એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં, ગયા વર્ષે જ્યારે રસ્તાઓ પર કોઈ જ ચહેલપહેલ દેખાતી નહોતી, ત્યારે મજૂરોનાં ટોળેટોળાં, માથા પર કાખમાં સામાન સાથે જોવા મળતા હતા. રેલવે સ્ટેશનની બહાર બેઠા હોય, ખોરાક – પાણી વગર, ભૂખ્યા-તરસ્યા કલેકટર ઑફિસની બહાર, પોલીસના ડંડા ખાતા, લૂ લાગવાથી પરેશાન, નાનાં બાળકો, વૃદ્ધો સાથે, હજાર હજાર કિલોમીટર એમ જ પગપાળા જવા નીકળેલા આ મજૂરોની હિજરત કોરોનાના એક વર્ષે ભુલાતી નથી. એટલે જ આંખો બંધ કરીને જ્યારે એક વર્ષ પહેલાનું દ્રશ્ય વિચારીએ છીએ તો તપતા સૂરજની નીચે તંત્રની નીંભરતા અને બિનસંવેદનશીલતાથી વધુ તપી ગયેલા હતાશ નિરાશ ભૂખ્યા દર્શન ચહેરાઓ સામે તરવરી ઊઠે છે.
કોરોના મહામારીને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ગયું આખું વર્ષ એક ’હોલોકોસ્ટ’ની જેમ પસાર થયું. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી શરૂ કરીને એક વર્ષે યોજાયેલી ક્રિકેટ મેચ પછી ફરી વધેલા સંક્રમણના કેસોએ આપણને એક વર્ષ બાદ એ જ સ્થિતિએ લાવીને મૂકી દીધા છે.
લાખો લોકોના ધંધારોજગાર એવા પડી ભાંગ્યા છે કે હજુ આજે પણ ઊભા થઇ શકવાની સ્થિતિમાં નથી. જે કંપનીઓ – ફૅક્ટરીઓ જે પગાર સાથે કર્મચારીઓને નોકરીએ રાખતી હતી, આજે અડધા પગારે પણ વધુ સમય માટે ત્યાં કામ કરવું પડી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જૂનો ધંધો પડતો મુકીને માસ્ક અને સેનીટાઇઝરનો ધંધો ચાલુ કર્યો છે. એવા બનાવો પણ જોવા મળ્યા હતા કે ખાનગી શાળાના શિક્ષકોની નોકરી જવાથી તેમણે ચા નાસ્તાની લારી શરૂ કરી હોય. આ દ્રશ્યો આખા દેશમાં હતાં. એક તરફ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય છે, તેવું જણાવીને બધું ખોલવામાં આવ્યું. પરંતુ જાહેર પરિવહનનાં સાધનો તો અનેક મર્યાદા સાથે શરૂ કરાયાં. ટ્રેન નિયમિત શરૂ થઈ, પરંતુ તેને નિયમિત ગણવાના બદલે ’વિશેષ’ ટ્રેન ગણીને વધારે ભાડું હજુ આજની તારીખમાં પણ વસૂલવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન કે બાળકોને અપાતું કન્સેશન રેલવેમાં આજની તારીખે પણ બંધ છે. તો ટૂંકા અંતરમાં એક શહેરથી બીજા શહેર નોકરી કરતા લોકો માટે હજુ આજે પણ ટ્રેનની સુવિધાનો અભાવ છે.
સૌથી મોટી નિષ્ફળતા તો આપણા આરોગ્ય તંત્રની આપણી સામે આવી. શરૂઆતમાં જ્યારે આપણે આ મહામારી વિશે યોગ્ય રીતે પરિચિત કે માહિતગાર નહોતા, એ સમયે અનેક આરોગ્યકર્મીઓએ માસ્ક કે પી.પી.ઈ. કિટ વગર પણ લોકોના પડખે ઊભા રહીને પોતાની ફરજ અદા કરી હતી. મને યાદ છે શરૂઆતના દિવસો. મારી એક મિત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાના શહેરી આરોગ્ય કેન્દ્ર માટે સાડા ચારસો જેટલી પી.પી.ઈ. કિટની માંગ કરી હતી. પરંતુ એમના આરોગ્ય કેન્દ્ર પર કોર્પોરેશને માત્ર બે કિટ પહોંચાડી હતી. મને એક બીજુ દૃશ્ય પણ યાદ આવે છે.આખો દેશ બંધ હતો. અમદાવાદનો આવો સૂનકાર મેં આજ પહેલાં ક્યારે ય જોયો નથી. પણ એક દિવસ મીઠાખળી ગામની બહાર ઢગલાબંધ ગાડીઓ પાર્ક થયેલી જોઈ. પછી જાણવા મળ્યું કે એ ગાડીઓ ડૉક્ટરોની હતી, જે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના હોલમાં થઈ રહેલા માસ્ક વિતરણના કાર્યક્રમમાં પોતાના માટે માસ્ક લેવા માટે આવ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગ અને એ જ સ્થિતિ રાજકોટ, સુરત, જેવાં શહેરોની પણ થઈ. ધમણ વેન્ટિલેટરની વાત (જો કે તેને વેન્ટીલેટર કહેવું કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ નિશ્ચિતતા નથી), વેન્ટિલેટર થકી હોસ્પિટલોમાં આગ લાગવી, શ્રેય હોસ્પિટલનો ગોઝારો અકસ્માત, આ બધું એક પછી એક માનસપટ પર જાણે કે ચાલી રહ્યું છે.
સૌથી ખતરનાક તો લાગ્યું હતું, સરકારનું ડેટા મેનેજમેન્ટ. જરૂર પડી ત્યારે આંકડાઓ વધુ બતાવ્યા, જરૂર પડી ત્યારે આંકડાઓ ઓછા દર્શાવ્યા. સરકારી આંકડાઓમાં તો ક્યારે ય સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાગેલી લાઈનોના આંકડા હતા જ નહિ. એ જ સ્થિતિ હજુ આજે પણ છે. સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ જેટલા લોકોના અંતિમ સંસ્કાર થાય છે, તેનાથી સાવ અડધો આંકડો અખબારોમાં પ્રસિદ્ધ થાય છે.
સામાજિક રીતે પણ અનેક કડવા-મીઠા અનુભવમાંથી પસાર થવાનું બન્યું. કોરોના સંક્રમિત લોકો પ્રત્યે એક નવા પ્રકારની અસ્પૃશ્યતા જોવા મળી, તો બીજી તરફ અનેક સંવેદનશીલ લોકોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સંક્રમિત લોકોની વચ્ચે, હિજરત કરતા મજૂરોનાં ટોળાંઓની વચ્ચે પોતાની હૂંફ પ્રસરાવી હતી.
સૌથી વધુ ભોગવવાનું આવ્યું, વિદ્યાર્થીઓના ભાગે. શાળા-કૉલેજો બંધ, ’ડિજિટલ ઇન્ડિયા’ની વાસ્તવિકતાની વચ્ચે જબરદસ્તી ઑનલાઇન શિક્ષણ થોપવામાં આવ્યું. અને ઑનલાઈન શિક્ષણના નામે મહામારીથી પીડાતા લોકોની પાસેથી નિયમિત ફી પણ ઉઘરાવવામાં આવી. અનેક વાલીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનોએ માંગણી કરી હતી કે આ શૈક્ષણિક સત્રને શૂન્ય વર્ષ જાહેર કરીને તમામને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ ખાનગી સંચાલકોના ઇશારે લોકોની માંગણી ફગાવી દેવામાં આવી. વાસ્તવિકતામાં કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્ય વગર એટલી જ ફી ખંખેરવામાં આવી. સ્માર્ટ ફોન કે ઘરે ટી.વી. ના હોવાથી સાવ નાની ઉંમરના વિદ્યાર્થીઓની આત્મહત્યાના સાક્ષી પણ આપણે બનવું પડ્યું. અને કદાચ થોડાક સમય પછી મહામારીમાં સત્તાના ગેરવહીવટના કારણે થયેલ ડ્રૉપ આઉટનું વાસ્તવિક ચિત્ર પણ આપણને જોવા મળશે.
મહામારીથી જાણે લોકોને ઓછો ત્રાસ આપી શકાયો હોય, તેમ રોજેરોજ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ, રાંધણગેસના ભાવ, એમાં ખતમ થઇ ગયેલી સબસિડી, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો, આ તમામ પ્રશ્નો તો વિકરાળ મોઢે સામાન્ય લોકોની સામે ઊભા જ છે.
અલબત્ત, અનેક લોકો કોરોના મહામારીને સંપૂર્ણપણે રાજકીય પણ માને છે. કારણ કે સરકારની કાર્યવાહી પણ લોકોની આ માન્યતાને ટેકો આપે છે. એક તરફ પ્રધાન મંત્રી સહિત અનેક નેતાઓની જંગી સભાઓ પણ થાય છે, ચૂંટણીઓ પણ યોજાય છે, અને દંડ અને પોલિસના ડંડા માત્ર સામાન્ય લોકોના હિસ્સે આવે છે. એટલે અનેક લોકો હજુ રસી લેવાથી પણ ડરે છે.
લોકડાઉન લાગુ કરતા પહેલાં પ્રધાન મંત્રીએ કહ્યું હતું કે આપણે આ આફતને અવસરમાં પરિવર્તિત કરીએ. અને તંત્રએ ખરેખર આ વાતને તાત્કાલિક પકડી પાડી. એટલે જ આ મહામારી દરમિયાન મજૂર વિરોધી કાયદાઓ પસાર કરવા, કૃષિ કાયદાઓ પસાર કરવા, રેલવેનું – એરપોર્ટનું ખાનગીકરણ કરવું, નવી શિક્ષણ નીતિ જેનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો તેને લાગુ કરવી, એવા તો અનેક લોકવિરોધી પગલાંઓ લોકોનો મત ચૂપ કરીને લાગુ કરી દેવામાં આવ્યા.
પરંતુ કોરોના મહામારી અને પછી સરકારની બેદરકારીથી જન્મેલી નવી મહામારીની વચ્ચે સમગ્ર દુનિયામાં બે ચળવળે આપણા સૌમાં એક આશા જન્માવી છે. એક હતી, અમેરિકામાં ‘Black Lives Matter’. જે રીતે અમેરિકામાં પણ ગરીબ અશ્વેત લોકો સાથે મહામારી દરમિયાન ભેદભાવ થયો અને ગરીબ હોવાના કારણે તેમણે ભોગવવાનું આવ્યું એ અપમાન અને અવહેલનાની સામે ‘I can’t breath …’, જ્યોર્જ ફ્લોયડનાઆ શબ્દો આપણા સૌની વેદનાનું પ્રતીક બન્યા. તો આપણા દેશમાં પણ સો દિવસ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન એ આંદોલનના ઇતિહાસમાં એક નવું પ્રકરણ છે. આંદોલન એટલે માત્ર નારાબાજી નહીં, પરંતુ જીવનનાં તમામ પાસાંઓને આવરી લેતું એક નવા સમાજનું સપનું. દિલ્હીની બોર્ડર ઉપર દેશભરના ખેડૂતોએ નવા સમાજનું સપનું પોતાના આંદોલનમાં પ્રતિબિંબિત કરીને બતાવ્યું કે જે આંદોલનોમાં ગીતો અને નાટકો પણ હોય, લાઈબ્રેરી પણ હોય, મેડિકલ કેમ્પ પણ હોય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સ્ટોલ પણ હોય, સરકાર વીજળી કાપી નાખે, પાણીનો પુરવઠો ખોરવી નાખે તો આંદોલનના સ્થળે બોર ખોદી નાખવાની તાકાત પણ હોય! અને એટલે જ આ બંને આંદોલનો કોરોના મહામારીની હતાશાની સામે દિશા ચીંધનાર છે.
આમ, કોરોના મહામારીનું એક વર્ષ એટલે નિરાશા અને આશા વચ્ચેના સંઘર્ષનું વર્ષ. અને હંમેશની જેમ વિશ્વાસ છે કે આ વખતે પણ આશા જ નિરાશા પર ભારી પડશે.
(સેક્યુલર લોકશાહી આંદોલનની દર ગુરુવારની અઠવાડિક ચર્ચામાં ‘કોરોનાનું એક વર્ષ’ વિષય બાબતે પરેશભાઈ, દેવેન્દ્રભાઈ, ઈશ્વરકાકા, રિયા, પ્રશાંતભાઈ, નીરુકાકી, ઇન્દુબા, મન્મથભાઈ, કિરણબહેન, આશિષ, મહેન્દ્ર સચિનભાઈ, વગેરે સાથે થયેલી વાતચીતના આધારે)
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 03-04
![]()


ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦”ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારાં રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક હવે દેશના ગો અને ગોવંશ હત્યા પર પૂર્ણ કે અંશતઃ પ્રતિબંધના કાયદા ઘડનારાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં થોડાં રાજ્યોમાં હજુ ગોહત્યા પ્રતિબંધિત નથી. ૨૦૧૯માં રચાયેલા “રાષ્ટ્રીય કામધેનુ આયોગ”નું મુખ્ય કાર્ય તો “ગાયોના સંરક્ષણ અને સંવર્ધન”નું છે. પરંતુ તેણે કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે ઑનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ માટે દેશભરમાંથી આશરે પાંચ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આયોગે પરીક્ષા માટે જાહેર કરેલ મટીરિયલ ગાય અંગે અવૈજ્ઞાનિક માહિતી અને અંધવિશ્વાસ ફેલાવનારું હોવાના જાહેર ઊહાપોહ પછી હવે તે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ગરીબડી ગણાતી ગાયના કામધેનુકરણ અને સંકીર્ણ રાજકીય ઉપયોગના આ તાજેતરનાં ઉદાહરણો છે.
બોલિવૂડના પ્રખ્યાત લેખક સાગર સરહદીનું તારીખ ૨૨ માર્ચ ૨૦૨૧એ મુંબઈમાં નિધન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. સાગર સરહદીને હાર્ટ પ્રોબ્લેમના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ અને ‘સિલસિલા’, શાહરૂખ ખાનની ‘દીવાના’, ઋષિ કપૂરની ‘ચાંદની’ અને રિતિક રોશનની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના લેખક સાગર સરહદીને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ફિલ્મમેકર યશ ચોપરાની મહત્ત્વની રોમેન્ટિક ફિલ્મો ‘કભી કભી’, ‘સિલસિલા’ અને ‘ચાંદની’, સાગર સરહદી લખી ચૂક્યા છે. આ સિવાય તેમણે ફિલ્મમેકર રાકેશ રોશનની કેટલીક ફિલ્મોના સંવાદ પણ લખ્યા છે. સાગર સરહદીએ બોલિવૂડમાં ઓછું પણ યાદગાર લેખનકાર્ય કર્યું છે, તેમણે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલને લઈને ‘બાઝાર’ (૧૯૮૨) નામની ફિલ્મ બનાવી હતી કે જે હિટ રહી હતી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી.