આઝાદી કાળમાં આપણા આગેવાનો કુદરતી આફત કે રોગચાળો ફાટી નીકળે ત્યારે ખડેપગે રહીને કેવી રીતે કાર્ય કરતા તેના દાખલા અનેક છે. સરદાર પટેલે 1927માં ગુજરાતમાં આવેલા રેલસંકટ વખતે ખડેપગે રહીને સેવા બજાવી હતી, અને એક અઠવાડિયામાં ગુજરાતને બેઠું કરી દીધું હતું. ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે દરદીઓની સેવા કરવામાં જાતે જ રોકાયા હતા. કહેવાય છે આ પ્લેગ વખતે માણસો ટપોટપ મરી રહ્યા હતા; પણ ગાંધીજી ઉપાડેલી જવાબદારીમાંથી જરા ય ખસ્યા નહોતા.

આ બંનેના જાહેરસેવાના અનેક આવા પ્રસંગો છે, જેમાં તેઓ સ્વયંસેવકોની ટુકડી સાથે જાનની પરવા કર્યા વિના મોરચે રહેતા. ગાંધી-સરદારે આવું એક ઉમદા કાર્ય બોરસદમાં ફેલાયેલા પ્લેગની મહામારીની નાબૂદીનું કર્યું હતું. આ મહામારીનું કદ કોરોના જેટલું નહોતું, પરંતુ તેમાં 1932થી ’35 સુધી મૃત્યુ પામનારની સંખ્યા 1,286 સુધી પહોંચી હતી. પ્લેગની બીમારી કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. 1935માં બોરસદના જ 27 ગામડાંઓનો મૃત્યુઆંક 949 થઈ ચૂક્યો હતો.
મહામારીનું વધતું કદ સરદાર પટેલના ધ્યાનમાં આવતા તેમણે તરત ડો. ભાસ્કર પટેલને રોક્યા હતા. બંનેએ મળીને પ્લેગને નાબૂદ કરવાની બ્લ્યૂ-પ્રિન્ટ ઘડી કાઢી. બસ, ત્યાર બાદ બોરસદમાં ગામે-ગામ કામ કરી શકે તેવી ટુકડીઓ તૈયાર કરવામાં આવી. આ ટુકડીઓના માથે પણ પ્લેગનું જોખમ હતું, પણ થોડી કાળજી સાથે આ જોખમ ઉપાડ્યું. તે વખતે સંસાધનોની મર્યાદા હતી છતાં થોડાં મહિનાઓમાં જ આ પ્લેગ પર કાબૂ મેળવી શકાયો હતો. સરદાર પટેલ બોરસદ પ્લેગના મોરચે જ હતા, ત્યાર બાદ ગાંધીજીએ પણ બે અઠવાડિયા અહીંયા મુકામ કરીને પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી હતી. જ્યાં પ્લેગનું જોર હતું ત્યાં બંને આગેવાનોની ખાસ મુલાકાત ગોઠવવામાં આવી. પ્લેગનિવારણ ટુકડીમાં દિવસરાત કાર્ય કરનાર રાવજીભાઈ પટેલ તેમની આત્મકથામાં લખે છે કે, આવે વખતે આગેવાન ફક્ત દૂર બેઠા બેઠા પત્રિકાઓ લખે અને સૂચના જ આપે; પણ જોખમથી ડરે તો ન જ ચાલે. તેમણે સૌ પ્રથમ જોખમમાં પડવું જોઈએ. તો જ બીજા સ્વયંસેવકો હિંમતથી કામ કરી શકે.
પ્લેગ સામેના આ યુદ્ધમાં સરદાર પટેલ અને દરબારસાહેબ ખડેપગે રહ્યા હતા. ગાંધીજી પણ જીવના જોખમે આ પ્લેગના યુદ્ધમાં ગામેગામ જાતતપાસ કરીને જોડાયા હતા.
![]()


ગાંધીજીના જમાનાથી મારી એવી ફરિયાદ રહી છે કે આપણા સેવકો ઉત્તમ કામમાં લાગેલા છે, તેઓ વિચારોનું અધ્યયન કરે છે. અધ્યયનમાં આપણા લોકોને રુચિ ઓછી છે. ગાંધીજીના વખતમાં હું કાર્યકરોને પૂછતો કે “હરિજન”માં ગાંધીજીનો ફલાણો લેખ આવ્યો છે, તે તમે વાંચ્યો ? તો જવાબ મળતો કે ‘નહીં, વાંચવાથી શું વળવાનું છે ? તેમાં લખી-લખીને એમ જ લખ્યું હશે ને કે હરિજનોની સેવા કરો, સૂતર કાંતો, વગેરે વગેરે. અમે એ કરીએ જ છીએ તો !’ મતલબ કે તેઓ એવા જ ખ્યાલમાં રહેતા કે પોતે ગાંધીજીને આખા ને આખા પી લીધા છે, હવે કશું વાંચવા કરવાની જરૂર નથી ! ત્યારે હું એમને કહેતો કે તમને વાંચવાની ફિકર નથી તો ગાંધીજી દર અઠવાડિયે લખવાની ફિકર શું કામ કરતા હશે ? આ રીતે હું વારંવાર કાર્યકરોને સમજાવતો રહેતો કે કામ કરવાની સાથોસાથ વાંચવાની, ચિંતન-મનન કરવાની ટેવ રાખવી જોઈએ.
પરંતુ ગાંધીજીનાં પુસ્તકો ગાંધીના લોકો પણ બરાબર નથી વાચતા. કાર્યકરોની આવી અધ્યયનશૂન્યતા જોઈને મને બહુ ચિંતા થાય છે. અધ્યયનની ઊણપ આપણા આ કામને માટે બાધક નીવડશે. આઝાદી માટેના આંદોલનના દિવસોમાં તો તે ચાલી ગયું. એટલા વાસ્તે ચાલી ગયું કે ત્યારે બસ એક આઝાદી મેળવવાની વાત જ સામે હતી અને બીજું − ત્રીજું અધ્યયન ન કરે તો ચાલી જાય. પરંતુ આજે તો આપણે દુનિયાના ચોકમાં ઊભા છીએ. ચારે કોરથી વિચારોનો મારો થઈ રહ્યો છે − સદ્દવિચારોનોયે અને કુવિચારોનોયે. આપણે બિલકુલ મેદાનમાં ઊભા છીએ. આ બધા વિચારો વચ્ચે આપણે આપણા વિચાર મુજબ આપણું કામ કરતા રહેવાનું છે, અને આપણા વિચારને પરિશુદ્ધ કરતાં-કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં આપણે અધ્યયન વિના તો હાર ખાઈશું ને માર ખાઈશું.
પહેલાં આખા જગતને લૂંટીને હાથ લાગે એટલું ઘરભેગું કરવા સરહદો તોડી. વૈશ્વિકતા અને ઉદારતાનું નામ આપ્યું. પછી ખુલ્લી સરહદોનો ડર લાગવા માંડ્યો એટલે રાષ્ટ્રવાદના નામે ‘અમે’ અને ‘તમે’ના ઝઘડા આદર્યા. અને આજે હવે માનવી સામે ચાલીને પોતાને ટૂંકી, નાનકડી, પોતાનો પંડ સમાય એટલી સરહદમાં પૂરી રહ્યો છે. તમને નથી લાગતું કે આ બ્રહ્માંડમાં જો ઈશ્વર ક્યાં ય હોય તો એ અટ્ટહાસ્ય કરતો હશે? તમે શું સમજો છો પોતાની જાતને? તમારાં લાખો વર્ષ એ કુદરત માટે એક પળ માત્ર છે. તમારું ક્રોધ અને દ્વેષથી ભરેલું આયખું કુદરત માટે એક પળનો લાખમો ભાગ છે. કદાચ એવું પણ હોય કે ઈશ્વર માનવીના સંકટની ખાસ નોંધ પણ ન લેતો હોય, કારણ કે માનવી ક્યાં સૃષ્ટિના કેન્દ્રમાં છે! આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ, બાકી ઈશ્વર માટે તો માનવી અબજો પ્રજાતિઓમાં એક છે. હા, સૌથી વધુ અવળચંડો અને તેથી તેના પર ઈશ્વર નજર રાખતો હોય અને આજે ખડખડાટ હસતો હોય એમ બને.