૧૯૭૫ના કટોકટીરાજના બેસતે સુડતાલીસમે પહેલું સ્મરણ સ્વાભાવિક જ પારુલ ખખ્ખરની નવી રચનાનું થાય છે. અગિયારમી મેના રોજ એણે ‘શબવાહિની ગંગા’ ફેસબુક પર મૂકી ન મૂકી ત્યાં તો તે વિશ્વવાઈરલ થઈ ગઈ! આ પછી એને કેવા દોરમાંથી પસાર થવું પડ્યું હશે એનો અંદાજે અહેસાસ તરોતાજા રચના (નિરીક્ષક, ૧૬ જૂન)માંથી પસાર થતા આવે છે : ‘ભલે હો પીડ પારાવાર, તારે બોલવાનું નહિ.’
જોવાનું એ છે કે વિધિવત્ ઘોષિત કોઈ કટોકટી નથી. જોવાનું એ છે કે નિયમિત ચૂંટણીઓ થાય છે અને ચુંટાતી સરકારો સત્તારૂઢ થતી રહે છે. પણ કેન્દ્રની વર્તમાન સરકારનાં સાતે વરસે ‘તારે બોલવાનું નહિ’ એવો કશોક વણલખ્યો આદેશ અનુભવાતો રહે છે. નહીં કે એ મુદ્દો થોડીકેક પણ ચર્ચામાં નથી આવતો; પણ તે વિશે ખૂલીને બહસ કરવાનો, કશીક દિલખુલાસ આપલે વાટે સમજ કેળવવાનો કે સધિયારો મેળવવાનો અવકાશ જ જાણે કે નથી.
આ પરિસ્થિતિમાં એક તરેહની અઘોષિત કટોકટી વાંચવાનો ચાલ છે, પણ તે મુદ્દો સામાન્યપણે પકડાતો નથી. જો કે આ સંદર્ભમાં એક પેરેલલ મને સાંભરે છે તે અહીં મૂકું છું. મોદી શાસન તળે એન.સી.આઈ.ટી. બધાં પાઠ્યપુસ્તકો (ખાસ કરીને ઇતિહાસ-રાજ્યશાસ્ત્ર સમેત સમાજવિદ્યાઓનાં) નવેસર તૈયાર કરવાની ઝુંબેશ જારી છે. આ પ્રકારની કામગીરી ખરું જોતાં કાયમી છે અને તે પક્ષનિરપેક્ષ ધોરણે ચાલુ રહેવી જોઈએ. એક અંતરાલ પછી કૉંગ્રેસને કેન્દ્રમાં મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ ૨૦૦૪થી ૨૦૧૪નો એક આખો દસકો મળ્યો ત્યારે પણ સ્વાભાવિક જ પાઠ્યપુસ્તક-સુધારનો એક દોર ચાલ્યો હતો. આ કારવાઈ દરમિયાન પાઠ્યપુસ્તકમાં ‘કટોકટી’ વિશે, એને કારણે લોકતંત્રને પહોંચેલ હાણ વિશે, વિગતવિશદ પ્રકરણ લખાયું હતું અને તે અક્ષરશઃ છપાયું હતું. વર્તમાન શાસન તળે તમે રામજન્મભૂમિ આંદોલન સહિતની બાબતો સાથે દેશે ફરી એક વાર વિભાજનની ધાર પર મુકાયાનો જે અનુભવ કર્યો હતો એને લગતા વિગતવિશદ પ્રકરણની અપેક્ષા રાખી શકો ? વિચારશો.
ગયે વરસે દિલ્હીમાં ટ્રમ્પની મુલાકાતના દિવસોમાં થયેલી હિંસાને મુદ્દે દિલ્હી પોલીસે (જે કેન્દ્ર સરકાર હસ્તક છે એણે) પકડેલા ત્રણ વિદ્યાર્થી કાર્યકરોને તાજેતરમાં હાઈકોર્ટે જામીન પર છોડ્યા છે, કેમ કે એમને પકડવા ને પૂરી રાખવા લાયક કોક ચોક્કસ વિગત આપવાની બાબતમાં પોલીસ પાછી પડી છે. એટલું ચોક્કસ કે આ વિદ્યાર્થી કાર્યકરોએ વિરોધ કર્યો હતો, પણ હિંસા સાથેની એમની સંડોવણી તો પોલીસ સાબિત કરી શકે ત્યારે સાચી. પણ પોલીસ તરફથી જે પણ પેપર્સ રજૂ થયા તે પછી (અને તે છતાં) હાઈકોર્ટે વિદ્યાર્થીઓને જામીન આપવાપણું જોયું એ હકીકત છે. હાઈકોર્ટના શબ્દોમાં “અસંમતિને રૂંધવાની લાયમાં રાજ્યમાનસમાં, અસંમતિ પ્રગટ કરવાના બંધારણીય અધિકાર તેમ જ આતંકવાદ વચ્ચેની ભેદરેખા ધૂંધળી થઈ જતી માલૂમ પડે છે. જો આવી જ માનસિકતા જારી રહેશે તો એ લોકશાહી માટે ગમખ્વાર દિવસ હશે.” શું હાઈકોર્ટના આ અવલોકનના ઉજાસમાં અઘોષિત કટોકટી નથી વંચાતી? વિચારીએ.
મદ્રાસ હાઈકોર્ટે બેત્રણ વરસ પરના એક કેસમાં હમણાં જે ચુકાદો આપ્યો તે પણ સંભારવા જોગ છે. આ કેસ કાર્ટૂન સબબ, એથી ગુનાઈત બદનક્ષી થતી હોવાને અંગે હતો. શાહુકારે ગરજમંદ માણસને નાણાં તો ધીર્યા, પણ પઠાણી વ્યાજની અપેક્ષાએ એને ખાસો પીડ્યો. પેલાએ તંત્રમાં સ્થળે સ્થળે ધા નાખી, પણ વ્યાજખોર સંપર્કો સામે એનું કંઈ ન ચાલ્યું અને અંતે એણે આત્મહત્યા વહાલી કરી. આ વાત કાર્ટૂનિસ્ટે ઝીલી : એણે મુખ્ય મંત્રી, કલેક્ટર તથા પોલીસ કમિશનર એમ ત્રણ અવસ્ત્ર આકૃતિઓ બનાવી; અને એ ત્રણેનાં ગુપ્તાંગને કરન્સી નોટો વડે ઢાંક્યાં! તો, કાર્ટૂનિસ્ટે જે કર્યું એ નસિયતપાત્ર ગણાય કે કેમ. મદ્રાસ હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું કે ગુસ્સાની લાગણી, ટીકાભાવ આવે પ્રસંગે પ્રગટ થાય તેટલા માત્રથી કોઈ ગુનો બનતો નથી. કાર્ટૂનિસ્ટનો આશય સત્તાવળાઓની બદનક્ષીનો નથી, પણ સંબંધિત મામલાની ગંભીરતાને ઉપસાવવાનો છે. એમાં કશી ગુનાઈતતા નથી. (બાય ધ વે, પારુલની ચર્ચિત રચનામાં ચંગા, રંગા, ગંગાના પ્રાસમાં આવતા ‘નંગા’ પ્રયોગનુંયે એક લૉજિક હોઈ શકે, એ સમજાય છે?)
છેલ્લાં વર્ષોમાં ૨૫-૨૬ જૂન એ ભા.જ.પ.નું એક માનીતું સ્પ્રિંગ બોર્ડ રહેલું છે. જો કે ઓણ નમોએ એક ટિ્વટ માત્રથી સંતોષ માન્યો છે – આટલાં વર્ષોમાં પહેલી જ વાર બાગે બહાર ગાગાલગા રખે ને બૂમરેંગ થાય એ બીકે – તે સૂચક છે. ગમે તેમ પણ, કૉંગ્રેસને ઝૂડવા માટે કટોકટીની વિગત એમને ઠીક કામમાં આવે છે, અને કૉંગ્રેસ વાંકમાં હતી તે હતી જ. (છતાં, કૉંગ્રેસ હસ્તક કટોકટીરાજની ટીકા કરતો પાઠ એન.સી.ઈ.આર.ટી.ના સત્તાવાર પાઠ્યપુસ્તકમાં હોઈ શકતો હતો.) મુદ્દો એ છે કે વિધિવત્ ઘોષિત કટોકટી વિના કટોકટીરાજની પેઠે ધોરાજી હંકારવાની (અઘોષિત કટોકટીની) જે રસમ કાયમી બની રહી છે એ વિશે ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ શું કહેવાનું છે.
ગુજરાત સાહિત્ય અકાદમીનું જ ઉદાહરણ લઈએ તો એણે વિધિસરની સેન્સરશિપ અગર પ્રિ-સેન્સરશિપની કોઈ કશી કાનૂની જાહેરાત વગર પરબારા સેન્સરશિપનો ચાલ દાખલ કરવાનું વલણ સરાજાહેર પ્રગટ કર્યું છે તે આપણે હમણાં જ જોયું છે. અકાદમીના અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમારો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે. બીજા શબ્દોમાં, જે તે સર્જન અને જે તે સર્જક સાથે કામ લેવામાં એ અમારો કસોટીનો પથ્થર હોઈ શકે છે. સરકાર સાહિત્યને આ ધોરણે વ્યાખ્યાયિત કરે અને સાહિત્ય પદારથ માત્રને સારુ સરકારી થપ્પો અનિવાર્ય બની રહે એવું પણ હોઈ શકે છે. (અને, અલબત્ત, આ બધું એક ચુંટાયેલી સરકાર મુજબ થઈ રહ્યું છે એટલે લોકશાહી હતી, છે અને રહેશે, એમ માનીને ચાલવાનું છે.)
ચૂંટણી અને લોકશાહીનું આ સમીકરણ પણ તપાસ માગી લે છે. લોકશાહી એ દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો નિત્ય વ્યવહાર છે. આ નિત્ય વ્યવહારમાં, પુખ્ત અને મુક્ત ચર્ચાને અનુકૂળ પર્યાવરણરક્ષામાં, શાસન જેટલું પાછું પડે અને ઓછું ઉતરે એટલી લોકશાહી છતે ચૂંટણીપૈડે લંગડાતી ચાલે. ૧૯૭૫-૭૭માં જે સ્પષ્ટ દેખાતું હતું તે ૨૦૨૧માં દેખાતું નથી એનું કારણ એ છે કે ભૂતકાળમાં જે બનતું હતું તે ચાલુ સરકાર હસ્તક ઓછીવત્તી માત્રામાં બનતું હતું. અત્યારે જે બને છે તે પ્રશ્ન માત્રાનો નથી પણ પ્રકારનો છે. મૂળભૂત અધિકારો વિધિવત્ સ્થગિત કર્યા વિના સ્થગિતવત્ કરવાની આ પદ્ધતિ છે જે પ્રથમ નજરે નયે પકડાય. ચંગા, ગંગા, રંગાના પ્રાસમાં, ‘નંગા’ વિશે ભળતીસળતી ચર્ચામાં ફંટાઈ જઈ ધોરી વાટ રખે ચૂકીએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 03
![]()


વળી સાવરકરે અહિંસાની શ્રમણ પરંપરા અને ગાંધીજી એમ બન્ને ઉપર પ્રહાર કર્યો હતો અને બન્નેનો અસ્વીકાર કર્યો હતો. સાવરકરે તો છત્રપતિ શિવાજીની પણ ટીકા કરી છે. શા માટે ખબર છે? તમને તેમની (સાવરકરની) મર્દાનગીની વ્યાખ્યા જાણીને આશ્ચર્ય થશે. શિવાજીએ મુસલમાનોની છાવણી ઉપર આક્રમણ કર્યું હતું જેમાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાક ભાગી ગયા હતા. તેમની સ્ત્રીઓને શિવાજીના સૈનિકો કબજે કરીને લઈ આવ્યા હતા અને શિવાજીને તેની જાણ કરી હતી. શિવાજી મહારાજે આદેશ આપ્યો હતો કે દુશ્મન મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓની રક્ષા કરવાનો મારો ધર્મ છે. તેમને ઉની આંચ ન આવવી જોઈએ અને સહીસલામત તેમને તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે. સાવરકર કહે છે કે આ શિવાજીની ભૂલ હતી. એ સ્ત્રીઓ એક તો મુસ્લિમ હતી અને એમાં પણ દુશ્મન સૈનિકોની સ્ત્રીઓ હતી. તેમનું યૌનશોષણ કરવાની છૂટ શિવાજી મહારાજે તેમના હિંદુ સૈનિકોને આપવી જોઈતી હતી. સાવરકર કહે છે કે માનવતાવાદી હિંદુ પરંપરાનું ભૂત શિવાજી મહારાજ ઉપર એટલી હદે સવાર હતું કે ‘સ્ત્રી દુશ્મનનું ધન છે’ અને તે સહીસલામત પાછું આપવાનું ન હોય એટલી વાત પણ તેમના ધ્યાનમાં આવી નહોતી. (કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ વાત તમે ક્યાંથી લઈ આવ્યા તો તેમને જણાવી દઉં કે સાવરકરે ‘ભારતીય ઇતિહાસતીલ સહા સોનેરી પાન’ નામનું મરાઠી ભાષામાં એક પુસ્તક લખ્યું છે જેમાં તમને આ વાત મળી રહેશે.)