જેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપી શકાય એવા બે મહાનુભાવો વીસમી સદીમાં આપણને મળ્યા: એક, કાકાસાહેબ કાલેલકર અને બીજા, ફાધર વાલેસ. બંનેએ કવિતા, નવલકથા, નાટક જેવાં સર્જનાત્મક સ્વરૂપોમાં કશું જ નથી લખ્યું. અને છતાં બંને મોટા ગજાના લેખક, પણ માત્ર લેખક નહિ. બંને અઠંગ કર્મઠ. કાકાસાહેબને ગાંધીવિચારની ઓથ. પણ તેમાં બંધાઈ ન રહ્યા. ફાધર વાલેસને ખ્રિસ્તી ધર્મભાવાનાની આણ, પણ તેઓ તેની આણમાં રહીને પણ તેની સીમાની બહાર વિસ્તરતા રહ્યા. અને છતાં બન્નેએ પોતાનાં મૂળ સાબૂત રાખ્યાં.
આખું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ૧૯૨૫ના નવેમ્બરની ચોથી તારીખે સ્પેન દેશના લોગરોના શહેરમાં જન્મ. એટલે થોડા દિવસ પહેલાં જ ૯૫મો જન્મ દિવસ ગયો. અને ૮મી નવેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાતના બે વાગ્યે સ્વદેશમાં જ અવસાન થયું. પિતા જાણીતા એન્જિનિયર. દસ વરસની ઉંમરે પિતા ગુમાવ્યા. તે પછી છ મહિનામાં સ્પેનમાં આંતર વિગ્રહ ફાટી નીકળતાં માતા અને ભાઈની સાથે હિજરત કરી એક ચર્ચમાં આશરો લીધો અને તેની સ્કૂલમાં ભણ્યા. ૧૫ વરસની ઉંમરે સર્વન્ટ્સ ઓફ જિસસ સોસાયટીમાં જોડાઈ જેસુઈટ નોવટેટ, એટલે કે ખ્રિસ્તી ધર્મના સેવક બન્યા. પૂર્વના કોઈ દેશમાં જઈને કામ કરવાની ઈચ્છા ધાર્મિક વડાઓ સમક્ષ રજૂ કરી. એટલે તેમને ૨૪ વરસની ઉંમરે ભારત મોકલવામાં આવ્યા. એ વખતે એ સંસ્થા અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હતી. એટલે તેમને અમદાવાદ મોકલવાનું નક્કી થયું. અને ફાધરે ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે પહેલી વાર અમદાવાદમાં પગ મૂક્યો. તે દિવસે જ નવા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને તે દિવસે જ ફાધર વાલેસના જીવનના એક નવા પ્રકરણની પણ શરૂઆત થઈ.
ક્યાં સ્પેનનું માદરે વતન અને ક્યાં અમદાવાદ! ગુજરાતી રહેણીકરણી, ખાનપાન, રીતરિવાજોથી સાવ અપરિચિત. ૨૪ વરસનો એ નવયુવાન પહેલાં તો વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીમાં ચાર વરસ રહી ગુજરાતી શીખ્યો. પછી ફાધર ખ્રિસ્તી ધર્મના શિક્ષણ માટે ચાર વરસ પૂણે રહ્યા ત્યારે રોજના બે કલાક ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. રોજ લખે, અને લખીને કચરાની ટોપલીમાં જાતે જ પધરાવી દે! આ બધું ભણવાનું પૂરું થતાં ૧૯૫૮ના એપ્રિલની ૨૪મી તારીખે સત્તાવાર રીતે ‘ધર્મગુરુ’ (પ્રિસ્ટ) બન્યા. ૧૯૬૦માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું શરૂ કર્યું તેની સાથોસાથ ગુજરાતના લોકો, જીવન, સંસ્કૃતિ, વગેરેને ઓળખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલીઓ તો આવી. નવી શરૂ થયેલી કોલેજ, અને તે પણ એક ખ્રિસ્તી સંપ્રદાયે શરૂ કરેલી. એ વખતે ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ-સંસ્થાઓ અને તેના પાદરીઓ સામે શંકાભરી નજરે જોતા. પણ પોતાની સાચકલાઈ અને નિષ્ઠાથી ફાધર વાલેસ અવરોધોને ઓળંગતા ગયા. વિદેશી ભાષાના ઉચ્ચારોની છાંટવાળું ગુજરાતી બોલતા થયા, એટલું જ નહિ, ગુજરાતીમાં નાના નાના લેખો લખવા લાગ્યા. એવા લેખોનું પહેલું પુસ્તક તૈયાર થયું તેને નામ આપ્યું ‘સદાચાર.’ એક પ્રકાશક પાસે હસ્તપ્રત લઈને ગયા, પણ નામ જોઈને જ તેમણે મોઢું મચકોડ્યું: ‘સદાચાર’ જેવા શુષ્ક, સીધાસાદા નામવાળું પુસ્તક કોઈ ખરીદે શા માટે? અને તેમણે ફાધરની નજર સામે હસ્તપ્રત જમીન પર ફેંકી દીધી અને કહ્યું : ‘આવું પુસ્તક કોઈ વાંચે જ શા માટે? અને તે પણ પાછું એક ખ્રિસ્તી પાદરીએ લખેલું!’ એટલે વતનથી માતા પાસે પૈસા મગાવી પોતાને ખર્ચે ૧૯૬૦માં એ પુસ્તક છપાવ્યું. વેચ્યા કરતાં વહેચ્યું વધુ. પણ લોકોને, ખાસ કરીને યુવાનોને, પુસ્તક ગમી ગયું. પછી તો ત્રણ ભાષામાં તેની કુલ વીસ આવૃત્તિ પ્રગટ થઈ. ત્રણે ભાષામાં મૂળ નામ જ કાયમ રાખેલું, ‘સદાચાર.’
પછી અમદાવાદથી પ્રગટ થતા ‘કુમાર’ માસિકમાં લેખો લખવાનું શરૂ કર્યું. વરસને અંતે આ લેખો માટે ‘કુમાર ચંદ્રક’ એનાયત થયો. પછી અમદાવાદના એક અખબારની રવિવારની પૂર્તિમાં ‘નવી પેઢીને’ નામની કોલમ લખવાનું શરૂ કર્યું અને ફાધરની વાતો ઘર ઘરના લોકો – ખાસ કરીને યુવાનો – સુધી પહોંચી. હવે પ્રકાશકો ફાધર વાલેસનાં પુસ્તકો છાપવા પડાપડી કરવા લાગ્યા. પણ ફાધરે તેમાંથી એક જ પ્રકાશકને પસંદ કર્યા, અને છેલ્લી ઘડી સુધી ગુજરાતી પુસ્તકોના પ્રકાશન માટે તેઓ એ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને જ વળગી રહ્યા. તેમનાં ગુજરાતી પુસ્તકોની સંખ્યા ૭૦ કરતાં વધુ થવા જાય છે. ગુજરાત સરકારનાં ઇનામો ઉપરાંત ૧૯૭૮માં ફાધર વાલેસને રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો.
કોલેજમાં ગુજરાતીમાં ગણિત ભણાવતા હતા, ગુજરાતી છાપામાં કોલમ લખતા હતા, ગુજરાતી પુસ્તકો ધૂમ વેચાતાં હતાં. છતાં ફાધરને લાગ્યું કે પોતે ગુજરાતી લોકો સાથે હજી સમરસ થયા નથી. કોલેજની ખ્રિસ્તી પાદરી-અધ્યાપકો માટેની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં ઘણે અંશે પશ્ચિમી વાતાવરણ, રહેણીકરણી, ખાનપાનની સગવડ હતી. તેમાં ગુજરાતીપણું ઓછું. એટલે તેમણે ૧૯૭૩માં હોસ્ટેલ છોડીને અમદાવાદની પોળોમાં ‘વિહાર-યાત્રા’ શરૂ કરી. એક બગલ થેલામાં બે જોડ કપડાં અને બીજી થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ ભરીને સાઈકલ પર નીકળી પડે. કોઈ સાવ અજાણ્યા ઘરનું બારણું ખખડાવે. ‘થોડા દિવસ તમારે ત્યાં રહેવા દેશો?’ હા સાંભળવા મળે તો ત્યાં જ અઠે દ્વારકા, અઠવાડિયા માટે. પોતાનાં બધાં કામ તો જાતે કરે જ પણ ઘરનાં કામોમાં પણ મદદ કરે. કુટુંબનાં સૌ નાનાં-મોટાં સાથે ઘરનાની જેમ જ વર્તે. રડતા બાળકને હિંચકા પણ નાખે. પણ માગ્યા વિના સલાહ ન જ આપે. આમ, હોસ્ટેલની પ્રમાણમાં સુખ-સગવડવાળી જિંદગી છોડી, અને અમદાવાદના મધ્યમ વર્ગના લોકો વચ્ચે જઈને વસ્યા અને તેમના થઈને રહ્યા. હવે માત્ર ગુજરાતી ભાષા જ નહિ, ગુજરાતી રહેણીકરણી, ખાનપાન કુટુંબ જીવનને પણ પોતીકાં કર્યાં. પૂરાં દસ વરસ તેમણે આ રીતે લોકો સાથે રહીને ગાળ્યાં. એ અનુભવોનાં પણ ત્રણ પુસ્તક લખ્યાં. વખત જતાં પ્રકાશકોની માગણીથી ફાધર વાલેસે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં પણ પુસ્તકો લખ્યાં, જેને પણ મોટો વાચક વર્ગ મળ્યો.
પણ કહ્યું છે ને કે જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાં પણ અદકેરી! વતનમાં માતા વૃદ્ધ થયાં હતાં. ઘડપણની આધિ, વ્યાધિ, ઉપાધિઓથી ઘેરાવા લાગ્યાં હતાં. ૯૦ વરસની ઉંમરે માતાએ ફાધર વાલેસને લખ્યું કે દીકરા, હવે ઘડપણમાં મને તારી જરૂર છે, તો ઘરડી માતાની લાકડી થવા પાછો આવી જા. અને પોતાની સંસ્થાના અધિકારીઓની મંજૂરી લઈને ફાધર વાલેસે પ્રિય થઈ પડેલું ગુજરાત છોડ્યું, સ્પેનના માદ્રિદ શહેરમાં રહેતાં મા પાસે પહોંચી ગયા અને ૧૦૧ વરસની ઉંમરે માતાનું અવસાન થયું ત્યાં સુધી તેમને હૂંફ આપી, કાળજી રાખી, સેવા કરી. માતાના અવસાન પછી કેટલીક વાર ગુજરાત આવ્યા ખરા, પણ થોડા થોડા વખતની મુલાકાતે. લખતા પણ રહ્યા. પણ ધીમે ધીમે ગુજરાતીને બદલે અંગ્રેજીમાં અને માતૃભાષા સ્પેનિશમાં વધુ લખતા થયા.
સવાઈ ગુજરાતી ફાધર વાલેસે પોતાનું એક અંગ્રેજી પુસ્તક ‘નાઈન નાઈટ્સ ઇન ઇન્ડિયા’ કાકાસાહેબ કાલેલકરને અર્પણ કર્યું છે. એક વખત આ બંને મહાનુભાવો કવિ ઉમાશંકર જોશીના અમદાવાદના ઘરે અકસ્માત મળ્યા. ત્યારે કાકાસાહેબે ફાધર વાલેસને કહ્યું કે લોકો મને અને તમને, બંનેને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખે છે. પણ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, ગુજરાતીની ભગિનીભાષા. જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કશો સંબંધ નહિ. અને છતાં તમે ગુજરાતી ભાષાને આત્મસાત કરી અને તેનું ગૌરવ વધાર્યું.
એક વખત ફાધર વાલેસે લખ્યું હતું: ‘લાંબુ જીવવાનો મને મોહ નથી. મરવું તો ગમતું નથી. કારણ કે જીવનમાં મને મઝા આવે છે. પણ ઊપડવાની આજ્ઞા આવે ત્યારે ફરિયાદ નહિ કરું. પૂરું જીવન જીવ્યો. સાચો આનંદ માણ્યો. હવે આગળ બીજો કોઈ ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા તૈયાર. ચાલો, આગળ જઈએ.’
આજે જ્યારે ફાધર વાલેસ બીજો ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા રવાના થયા છે ત્યારે એટલી જ પ્રાર્થના કરીએ : ‘મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો.’
xxx xxx xxx
e.mail : kalchakraniferie@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 નવેમ્બર 2020
![]()


દિવાળી પછી કોલેજો શરૂ કરવાનો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) આપ્યો છે. 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોલેજો શરૂ કરવાની વાત છે. આમ તો આ ફતવો છે. 50 ટકા વિદ્યાર્થીઓ એટલે કયા ને કેવા વિદ્યાર્થીઓ એ અંગે સ્પષ્ટતા નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાંની વાત એમાં છે તે નક્કી છે. એ હિસાબે એક બેંચ પર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર એટલું અભિપ્રેત છે. 6 ફૂટનું અંતર જાળવવા તો પાછલી બેંચને પણ ખાલી છોડવી પડે. આ ઉપરાંત સ્કેનિંગ, ટેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક વગેરેની તકેદારી પણ રાખવાની રહે. આ પાછું એક દિવસનું કામ નથી, રોજની સાવચેતી રાખવાની રહે જ છે. ક્લાસમાં તો નહીં જ, કોલેજ પરિસરમાં પણ વિદ્યાર્થીઓ ટોળે ન વળે એ પણ જોવાનું રહે. આદર્શ તરીકે આ સારું જણાય, પણ તે વ્યવહારુ કેટલું તે વિચારવાનું રહે. જાહેરમાં પણ કેટલું પળાય છે તે સૌ જાણે છે. રોગનું જોર નરમ પડે એવું હોય ત્યારે એક પણ પગલું એવું ન ભરાવું જોઈએ જે જોખમ વધારે.