હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
![]()
હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
![]()
હુલ્લડ, રમખાણ, તોફાન, અથડામણ : નામ રૂપ જૂજવાં
મુંબઈનું પહેલવહેલું હુલ્લડ કૂતરાને કારણે
મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે : કનૈયાલાલ મુનશી
સંત કવિ તુલસીદાસે ગાયું છે : ‘ભાખા બહતા નીર.’ એટલે કે ભાષા તો વહેતાં પાણી જેવી છે. જે પાણી વહેતું ન હોય તે બંધિયાર થઈ જાય, વાસ મારે, રોગચાળો ફેલાવે. લોકજીભે ભાષા પણ સતત વહેતી રહે છે, બદલાતી રહે છે, અને તેથી જ ઉપયોગી રહે છે. અંગ્રેજીના Riot શબ્દ માટે એક જમાનામાં આપણાં છાપાં હુલ્લડ કે રમખાણ શબ્દો વાપરતાં. વધુ ભડકામણાં મથાળાંનાં શોખીન છાપાં ‘મુંબઈમાં કોમી દાવાનળ ભભૂકી ઊઠ્યો’ એવું આઠ કોલમનું હેડિંગ પહેલે પાને ફટકારતા. (એ વખતે છાપામાં પાનાદીઠ આઠ કોલમ આવતી, સાત નહિ.) પછી ‘તોફાનો’ શબ્દ વપરાતો થયો. પછી ‘અથડામણ.’ તંત્રી સંસ્કૃતનો શોખીન હોય તો ‘સંઘર્ષ’ વાપરે.
એક જમાનામાં આવાં હુલ્લડ કે રમખાણ થાય ત્યારે છાપાં બંને કોમનાં નામ બેધડક છાપતાં. મૃત્યુ પામેલાના કે ઘાયલ થયેલાના આંકડા પણ કોમવાર છપાતા. બ્રિટિશ સરકારને એ અંગે ખાસ વાંધો પણ નહોતો. ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પહેલી વાર કૉન્ગ્રેસની સરકાર બની. એના હોમ મિનિસ્ટર હતા કનૈયાલાલ મુનશી, પ્રખ્યાત વકીલ, પ્રતિષ્ઠિત લેખક. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. પહેલાં તો મુનશીએ સમાચાર અને આંકડા કોમવાર ન છાપવા માટે છાપાંઓને તાકીદ કરી. પણ છાપાં માન્યાં નહિ. એટલે ફોજદારી કાયદાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી (પ્રિસેન્સરશિપ) કરવાને લગતો વટહુકમ મુનશીએ જાહેર કર્યો. બીજાં બધાં છાપાંએ તો તેનો અમલ કર્યો. પણ એક અંગ્રેજી છાપાએ તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી અને જસ્ટિસ જોન બોમન્ટને મળવાનું થયું. તેમણે વિજેતાની અદાથી કહ્યું : ‘મિસ્ટર મુનશી, તમારા વટહુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ સહેજ પણ અચકાયા વિના મુનશીએ કહ્યું: ‘જો ફરી રમખાણો થશે અને લોકોની, આપની, અને મારી સલામતી માટે જરૂરી લાગશે તો હું આવો વટહુકમ બેધડક બહાર પાડીશ. મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. જો એ જળવાય તો જ આપ નામદાર આપની ફરજ બજાવી શકશો.’

મુંબઈ સરકારના હોમ મિનિસ્ટર કનૈયાલાલ મુનશી
પ્રિય વાચક, આપને થતું હશે કે હમણાં તો મુંબઈ પોલીસની વાત ચાલતી હતી તેમાં આ વાત ક્યાંથી ટપકી પડી? આ વાત ટપકી પડી કારણ પોલીસ અને હુલ્લડને ગાઢ અને સીધો સંબંધ છે. કંપની સરકારનું મુંબઈમાં રાજ શરૂ થયું ત્યારથી છેક ૧૮૩૨ સુધી મુંબઈમાં એક પણ હુલ્લડ થયું હોય તેવું નોંધાયું નથી. પણ ૧૮૩૨ના જૂન મહિનાની છઠ્ઠી તારીખે કૈંક એવું બન્યું કે જેથી મુંબઈમાં પહેલી વાર રમખાણો ફાટી નીકળ્યાં. અને એનું કારણ હતું પોલીસ મેજિસ્ટ્રેટનો એક હુકમ. મુંબઈ માટે રખડતાં ઢોરની સમસ્યા ઘણી જૂની. છેક ૧૭૯૭માં તે વખતના ગવર્નરે રખડતાં ઢોરને પાંજરે પૂરવાનો હુકમ બહાર પાડેલો. હવે પોલીસ મેજિસ્ટ્રેટે રખડતા કૂતરાને માત્ર પકડવાનો જ નહિ, મારવાનો હુકમ બહાર પાડ્યો અને જે હવાલદાર કૂતરા મારીને લાવે તેને કૂતરા દીઠ આઠ આના (આજના ૫૦ પૈસા) આપવાનું જાહેર કર્યું. હવે આ હુકમ કાંઈ નવો નહોતો. દર વરસે બહાર પડતો. પણ અગાઉ રખડતા કૂતરાને પકડીને લઈ જતા અને પછી તેનું જે કરવું હોય તે, લોકોની નજરથી દૂર કરતા. પણ આ વખતે આઠ આનાની લાલચને લીધે હવાલદારો જ્યાં દેખાય ત્યાં કૂતરાને મારી નાખવા માંડ્યા. એટલું જ નહિ, લોકોના બંગલાના કમ્પાઉન્ડમાં બાંધેલા કૂતરાને પણ મારવા લાગ્યા.
આ જોઈને લોકો ઉશ્કેરાયા. કોઈના કમ્પાઉન્ડમાં કૂતરો મારવા માટે ઘૂસેલા બે હવાલદારને લોકોનાં ટોળાંએ સારો એવો મેથીપાક ચખાડ્યો. પછી બીજે દિવસે, એટલે કે ૭મી જૂને, કોટ વિસ્તારની બધી બજારોમાં હડતાલ પડી. સવારના છ વાગ્યાથી ઠેર ઠેર લોકોનાં નાનાં નાનાં ટોળાં ભેગાં થઈને વાતો કરતાં હતાં. સાત વાગ્યા સુધીમાં આ ટોળાં રસ્તા પર ફરીને દુકાનો બંધ કરાવવા લાગ્યાં. નવ વાગ્યા સુધીમાં આ ટોળાંએ ભાંગફોડ શરૂ કરી. કોટની બહારથી આવતી ઘોડા ગાડીઓને તેમ જ પગપાળા આવતા લોકોને પણ અટકાવવાનું શરૂ કર્યું. જો કોઈ વેચવાનો સામાન લઈને આવતું દેખાય તો તેને મારીને તેનો સામાન આંચકી લેતા. દસ વાગ્યા સુધીમાં લોકો અને પોલીસ સામસામે આવી ગયા. એ જ વખતે તોફાનોને ખાળવા માટે સરકારે લશ્કર બોલાવ્યું છે એવી અફવા ફેલાઈ. એટલે ૧૧ વાગ્યા સુધીમાં લોકોનાં ટોળાં પોલીસ ચોકી સામે ભેગાં થયાં. બપોરે બાર વાગે ફરી વાત ફેલાઈ કે લશ્કર આવી રહ્યું છે. પણ લોકોનાં ટોળાંએ એ વાત ગણકારી નહિ.

મુંબઈના રસ્તા પર હુલ્લડ પહેલાં હડતાલ
પણ બપોરે એક વાગે એપોલો ગેટમાંથી ક્વીન્સ રોયલ્સની એક પલટન કિલ્લામાં દાખલ થઈ અને તેને જોઈને લોકો નાસભાગ કરવા લાગ્યા. હિંદુઓ તથા પારસીઓનાં ટોળાં બોમ્બે ગ્રીન (આજનું હોર્નિમેન સર્કલ) અને બજાર ગેટ તરફ ભાગ્યાં. લશ્કરની ટુકડીએ પહેલાં શેઠ એદલજી ફરામજીની દુકાન પાસે થાણું નાખ્યું. પછી સરકારી ગોદામો અને ઓફિસો બહાર ચોકી પહેરો બેસાડ્યો. પછી લશ્કરી અમલદારોએ બધા સરકારી અમલદારો સાથે મિટિંગ કરી. તેમાં બધા મેજિસ્ટ્રેટ, જસ્ટિસ ઓફ પીસ, લશ્કરનો કમાન્ડર, ટાઉન મેજર, નેવીના અમલદારો, વગેરે હાજર હતા. તેમની હાજરીમાં પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે ‘રાયટ એક્ટ’ વાંચી સંભળાવ્યો. તે પછી લશ્કરના સૈનિકો કોટ વિસ્તારમાં ફરીને તોફાનીઓની ધરપકડ કરવા લાગ્યા. બપોરે ત્રણ વાગે પોલીસ અને લોકોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટ શરૂ થઈ અને છેવટે બંને વચ્ચે સમાધાન થયું. છતાં લશ્કરની ટુકડીને આખી રાત કિલ્લાની અંદર જ રાખવામાં આવી અને જરૂર જણાય તો પોલીસની મદદે જવાનો તેને હુકમ અપાયો. પણ તેવી જરૂર પડી નહિ. સાંજે પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે જુદી જુદી કોમના આગેવાનોને મળવા બોલાવ્યા અને બીજા દિવસથી બધી દુકાનો ખોલી નાખવા તથા કાયદાનું પાલન કરવા જણાવ્યું. આથી પારસી પંચાયતના વડા તથા હિંદુ મહાજનના મુખિયા રસ્તે રસ્તે ફરીને લોકોને શાંતિ રાખવા અને બીજે દિવસે સવારે બધી દુકાનો ખોલી નાખવા સમજાવવા લાગ્યા.

મુંબઈના રસ્તા પર હડતાલ પછી હુલ્લડ
આ હુલ્લડ ચાલ્યું તો એક દિવસ, પણ તેને પરિણામે ત્રણ જણે જીવ ખોયા. ‘બોમ્બે ગેઝેટ’ નામના તે વખતના પ્રતિષ્ઠિત છાપાએ ૧૮૩૨ના સપ્ટેમ્બરની આઠમીના અંકમાં નોંધ્યું છે કે હુલ્લડને દિવસે બપોરે એક આબરૂદાર પારસી ગૃહસ્થનો નબીરો કોઈ અંગ્રેજ તેના બંગલામાં ભાડૂત હતો તેની ઓફિસમાં ભાડાને લગતા કોઈ કામસર ગયો હતો. ત્યાંથી પાછો ફરતો હતો ત્યારે તેણે લશ્કરના સૈનિકોને હુલ્લડખોરોની પાછળ દોડતા જોયા. એટલે ગભરાઈને તે પણ લોકોનાં ટોળાં સાથે દોડવા લાગ્યો. પોતાની પાછળ બે સોલ્જર આવી રહ્યા છે એનો ખ્યાલ આવતાં સૌથી નજીકના એક ઘરમાં ઘૂસી ગયો. બીકને કારણે ત્યાં તે બેભાન થઈ ગયો. હુલ્લડ શમ્યા પછી તેને પોતાને ઘરે લઈ ગયા અને ઘણા ઉપચાર કર્યા. પણ ભાનમાં આવ્યા વગર જ અઠવાડિયા પછી તે બેહસ્તનશીન થઈ ગયો. તો બે અંગ્રેજ સોલ્જર પણ માર્યા ગયા હતા, હિંસાને કારણે નહિ, પણ વધુ પડતી ગરમી સહન ન થવાને કારણે.
હુલ્લડના આગેવાનો વિષે જે કોઈ ખબર આપે તેને ૫૦૦ રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી હતી. એ રીતે મળેલી માહિતીને આધારે ૧૮ અપરાધીઓ પર ઓક્ટોબરમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં છ દિવસ કેસ ચાલ્યો. તેમાં દસને અપરાધી ઠરાવીને એક મહિનાથી માંડીને દોઢ વરસ સુધીની કેદની સજા થઈ હતી. એ વખતે જુબાની આપતાં બ્રિટિશ લશ્કરની ટુકડીના વડા કર્નલ બોમગાર્ડે કહ્યું હતું કે આ હુલ્લડ લોકોની ગેરસમજને કારણે થયું હતું અને તેની પાછળ સરકારના કાયદો અને વ્યવસ્થાના તંત્ર સામે થવાનો કોઈ ઈરાદો નહોતો. અમને આવતા જોઈને લોકો વિખરાઈ ગયા હતા અને કોઈ અમારી સામે થયું નહોતું. તેમની આવી જુબાનીને કારણે દસ આરોપીઓને પ્રમાણમાં ઓછી સજા થઈ હતી.

સર જમશેદજી જીજીભાઈ
પારસી જમાત દૂધમાં સાકર ભળી જાય તેમ આ દેશના લોકો સાથે ભળી જવા માટે જાણીતી છે. વળી તેઓ એકંદરે બ્રિટિશ સરકારના ટેકેદારો હતા. છતાં આ હુલ્લડમાં તેમણે આગળ પડતો ભાગ કેમ લીધો? કારણ તેમનો ધર્મ કૂતરાને પવિત્ર માને છે. તેઓ માને છે કે મૃત્યુ પછી રૂહને સ્વર્ગનો રસ્તો કૂતરો બતાવે છે. થોડા દિવસ પછી સર જમશેદજી જીજીભાઈની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ સરકારને મળ્યું. તેમણે કહ્યું કે રખડતા કૂતરાને પકડવા સામે અમારો વિરોધ નથી, પણ મારવા સામે છે. આથી તેમણે એવો વચલો રસ્તો સૂચવ્યો કે રખડતા કૂતરાને પકડવા ખરા, પણ મારવા નહિ. તેને બદલે તેમને મુંબઈની બહાર લઈ જઈને છોડી મૂકવા. સરકારે સમયસૂચકતા વાપરીને આ સૂચન સ્વીકારી લીધું. અને મુંબઈના પહેલવહેલા હુલ્લડનો સુખદ અંત આવ્યો.
ઓગણીસ વરસ પછી, ૧૮૫૧માં મુંબઈમાં પહેલી વાર કોમી રમખાણો ફાટી નીકળ્યાં, અને તેના તો કેન્દ્રમાં જ પારસીઓ હતા. પણ તેની વાત હવે પછી ૮મી મેએ. કારણ આવતે શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી-મરાઠીના મેળબંધન વિષે થોડી વાત કરશું.
(નોંધ: અહીં મૂકેલા હડતાલ અને હુલ્લડના ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે. આપણા દેશમાં ફોટોગ્રાફીનું આગમન ૧૮૪૦માં થયું, એટલે ૧૮૩૨ના હુલ્લડના ફોટા લેવાયા જ ન હોય તે દેખીતું છે.)
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઍપ્રિલ 2021
![]()
મનુષ્ય જન્મે છે ને મરે છે, પણ જન્મ અને મરણ તેના હાથમાં નથી એ પણ વિધિની વક્રતા જ છે ને ! પણ, કરુણાંતિકાઓ મનુષ્યને હાથે સર્જાય ત્યારે થતાં મૃત્યુ માટે કુદરતને દોષ દઈ શકાય નહીં. તંત્રો મનુષ્ય દ્વારા ચાલે છે એટલે ઘણીવાર તંત્રોની બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. ગુજરાતમાં હોસ્પિટલોમાં આગ લાગવાને કારણે દરદીઓ ગુજરી જવાના અકસ્માતો કોરોના કાળમાં સર્જાયા જ છે ત્યારે પીડા બમણી થઈને રહી ગઈ છે. અકસ્માત વારંવાર થાય ત્યારે તંત્રોની જવાબદારી બનવી જોઈએ, પણ એવું ખાસ થતું નથી. હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો એકથી વધુ વખત બન્યા તે પરથી બીજા બનાવો નહીં જ બને તેની ખાતરી નથી. બુધવારે નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખૂટવાને કારણે 11 મહિલાઓ સહિત 22 કોરોના દરદીઓએ જીવ ખોયા. વડા પ્રધાને અને ગૃહ મંત્રીએ વિધિવત અંજલિઓ આપીને અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ મૃતકોને પાંચ પાંચ લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવી લીધી છે. એવી જ ઘટના બનાસકાંઠામાં પણ ઘટી છે જેમાં અચાનક ઓક્સિજન પુરવઠો ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યાં છે.
ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવા છતાં હોસ્પિટલોમાં તેની અછત વર્તાય ને બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની ને બીજેથી ઓક્સિજન મેળવવાની વાતો ચાલે ત્યારે એમ લાગે કે સરકારો બધે જ મોડી પડી રહી છે. મોડી એ રીતે કે જરૂર હોય ત્યારે સરકાર પડખે ઊભી રહી શકતી નથી. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એ માનસિકતાનો કેન્દ્ર અને રાજ્ય સરકાર શિકાર છે. સરકાર કૈં કરતી નથી, એવું નથી. તે છાશવારે મિટીંગો ભરે છે, જ્યાં અસર વધારે હોય ત્યાં આંટાફેરા પણ કરે છે, પણ દૂરનું વિચારીને નિર્ણય લેવો અને જરૂર હોય ત્યારે પૂરતી વ્યવસ્થા કરવી એવું કોરોના દરમિયાન ઓછું જ બન્યું છે. કોરોના માર્ચ, 2020થી લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં સંભવિત પગલાંઓ અંગે વિચારવાનો તંત્રોને પૂરતો સમય હતો, પણ પરિણામો આટલાં ઘાતક હશે એનો અંદાજ લગાવવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. એ બને કે બધી વાતનો અંદાજ ન લગાવી શકાય, પણ આખા દેશની જે ગતિ હતી તે જોતાં 2021 માટે પરિણામોની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.
ફેબ્રુઆરી, 2021 સુધીમાં એકંદરે કોરોનાનું સંક્રમણ કાબૂમાં હતું. દિવાળી વખતે ગુજરાતમાં ભીડભાડ ખૂબ થઈ અને તેને કારણે સંક્રમણ વધ્યું એ ખરું ને એ લોકોની મૂર્ખાઈનું જ પરિણામ હતું, પણ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ, ક્રિકેટે, સભા-સરઘસોએ, લગ્નોમાં એકઠી થયેલી ભીડે દાટ વાળ્યો ને હવે તો રાજ્યોની ચૂંટણીએ ને ક્યાંક નેતાઓએ લગ્ન, વર્ષગાંઠની બોલાવેલી ભીડે કોરોનાને છૂટો દોર આપી દીધો છે. આ બધાંનો સરકારોને ખ્યાલ ન હતો એવું માની ન શકાય. આ બધાંથી શું પરિણામ આવી શકે ને તે સંદર્ભે કેવાં પગલાં લઈ શકાય તેનો દાખલો કોઈએ ગણ્યો જ નહીં, પરિણામે પ્રજાએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
2020માં મહિનાઓ સુધી દેશ લોકડાઉન હેઠળ રહ્યો, ત્યારે ઘણાં રાજ્યોમાં કે કોરોનાનો પ્રવેશ પણ ન હતો. આજે જ્યારે રોજના ત્રણેક લાખ નવા કેસો ઉમેરાય છે અને હજારોનાં મૃત્યુ થાય છે ત્યારે વડા પ્રધાન લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જુએ છે. માર્ચ, 2020માં લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જોવાયું હોત તો જે રીતે મહિનાઓથી અર્થતંત્ર દાવ પર લાગ્યું, તે ન બન્યું હોત. અત્યારે જેમ જોઈતપાસીને લોકડાઉન કે રાત્રિ કરફ્યુ લાગુ થાય છે તેવું ત્યારે થયું હોત તો એક સાથે ધંધારોજગાર ધંધે ન લાગ્યા હોત.
જો કે, એ વાતે સરકારની પીઠ થાબડવી પડે કે તેણે રસી પર ધ્યાન આપ્યું અને વિશ્વ આખામાં રસીકરણને મામલે તે મોખરે રહી. રસીના લાખો ડોઝ વિશ્વને પહોંચાડીને તેણે અન્ય દેશોને મદદ પણ કરી. એમાં થોડી ઉતાવળ પણ થઈ. સંબંધો સાચવવા કેટલીક રસી તેણે વિદેશ મોકલવી પડે એ સમજી શકાય, પણ એટલી રસી કેવી રીતે મોકલાય કે રશિયાથી રસી આયાત કરવી પડે? આજે એ હાલત છે કે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ રો-મટિરિયલને અભાવે જોઈતી સંખ્યામાં રસી બનાવી શકતી નથી ને બીજી બાજુ રસીકરણની સતત હિમાયત થતી રહે છે.
રસીની આગળ જતાં તંગી ઊભી થાય તો નવાઈ નહીં ! એક તરફ 45+ સુધી આવતામાં રસી ખૂટવાની બૂમ પડી છે ત્યાં પહેલી મે થી 18+ને પણ રસીકરણ શરૂ થવાનું છે, ત્યારે રસી પૂરતી સંખ્યામાં મળી રહે તેમ ઇચ્છીએ. 18+ ગ્રૂપ ઉમેરાય ત્યારે એવું નથી કે 45 કે 60+નું રસીકરણ પૂરું થઈ ગયું છે. બને કે એ વર્ગ પણ ત્યારે વધુ સક્રિય થાય. મુશ્કેલી શું છે કે જાહેરાતો થઈ જાય છે ત્યારે વ્યવસ્થા પૂરતી હોતી નથી. એને કારણે લોકોની દોડધામ વધી પડે છે. એમાં પણ રમતો શરૂ થઈ છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે રસીના ભાવ બહાર પાડ્યા છે. તે કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં, રાજ્ય સરકારને 400માં અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં રસી ઉપલબ્ધ કરાવશે.
રસી એક જ, વેચનાર કંપની એક જ, પણ ભાવ ત્રણ. કેન્દ્ર સરકાર ખરીદે તો 150, રાજ્ય સરકાર ખરીદે તો 400 અને ખાનગી હોસ્પિટલ લે તો 600. વારુ, રાજ્ય સરકારે પણ જુદે જુદે તબક્કે રસીને મુદ્દે ભાવમાં વધઘટ કરી જ છે. એક તરફ સરકાર અત્યાર સુધી લોકોને મફત રસી આપતી રહી છે તે ભાવ વધતા મફત મૂકવાનું બંધ કરે એમ બને. રસીનો ઉત્સવ કરનારી સરકાર પૈસા ઉઘરાવતી થશે તો લોકો પણ રસી મૂકાવતાં વિચારશે. રસી જો અનિવાર્ય જ હોય તો પૈસા ન આપી શકનાર વર્ગ આગળ નહીં આવતા 100 ટકા રસીકરણનો હેતુ માર્યો જાય એમ બને. સરકારની ઘણી વાતો અનિશ્ચિત અને અધકચરી હોય છે. એક વાર મફત રસીકરણની વાત હોય તે આગળ જતાં પૈસા લેવાની વાત સુધી આવે તો લોકોનો સરકારમાંનો વિશ્વાસ ઘટે છે. એ જે હોય તે, પણ સિરમ કંપનીના જુદા જુદા ભાવને કેન્દ્ર સરકારે મંજૂરી ન જ આપવી જોઈએ.
બીજી તરફ રેમડેસિવિર ડેમ, ડિસિવર પુરવાર થયાં છે. સરકાર એક બાજુ પૂરતો જથ્થો હોવાનું રટણ કર્યાં કરે છે, તો બીજી તરફ લોકોના ધક્કા ઘટતાં નથી. ડોક્ટરો પણ સરકારની દખલથી ત્રાસે છે ને દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર નવો જ ફણગો ફોડે છે કે રેમડિસિવર લાઈફ સેવિંગ ડ્રગ નથી. તો, રેમડિસિવરની અનિવાર્યતા ઊભી કરી કોણે? એ શોખ લોકોને તો થયો નથી. એટલે કોઈ બાબતની કશી ચોકસાઈ વગર જ બધું ચાલે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી માંડીને એક વર્ગ એવો છે જે સતત લોકોને ડરેલાં રાખવાનો જ ધંધો કરે છે. બ્રાઝિલ, યુકે, આફ્રિકન સ્ટ્રેન પછી ડબલ અને ટ્રિપલ વેરિયન્ટના નામે, ડબલ માસ્ક કે સર્જિકલ માસ્ક, ઇન્સેંટિવ સ્પાયરો મીટર, વેક્સિન ડ્રાઈવ વગેરે નામે જેટલાં મોઢાં એટલી વાતો છે, એમાં કેટલીક કામની પણ છે, પણ મોટે ભાગે તો લોકો ગભરાયેલાં રહે એને માટે જ મહેનત થાય છે.
આખો દેશ અનિશ્ચિતતા અને અરાજકતાથી પીડાય છે. સરકાર કહે છે કે ઈન્જેકશન્સ છે, તો મળતાં કેમ નથી? સરકાર કહે છે કે ઓક્સિજન છે, તો લોકો ઓક્સિજન વગર મરે છે કેમ? સાધારણ માણસને થતી ચિંતા સરકારને નહીં હોય, શું? ગુજરાત સરકાર લોકડાઉનને મુદ્દે ગલ્લાંતલ્લાં કરે છે. નાયબ મુખ્ય મંત્રી કહે છે કે લોકડાઉન વૈજ્ઞાનિક નથી. તો, અગાઉ મહિનાઓ સુધી લોકડાઉન થયું તે વૈજ્ઞાનિક હતું? લોકડાઉન લાગુ કરવું ન કરવું સરકારની મુનસફી પર છે, પણ તે ટાઢા પહોરની હાંકે તે બરાબર નથી. એક્સપાયરીવાળાં ઈન્જેકશન્સનાં કાળાબજાર થાય છે, લોકોની જિંદગી સાથે રમત થાય છે, એ કેમ તંત્રો સુધી નથી પહોંચતું? કાળાબજાર કરનારા નથી જાણતા કે લોકો મરી રહ્યાં છે ને અંતિમવિધિના પણ પ્રશ્નો થઈ પડ્યા છે? માણસાઈ એટલો મોટો ગુનો છે કે તે દાખવી જ ના શકાય?
કોરોનાની સારવાર લેતા દરદીને સારો ખોરાક અને ઇમ્યુનિટી વધે એવી અનુકૂળતા કરી આપવી પડે. તેને નાળિયેર પાણી આપવાની સલાહ અપાય ને નાળિયેર સો રૂપિયે વેચાતાં થઈ જાય, દરદીને લીંબુ કે સંતરાનો રસ આપવાનું કહેવાય ને તે 170/130ને ભાવે વેચાવા લાગે, તેને શું કહીશું? આ માણસાઈ છે? માનવધર્મ છે? મંદિરો બંધ હોય તો પણ માથું ટેકવી આવતાં લોકો માંદાને લૂંટીને કયો ધર્મ બજાવે છે? એ પણ છે કે 100 રૂપિયે નાળિયેર વેચનારને હોસ્પિટલો કે દવાવાળા પણ લૂંટે જ છે ને ! આપણને કોરોનાની એટલી બીક પેઠી છે કે બજાર ગુપચુપ મોંઘું થતું જાય છે ને તેની ખબર ખરીદવા જઈએ ત્યારે પડે છે. ચૂંટણીઓ પતે એટલી જ વાર છે કે વ્યાજદરો ઘટવાના છે ને ચીજવસ્તુઓના ભાવ વધવાના છે.
સરકારમાં જીવદયા સિવાય બધું જ છે. બાકી, તે નથી જાણતી કે દરદી માટે બ્લેકમાં દવા મેળવતાં કે લીંબુ, નાળિયેર મેળવતાં સંબંધીઓ લૂંટાઈ લૂંટાઈને ખોખલા, કંગાળ થઈ રહ્યાં છે? પૈસેટકેથી કુટુંબો ખુવાર થઈ ગયાં છે, ધંધા રોજગારના ઠેકાણાં નથી અને સારવાર કરાવવા કરતાં મરવું વધારે સસ્તું થઈ ગયું છે, એવી હાલતમાં લોકોની આંખો લૂંછનાર કોઈ નથી એ કેવી વિડંબના છે? જિંદગીથી વધારે કૈં જ મૂલ્યવાન નથી, પણ જિંદગી જો મૃત્યુ જ હોય તો કોણ ઈચ્છા કરશે એની?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઍપ્રિલ 2021
![]()

