બંધ કોણે કરી રેંકડી મારી,
તું કહે, ભૂખ કોને નડી મારી.
ગામની છેક છેડે રહું છું હું,
તો ય ગમતી નથી ઝૂંપડી મારી.
લોટ ખૂટી ગયો છે, નથી દાણા,
ખાવું શું બોલ, કોને પડી મારી.
રોગ પરદેશથી દેશમાં આવ્યો,
ને તમે કાં મને લાકડી મારી.
માફ એનું કરજ થાય છે જેણે,
છીનવી લીધી છે ખીચડી મારી.
કાર આરામથી મેં જતાં જોઈ,
સાઇકલ ફક્ત તમને નડી મારી.
પુષ્પ જેવી હતી એકની એક,
દીકરી ભૂખથી તરફડી મારી.
નોટબંધી કરી છે જે દિ' થી તે,
સૂની સૂની પડી તાવડી મારી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020
![]()


મહામારીના આ કપરા કાળમાં જ્યારે ખરેખરા સુખદ સમાચાર જવલ્લે જ સાંભળવા મળે છે, ત્યારે રણમાં મીઠી વીરડી જેવા બે સમાચાર તબીબી વિજ્ઞાનની અટારીએથી આવ્યાં છે. SARS-CoV-2 વિષાણુ સામે રોગપ્રતિકારકતા આપતી રસી માટે સમસ્ત વિશ્વ તલસી રહ્યું છે. જગત આખાના રસીકરણ શાસ્ત્રના વિજ્ઞાનીઓ આ રસીની શોધ માટેની મૅરેથોન દોડ જાણે ૧૦૦ મીટરની સ્પ્રિન્ટની ઝડપે દોડી રહ્યાં છે. સામાન્યત: એક રસીના સંશોધન માટે ૧૦ થી ૧૫ વર્ષ તો ઓછામાં ઓછાં લાગી જાય છે. HIV, મેલેરિયા, ડેંગ્યૂ જેવા કેટલા ય રોગો માટેની રસી તો વર્ષોનાં સંશોધન બાદ હજી સુધી પૂર્ણપણે વિકસાવી શકાઈ નથી. Covid-19 વિરુદ્ધ હાલમાં ૧૦૦થી પણ વધુ સંભવિત રસીઓ સંશોધનના અલગ અલગ તબક્કામાં છે. તે પૈકી ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની જૅનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલ રસી સૌથી પ્રબળ દાવેદાર છે. આ એડવર્ડ જૅનર એ જ અંગ્રેજ તબીબ જેમણે smallpox-શીતળા-ની રસી, એ જ વિષાણુના પિતરાઈ એવા cowpox-ગાયમાં થતો અછબડા જેવા રોગ-માંથી શોધી કાઢી હતી. રસીકરણની શોધથી તબીબી ક્ષેત્રે નવો જ આયામ આલેખનાર એડવર્ડ જૅનરના માનસ-વારસદાર જેવા આ સંસ્થાના સંશોધકોએ આજે આ નવા દૈત્ય સામે બાંયો ચઢાવી છે. પ્રો. એડ્રીઅન હિલ અને પ્રો. સારાહ ગિલ્બર્ટના માર્ગદર્શન હેઠળ પાછલા બે-ત્રણ દશકમાં મેલેરિયા, MERS, ઇબોલા સામેની રસીની શોધ ક્ષેત્રે આ સંસ્થાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.