ગત જૂન માસમાં ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 8 કૉન્ગ્રેસી ધારાસભ્યોએ પોતાના પક્ષ સાથે છેડો ફાડી ભા.જ.પ. ઉમેદવારને જીતાડવામાં મદદ કરી. ભારત દેશ માટે આ રોગ નવો નથી. છેલ્લા થોડા વખતના બનાવોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મોટાપાયે પક્ષાંતર થયાં છે.
બંધારણ મુજબ દેશમાં સંસદીય પદ્ધતિની સરકાર રચાય છે. દરેક ધારાસભ્ય પોતે પ્રધાન બને કે ન બને, તો પણ આ સંસદીય પદ્ધતિનો ભાગ છે. દરેક ધારાસભ્યે પોતાના હોદ્દો ધારણ કરતાં અગાઉ બંધારણના ત્રીજા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયા મુજબ શપથ લેવાના હોય છે, ત્યાર બાદ જ તેમને ધારાસભ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ધારાસભ્ય થવા સાથે પ્રજાની પાંચ વર્ષ સેવા કરવાની ગર્ભિત બાંહેધરી હોય છે.
એક વાત સ્પષ્ટ છે કે ધારાસભ્ય તરીકેનો પદત્યાગ અથવા પક્ષાંતર સૈદ્ધાંતિક કારણોસર નહીં, પરંતુ વ્યક્તિગત પદ લાલસા માટે થાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહેલોતે ધારા સભ્ય દીઠ રૂપિયા વીસ કરોડની હેરફેર થઈ હોવાનો દાવો કર્યો છે. જો કે, તેના પુરાવા હજુ મળ્યા નથી. પદત્યાગ અથવા પક્ષાંતરથી ખાલી પડેલી (ગુજરાતમાં આઠ અને મધ્ય પ્રદેશમાં ચૌદ) બેઠકો પર પેટાચૂંટણીના નગારાં વાગી રહ્યાં છે. વ્યક્તિગત સ્વાર્થથી પ્રેરાઈને રાજીનામું અપાયેલું હોય એવી બેઠકની પેટાચૂંટણી પ્રજાના પૈસે હરગીઝ થવી જોઈએ નહીં. એક તો તેમણે પ્રજાના વિશ્વાસનો દ્રોહ કર્યો છે અને તેમની વ્યક્તિગત પદલાલસા સંતોષવાનો દંડ પણ પ્રજાએ ભરવાનો? આ તે કયાંનો ન્યાય? આ રીતે પેટાચૂંટણી એક માત્ર રાજમાર્ગ (વિકલ્પ) નથી. સરકારે પ્રજા સાથે રહીને નીચેના વિકલ્પોનો પણ વિચાર કરવો જોઈએ :
1. તે બેઠક પર પછીના પરાજિત ઉમેદવારને ધારાસભ્ય તરીકે નિમણૂક આપવી જોઈએ કે જેથી પેટાચૂંટણી યોજવાનો પ્રશ્ન ન રહે.
2. પદત્યાગ કે પક્ષાંતર કરનાર ધારાસભ્ય પાસેથી સરકારે તે બેઠક્નો ચૂંટણીખર્ચ વસૂલવો જોઈએ.
3. આવા ધારાસભ્યે પ્રજાના વિશ્વાસનો દ્રોહ કર્યો હોવાથી તેમના પર આજીવન ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી શકાય?
4. આવા પૂર્વ ધારાસભ્યની સંપત્તિમાં થતા અપ્રમાણસર વધારા બાબતે તપાસ થવી જોઈએ.
મતદારોને તેમની પસંદગીના ઉમેદવાર ચૂંટવાનું સ્વાતંત્ર્ય છે. પરંતુ તેની કિંમત પ્રજાકીય જાગૃતિ છે. જો પ્રજા જાગ્રત નહીં થાય, તો કર્ણાટકમાં જેમ તત્કાલીન મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા ભ્રષ્ટાચારનાં કારણસર પદભ્રષ્ટ કરાયા, જેલવાસ ભોગવ્યો, ભા.જ.પ. છોડીને નવો પક્ષ રચ્યો અને પુન: ભા.જ.પ.માં જોડાઈને પક્ષાંતરની મદદથી વર્તમાનમાં પણ મુખ્ય પ્રધાનપદ ‘શોભાવી’ રહ્યા છે, તેવી સ્થિતિ કોઈ પણ રાજ્ય માટે સંભવિત છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 16
![]()


એન્ટિવાઇરલ દવા શરીરમાં વાઇરસના પ્રજનન માટે ઉપયોગી એવા ઉત્સેચકને અવરોધે છે અને તેનો પ્રજનનનો દર ઘટાડે છે. ટોસિલીઝુમાબ/tocilizumab એનાથી તદ્દન અલગ રીતે કામ કરતી એક 'ઇમ્યુનો-સપ્રેસ્સીવ', ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારકતા 'દબાવનારી' દવા છે. હા, વાત આશ્ચર્યજનક જ છે. કોરોનાના 'મૅનેજમેન્ટ' નામે એક કથિત બાબા 'ઇમ્યુનો-બૂસ્ટર' વેચી રૂપિયા રળી રહ્યા છે ત્યારે આ દવા કોરોનાથી જીવ બચાવવા નોખો જ રસ્તો અપનાવે છે. (એક આડવાતઃ ચરક સુશ્રુત જેવા મહાનુભાવોથી મઘમઘતું આયુર્વેદ આજે આ બાબાથી ઓળખાય છે અને વગોવાય છે એ ખરે જ શરમજનક છે.)
શહેર એટલે ખાસ પ્રકારની આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓનું સંમિલન. શહેર એટલે નોકરીઓના- આજીવિકાઓના બજારની ભૌગોલિક ગોઠવણ. શહેર એટલે વિવિધ સંસ્કૃતિઓ, જુદા જુદા લોકો, તેમની રહેણીકરણીનો ઉકળતો ચરુ. જે પ્રવૃત્તિઓ ગામડાં કે નાના ગામમાં ન નિભાવી શકાય, તેમને શહેરમાં સમાવી અને નિભાવી શકાય. શહેરની એક સાઇઝ કે કદ હોય. આ કદ અને લોકોના આકસ્મિક સહઅસ્તિત્વને લીધે જ ત્યાં એક બાજુ શેરબજાર હોય અને બીજી બાજુ રિસર્ચ સેન્ટર પણ નભી શકે. કારણ કે શેરબજાર માટે મૂડી અને રિસર્ચ સેન્ટર માટે ખાસ પ્રકારના 'શ્રમિકો' મળવાની શક્યતા ગામ કરતાં શહેરમાં વધુ છે. કોઈ પણ પ્રકારના સામાજિક ફેરફાર, આર્થિક સુધારણા, સાંસ્કૃતિક પહેલ કે વૈજ્ઞાનિક શોધખોળ વગેરે શહેરમાં અને શહેરી સમાજમાં થાય તેવી શક્યતા વધુ છે. એટલે જ તો માનવઉત્ક્રાંતિમાં શહેરોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.