‘ગુજરાતમિત્ર’ કાર્યાલયમાં સાંજને સમયે ત્યારે તંત્રીશ્રી પ્રવીણકાંત રેશમવાળાનો દરબાર ભરાતો ને એમાં માણેકશા ગ્યારા, ડો. રતન માર્શલ, કુંજવિહારી મહેતા ને બીજી નામી વ્યક્તિઓ વાતે વળગતી. એ લોકો શી વાતો કરતાં તે તો હું પામ્યો નથી, પણ કોઈ અસ્વસ્થ નહોતું એટલે સ્વસ્થ ચર્ચાઓ જ ચાલતી હશે એમ હું ધારતો. આજે તો એમાંનું કોઈ હયાત નથી, પણ પ્રવીણભાઈમાં માણસોને પારખવાનો અને જાળવવાનો ગજબનો ગુણ હતો.
નવસારીના સતીશ પંડયાએ નોંધ્યું છે કે મહેતા સાહેબ અને તંત્રી પ્રવીણકાંત તેમના પિતા ચંદ્રકાંત પંડ્યા પાસે કોલમ લખવાનું આમંત્રણ આપવા જાતે ગયેલા. તે વખતના એકમાત્ર વર્તમાનપત્રના તંત્રી આમ કોલમ લખાવવા નવસારી પહોંચે એમાં તંત્રીની ગરવાઈ ને નરવાઈ, બંને પ્રગટ થાય છે. આનંદ એ વાતનો પણ છે કે આ નરવાઈ હાલના તંત્રી ભરતભાઈમાં પણ જળવાઈ છે. હું તો ત્યારે ભગવતીકુમાર શર્માને જ જાણતો હતો ને એમને 1974ની આસપાસ ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ કરવા કોઈ કૃતિ આપવા જતો ત્યારે એ દરબાર નજરે ચડતો. એમાંના કોઈને હું ત્યારે સીધો મળ્યો ન હતો, મહેતા સાહેબને પણ નામથી જ ઓળખતો હતો. એમની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ નામની કોલમ ‘સમાલોચક’ના નામે ચાલતી. હું એ રસપૂર્વક વાંચતો. ત્યારે કલ્પના નહીં કે મહેતા સાહેબના સીધા પરિચયમાં આવવાનું પણ થશે. તેમની કોલમ ‘ગુજરાતમિત્ર’માં તેત્રીસ વર્ષ સુધી સળંગ ચાલી. કોલમમાં એ એટલા નિયમિત હતા કે મૃત્યુ પર્યંત અપવાદરૂપે પણ એ કદી અટકી જ નહીં, એટલું જ નહીં, તેમના મૃત્યુ પછી પણ ત્રણેક મંગળવાર સુધી એ ચાલેલી. આવી નિયમિતતા અને વહીવટી કુશળતા અધ્યાપક અને આચાર્ય તરીકે પણ તેમનામાં છેવટ સુધી જળવાઈ રહેલી. એમ.ટી.બી.
કોલેજના એ વિદ્યાર્થી રહ્યા અને એમાં જ અધ્યાપક અને આચાર્ય પણ થયા. 14 વર્ષ આચાર્ય રહ્યા પછી 1983માં નિવૃત્ત થયા. એ પછી 11 વર્ષે, 30 જાન્યુઆરી, 1994ને રોજ એમણે સાવ અણધારી વિદાય લીધી. ‘સાહિત્યરંગ’, ‘અનુબોધ’, ‘સાહિત્યકુંજ’ જેવાં દશેક પુસ્તકો એમનાં પ્રગટ થયાં છે. એમણે વાર્તા, નાટક લખવાનું સાહસ પણ કરેલું, પણ વહીવટી જવાબદારીએ એમનામાંના સર્જક, વિવેચકને લગભગ અપ્રગટ જ રાખ્યા. ગદ્યલેખનમાં સાહેબ શૈલી સુખમાં કદી રાચ્યા નથી. સોંસરું ને સીધું કહેવાનું જ એમને ફાવ્યું છે. એમની કોલમ લોકપ્રિય જરૂર હતી, પણ લોકપ્રિય રહેવા એમણે કોઈ સમાધાનો કર્યાં નથી. એ પોતે માનતા કે લોકપ્રિયતા સિદ્ધાંતથી નહીં, પણ સમાધાનથી મળતી હોય છે. સાચું તો એ છે કે એ એક વ્યક્તિનું સ્વયંભૂ ને સ્વસ્થ આંદોલન હતા.
એ સ્પષ્ટવક્તા હતા એટલું જ નહીં, સત્યવક્તા પણ હતા. શહેરના અનેક પ્રશ્નોની એમણે ખૂલીને ચર્ચા કરી છે. કોઇની શરમ એમને નડી નથી. એમનો રસ અધ્યાપક કે આચાર્ય પૂરતો જ, સાહિત્ય, શિક્ષણ, સમાજ કે સંસ્કૃતિમાં ન હતો, એમના સમગ્ર અસ્તિત્વથી એ સમસ્યાને જોવા-ઉકેલવાનો પ્રયત્ન કરતા. સાહેબને વધતા આવતા પશ્ચિમી પ્રભાવનો આનંદ ન હતો, તો બીજી તરફ ભૂલાતી જતી સાંસ્કૃતિક પરંપરાનો અફસોસ પણ હતો, એ સાથે જ અંધાનુકરણનો પણ એમને સખત વાંધો હતો. એ સમસ્યાના મૂળ સુધી જતા અને જવાબદારોનું તીવ્રતાથી ધ્યાન ખેંચતા. એમની સજ્જતા અને વિદ્વત્તા કુલપતિ કક્ષાની હતી. આજે તો આ શહેરમાં યુનિવર્સિટીઓની ખોટ નથી, પણ શહેરને ટેકનિકલ અને મેડિકલ યુનિવર્સિટીઓ મળવી જોઈએ એની સોંસરી રજૂઆતો એમણે કરી હતી. પછી તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પણ સુરતમાં થઈ, પણ કુલપતિની બધી પાત્રતા છતાં કુલપતિપદ એમના સુધી ન પહોંચ્યું. ન જ પહોંચે, કારણ એ પદ માટેનો જરૂરી ગુણ – ખુશામત, સાહેબમાં ઊંડે ઊંડે ને દૂર દૂર સુધી ક્યાં ય ન હતો. એવું હોય ત્યાં કુલપતિ બનવાની વાત તો દૂર, એ પદને સાહેબ કલ્પે પણ નહીં એ સ્વયં સ્પષ્ટ હતું.
સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહેતા સાહેબના પ્રિય અધ્યાપક. જેમ ‘ગુજરાતમિત્ર’ કાર્યાલયમાં દરબાર ભરાતો એમ વિષ્ણુભાઈના ઘરે પણ મહેતા સાહેબ, જયંતભાઈ, ભગવતીભાઈ, યશવંત શુક્લ ને બીજા ઘણા સર્જકો ભેગા થતા. નૂતન વર્ષની સવારે અમે અચૂક મળતા ને એમ વર્ષની શરૂઆત થતી. વિષ્ણુભાઈ માટે સાહેબે બે લેખ પણ લખ્યા છે. એમ તો સાહેબે ગોવર્ધનરામથી માંડીને ગાંધીજી સુધીના ઘણા સર્જકો વિષે વિવેચનાત્મક લેખો લખ્યા છે. સાહેબ પ્રખર અભ્યાસુ હતા તે તેમના સાહિત્ય અને સર્જકો અંગેના લેખો તથા સંસ્કૃતિ, સમાજ, ધર્મ અને વિજ્ઞાન પરના લખાણો પરથી જાણી શકાશે. વિજ્ઞાન તેમને નિરાશા જન્માવતું લાગ્યું છે, તો ધર્મ તેમને ઠગારી આશા આપતો પણ લાગ્યો છે. કોરોના કાળમાં આપણને જે અનુભવો થઈ રહ્યા છે તે સાહેબને વધુ પ્રસ્તુત બનાવે છે.

એમ.એ.માં હું એમનો વિદ્યાર્થી હતો, એટલે ખબર કે વર્ગમાં એમનો પ્રભાવ કેવો હતો. ચહેરા પર કરડાકી અને ભીતર કૂણી સહૃદયતા તેમનાં વ્યક્તિત્વના અભિન્ન અંગો હતા. આચાર્ય હોવાનું ગૌરવ એમને હતું, પણ ગર્વ ન હતો. વર્ગમાં વિદ્યાર્થીનો મત જુદો પડે તો તેને સ્વીકારવાની ખેલદિલી સાહેબમાં હતી. એક વાર વિશ્વ સમક્ષ ધરી શકાય એવા કવિઓ તરીકે એમણે બે જ નામ ઉમાશંકર અને નિરંજન ભગતના કહ્યાં તે મને ઓછાં લાગ્યાં એટલે મેં નકારમાં માથું ધૂણાવ્યું. સાહેબે એ જોયું ને પૂછ્યું તો મેં કહ્યું કે સુરેશ જોશીનું નામ ઉમેરવું જોઈએ. જરા વિચારીને એમણે આખા વર્ગ સમક્ષ મારો મત સ્વીકાર્યો.
સાચી વાત તો એ છે કે એમ.એ., હું, તેમની સૂચના અને ઉદારતાથી થયો હતો. મેં બી.એ. નવયુગ કોલેજમાંથી કર્યું હતું. એનું એક પેપર મહેતા સાહેબે તપાસેલું. એ પેપર સાહેબને ગમ્યું. એમણે સૌથી વધુ માર્કસ મને આપ્યા. ત્યારે મને ખબર નહીં કે પેપર સાહેબ પાસે છે ને એમને ય ખબર નહીં કે એ પેપરનો લખનાર હું છું. એમણે નવયુગના સુરતી સાહેબને પૂછ્યું કે તમારે ત્યાં આ નંબરનો વિદ્યાર્થી કોણ છે? સાહેબે મારું નામ કહ્યું ને ઉમેર્યું કે એ લખે છે. મહેતા સાહેબે કહ્યું કે એને કહો કે મને મળે. હું ભગવતીભાઈની સાથે એમને ઘરે ગયો. એમણે કહ્યું કે એમ.એ. કરો. મેં કહ્યું કે હું તો બેંકમાં નોકરી કરું છું, વર્ગો નહીં ભરી શકું. સાહેબે કહ્યું કે અનુકૂળતા હોય ત્યારે આવજો. મેં શરૂ કર્યું ને એમ.એ.નાં બીજા વર્ષમાં વાર્ષિક પરીક્ષા નજીક હતી ત્યારે મારી બાનું મૃત્યુ થયું. હું ભાંગી પડ્યો હતો. સાહેબ ઘરે આવેલા ત્યારે હું બહાર ગયેલો. બીજે દિવસે આભાર માનવા તેમની ઓફિસે ગયો તો તેમણે કહ્યું કે તમે પરીક્ષા નથી આપવા માંગતા? મેં હા- પાડી. એમણે સમજાવ્યો, એવું ન કરો. પરીક્ષા આપી દો. એમની વાત મેં માની ને એમ.એ.માં પણ મને ગોલ્ડ મેડલ મળ્યો. એ પછી તો સાહેબને ઘણા પ્રસંગે મળવાનું થયું. ‘ગુજરાતમિત્ર‘માં જ મેં શિક્ષણ વિષયક થોડા લેખો લખેલા. સાહેબ, એમની કોલમ તો ત્યારે પણ લખતા જ હતા. મારા લેખો વાંચીને એમણે મને જાહેરમાં બિરદાવેલો. આ ઉદારતા ને ખેલદિલી આજે જોવા મળતી નથી. આમાં હું મારી વાત કરું છું એવું કોઈ કૃપા કરીને ન માને. માણસને પારખવાની ને જાળવવાની જે ક્ષમતા ને કુનેહ મહેતા સાહેબમાં હતી તેની ભારોભાર ખોટ અત્યારે વર્તાય છે. સાહેબે મને જ મદદ કરી હતી એવું ન હતું, એમની મદદથી ભણેલી અને નોકરીમાં આગળ વધેલી ઘણી વ્યક્તિઓ આ શહેરમાંથી જ મળી આવશે. એમની મદદ અધ્યાપકો, શિક્ષકો, પટાવાળા, વિદ્યાર્થીઓ ને સામાન્ય માણસ સુધી વિસ્તરેલી હતી. એમની ખૂબી એ હતી કે પોતાને માટે એમણે કોઇની મદદ લીધી નહીં, પણ કોઇને મદદ થતી હોય તો જોખમ વહોરીને પણ એ કરતા.
સાહેબ સ્વસ્થ સાહસિક હતા. મૂળ નવસારીના, પણ ગણાયા સુરતના. 1923ની 14 જુલાઈએ એમનો જન્મ. પંડ્યા ખડકીમાં તેમનું ઘર. એમનું લાડનામ – બચુ. તેમના બા તેમને એ નામે બોલાવતા અને માળ પરથી ડોકિયું કરી ચિંતાથી બબડતાં – હજી બચુ કેમ ન આવ્યો?
સાહેબ તો પછી રહ્યા નહીં. પણ નવસારીનું એમનું ઘર કપાતમાં જતું હતું ને સાહેબના કુટુંબીજનોને એમાં કોઈ રસ હતો નહીં, કારણ ત્યાં કોઈ રહેતું ન હતું. જો કે, રસ્તો પહોળો થતો હતો એટલે લોક હિતાર્થે કોઈ પણ અવેજ લીધા વિના પુત્ર કશ્યપ મહેતા અને પુત્રી સ્વાતિ મહેતાએ સુધરાઈને સંમતિ આપી. એ માર્ગને કુંજવિહારી મહેતાનું નામ અપાયું. એમ તો નાનપરામાં પણ સાહેબનું ઘર છે, પણ સુરત મનપાને કૈં સૂઝે તેની રાહ જોવાની રહે.
સાહેબ 1939માં એમ.ટી.બી.માં જોડાયા. 1945માં ગુજરાતી-અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમનો બાંધો એકવડો. આંખો સોંસરું વીંધતી સ્પષ્ટ અને તેજસ્વી. સફેદ કફની-પાયજામો તેમનો સાદો પોષાક. તેમને કાર અને સાઇકલ સરખા રસથી ચલાવતા મેં અનેકવાર જોયા છે.
મહેતા સાહેબે 27 નવેમ્બર, 1950 ને રોજ તપોધન કન્યા લીલાબહેન રાવલ સાથે લગ્ન કર્યાં. તે સમયે બ્રાહ્મણો-બ્રાહ્મણોમાં પણ ઘણી ઊંચનીચ. સમાજે વિરોધ કર્યો અને એ વિરોધને ધરાર અવગણીને સાહેબે લગ્ન કર્યાં. આ વિરોધ જીરવવાનું સહેલું નહીં જ રહ્યું હોય, પણ કુંજવિહારી કોને કહ્યા છે ! એ લગ્ન ટક્યું અને સાહેબનાં મૃત્યુ પર્યંત ટક્યું. પછી તો ગુજરાત રાજ્ય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના સાહેબ સભ્ય રહ્યા ને સરકારની સમિતિમાં રહીને પણ તેમણે ઘણાં સેવાકાર્યો કર્યાં. સાહેબ આજે હોત તો 98 વર્ષના હોત. તેમની વિદાયને પણ 31 વર્ષ થયાં છે, પણ સાહેબ ભૂલાતા નથી. અગાઉ ક્યારે ય ન હતા એટલા સાહેબ, આજે પણ પ્રસ્તુત લાગે છે. 2022માં એમનું શતાબ્દી વર્ષ શરૂ થશે. બીજા કોઈ કરે કે ન કરે, પણ એમ.ટી.બી. કોલેજે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી(હવે તો યુનિવર્સિટી)એ જીવ રેડીને આખું વર્ષ ઊજવવું જોઈએ. કોલેજ કે સોસાયટી શતાબ્દી ઘરમેળે ઊજવીને બેસી ન રહે ને શહેર વ્યાપી સમિતિ રચીને વ્યાપક ઊજવણી કરે તે અપેક્ષિત છે. એ સાથે જ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને કે.સી. મહેતા યુનિવર્સિટી જેવું નામાભિધાન થાય તેવી હું તીવ્રપણે લાગતા વળગતાને જાહેર અપીલ કરું છું. એમ કરવાથી મહેતા સાહેબનું આ સંસ્થા પરનું ઋણ તો યત્કિંચિત જ ફેડાશે, પણ આપણે પણ ઊજળા દેખાઈશું. આશા છે આ અંગે ગંભીરતાથી પરિણામદાયી વિચારણા થશે.
આભાર.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


એલ્ગાર પરિષદ અને ભીમા-કોરેગાંવ ઉજવણીના સિલસિલામાં પકડાયેલા સોળ કથિત કાવતરાખોરો પૈકી એક સ્ટેન સ્વામી પણ હતા. ખરું જોતાં આ આયોજનમાં એ કશેય નહોતા પણ એમને શકના દાયરામાં લેવાયા. કમાલનો એટલો જ કરપીણ આ કેવળ કલ્પિત અને હિંસ્ર હીનવૃત્તિગ્રસ્ત કેસ, પાછો, વડા પ્રધાનની હત્યાના કાવતરા સુધી ખેંચાયેલો છે એ પણ એક યુગબલિહારી છે. આ પ્રકારની કેસાકેસીનું જે ન્યૂ નૉર્મલ છે એને અઘોષિત કટોકટી ન કહીએ તો બીજું શું કહીએ, વારુ.
આજના કોરોનાના કપરા આર્થિક કાળમાં સાવર્ત્રિક તંગી વચ્ચે કોઈ સંસ્થાનો અહેવાલ સળંગ આર્ટપેપર પર છપાઈને આવે તો એ અચરજનો વિષય છે. ખેર, એમાં ય એના અધ્યક્ષશ્રીનો થયેલો મહિમા પણ અચરજ ઉપજાવે એવો છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ચાર વર્ષની પોતાની યશસ્વી કામગીરીનો એમાં અહેવાલ આપ્યો છે. એમણે ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ સંસ્થાને સ્વાયત્તતાના મુદ્દા પર પ્રવેશ કરાવી સાથે-સાથે સદંતર અતાર્કિક મુદ્દાઓ ઉછાળ્યા છે જે તથ્ય અને સત્યથી વેગળા છે.