
courtesy : "The Indian Express", 13 March 2021
![]()

courtesy : "The Indian Express", 13 March 2021
![]()
આદરણીય વડાપ્રધાનશ્રી,
નમસ્કાર.
તમારી કુશળતા અને સ્વસ્થતા અંગે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.
ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે લોકોના પ્રશ્નો સંદર્ભે તમે સામેથી ફોન કરતા ને એ સંદર્ભે મને ફોન કરીને તમે પૂછેલું તો મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી, એ શરૂ કરવા વિનંતી કરેલી. તમે વિગતો સાથે મને રજૂઆત કરવા જણાવેલું. મેં તેમ કરેલું. એ પછી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતના સાહિત્યકારો સાથે તમને રૂબરૂ મળવાનું થયેલું, ત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી એ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતનો સંદર્ભ આપેલો અને એ યાદ છે એવું તમે જણાવેલું. પછી તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ શરૂ થયો પણ ખરો ને અત્યારે સક્રિય પણ છે, એનો યશ હું અંગત અને જાહેર રીતે તમને આપી કૃતજ્ઞતાની લાગણી ફરી એકવાર પ્રગટ કરું છું.
તે પછી તો તમે વડા પ્રધાન થયા એટલે હવે સામેથી ફોન કરીને સમસ્યા નહીં જાણી શકતા હો તે સમજી શકું છું. અંગત રીતે વળી એક વખત પ્રધાન મંત્રી કાર્યાલય પર ફોન કરી સંપર્ક કરવા પ્રયત્ન કરેલો, પણ તમારા સુધી ન પહોંચી શકેલો. આજે કેટલીક વાત કરવા જાહેર પત્ર લખી રહ્યો છું, તેમાં હેતુ કેવળ મારી મૂંઝવણ રજૂ કરવાનો ને માર્ગદર્શન મેળવવાનો છે. કૃપા કરીને એટલું જરૂર નોંધશો કે અહીંની રજૂઆતમાં તમારી કે કોઈની પણ ટીકા કરવાનો મારો લેશ માત્ર પણ આશય નથી.
તમે કોરોનાની રસી સંદર્ભે ભારતને જે રીતે વૈશ્વિક ઊંચાઈ આપી છે તે માટે હું અંગત અને જાહેર રીતે અભિનંદન આપું છું અને આખા દેશ વતી તમારો આભાર માનું છું, તે સાથે જ પાલિકા અને પંચાયતની ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં જે અરાજકતા વ્યાપી તેણે આખા રાજ્યને કોરોનાના જ્વાળામુખી પર મૂકી આપ્યું છે, વળી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ને એને કારણે બંગાળ અને અન્ય રાજ્યોમાં જે ગરમાટો વર્તાઈ રહ્યો છે તેનાથી જે તે રાજ્યો પર કોરોનાની તવાઈ આવે એમ છે, એનાથી પણ તમે અજાણ નહીં જ હો એમ માનું છું. ગુજરાતમાંથી કોરોના જવા પર હતો, પણ ચૂંટણી સભાઓ અને પ્રચાર ને પરિણામની જે ભીડ રાજયમાં જામી એણે ગુજરાતની હાલત કફોડી કરી છે. એમાં સુરતની સ્થિતિ વધુ ખરાબ છે, કારણ એમાં યુનાઇટેડ કિંગ્ડમ અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના વધુ જોખમી કેસો ઉમેરાયા છે ને 40 ટકા કેસો ટ્રાવેલ હિસ્ટ્રીને કારણે પણ વધ્યા છે. કોલેજો ને સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ નીકળતાં સંબંધિત સ્કૂલ, કોલેજો બંધ કરાવાઈ રહ્યાંનું પણ મીડિયા બોલે છે.
બીજી તરફ આજથી ધોરણ 3થી 8ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. અંદાજે 50 લાખ બાળકો આ પરીક્ષા આપવાના છે. ગુજરાત સરકારે ભણાવ્યું કે કેમ તે તો એ જાણે, પણ તેણે પરીક્ષાઓ લેવાની વીરતા બતાવવામાં જરા પણ કચાશ રાખી નથી તે નોંધવું ઘટે. ખરેખર તો આટલી મોટી સંખ્યામાં નાની ઉંમરનાં બાળકો પર, અત્યારના સંજોગોમાં પરીક્ષાનું ભારણ લાદવા જેવું નથી. આ પરીક્ષાઓ સરસ રીતે થઈ જ શકી હોત, પણ ચૂંટણીએ વાતાવરણ બગાડ્યું ને તે બગડી જ રહ્યું છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ થવા બાબતે પણ ચિંતા રહે છે, એ જ સ્થિતિ કોલેજની પરીક્ષાઓની પણ હોઈ શકે છે. વારુ, જે પરીક્ષાઓ ઘરેથી લેવાવાની છે, એમાં બાળકોને બધાં પેપર્સ એક સાથે પહોંચતાં કરવાની વાત પણ પરિપત્રમાં કહેવાઈ છે. સાધારણ રીતે વર્ગખંડોમાં એક વિષયની પરીક્ષા, ચોક્કસ સમય મર્યાદામાં કોરોના પહેલાં લેવાતી રહી છે, એ વાત હવે બદલાઈ છે ને વિદ્યાર્થીઓને એક સાથે બધાં પ્રશ્નપત્રો આપીને દિવસો પછી એની ઉત્તરવહીઓ પરત મેળવવાની વાત છે. આમાં પરીક્ષાનો મૂળ હેતુ જળવાતો હોય એવું લાગતું નથી, કારણ બાળક કોઈ પણ દેખરેખ વગર કહેવાતી પરીક્ષા આપે એવી પૂરી શક્યતાઓ છે જ, વળી જ્યાં પ્રત્યક્ષ પરીક્ષાઓ સ્કૂલોમાં લેવાવાની છે, ત્યાં કોરોનાના આટલા વકરાટ પછી સમૂહમાં બધાંને ભેગા કરવાનું હિતાવહ ખરું?
આ ઉપરાંત લગ્નો ને મેળાવડાઓને કારણે પણ સંક્રમણ વધ્યું ને દોષનો ટોપલો લોકોને માથે આવ્યો. લોકો જવાબદાર ખરા જ, પણ ચૂંટણી જરા પણ નિર્દોષ નથી એવું હું નમ્રપણે માનું છું. ગમ્મત તો એ કે કોરોના વકર્યો તેને માટે હાઈકોર્ટે પણ લોકોને જ જવાબદાર ઠેરવ્યા ને એવું ચલાવ્યું કે લોકો નહીં સુધરે તો લોકડાઉન ગુજરાતમાં ફરી આવી શકે એમ છે. પણ, ચૂંટણી બાબતે સૌએ મૌન એવી રીતે સેવ્યું, કેમ જાણે ચૂંટણી થઈ જ ન હતી !
ઠીક છે, જે જવાબદાર હોય તે ખરું, પણ સ્થિતિ પર કાબૂ મેળવવાની ગુજરાત સરકારની ઇચ્છા હજી પણ જણાતી નથી તે ચિંત્ય છે. શોપિંગ મોલ્સ, સ્કૂલો, હોટેલો, કોલેજો જેવું બંધ કરાવવાનું શરૂ થયું છે, પણ મોટેરા સ્ટેડિયમ પર રમાતી T20 મેચમાં હજારો પ્રેક્ષકોને રોકવાનું શક્ય બનતું નથી તે દુ:ખદ છે. એક તબક્કે તો 1.32 લાખની કેપેસિટીવાળું આખું સ્ટેડિયમ ભરવાની વાત હતી, પણ પછી 50 ટકા સીટો ભરવા પર વાત આવી. આ પણ અટકવું જોઈએ. 50 ટકા પ્રેક્ષકો ભેગા કરીએ તો પણ 66 હજાર લોકો તો ભેગા થાય જ, એની સાથે અન્ય ચીજ વસ્તુઓનાં ખરીદ-વેચાણની ભીડ વધે તે નફામાં. ટૂંકમાં, 70 હજારથી વધુ લોકો તો પાકા ગણી જ લેવાના. છેલ્લા સમાચાર એવા છે કે ઓફલાઇન ટિકિટો લેવા માટે સ્ટેડિયમની બહાર લોકોની લાંબી કતારો લાગી ને કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ઊડયા, એટલું જ નહીં, પોલીસે દંડાવાળી કરવી પડી. આમાં સંક્રમણ ન વધે તો જ આશ્ચર્ય !
આ વિશાળ સ્ટેડિયમમાં પ્રવેશનારા દર્શકો માત્ર અમદાવાદના જ નહીં હોય, તે દેશ-વિદેશથી આવનારા પણ હશે, એમાં કોઈ વિદેશી સ્ટ્રેન સાથે આવ્યું તો શી હાલત થાય તે કહેવાની જરૂર છે? ટૂંકમાં, આ 100 ટકા જોખમી ધંધો છે ને એ તાત્કાલિક અસરથી અટકાવવા જેવો છે. એની સામે પુણેમાં રમાનારી મેચો સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપ્યા વગર રમાવાની છે. આનો શો અર્થ કરવો? પુણેમાં જોખમ છે ને અમદાવાદમાં નથી, એમ? આ બરાબર છે? કમસેકમ અમદાવાદ સાથે ઓરમાયું વર્તન ન થાય એ જોવાવું જોઈએ. મેચ તો 66 હજાર પ્રેક્ષકો સાથે મોટેરામાં રમાઈ પણ છે, પણ સ્થિતિ જ્યારે વણસી રહી છે ત્યારે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બોલાવવાનો આ જોખમી ખેલ બંધ કરવા જેવો છે એવું નથી લાગતું?
વાત સુરત કે ગુજરાત પૂરતી જ નથી, મહારાષ્ટ્રમાં થાણે, નાગપુર, અકોલા જેવામાં લોકડાઉન લાગુ થયું છે. પુણે, પંજાબમાં સ્કૂલો બંધ કરવી પડી છે, પંજાબના 8 શહેરોમાં રાત્રિ કરફ્યુ લદાયો છે. આ બધું તંત્રો જાણે છે, છતાં ગુજરાતની સ્થિતિ વધુ વણસે એને માટે મહેનત કરી રહ્યાં હોય એવું લાગે છે. વધુ ભીડ ન થાય એટલે શોપિંગ મોલ્સ બંધ કરાવાય અને મેચ જોવા એક સાથે 66 હજારથી વધુની ભીડ થવા દેવાય એમાં ઔચિત્ય છે?
હું માનું છું કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારતનો મહામૂલો અવસર છે. એની ઉજવણીનો પ્રારંભ દાંડીકૂચને યાદ કરીને, સાબરમતીને તીરેથી તમારે હાથે થાય એમાં પૂરું ઔચિત્ય છે, પણ સાહેબ, ગુજરાતમાં જ સાતસોથી વધુ કેસ નોંધાયા હોય ત્યારે આ આખા ઉપક્રમ અંગે ફેરવિચારણા થવી જોઈએ એમ મને અંગત રીતે લાગે છે. એ સાથે તમે આત્મનિર્ભર ભારતનો આરંભ થયાની વાત પણ કરી. આ આત્મનિર્ભરની વાત અન્ન સ્વાવલંબન સંદર્ભે હું અભિમાનથી સ્વીકારું છું, પણ તમારો મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ મને સમજાતો નથી. અંગ્રેજો વ્યાપાર કરવા ભારત આવ્યા ને અહીં કારકૂનો પાસેથી કામ કઢાવીને બધું ઈંગ્લેન્ડ ભેગું કર્યું. હવે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ અને કંપનીઓને નિમંત્રીને અહીં ઉત્પાદનો વધારવાથી ક્વોલિટીનો લાભ દેશને જરૂર મળે, પણ જે કમાણી થાય તે તો દેશની બહાર જ જાય કે બીજું કૈં? અહીં વિદેશી કંપનીઓ દ્વારા કર્મચારીઓને નોકરી મળે અને પગાર અપાય એ ખરું, પણ નફો વિદેશમાં જમા થાય એવું નહીં? હું ખોટો હોઈ શકું છું, પણ મારી મૂંઝવણ ખોટી નથી. દાંડીયાત્રાને યાદ કરતાં તમે કહ્યું કે નમક પર વેરો નાખ્યો એની સામે ગાંધીજીએ અવાજ ઉઠાવ્યો, ત્યારે હસવું એ વાતે આવ્યું કે ઓઇલ પર ઢગલો વેરા નાખવા છતાં આ પ્રજા શાંતિથી વેઠે છે. ખરેખર તો આ પ્રજાની ચિંતા કરવી જોઈએ, સાહેબ !
તમે ગરીબો માટે ઘણી યોજનાઓ કરી છે ને એમની જરૂરિયાતો પણ એથી પૂરી થતી હશે, અમીરોને તમે હજાર રૂપિયે લિટર પેટ્રોલ વેચશો તો પણ વાંધો નહીં આવે, પણ નીચલા મધ્યમવર્ગની દયા ખાવા જેવી છે. એને તો પેટ્રોલ, ગેસ, ખાવાનું તેલ, રેલવે ટિકિટો, એ બધાંથી એક સાથે જ બળવા-ઝળવાનું આવ્યું છે. એની હાલત એવી છે કે એ ભીખ માંગી નથી શકતો ને પેટ પણ ઠારી નથી શકતો. એ કૈં તમને સમજાવવાનું હોય નહીં, તમે એ દિવસો જોયા છે …
સુજ્ઞેષુ કિં બહુના?
રવીન્દ્ર પારેખનાં વંદન …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 માર્ચ 2021
![]()
ડાર્વિને જે બે ભાગમાં જે પુસ્તક લખ્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ [The Descent of Man, and Selection in Relation to Sex] તેની પર ફરી નજર કરવાનો વખત આવ્યો છે. ડાર્વિનનું આ કામ 24 ફેબ્રુઆરીના 1871માં પ્રકાશિત થયું હતું. આ એ જ પુસ્તક છે જેમાં ડાર્વિને એ દાવો કર્યો હતો કે માણસ જાતના પૂર્વજ વાંદરા હતા
ગુજરાત બોર્ડની સ્કૂલ્ઝમાં આઠમા કે નવમા ધોરણના વિજ્ઞાનના પુસ્તકમાં આપણે ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણીએ છીએ. અનુકૂલન જેવા શબ્દો આપણે સમજીએ છીએ અને અંગ્રેજીમાં ‘સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ’નો કોન્સેપ્ટ પણ આપણને માત્ર વૈજ્ઞાનિક નહીં પણ ફિલોસોફિકલ દ્રષ્ટિએ પણ સમજાય છે. વાઇરસ અને વેક્સિનની ચોપાટ ચાલે છે, માસ્ક અને દંડનો ખેલ ચાલે છે, તેની વચ્ચે ચાર્લ્સ ડાર્વિનની વાત શા માટે?
આપણે એક પ્રજાતિ તરીકે વિકસ્યા છીએ, વિસ્તર્યા છીએ અને હવે દોઢ સદી પછી ડાર્વિને જે બે ભાગમાં જે પુસ્તક લખ્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ તેની પર ફરી નજર કરવાનો વખત આવ્યો છે. ડાર્વિનનું આ કામ 24 ફેબ્રુઆરીના 1871માં પ્રકાશિત થયું હતું. આ એ જ પુસ્તક છે જેમાં ડાર્વિને એ દાવો કર્યો હતો કે માણસ જાતના પૂર્વજ વાંદરા હતા. આ પુસ્તકમાં કરાયેલા તેના અમુક દાવા ક્રાંતિકારી હતા અને અમુક દાવા જૂના વિક્ટોરિયન વિચારધારા ધરાવનારા અને જેન્ડર સ્ટિરિયોટાઇપ કરનારા હતા. વળી આ પુસ્તકમાં ડાર્વિને કરેલા દાવાઓને પડકારતું અથવા તો તેની વિસ્તરતી સમજ આપતું અને તેની સમીક્ષા કરતું લખાણ પણ થયું છે. માણસ જાતની ઉત્ક્રાંતિ આજે પણ ચર્ચાનો વિષય છે અને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી એ રહેવાનો પણ છે.
આમ તો ડાર્વિને આ પુસ્તક પહેલાં ‘ઓન ધી ઓરિજીન ઑફ સ્પિસિઝ’ લખ્યું. આ પુસ્તક 1859માં લખાયું હતું જેમાં એક નવી જ વૈજ્ઞાનિક થિયરી આપવામાં આવી. આ પુસ્તક વધારે પ્રચલિત રહ્યું પણ તેના પછી 1871માં લખાયેલું પુસ્તક પણ એટલું જ મહત્ત્વનું છે અને માટે જ તેની વાત કરવી જરૂરી છે.
ડાર્વિનના કહ્યા મુજબ સજીવો પેઢી દર પેઢી ઉત્ક્રાંતિ પામે છે અને તે એક નેચરલ સિલેક્શન, કુદરતી પસંદગીની પ્રોસેસથી થતી ઘટના છે. છતાં ય માણસ જાતની ઉત્ક્રાંતિને ડાર્વિને આ પુસ્તકના સત્તર વર્ષ પછી જે કામ પ્રકાશિત કર્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’, તેમાં વધુ સ્પષ્ટતાથી વાત કરી. જો કે આ પુસ્તકમાં ડાર્વિને જે પણ વાત કરી છે તે તમામ આજે પણ વૈજ્ઞાનિક વર્તુળોમાં ચર્ચાનો વિષય હોય જ છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોના સમૂહે ડાર્વિનની કઇ થિયરી આજે પણ પ્રાસંગિક છે અને કઇ થિયરીને પડકારી શકાય તે અંગે ફરી ચર્ચા માંડી.
ડાર્વિને આ પુસ્તકમાં સેક્સ્યુઅલ સિલેક્શનની વાત કરી હતી. ડાર્વિનના કહ્યા અનુસાર મોટા ભાગની પ્રજાતિઓમાં નર જાતિ અન્ય નર સાથે બાથ ભીડીને, લડાઇ કરીને માદાની નજીક પહોંચે છે અને અમુક પ્રજાતિની માદા પણ મોટા અને સૌથી આકર્ષક નર તરફ જ ખેંચાય છે. નરની લડાઇની થિયરી આખલાના શિંગડા હોવા પાછળ અને સાબરના શિંગડા પાછળનું લૉજિક છે. મોરની કલગી તેના મોટાં પીછાં જોઇને જ ઢેલ તેની તરફ આકર્ષાતી હોય છે, મોરનાં પીછાં અને કલગીનો વિકાસ આ મેટિંગ, પ્રજનનના હેતુને પાર પાડવા જ વિકસ્યા. આ જ થિયરીને માણસ જાત પર લાગુ કરીને ડાર્વિનનું કહેવું છે કે નરે પોતાની બળુકી શારીરિક શક્તિથી માદા પાસેથી પસંદગીની સત્તા છીનવી લીધી. પુરુષ બીજા પુરુષ સાથે સંઘર્ષમાં ઊતરી પોતાના સાથીદારને પસંદ કરે છે અને સ્ત્રીઓ સમયાંતરે નાજુક, જતન કરનારી અને દેખાવ અંગે વધુ સજાગ થઇ જેથી તેમને બહેતર સાથીદાર મળે. સેક્સ્યુઅલ સિલેક્શનની થિયરી સાહજિક રીતે જ વિક્ટોરિયન જેન્ડર રોલ્સને આધારે વિકસી કારણ કે ડાર્વિન એ જ સમાજનો હિસ્સો હતા. સેક્સ્યુઅલ સિલેક્શનને આધારે જ ડાર્વિને અલગ અલગ માનવ જાતિઓ કેવી રીતે વિકસી તેની વાત કરી છે. ડાર્વિન માનતા કે અલગ અલગ જાતિઓમાં લોકોની ત્વચા રંગ અલગ હોય છે કારણ કે તે પણ એસ્થેટિક એટલે કે સુંદરતાની પસંદગનું પરિણામ છે. જેમ આ જાતિઓનો વિકાસ થયો તેનું આગામી ઘડતર વારસાગત રીતરિવાજો અને સામાજિક વહેવારને આધારે થયું.
રેશિયલ હાઇરાર્કીની (આફ્રિકન, અમેરિકન, ચાઇનિઝ, ભારતીય – આ તમામ અલગ અલગ રેસિઝ છે, માનવ જાતિઓને જુદી જુદી પ્રજાતિઓ છે) વાત કરતી વખતે ડાર્વિન માનતા કે સ્થાનિક કે લોકલ લોકો માણસજાતના વિકાસના શરૂઆતી તબક્કાનું પ્રતીક હતા. ડાર્વિને તેમની વાતનો સાર આપતા એમ પણ લખ્યું હતું કે માણસોમાં રહેલી કેટલીક ઉમદા લાક્ષણિકતાઓ મહાન પ્રજાતિના વાંદરાઓમાંથી આવી હતી અને તે શરૂઆતી તબ્બકાની માણસ જાતિમાં જોવા નહોતી મળી પણ પછીથી વિકસી હતી. ડાર્વિને આ પુસ્તકમાં એમ પણ ટાંક્યું હતું કે માણસ અને સસ્તન પ્રાણીઓની નૈતિકતા અને માનસિક પ્રકૃતિમાં કોઇ મૂળભૂત ફેર જ નથી. તેમના મતે નૈતિક સજાગતા માત્ર માણસોમાં જ નથી હોતી અને દરેક જીવ આગવી રીતે પોતાના નૈતિક ધોરણો નક્કી કરતાં હોય છે. ડાર્વિનની નૈતિકતાની સમીક્ષાનો ભારે વિરોધ થયો હતો અને ડાર્વિનની સરખાણી વાંદરા સાથે પણ કરવામાં આવતી.
ડાર્વિનના પુસ્તકનું એનાલિસીસ કરતું પુસ્તક ‘અ મોસ્ટ ઇન્ટ્રેસ્ટિંગ પ્રોબ્લેમ’ જે સંશોધકોએ લખ્યું છે તેઓ જે મુદ્દાને રજૂ કરવા માગે છે તે એ જ છે કે માનવજાતનાં મૂળનું સંશોધન હજી પણ ચાલી રહેલી પ્રક્રિયા છે, આગામી દોઢસો વર્ષ પછી પણ ડાર્વિનની થિયરીઝની ચર્ચા ચાલતી હશે. હવે તો એવી સર્વિસીઝ પણ છે જે તમારા સલાઇવા એટલે કે લાળને આધારે તમારા મૂળિયાં શોધી આપે અને તે માત્ર ભારતીય મૂળમાં નહીં પણ અન્ય રેસિઝ સુધી પહોંચે છે. માણસ જાતનાં મૂળિયાં એકબીજાં સાથે જોડાયેલાં છે, તેમાં જોજનોનું અંતર હોઇ શકે છે પણ ડિસકનેક્ટ નહીં.
બાય ધી વેઃ
ડાર્વિનની આ થિયરીઝ ઉપરાંત જેની ચર્ચા સતત થાય છે તે એ છે કે ડાર્વિન એક પુરુષ તરીકે પિતૃસત્તાક માનસિકતા ધરાવતા હતા, એ કંઇ ખોટું કરતા હતા તેમ નહોતું પણ એ સમય જ એવો હતો જ્યારે સ્ત્રીઓ પાસે વિચારવાની સત્તા હોઇ શકે તે વિક્ટોરિયન સમાજમાં પણ કોઇ સહજતાથી નહોતું સ્વીકારતું. ડાર્વિનની સેક્સ્યુઅલ સિલેક્શનની થિયરી જેમાં પુરુષને એટલે કે નરને જ મહત્ત્વ અપાયું છે તેને પડકારનારાઓની સંખ્યા મોટી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 માર્ચ 2021
![]()

