હમણાં હમણાં
શું થયું છે આપણા આ ટી.વી.ને?
એકાએક મજૂરો જ બતાવવા માંડયા છે?
ટોળેટોળાં મજૂરો, કરગરતાં મજૂરો
રમણે ચઢેલાં મજૂરો
144 અને સોશિયલ ડિસ્ટન્સીંગની
ઐસીતૈસી કરી,
ખભે મેલાઘેલાં છોકરાં,
બચીખૂચી ઘરવખરી લૈ
ચાલવા જ માંડયા છે!
ગોધરિયાં અને ભૈયાઓ બધાં ય …..
ફાડ્યાં, સમજતાં જ નથી,
શું દાટ્યું છે ત્યાં ઘરોમાં?
અહીં મફ્ફતનું ખાવાનું તો
દાનેશ્રીઓ આલે છે!
ટી.વી.ની એન્કર, સરકારી પ્રતિનિધિ
માસ્ક સાથે મૅચિંગ સાડી-ડ્રેસ પહેરીને
મજૂરોને પ્રધાનમંત્રીએ આપેલો
'આત્મનિર્ભર બનો'નો સંદેશ આપી રહ્યાં છે!
હીરાની ઘંટીઓ સૂની પડી છે,
સૂની પડી છે મકાનો બનાવતી ક્રેઈન
સૂની પડી છે પાવરલૂમ્સના
સાંચાઓની ઘરઘરાટી!
નથી ખુલતા ટાઢા છાંયે ટિફિન રિક્ષાવાળાનાં!
આ તો ચાલી નીકળ્યા છે
કીડીની વણઝારની જેમ
'હમ મહેનતકશ દુનિયાવાલોંસે' જેવી
ફૈઝની ગઝલની એને ખબર જ નથી!
અરે! એને એ ય ખબર નથી કે
આજે તો એનો જ દિવસ છે!
એને તો એટલી જ ખબર છે કે
એનો તો દિવસ ક્યારે ય ઊગ્યો જ નથી!
એના ભાગે તો આવી છે
કાળીડિબાંગ રાત જ!
લૉક ડાઉનના તાળાનું વજન
પેટની હોજરી પર વધતું જાય છે
ને એમ જ ચલાતું જાય છે,
દૂર દૂર સુધી!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020
![]()


મહામારીના આ કપરા કાળમાં જ્યારે ખરેખરા સુખદ સમાચાર જવલ્લે જ સાંભળવા મળે છે, ત્યારે રણમાં મીઠી વીરડી જેવા બે સમાચાર તબીબી વિજ્ઞાનની અટારીએથી આવ્યાં છે. SARS-CoV-2 વિષાણુ સામે રોગપ્રતિકારકતા આપતી રસી માટે સમસ્ત વિશ્વ તલસી રહ્યું છે. જગત આખાના રસીકરણ શાસ્ત્રના વિજ્ઞાનીઓ આ રસીની શોધ માટેની મૅરેથોન દોડ જાણે ૧૦૦ મીટરની સ્પ્રિન્ટની ઝડપે દોડી રહ્યાં છે. સામાન્યત: એક રસીના સંશોધન માટે ૧૦ થી ૧૫ વર્ષ તો ઓછામાં ઓછાં લાગી જાય છે. HIV, મેલેરિયા, ડેંગ્યૂ જેવા કેટલા ય રોગો માટેની રસી તો વર્ષોનાં સંશોધન બાદ હજી સુધી પૂર્ણપણે વિકસાવી શકાઈ નથી. Covid-19 વિરુદ્ધ હાલમાં ૧૦૦થી પણ વધુ સંભવિત રસીઓ સંશોધનના અલગ અલગ તબક્કામાં છે. તે પૈકી ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની જૅનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલ રસી સૌથી પ્રબળ દાવેદાર છે. આ એડવર્ડ જૅનર એ જ અંગ્રેજ તબીબ જેમણે smallpox-શીતળા-ની રસી, એ જ વિષાણુના પિતરાઈ એવા cowpox-ગાયમાં થતો અછબડા જેવા રોગ-માંથી શોધી કાઢી હતી. રસીકરણની શોધથી તબીબી ક્ષેત્રે નવો જ આયામ આલેખનાર એડવર્ડ જૅનરના માનસ-વારસદાર જેવા આ સંસ્થાના સંશોધકોએ આજે આ નવા દૈત્ય સામે બાંયો ચઢાવી છે. પ્રો. એડ્રીઅન હિલ અને પ્રો. સારાહ ગિલ્બર્ટના માર્ગદર્શન હેઠળ પાછલા બે-ત્રણ દશકમાં મેલેરિયા, MERS, ઇબોલા સામેની રસીની શોધ ક્ષેત્રે આ સંસ્થાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
શિકાગો ખાતે 1884માં સંગઠિત વ્યાપાર સંઘ અને મજૂર મંડળની (Federation of Organised Trades and Labour Unions) પરિષદમાં ઠરાવાયું હતું કે પહેલી મે, 1886એ તેમ જ ત્યાર બાદ શ્રમિક માટે 8 કલાકનું કામ કાયદાકીય રીતે એક દિવસનું કામ ગણાશે. 135 વર્ષ બાદ મુંબઈમાં બાંધકામ કરતા કડિયા સાથે કામ કરતો એક શ્રમિક પહેલી મેના થોડા દિવસ પહેલાં 1,400 કિલોમીટરની પગપાળા મુસાફરી કરી ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં તેના વતન મથકન્વા ગામમાં પહોંચે છે. તેને અલગ રખાય છે અને ત્યાં જ તે મરણને શરણ થાય છે. ભાગ્ય તો જુઓ! માતા-પિતાએ તેનું નામ પાડ્યું હતું ઇન્સાફઅલી. અલીના અંદાજ અનુસાર, બાકી રહેલા પાંચ હજાર રૂપિયા તેને માયાનગરી મુંબઈમાં તાળાબંધી બાદના સપ્તાહો દરમિયાન ટકી રહેવા સારુ પૂરતા ન હતા. આ એક જ અલી સરકાર અને સમાજ પાસેથી ઇન્સાફ માગી રહ્યો નથી. એ તો તનતોડ મજૂરી કરીને પેટિયું રળતા લાખો મજૂરોની દર્દનાક હાલત અને તેમની યાતનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.