૧૪ : કૉલગર્લની પ્રથમ મુલાકાત : અમારો પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારથી એક મહત્ત્વનો હેતુ હતો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં વધુ ને વધુ બહેનો સુધી સેવાઓ પહોંચવી જોઈએ, પણ એ માટે જરૂરી હતું કે બહેનોને શોધવી અને ભિન્ન-ભિન્ન પ્રકારે ધંધો કરતી બહેનોને શોધવી. આ માટે અમે અમદાવાદના નકશા પર સમયે-સમયે સ્ત્રીઓ કપાળમાં બિંદી લગાવે છે. તેને જુદા-જુદા વિસ્તારોમાં પર લગાવતા ગયા. મારે કહેવું જોઈએ કે પ્રોજેક્ટના વિદ્યાર્થી કાર્યકરોએ આખું અમદાવાદ ખૂંદી નાખ્યું અને અંતે અમદાવાદનો નકશો બિન્દીઓથી ભરાઈ ગયો. તેનો મતલબ એ થયો કે શહેરમાં આ વ્યવસાય ખાસો ફેલાયેલો છે.
જુદી-જુદી કૅટેગરીની બહેનોમાંથી એ સમયે કૉલગર્લ સાથેની મુલાકાત મુશ્કેલ હતી, કારણ કે મોબાઈલફોનની સુવિધા સૌ પાસે ન હતી. પરિણામે એ બહેનોનો સંપર્ક સહેલાઈથી થઈ શકે એમ ન હતો. જુદી-જુદી વ્યક્તિઓ પાસેથી ફોનનંબર લઈ અમે તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ પ્રોજેક્ટની વાત સાંભળે કે એઇડ્સની વાત સાંભળે, તો ફોન કટ કરી દેતાં. સ્વાભાવિક છે કે તેઓ આમ જ કરે.
આ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે એક ગ્રાહક તરીકે તેઓનો સંપર્ક કરું. એક અઠવાડિયા પછી એક બહેનનો સંપર્ક થયો. એ સમયે હું યુનિવર્સિટીમાં હતો. બહેને પૂછ્યું કે ક્યાં મળીશું અને મને એમ જ સૂઝ્યું અને કહ્યું કે રેડરોઝ રેસ્ટોરન્ટમાં મળીએ. આ રેસ્ટોરન્ટ ગુજરાત યુનિવર્સિટીની નજીક હતી. સાડા બાર વાગે મળવાનું નક્કી થયું અને હું સમયસર પહોંચી ગયો. બહાર ઊભા-ઊભા બીજો કલાક નીકળ્યો. પણ એ બહેન આવી નહીં. હું જો ધીરજ ગુમાવી ત્યાંથી જાઉં તો આ તક ગુમાવું. એ સમયે મોબાઈલફોન પણ ન હતો, એટલે આજની જેમ ઝટ ફોન કરવો શક્ય ન હતો. બે કલાક પછી એ બહેન આવી અને મને સૉરી કહ્યું પણ તે અચંબિત હતી. કારણ કે કોઈ ગ્રાહક આવી રાહ ના જુએ. બનેલું એવું કે એ દિવસે ભારતના રાષ્ટ્રપતિ શહેરની મુલાકાતે આવેલા એટલે ટ્રાફિકજામને કારણે એ બહેન મોડી પડી.
પણ મેં કહ્યું કે સૉરી તો ત્યારે સ્વીકારીશ, જ્યારે તું મારી સાથે કૉફી પીશ. એ તૈયાર થઈ અને અને રેડરોઝમાં કૉફી પીવા બેઠાં. મેં કહ્યું કે હું કોઈ ગ્રાહક નથી, પણ અધ્યાપક છું અને એઇડ્સ નિયંત્રણનું કામ કરીએ છીએ. અમારે તમારી જેવી બહેનો સાથે જાગૃતિનું કામ કરવું છે. પછી તેને પોતાની જીવનકહાની કહી. તે બીએસ.સી.ના બીજા વર્ષમાં ભણતી. ભણવાનું છોડીને પરિવારને આર્થિક મદદ કરવા આ વ્યવસાયમાં આવી. ચર્ચા પછી તેણે અમને ઘણો સહકાર આપ્યો અને એ રીતે કૉલગર્લ બહેનો સાથેના સંવાદ માટેનો આઇસબ્રેક થયો, અને એવો ઘરોબો સ્થાપિત થયો કે પછી કાર્યકરોએ મોટી સંખ્યામાં આ બહેનોને પ્રોજેક્ટમાં સહભાગી બનાવી.
૧૫ : સેક્સવર્કરના ઘરનું વાસ્તુ : જ્યોતિસંઘના પ્રોજેક્ટ PSH(પાર્ટનરશિપ ફોર સેક્સ્યુઅલ હેલ્થ)ના પ્રારંભથી સક્રિય એવી સેક્સવર્કર બહેન મીના(નામ બદલ્યું છે)એ પોતાની આવકમાંથી તેમ જ લોન લઈને ફ્લૅટ ખરીદ્યો. પરંતુ એ તેના પરિવારથી અલગ રહેતી અને તેઓ સાથે કોઈ સંબંધ હતો નહિ. પરિણામે તેને માટે સવાલ ઊભો થયો કે ગૃહપ્રવેશ અર્થાત્ વાસ્તુ કરે તો કોણ આવે ? પરિવાર સિવાય પણ કોઈ મોટું મિત્રવર્તુળ ન હતું. એટલે તેણે અમારી પાસે આવી પ્રેમપૂર્વક નિમંત્રણ આપ્યું કે પ્રોજેક્ટના તમામ કાર્યકરો વસ્તુમાં આવે. એ સિવાય તેના આનંદમાં કોણ ભાગીદાર થશે !
અમદાવાદમાં નવજીવન પ્રેસની નજીક તેના નવા ફ્લેટમાં સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. અમે બધાં જ મળીને પંદરેક કાર્યકરો એ કથામાં હાજર રહ્યાં અને એક ભેટ પણ તેને આપી. કથાના પ્રસાદ અને નાસ્તાનો આનંદ પણ લીધો. મને યાદ છે કે તેની આંખમાં આનંદ અને આત્મનિર્ભર બનવાનાં આંસુ ઊભરાયાં હતાં!
૧૬ : પીડા અને નિઃસહાયતા દેહવ્યાપરનીઃ આજે એક એવી ઘટનાની વાત કરવી છે, જે કલ્પનાતીત છે. ના કોઈ સાહિત્યમાં કે ના કોઈ ફિલ્મમાં પ્રતિબિંબિત થઈ છે, પણ હું તેનો સાક્ષી બન્યો છું, પરિણામે આજે પણ એ પીડા આપે છે.
અમદાવાદમાં એવી સેંકડો સેક્સવર્કર બહેનો છે, જેઓ પરિવારમાં રહે છે અને તેના માટે દેહવ્યાપાર કરે છે. આ કારણે અમે નક્કી કર્યું કે તેઓના પરિવારની પણ મુલાકાત લેવી, જ્યાં પરિવારના સભ્યોને ખબર હોય કે તે બહેન આ વ્યવસાય કરે છે. જેને અને હોમવિઝિટ કહેતા. આવી જ એક મુલાકાત ગોઠવાઈ. બહેને સમય આપ્યો સવારે ૧૦ વાગ્યાનો. પુરાણા અમદાવાદના એક વિસ્તારની શાળાના આઉટહાઉસમાં એ બહેન રહેતી. નામ એનું કનક. એક રૂમના એ ઘરની બહાર હું ઊભો અને બહારથી ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો ’કોણ ?’ ગૌરાંગસર’, મેં જવાબ આપ્યો. મને બહેનો ગૌરાંગસર કહે છે.
થોડી વાર ઊભા રહો, સર. અને હું રાહ જોતો વિચાર કરતો કે એક શાળાના આઉટહાઉસમાં આ બહેન કેવી રીતે રહેતી હશે. થોડી વારમાં બારણું ખૂલ્યું અને કનક સાથે એક પુરુષ પણ બહાર આવ્યો. એ તો ગયો અને કનકે કહ્યું આવો સર. હું અંદર ગયો અને લોખંડની તૂટેલી ખુરશી પર બેઠો. કનકે પાણી આપ્યું. એક નાના રૂમના ઘરમાં પલંગ, વાસણો અને રસોડું બધું ત્યાં જ. પાણી પીતો હતો, ત્યારે એક નાની છોકરી પલંગ નીચેથી બહાર આવી. તેણે સ્કૂલ યુનિફૉર્મ પહેર્યો હતો. મને નવાઈ લાગી એ સમજીને કનકે કહ્યું. મારી દીકરી છે. સાતમા ધોરણમાં ભણે છે. આજે પરીક્ષા છે, એટલે એ પલંગ નીચે વાંચતી હતી.
મેં પૂછ્યું પલંગ નીચે ? હા સર ! પેલો પુરુષ મારો ગ્રાહક હતો. તેની હાજરીમાં દીકરીને પલંગ નીચે મોકલી દઉં છું. સર શું કરું ? ઘરમાં જ ધંધો કરું છું, એટલે રોજ આમ જ કરવું પડે ! મારે દીકરીને ભણાવવી છે, તેને મારા જેવી નથી કરવી સર! હું શું બોલું? ચૂપ અને અચંબિત! આ ઘટના પછી અમે નક્કી કર્યું કે આપણે સેક્સવર્કર બહેનોની દીકરીઓ સાથે પણ જાગૃતિનું કામ શરૂ કરીશું. એ વિશેની વાત ફરી ક્યારેક. પણ અત્યારે તો એ દૃશ્ય મને વારંવાર યાદ અપાવે છે કે પુરુષોની આ દુનિયામાં સ્ત્રીઓએ શું-શું નથી કરવું પડતું આત્મનિર્ભર બનવા !
૧૭ : ઝાડીઓમાં દેહવ્યાપાર : અમદાવાદ સહિત મોટા ભાગના ગુજરાતમાં ’રેડલાઇટ’ વિસ્તાર ના હોવાને કારણે દેહવ્યાપારની મોડસ-ઓપરેન્ડી બદલાતી રહી. અર્થાત્ તેના નવા-નવા રસ્તા ઊભા થયા. તેમાંનો એક ગુજરાતવ્યાપી રસ્તો – એટલે હાઈવેને અડીને આવેલી ઝાડીઓ. ખાસ કરીને બંગાળી સેક્સવર્કર બહેનો ઝાડીઓમાં રહી ધંધો કરતી. કારણ કે તેઓ સ્થરાંતરિત હોવાને કારણે તેમ જ કેટલીક બાંગ્લાદેશથી પણ આવતી હોવાને કારણે તેમ જ ગરીબ હોવાને કારણે ભાડા કે પોતાની જગ્યા ઊભી કરી શકે નહીં. આ કારણે શરૂઆતમાં અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ અને પછી વર્ષ ૨૦૧૦ સુધીમાં તો ગુજરાતમાં અનેક ઠેકાણે ઝાડીઓમાં ધંધો કરતી થઈ.
બે દાયકાપૂર્વે જ્યારે અમદાવાદ આજના જેટલું વિકસેલું ન હતું, ત્યારે શહેર વચ્ચેથી પસાર થતી રેલવે અને ગાંધીનગર જવાના રસ્તે તેમ જ નજીકના હાઈવેને અડીને મોટા વિસ્તારમાં ઝાડીઓ પથરાયેલી હતી. ઉદાહરણ રૂપે જોઈએ તો અમદાવાદમાં જ્યાં સાયન્સસિટી વિસ્તાર છે. ત્યાં રેલવેલાઇનને અડીને આવેલી ઝાડીઓ, જે હવે મકાનો બનતા ખતમ થઈ ગઈ, ત્યાં બહેનો ઝાડીઓ સાફ કરી પાથરણાં પાથરતી. માથોડા ઊંચી ઝાડીઓમાં શું ગતિવિધિ ચાલે છે, એ ગ્રાહકો સિવાય કોઈને ખબર ના પડતી. પીવાના પાણી માટે એક માટલું, ટિફિન, કૉન્ડોમ રાખવાનો ડબ્બો અને જાતીય સંબંધો માટે સાદડીઓ રાખવામાં આવતી.
તેઓને મળવા કાર્યકરો સાથે કે ક્યારેક એકલો જતો ત્યારે એકસાથે ચારપાંચ બહેનો ત્યાં ધંધો કરતી. બપોરના સમયે તો ઝાડીની બહાર અનેક સ્કૂટર પાર્ક થયેલાં હોય જે ગ્રાહકાનાં હોય. વારાફરતી ગ્રાહકો આવતા. ક્યારેક દલાલો પણ ગ્રાહક લઈને આવતા. અમે બહેનો માટે ક્રૅડિટ સોસાયટી બનાવેલી. જેથી તેઓ બચત કરી શકે. તેઓ પાસે આ માટેના પૈસા ઉઘરાવવા ક્યારેક હું જતો. તેઓ પાસે એક પાસબુક રહેતી. જેમાં જમા કરાવેલ પૈસાની નોંધ રહેતી.
એક વાર પ્રોજેક્ટના કાર્યકર સાથે બહેનોની મુલાકાત માટે ગયો અને તેઓના હાલચાલ પૂછતો તેવામાં જ પોલીસે ઝાડીમાં રેડ પાડી. મારી પણ પૂછપરછ થઈ. ગ્રાહકો ત્યાંથી ભાગવા લાગ્યા, તો પોલીસે એકબે ને પકડ્યા. પણ બહેનોને હેરાન ના કરી. આ બહેનો સવારે આવતી. ટિફિન લઈને આવતી. સાંજ સુધી ધંધો કરતી. પછી ભાડાના મકાનમાં પાછી જતી રહેતી. તેઓ વારંવાર રિલીફ રોડની અમારી ઑફિસ પર આવી ન શકે એટલે અમે તેઓને કૉન્ડોમ પહોંચાડતા.
જૂનાગઢમાં એક એન.જી.ઓ. સેક્સવર્કર બહેનો માટે કામ કરતી. તેના મૂલ્યાંકન માટે વર્ષ ૨૦૦૬માં હું ગયેલો, ત્યારે વંથલી નજીકના પુલ નીચેની ઝાડીઓમાં કામ કરતી સેક્સવર્કર બહેનો સાથે લગભગ આખો દિવસ રહેલો. ત્યાં પણ બંગાળી બહેનો હતી. પુલ પરથી નજર કરો, તો દૂર સુધી ઝાડીઓ ફેલાયેલી દેખાય, પણ અંદર જઈએ તો થોડા-થોડા અંતરે અનેક બહેનો અને ગ્રાહકો દેખાય. ગરમી, ઠંડી કે વરસાદ હોય, પણ ખુલ્લામાં સેક્સના સંબંધો એ જ આ બહેનોની જીવાદોરી. ગુજરાતમાં અનેક ઠેકાણે ઝાડીઓમાં ચાલતાં વ્યવસાયસ્થળોની મેં મુલાકાતો લીધી. આવી અનેક જગ્યાઓ હવે ભૂતકાળ બની ગઈ, કારણ કે ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગનો અતિ ઝડપી વિકાસ થયો એમ આ ઝાડીઓ લુપ્ત થવા માંડી અને આ બહેનોએ દેહવ્યાપારના નવા નવા રસ્તા અપનાવવા પડ્યા.
૧૮ : ‘સાવધાન અમદાવાદમાં ચારસો વેશ્યાઓ છે.’ આ શીર્ષક હેઠળની બૉક્સ-આઇટમ ૨૬ ફેબ્રુઆરી, ૧૯૯૯ના દિવસે અમદાવાદના એક ગુજરાતી અખબારમાં પ્રકાશિત થઈ. એ જ દિવસે આ અખબારની નકલ લઈ કેટલીક સેક્સવર્કર બહેનો જ્યોતિ સંઘની ઑફિસમાં આવી. તેઓ ગુસ્સામાં હતી. સ્વાભાવિક છે કે તેઓ ગુસ્સે થાય જ. અમે સૌએ બહેનો સાથે ચર્ચા કરી અને તેઓનો ગુસ્સો ઠંડો થયો.
બનેલું એવું કે આગળ કહી ગયો છું એમ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ અમે શહેરના પોલીસ સબઇન્સ્પેક્ટરની તાલીમશાળાનું આયોજન કર્યું હતું. આ વિશેના સમાચાર અખબારમાં પ્રકાશિત થાય એ માટે એ જ દિવસે સાંજે અમે પ્રેસનોટ તમામ અખબારોને ફેક્સ કરી. તેમાં અમે તાલીમ વિશેની વિગતો દર્શાવી અને છેલ્લી લાઇનમાં મેં લખ્યું કે જ્યોતિ સંઘના પ્રોજેક્ટમાં ૪૦૦ સેક્સવર્કર જોડાઈ છે. બીજા દિવસે ગુજરાતના એક નામાંકિત અખબારે છેલ્લા પાને બૉક્સ કરીને હેડિંગ બનાવ્યું ’સાવધાન અમદાવાદમાં ચારસો વેશ્યાઓ છે’.
એ જ દિવસે મેં અમદાવાદના પત્રકારોને ફોન કરી નિમંત્રણ આપ્યું કે તમારે સેક્સવર્કર બહેનો વિશે કોઈ હ્યુમનસ્ટોરી કરવી હોય, તો જ્યોતિ સંઘ આવો. તેના પ્રતિભાવ રૂપે અમારી ઑફિસમાં પત્રકારોની મુલાકાત સ્વાભાવિક બનતી ચાલી. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશનન વિભાગના વિદ્યાર્થીઓને વર્ગમાં એચ.આઇ.વી. એઇડ્સનાં સામાજિક પાસાંઓ વિશે અને સેક્સવર્કર વિશે ભણાવવાનું શરૂ કર્યું. તેનો હેતુ હતો કે ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ સેક્સવર્કર વિશે જાગૃત અને સંવેદનશીલ બને.
એક દાયકા સુધી અમદાવાદનાં તમામ અખબાર અને ટી.વી. ચૅનલના પત્રકાર-ફોટોગ્રાફર સૌએ સેક્સવર્કરના જીવનનાં, તેઓનાં સંઘર્ષનાં અને એઇડ્સ સામેની લડતનાં અનેક પાસાંઓને ઉજાગર કર્યા. લગભગ પ્રત્યેક અઠવાડિયે એક સ્ટોરી તો અવશ્ય પ્રકાશિત થતી. તેને પરિણામે જનસમાન્ય અને સરકારનો દૃષ્ટિકોણ બદલાયો અને આ બહેનોને સમાજની મુખ્ય ધારામાં સામેલ થવામાં મોટી મદદ મળી.
આજે આ સૌનો આભાર માની લઉં. લાંબી યાદી છે પણ તેમાં સમાવિષ્ટ છે પ્રશાંત દયાળ, ભચેચ, રાજીવ પાઠક, રાધા શર્મા, સોનલ કેલોગ, સુરેશ મિસ્ત્રી, અનુભાઈ, ગૌતમ મહેતા, નિર્ણય કપૂર, અને હા મને અન્ય નામ યાદ કરાવશો, તો આભારી.
(ક્રમશઃ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 13-14
![]()


૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ.
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ છે.
એક યુવાન દલિત મહિલા પર પાશવી સામૂહિક બળાત્કાર થયો, એને એટલી બૂરી રીતે માર મારવામાં આવ્યો કે એને અનેક ફ્રેક્ચર થયાં, લકવો થયો, એનું ગળું દબાવતી વખતે અને પીંખતી વખતે એની જીભ કપાઈ ગઈ. ત્યારબાદ એને ઉત્તર પ્રદેશમાં એના ઘર પાસેના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મૂકી દેવામાં આવી. ભારતના સૌથી મોટા રાજ્યમાં લોહી થીજવી દેનારો ગુનો બન્યો જ્યાં થોડા જ સમય પહેલાં પોતાના કાર્યકાળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને કેવા પુન:સ્થાપિત કર્યા છે, એવી મુખ્ય મંત્રી આદિત્યનાથ બડાઈ મારતા હતા.