આખે આખો બળીને ખાખ થઇ ગયો છું હું અહીં
બાળવા સ્મશાનમાં ક્યાં લઇ જાઓ છો ભલા, તમે મને
સિતમો વેદના વ્યથાનો સીલસીલો ચાલુ રહ્યો જીવનમાં, મારા સતત
દોસ્તો, હવે તો કલમ પણ ટૂંકી પડે છે મારી
કેટકેટલું લખવું મારે હવે ?
હરિયાળી દાસ્તાન અને ઝળહળતો પ્રકાશ દીસે મારી આસપાસ ચોપાસ
પણ, સામે કાંઠે અંધારપટ છવાયો છે પેલા વાસમાં હરહંમેશ નિરંતર
આ ઝળહળતા પ્રકાશને શું કરવો મારે હવે
સુખ તો ચારેકોર છવાયું છે મારા આંગણમાં હવે, ક્રમબદ્ધ અવિરત
એ સુખને શું કરવું મારે, હવે જ્યારે પેલો
માણસ ભૂખ્યો સૂતો છે ફૂટપાથ પર સામે મારી
ક્યારે ઊગશે એમની સવાર એ વિચારે ચગડોળે ચડી જાઉં છું હું
અને આમ જ પૂછી લઉં છું મારી જાતને હવે કે
ક્યાં છે પેલા ગાંધી, માર્કસ અને લેનિન
જેણે સમરસતા સ્થાપવાની વાત કરી હતી
જવાબ આમ જ મળી જાય છે મને એવો કે આ મહાપુરુષો
કેદ છે તેમના પુસ્તકોમાં હરહંમેશ
ઊઠો જાગો સૌ કોઇ હવે પેલા ગાંધી, માર્કસ અને લેનિનને
કાઢો બહાર તેમના પુસ્તકોમાંથી
સમરસતાનાં ઘેર ઘેર વગાડો બ્યુગલ સૌ કોઇ
આગ થઇ ભડકો થાય ત્યાં સુધી
તા. ૩-૨-૨૦૦૯
e.mail : koza7024@gmail.com
![]()


વિષયને સંદર્ભે વાત કરીએ તો દરેક મોટા વિચારકની બાબતમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે એમના વિચારો જે તે દેશ અને કાળની પરિસ્થિતિ જોઇને, સમય સંજોગો અનુસાર તે સમસ્યાઓના ઉકેલ માટે તેમણે રજૂ કર્યા હોય છે. આમ છતાં કેટલાક મહાન તત્ત્વચિંતકો, વિચારકો કે મહાપુરુષોના વિચારો અને ઉપદેશમાં એવાં સર્વકાલીન, સનાતન તત્ત્વો હોય છે જે દેશ પ્રદેશ કે સમયની સીમાઓ અતિક્રમીને સઘળી માનવજાત માટે પથદર્શક બને છે. ગાંધીવિચાર એક આવો વિચાર છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વાવલંબન, સ્વદેશી, સ્વાર્થત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા જેવા અગિયાર ગાંધીવ્રતોમાં વિશ્વની સઘળી સમસ્યાઓનો ઉત્તર પડેલો છે. સ્વાર્થ અને સંકીર્ણતા બાજુ પર મૂકી દેશવાસીઓ ગાંધીના અગિયાર વ્રતોનું પાલન પોતાના જીવનમાં કરે તો મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય. ભારત જેવા વિશાળ દેશમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, અસ્પૃશ્યતા, નકસલવાદ અને આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ છે. જે પૈકીની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ સત્ય અને નૈતિકતાના અભાવમાં પડેલું છે.
ગાંધીજી જગતના મહાન આર્થિક સુધારક છે. તેમણે કદી રાજનીતિ, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. મિલ, માર્શલ કે એડમ સ્મિથ જેવા કોઈ અર્થશાસ્ત્રીને તેમણે વાંચ્યા નહોતા. હા રસ્કિનના અર્થશાસ્ત્રના વિચારોથી તેઓ પ્રભાવિત હતા. ગાંધીજીને મન નીતિ, પ્રામાણિકતા અને સ્વદેશીતા ભારતીય અર્થશાસ્ત્રને માટે પ્રાણરૂપ છે. તેઓ કહે છે કે, ‘મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી, જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિવિરુદ્ધ હોઈ પાપ છે, તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવા સારું અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું.’ (‘નવજીવન’ ૨૧/૧૦/૧૯૨૧)
ગાંધી જેવા મહામાનવને લોકોએ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બનાવી દીધો છે. રાજનીતિનાં ગાંધીમૂલ્યોનો દિનપ્રતિદિન હ્રાસ થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીએ જીવનના દરેક ક્ષેત્રમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. કેવળ સાધ્ય સારું હોય એ પૂરતું નથી, એ સિદ્ધ કરવા તાગતાં સાધનો અથવા પદ્ધતિ પણ એટલાં જ શુદ્ધ અને ઉન્નત હોવાં જોઈએ. આજે સાધનશુદ્ધિની વાતનો તો છેદ ઊડી ગયેલો જણાય છે. રાજનીતિમાં દરેક સાથીને પ્રતિસ્પર્ધી કે શત્રુ સમજવાને બદલે મિત્ર સમજવાનો આગ્રહ ગાંધીજી રાખે છે. આજના ભૌતિકતાવાદી યુગની, શામ, દામ, દંડ, ભેદની રાજનીતિ અને મૂલ્યહ્રાસના સમયમાં રાજનેતાઓ માત્ર પરિણામલક્ષી બની ગયા છે. કટોકટીના આવા કાળમાં ગાંધીજીનો સાધનશુદ્ધિનો વિચાર રાજનીતિના શુદ્ધિકરણ માટે ખૂબ મહત્ત્વનો પુરવાર થાય એમ છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે – 'તમે બીજા પાસેથી જેવા વર્તાવની અપેક્ષા રાખો છો, તેવી જ રીતે બીજાની સાથે તમે વર્તો'. વિવિધ સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા છાશવારે થતા આંદોલનો, એમાં થતી હિંસા અને હુલ્લડોને 'ગાંધી ચિંધ્યા માર્ગ'નું નામ આપી આપણે ગાંધીને અપમાનિત કરી રહ્યા છીએ.



