આ વરસની પહેલી જાન્યુઆરીએ દુનિયામાં ૩,૯૨,૦૭૮ બાળકો જન્મ્યા હતા. તેમાં સૌથી વધુ ૬૭,૩૮૫ બાળકો ભારતમાં જન્મ્યા હતા. પણ ભારતમાં જેટલાં બાળકો જન્મે છે તે બધાં જ જીવતાં નથી. ૨૦૧૮ના વર્ષમાં ૨૫ લાખ નવજાત બાળકો જન્મના પ્રથમ મહિને અને તેમાંના એકતૃતીયાંશ તો પ્રથમ જ દિવસે મરી ગયા હતાં. બાળ મૃત્યુદરના આ બિહામણા આંકડા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણને આશ્વસ્ત કરે છે કે ભારતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે ! જો કે કોરોના મહામારી પછી આ ચિત્ર બદલાઈ શકે છે. બાળ મૃત્યુદરના મોટા પ્રમાણનું પ્રમુખ કારણ કુપોષણ છે. કોરોનાકાળમાં વકરેલી બેરોજગારી, ગરીબી અને સ્થળાંતરિત કામદારોની સમસ્યાને લીધે ભૂખમરો વધતાં કુપોષણથી થતાં મોત વધી શકે છે.
ઈસુ વરસનો સપ્ટેમ્બર માસ સરકારી રાહે દેશભરમાં પોષણ માસ તરીકે મનાવાઈ રહ્યો છે. ‘સુપોષિત ગુજરાત માટે કટિબદ્ધ’ આપણી ગુજરાત સરકાર આ મહિને ‘ઘરેઘરે પોષણ તહેવાર’ મનાવે છે. સુપોષિત ગુજરાતનું નિર્માણ કરવા ચાહતી સરકારે એક હજાર દિવસોનું માતા અને બાળકનું પોષણ આયોજન જાહેર કરી દીધું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં કુપોષણ વધ્યું છે. જૂન ૨૦૧૯માં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા ૧.૪૨ લાખ હતી. જે તે પછીના છ જ મહિનામાં વધીને ૩.૮૩ લાખ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ રાજ્યમાં કુપોષિત બાળકોમાં ૨.૪૧ લાખનો વધારો થયો હતો. સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતા દસ જિલ્લામાં ન માત્ર આદિવાસી બહુલ જિલ્લાઓ છે. આણંદ જેવો સમૃદ્ધ જિલ્લો પણ છે ! જ્યારે રાજ્ય પોષણ માસ મનાવી રહ્યું હોય ત્યારે આ હકીકત નજર અંદાજ ન થવી જોઈએ

શરીરને જરૂરી સમતોલ આહાર દીર્ઘ સમય સુધી ન મળવો એટલે કુપોષણ. સામાન્ય રીતે ‘હાથપગ દોરડી અને પગ ગાગરડી’ એમ કહીએ એટલે આપોઆપ મનમાં કુપોષિત બાળકનું ચિત્ર ઉપસે છે. પેટ પૂરતું ખાવા ન મળવાથી દેશનો હર ચોથો નાગરિક રોજ ભૂખ્યો રહે છે. જો પેટ ભરાય એટલું ખાવાનું જ ન મળતું હોય તો પછી તે પોષ્ટિક કે સંતુલિત છે કે નહીં તેની પડપૂછ ભીખના રોટલામાં સ્વાદ શોધવા જેવું છે. પાંચ વરસથી નીચેના ૬૮ ટકા બાળકોના મોતનું કારણ માતા અને બાળકનું કુપોષણ હોવાનું ઇન્ડિયા સ્ટેટ લેવલ રિપોર્ટ ૨૦૨૦માં કહેવામાં આવ્યું છે. દેશની દર ત્રણે એક ગાભરી સ્ત્રી કુપોષિત અને રક્ત અલ્પતાથી પીડાતી હોય છે. આવી કુપોષિત સ્ત્રીની કુંખેથી જન્મેલું બાળક પણ કુપોષિત જ રહે છે. તેની વૃદ્ધિ અટકે છે. અને રોગ પ્રતિકાર શક્તિના અભાવે કાયમ માંદુ રહે છે. કુપોષિત બાળકોનું વજન જન્મ સમયે ઓછું હોય છે અને તેની ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં વધતી નથી. જે બાળકનું જન્મ સમયે વજન અઢી કિલોથી ઓછું હોય, તો તેના મૃત્યુની સંભાવના ત્રણ ગણી વધારે હોય છે. એનિમિક કે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તેવી માતાના મોતની સંભાવના પાંચ ગણી વધારે છે. આ બધી બાબતો એ વાસ્તવ ઉજાગર કરે છે કે દેશમાં માતા અને બાળકના મૃત્યુ દરમાં વધારો તેમને મળતા અપૂરતા આહારનું કારણ છે.
ગોરખપુર, કોટા, બિકાનેર, ઈન્દોર, મુજફરપુર અને રાજકોટની હોસ્પિટલોમાં બાળકોના મોતનો મામલો આ વરસના આરંભે ચર્ચામાં હતો. આ બધા શહેરોની હોસ્પિટલોમાં એક જ મહિનામાં સો કે તેની આસપાસની સંખ્યામાં બાળકોના મોત થયાં હોવાના સમાચારે ભારે ઊહાપોહ જગવ્યો હતો. દેશ આર્થિક – ભૌતિક વિકાસના આંકડાઓથી ભરમાય છે, આવેગશીલ બાબતોથી દોરવાય છે અને રોજગાર, પાણી, આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ જેવા પાયાના મુદ્દા વિસરી જાય છે તેવા સવાલો પણ ઉઠ્યા હતા. વિકાસની ગુલબાંગો વચ્ચે હજુ ૫૬.૫ ટકા મહિલાઓની જ પ્રસૂતિ દવાખાનાઓમાં થાય છે અને લગભગ ૪૫ ટકાની પ્રસૂતિ ઘરે થાય છે. દેશમાં દર વરસે પાંચ વર્ષથી ઓછી વયના ૧૦ લાખ બાળકોના મોત થાય છે અને તેમાંના ચોથા ભાગના ન્યૂમોનિયા અને ડાયેરિયાથી મરે છે. પણ જરા ઊંડાણમાં જઈને વિચારીશું તો તેનું કારણ આરોગ્ય સેવાનો અભાવ અને કુપોષણ જોવા મળશે. આખા દેશમાં બે લાખ બાળરોગ નિષ્ણાતોની જરૂરિયાત સામે તેના આઠમા ભાગના એટલે કે પચીસ હજાર જ છે. નવજાત બાળકો માટેના નિયોનેટલ આઈ.સી.યુ.ની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે છે તે પૂરતા કાર્યક્ષમ નથી એટલે ઓછા વજનનાં કુપોષિત બાળકો બચતાં નથી. કે તબીબી બેદરકારી, સંસાધનોનો અભાવ, વધારે કાર્યબોજ તેમને બચાવતાં નથી.
૧૯૭૫થી દેશમાં ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (આઈ.સી.ડી.એસ.) અમલી છે. તેણે બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની દેખભાળ અને પોષણને લગતી યોજનાઓનો અમલ કરવાનો હોય છે. ૨૦૧૮થી રાષ્ટ્ર્રીય પોષણ મિશનનો આરંભ કરવામાં આવ્યો છે. કુપોષણ નાબૂદીનું લક્ષ્ય ધરાવતા આ મિશનમાં દર વરસે સપ્ટેમ્બર માસમાં પોષણ માસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ વરસે ત્રીજો પોષણ માસ મનાવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય પોષણ મિશન હેઠળ ગર્ભવતી મહિલાઓ, માતાઓ, બાળકોના પોષણની જરૂરિયાતો પૂરી કરવા અને લોહીની ઊણપ દૂર કરવા ત્રણ વરસ માટે ૧૦ કરોડ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે ૯૦૪૬.૧૭ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તે માટે ફાળવાયેલા રૂ. ૪૨૩૮ કરોડમાંથી ઓકટોબર ૨૦૧૯ સુધીમાં માત્ર ૧૨૮૩.૮૯ કરોડનો જ ખર્ચ થયો હતો. એટલે કે ફાળવેલ બજેટની માંડ ૨૯.૯૭ ટકા રકમ જ વપરાઈ છે અને ૭૦ ટકા નાણા વણવરાયેલા રહ્યા હતા. કેરળ, કર્ણાટક, પંજાબ, અસમ અને ઝારખંડ જેવા રાજ્યોએ તો આ યોજના હેઠળ મળેલા નાણાનો નહિવત ઉપયોગ કર્યો છે. દેશમાં કુપોષણની બદતર સ્થિતિ હોય, ત્યારે સરકારી તંત્ર કઈ હદે અસંવેદનશીલ છે તેનો આ પુરાવો છે.
દેશમાં કેટલાંકનાં પેટ અંતર્ગોળ છે અને કેટલાક્નાં બહિર્ગોળ છે. પેટનો આ તફાવત દેશમાં પ્રવર્તતી અસમાનતા દર્શાવે છે. કુપોષણના સર્જનના મૂળમાં આ અસમાનતા રહેલી છે. ૨૮ ટકા આદિવાસી, ૨૧ ટકા દલિત, ૨૦ ટકા પછાતવર્ગના બાળકો કુપોષિત છે. શહેરોની તુલનાએ ગામડાંઓમાં અને પુરુષની તુલનાએ મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ વધારે છે. અનાજના ભંડારો ભરેલા છે, આ અનાજ કાં તો સડે છે કાં તો વેડફાય છે પણ તે ગરીબો અને કુપોષિતો લગી પહોંચતું નથી. કુપોષણને મેડિકલ ઈમરજન્સી ગણવામાં આવે છે અને તેના આર્થિક, સામાજિક રાજકીય પાસાં ઉવેખાઈ આવે છે. તેની નાબૂદી માટે થાગડથીગડ પ્રયત્નો થાય છે પણ આ બાબત રાજકીય એજેન્ડાનો વિષય બનતો નથી કે તેની નાબૂદી માટેની પ્રખર રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવાતી નથી. બાળમૃત્યુદર ઘટી રહ્યાનું આશ્વાસન લેવાય છે પણ મહિલાઓમાં લોહીની ઊણપ વધી રહ્યાના આંકડા ગુપચાવી દેવાય છે. ૨૦૧૨માં ૨.૫૨ કરોડ વયસ્કો મેદસ્વી હતા. ૨૦૧૬માં તેનું પ્રમાણ વધીને ૩.૪૩ કરોડ થયું છે. બીજી તરફ ૧૫થી ૪૯ વર્ષની લોહીની ઊણપ ધરાવતી મહિલાઓ ૨૦૧૨માં ૧૬.૪૬ કરોડ હતી તે ૨૦૧૬માં વધીને ૧૭.૫૩ કરોડ થઈ છે. આ અસમાનતાની નાબૂદીમાં કુપોષણનો ઊકેલ રહેલો છે. કુપોષણ નાબૂદીને રાષ્ટ્રીય મહત્ત્વનો મુદ્દો બનાવાય અને તેના મૂળમાં રહેલી ગરીબી અને સામાજિક-આર્થિક અસમાનતા દૂર કરવામાં આવે તો જ તેનો ઉકેલ શક્ય છે.
(તા.૧૬-૦૯-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
![]()


ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીના સમગ્ર સાહિત્યનાં આજે પ્રગટ થયેલાં બે પુસ્તકો વિષે બોલતી વખતે બે અંગત વાતોથી શરૂઆત કરું છું, તે માટે પહેલેથી જ આપ સૌની ક્ષમા માંગી લઉં છું. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. ચોકકસ વર્ષ તો યાદ નથી, પણ અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં ‘વડલો’નું પાત્ર ભજવવાનું બન્યું હતું. આ નાટક પહેલી વાર છપાયું ત્યારે લેખકની ઉંમર માંડ ૨૦ વર્ષની હતી. વડલોનું પાત્ર ભજવનારની ઉંમર તો તેના કરતાં ય ઓછી હતી. પણ મોટેરાંઓ માટે લખાયેલું નાટક ભજવી રહ્યાં છીએ એવું અમને કયારે ય નહોતું લાગ્યું બલકે અમારે માટે જ આ નાટક લખાયું હોય એમ લાગેલું. પિનાકિન ત્રિવેદી અને સુષમાબહેન દીવેટિયા જેવાં અમારાં સંગીત શિક્ષકોએ વડલોનાં ગીતોની જે બંદિશ બાંધેલી, તે આજે પણ યાદ છે અને વડલાના ઘણા સંવાદ પણ કંઠસ્થ છે. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. નાટયમહર્ષિ ચન્દ્રવદન મહેતા એમના લાક્ષણિક લહેકામાં કહે છે : “કવિ એને શોકપર્યવસાયી નાટક કહે છે. કહે, કવિ છે, એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વીંઝાઇ ગયો એનો ? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી.” સાવ સાચી વાત છે એમની. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું અમને સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.






