત્યનાં પરમ સત્યો એમને હાથ આવી ગયાં છે. જ્યારે, વિનમ્ર વિનયીઓ કશા વાંક વિના પોતાને હારેલા સમજે છે.
રાષ્ટ્રના જાહેરજીવનમાં ચૂંટણી હાર-જીતની એક બહુ મોટી ગુરુચાવી છે. રાજકારણીઓ માટે તો એ જીવનજંગ છે. યુ.કે. અને અમેરિકામાં ચૂંટણી જીતવા બુદ્ધિધનના ભારે સહયોગની જરૂર પડે છે. પણ ભારતમાં ચૂંટણી જીતવા શુદ્ધ બુદ્ધિની તો જરૂર જ નથી. બ્રહ્માણ્ડ-વિજ્ઞાની કાર્લ સગાન એવું કહેતા કે જ્યાં ગરીબી હશે ત્યાં વસતી જરૂર વધશે. એમની રીતે એમ કહી શકાય કે જે દેશોમાં લોકશાહી હશે, સાથે ગરીબી અને કાવાદાવાભરી કુટીલતા હશે, ત્યાં ચૂંટણીઓ જરૂર ‘ફળ’દાયી નીવડશે.
સરપંચની ચૂંટણી હારી ગયેલા છત્તીસગઢના પેલા ઉમેદવારની બુદ્ધિ જુઓ. લોકોને કહે કે મેં તમને કૂકર-મિક્સર ભેટ કરેલાં એ મને પાછાં આપી દો. લોકો ડહાપણને વરેલા હતા તે પાછાં આપી દીધાં, ચૉકમાં ઢગલો કરી મેલ્યો. આવી ભેટ-સોગાદોને ચૂંટણીપંચ ગેરકાનૂની ગણે કે કેમ? તદનુસાર, એ ઉમેદવારને કશી સજા ફરમાવે કે કેમ? વગેરે જાણવામાં રસ ધરાવનારા પ્રજાજનો બહુ ઓછા મળે છે. એ મુદ્દે સ્વસ્થ ચર્ચાઓ જગવનારા બહુ ઓછા મળે છે. વાર્તાના સર્જક તરીકે મને રમૂજી વિમાસણ થાય છે કે સરપંચની ચૂંટણી જીત્યા એ ભાઈએ તો કૂકર-મિક્સરથી પણ મૉંઘી ભેટો આપી જ હશે ને ! વળી, એમ પણ થાય કે જીતને તેઓ શી રીતે જીરવી શક્યા હશે. જીતની ખુશીમાં પોતાના મળતિયાઓને શું ને કેવું કેવું ખવરાવ્યું-પીવરાવ્યું હશે. લોકશાહી જો આવી બેહૂદી હરકતોથી હાસ્યાસ્પદ બની રહેવાની હોય તો દેશની એથી મોટી કરુણતા શી હોઈ શકે? ચૂંટણીઓ ‘ફળ’દાયી, પણ લોકશાહી આભાસી, મુડદાલ …
હું ઈન્ટર આર્ટ્સમાં હતો ત્યારે tolerance વિષયનો એક નિબન્ધ ભણવામાં આવેલો. લેખક, ઇ.ઍમ. ફૉર્સ્ટર. એમાં ટૉલરન્સને એમણે ‘નૅગેટિવ વર્ચ્યુ’ કહેલો. – મારે સહી લેવાનું? – શું હું નમાલો છું? એ પ્રકારે તો એમ લાગે કે સહી લેવું એ દીનતા છે, નકારાત્મકતા છે; પણ ફૉર્સ્ટર કહે છે એમ સહિષ્ણુતા વર્ચ્યુ છે, સદ્ગુણ છે. આગળ વધીને હું ઉમેરું કે સહિષ્ણુતા માણસની બહુ મોટી શક્તિ છે. સહીને પણ સુખે જીવી જવાય છે …
= = =
( 10 Feb 2020: INDIA )
https://www.facebook.com/suman.shah.94/posts/3061870887177137
![]()


૨૦૧૭માં ‘શુભારંભ’ નામે ગુજરાતી ફિલ્મ આવી હતી. સરસ વિષય હતો. મા-બાપના ખંડિત થઈ રહેલાં લગ્નજીવનને સુધારવામાં સંતાનો જે પ્રયત્નો કરે છે, સફળ થાય છે અને સાચા પ્રણય-પરિણયનો શુભારંભ થાય છે એવી વાત આ ફિલ્મમાં હતી. હર્ષ છાયા, પ્રાચી શાહ પંડ્યા, દીક્ષા જોષી જેવી કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું સંગીત આપનાર ઋષિ વકીલ કહે છે, "ગુજરાતી ગીતો હવે જુદા જ મુકામ પર છે. ઓરકેસ્ટ્રેશન ભલે વધ્યું હોય પણ મારા મતે મેલડી પણ ખૂબ અગત્યની છે. જો કે મારો ઝોક વર્લ્ડ મ્યુઝિક તરફ હંમેશાં રહ્યો છે એટલે ગુજરાતી ગીતોમાં હું એવા પ્રયોગો કરું છું જેમાં ગુજરાતીયત સાથે વર્લ્ડ મ્યુઝિકના પીસ પણ ઉમેરું જેથી ગીતની એક આગવી ઓળખ ઊભી થાય. વિખ્યાત સેક્સોફોનિસ્ટ શ્યામરાજે મારાં ઘણાં ગીતોમાં વગાડ્યું છે. અમેરિકામાં પણ મારું સેટઅપ છે એટલે ત્યાંના કોઈ મ્યુઝિશિયનનો પીસ મારે ગુજરાતી ગીતમાં જોઈતો હોય તો આસાનીથી મળી જાય.
ગીત ગુલાબી … કોની પાસે ગવડાવવું એ નક્કી નહોતું પણ પરંપરા મુજબ પાઈલટ ટ્રેક કોઈ એક કલાકાર પાસે ગવડાવવાનો ને પછી ફાઈનલ રેકોર્ડિંગમાં જે નામ ફાઈનલ થયાં હોય એ આવીને ગાઈ જાય. એ રીતે અમદાવાદની યુવા ગાયિકા પલક જોશી પાસે ગીત ગુલાબીનો પાઈલટ ટ્રેક ગવડાવ્યો. એણે એટલું સરસ ગાયું કે મને ખાતરી થઈ ગઈ કે પ્રોડ્યુસરને એ જ પસંદ આવશે. ખરેખર એમ જ બન્યું. પલક ફાઈનલ થઈ ગઈ. પુરુષ ગાયકીમાં મનોમંથન પછી હિન્દી ફિલ્મ જગતના ગાયક દિવ્ય કુમાર પર પસંદગીનો કળશ ઢળ્યો. આ બન્નેએ ખૂબ સરસ ગાયું ને ગીત લોકપ્રિય થઈ ગયું. બેશક, ચિંતન નાયકના શબ્દો તો કમાલના છે જ!
પ્રેમને સાહજિક રીતે આ ગીતમાં વ્યક્ત કરનાર કવિ ચિંતન નાયક વ્યવસાયે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. સરસ કવિતાઓ લખે છે તેમ જ ‘શુભારંભ’ સહિત અન્ય બે ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ તેમણે લખ્યાં છે. યુવા કવિ ચિંતન કહે છે, "ઋષિના પિતા દિવ્યાંગ વકીલ ખૂબ સારા તબલાવાદક. સંગીતના જાણકાર અને મારા સંગીતકાર પિતા પરેશ નાયકના મિત્ર. એ નાતે હું અને ઋષિ મિત્રો બની ગયા. બન્નેની ભાષા-સંગીત પ્રત્યેની લગનીને કારણે અમે સૌથી પહેલું આલબમ ‘ક્લિક કર’ સાથે કર્યું હતું જે ઘણી લોકચાહના પામ્યું હતું. મને લાગે છે કે ગીતના શબ્દો અને સ્વરાંકન સરળ હોય તો ગીત ઝડપથી લોકોના હૃદયને સ્પર્શી જાય છે. આ ગીતના મેં છ-સાત ડ્રાફ્ટ બનાવ્યા હતા પણ એકેયમાં કંઈ જામે નહીં. છેવટે એક દિવસ અચાનક ‘ગીત ગુલાબી’ શબ્દો સ્ફૂર્યા અને આખું ગીત લખાઈ ગયું.
ભારતમાં ૧,૬૬૮ અને ગુજરાતમાં ૧,૦૦૦ વ્યક્તિએ એક ડોકટર છે. આશરે સાડા છ કરોડની વસ્તીના આપણા રાજ્યમાં ૬૬,૯૪૪ રજિસ્ટર્ડ ડોકટર છે. દેશના કુલ ૨૫,૭૪૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧,૪૯૪ ડોકટર વિનાના છે. તેમાંના દસ ટકા ગુજરાતના છે. ગુજરાતના ૧,૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧૦૦માં એક પણ ડોકટર નથી. છેલ્લા પાંચ વરસમાં રાજ્યમાં ૮૪૮ બોગસ ડોકટરો હોવાની ફરિયાદો મળી હતી અને તેની તપાસ કરતાં ૧૯૮ બોગસ ડોકટરો પકડાયા હતા. બેરોજગારીને કારણે ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની જગ્યા માટે એમ.બી.બી.એસ. અને ડોકટરની અન્ય ડિગ્રી ધરાવતી ૧૯ વ્યક્તિઓએ ઉમેદવારી કરી હતી, તેમાંથી ૭ પસંદ થઈ છે. પરસ્પર વિરોધી લાગતી આ હકીકતો એક કટુ વાસ્તવ છે અને તે આરોગ્યનાં ક્ષેત્રે કેવું અનારોગ્ય પ્રવર્તે છે તેનું દ્યોતક છે.