પુનઃ એ જ ધક્કા ને મુક્કાની વાતો,
અમારે નસીબ તો છે પોલીસની લાતો !
મેસેજ, ટ્વીટર, વોટ્સએપ તમને મુબારક!
સૂણે કોણ અમારી આ વીતકની વાતો?
બિચારા દયામણા આ ચહેરા પૂછે છે:
કયા ભવનો બદલો? અમારી શી ઓકાતો?
40ની ઉપર સૂરજ તાપ ભડકો,
કયા ખૂણે જઈને હું કાઢું બળાપો?
બધાં બાળ, મહિલા, સહુ સાથે સૂતાં,
આ ટ્રકને કહો, ઘરનો આપે દિલાસો!
ભલે પહેર્યાં લૂગડે સફરમાં સહુ સાથે,
સૌ પહોંચે સલામત, છે ખુદાનો સહારો?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020
![]()


બૅટરીના બે ધ્રુવ હોય છેઃ ધન અને ઋણ, જેને અંગ્રેજીમાં ‘પૉઝિટિવ’ અને ‘નેગેટિવ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણું વિશ્વ, તેમાં બનતી ઘટનાઓ, તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને બીજી અનેક બાબતો કંઈ બૅટરી નથી કે તેમાં માત્ર બે જ ધ્રુવ હોય! આ બે ધ્રુવની વચ્ચે આખો રંગપટલ હોય છે. ‘પૉઝિટિવ થિન્કિંગ’ એટલે કે હકારાત્મક વિચારસરણી શીખવતી આખી શાખા હવે તો વિકસી છે. ઘણા વાક્ચતુરો આ કૌશલ્ય થકી આજીવિકા રળી રહ્યા છે. આ પ્રકારનાં પુસ્તકોનું પણ આગવું બજાર ઊભું થયું છે. અહીં સુધી ઠીક છે, કેમ કે, આખરે આ બધું શ્રોતા કે વાચકોની ઈચ્છા પર અવલંબિત હોય છે. પણ કેટલાંક પ્રસાર માધ્યમોને આ રોગ લાગુ પડી રહ્યો છે એ ચિંતાજનક છે. પ્રસાર માધ્યમો તેમ જ તેની સાથે સંકળાયેલા લોકોનો ધર્મ સમાચાર રજૂ કરવાનો છે. સમાચાર આખરે સમાચાર હોય છે, પણ હવે તેને ‘પૉઝિટિવ’ કે ‘નેગેટિવ’નો ઢોળ ચડાવવાનો સગવડિયો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકો પણ વિવિધ મુદ્દાઓને આ બે જ ખાનામાં વિભાજિત કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ‘હકારાત્મકતા’નો વર્તમાન સંદર્ભમાં મતલબ થાય છે શાસકતરફી લખાણ. શાસકની કે શાસનપદ્ધતિની ટીકા થતી હોય એવા સમાચારને અને એવી ટીકા કરનારને સહેલાઈથી ‘નકારાત્મક’ ગણી લેવામાં આવે છે. એક રીતે જોઈએ તો, હકારાત્મકતાના ઓઠા હેઠળ પરિસ્થિતિની વાસ્તવિકતા, ગેરવહીવટ કે ગેરવ્યવસ્થા સામે આંખ આડા કાન કરવાની એ વૃત્તિ છે.