બીજી ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી થઈ અને ત્રીજી ઓક્ટોબરે આપણા ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં ભયંકર હિંસક ઘટના બની.
બન્યું એવું કે ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લાના તિકુનિયા પાસે એક કુસ્તીનો કાર્યક્રમ હતો અને એમાં રાજ્યના ઉપમુખ્ય મંત્રી હાજર રહેવાના હતા. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે એ આપણી જાણમાં છે, કેટલાક ખેડૂતો આ સ્થળે પણ કૃષિ કાયદાનો વિરોધ કરવા પહોંચ્યા.
તેઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક પાછળથી એક THAR જીપ પૂર ઝડપે આવે છે અને એમની ઉપરથી પસાર થઈ જાય છે. જીપની પાછળ પાછળ Fortuner અને Scorpio પણ …
અને ચાર ખેડૂતોના અને એક પત્રકારનું કરુણ મોત નીપજે છે.
આ જીપના માલિક ભારતના 'ગૃહ રાજ્ય મંત્રી’ અજય મિશ્રા છે અને ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોનું કહેવું છે કે ગાડીઓના આ કાફલામાં એમનો પુત્ર આશિષ મિશ્રા પણ હતો.
પ્રતિક્રિયા સ્વરૂપે થયેલી હિંસામાં જીપના ડ્રાઈવર અને બે ભા.જ.પ. કાર્યકરોનું પણ મૃત્યુ થાય છે.
અલબત્ત,એ પણ દુર્ભાગ્યપૂર્ણ જ છે.
(તમને જણાવી દઉં કે મંત્રીઓ બે પ્રકારના હોય છે,
૧. કેબિનેટ કક્ષાના (સિનિયર) ૨. રાજ્ય કક્ષાના (જુનિયર)
અમિત શાહ કેબિનેટ કક્ષાના ગૃહ મંત્રી છે અને અજય મિશ્રા રાજ્ય કક્ષાના.
પહેલાં તો આ સમાચાર છાપામાં વાંચ્યા હતા, એટલે એમ થતું હતું કે આવું તો કેવી રીતે થઈ શકે?
પણ જેમ જેમ એક પછી એક video સામે આવતા ગયા એ જોતાં અરેરાટી વ્યાપી.
કોઈની ઉપર વાહન ચઢાવી કેવી રીતે દેવાય?!
દૃશ્યો જોતાં માલુમ પડ્યું કે આંદોલનકારીઓને કીડી-મંકોડાની જેમ કચડી નાખવામાં આવ્યા છે.
આવું તો કેમ ચાલે?
આવું દુઃસાહસ કોઈ કેવી રીતે કરી શકે?
મોટા દુઃખની વાત એ છે કે આ હત્યાકાંડ સાથે દેશના ગૃહ રાજ્ય મંત્રી અને એમના દીકરાનું નામ જોડાયેલું છે.
રક્ષક બન્યા ભક્ષક
તમને જાણીને નવાઈ લાગશે પણ આવું દુઃસાહસ કરવાની પ્રેરણા પણ દેશના ગૃહ રાજ્ય મંત્રીએ પોતે જ આપેલી છે.
આ ઘટના બન્યા પહેલાં તેઓ એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા (ધમકી આપી રહ્યા હતા),
‘હું અજય મિશ્રા, અત્યારે દેશનો ગૃહ રાજ્ય મંત્રી છું, એના પહેલાં સાંસદ હતો અને એના પહેલાં ધારાસભ્ય.
પણ એના પહેલાં શું હતો એ યાદ કરી લેજો …
બે મિનિટમાં તમને હટાવી દઈશ.’
ધારાસભ્ય બન્યા પહેલાં આ ભાઈ શું હશે એ તમે વિચારી લેજો.
ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આ ધમકી અપાયાના થોડાક જ દિવસ બાદ રસ્તા પર આંદોલન કરતા ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રીની જ જીપ તળે કચડી નાખવામાં આવ્યા.
કહે છે કે જીપ ડ્રાઈવર ચલાવતો હતો, પણ ડ્રાઈવર આવું ક્યારે કરે?
ચોક્કસથી માલિકની મરજી હોય તો જ.
આપણા દ્વારા ચૂંટાયેલા નેતાઓ આપણને જ કચડી નાખે એવા દિવસો આવ્યા.
અચ્છે દિન!
કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ આ ઘટનાથી વ્યથિત થાય એ સ્વાભાવિક છે.
વધુ અકળામણ તો ત્યારે થઈ જ્યારે ચાર-ચાર દિવસ થવા છતાં ગૃહ રાજ્ય મંત્રીના દીકરાની ધરપકડ પણ ના થઈ. આવું તો કેવી રીતે ચલાવી લેવાય?
આમ તો લોકશાહી પરંપરા મુજબ ગૃહ રાજ્ય મંત્રીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામુ આપી દેવું જોઈએ પણ ઊલટાનું તેઓ તો પોતાના પુત્રનો બચાવ કરી રહ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી પોતાની જવાબદારી ના સમજી શકે તો પ્રધાન મંત્રીએ એમનું રાજીનામુ લઈ લેવું જોઈતું હતું પણ કાયમી કુટેવ મુજબ નરેન્દ્રભાઈએ આ મુદ્દે મીંઢું મૌન સેવ્યું છે.
નવાઈની વાત તો એ છે કે ગુનેગારની ધરપકડ કરવાનું બાજુ પર મૂકીને ઉત્તર પ્રદેશની સરકારે વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરી દીધી.
આ ક્યાંનો ન્યાય?
બીજી બાજુ દેશના ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશ જવાને બદલે ગુજરાત આવી રહ્યા હતા.
ચૂંટણીજીવી માણસો જોડે બીજી શું અપેક્ષા રાખી શકાય?!
આમ પણ દર વર્ષે બીજા નોરતે થતી માણસા મુલાકાત અમારા (માણસાના લોકો) માટે ત્રાસદાયક હોય છે અને આ વખતે તો ઉપરોક્ત ઘટનાએ વધુ અકળામણ સર્જી.
મારાથી રહેવાયું નહીં અને મેં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની ઘટના સંદર્ભે એક પદયાત્રા કાઢવાનું નક્કી કર્યું.
બહુ ઉતાવળે બધું નક્કી થયું એટલે અનુકૂળતાના અભાવે અન્ય કોઈ મિત્રો મારી સાથે જોડાઈ શકે એમ નહોતા.
છતાં ય મારે વાત પહોંચાડવી જ હતી એટલે એકલા તો એકલા પણ પદયાત્રા કાઢવી એ પાક્કું કર્યું.
યાત્રામાં ચાર વાતો મુકવી જરૂરી લાગી.
૧. ગૃહ રાજ્ય મંત્રીની જીપ નીચે કચડાઈ મરવાના દિવસો આવ્યા …
અચ્છેદિન (Narendra Modi માટે)
૨. અત્યારે તમારે અહીંયા નહીં પણ ઉત્તર પ્રદેશમાં હોવું જોઈએ કે જ્યાં તમારા સાથી મંત્રીની જીપ તળે ચાર ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે.
#લખીમપુરખીરી ( Amit Shah માટે)
૩. HOW DARE YOU ??? (મંત્રી, પુત્ર માટે)
૪. સવાલ ન્યાયનો છે.
#લોકશાહી (આપણા સૌ માટે)

છબિ સૌજન્ય : "ગુજરાત સમાચાર"
મિત્ર આદિત્યની મદદથી હું યાત્રાના પ્રસ્થાન બિંદુએ પહોંચ્યો,
એક પોસ્ટર છાતી પર અને બીજું પીઠ પાછળ લગાવ્યું, એક હાથમાં બેનર લીધું અને બીજામાં સ્પીકર.
રઘુપતિ રાઘવ રાજા રામ … (instrumental) સાથે માણસાના ભા.જ.પ. નેતા ડી.ડી. પટેલના ઘેરથી સવારે 9:30 એ પદયાત્રા શરૂ થઈ.
હાઈવેથી શરૂ થયેલી યાત્રાને લોકો નમી નમીને જોઈ રહ્યા હતા.
કદાચ લખાણ પણ વાંચતા હોય.
કેટલાક વાહન ચાલકોએ વાહન ઊભું રાખીને / પાછું વાળીને યાત્રા શેના વિશે છે એ જાણવાની કોશિશ કરી.
મૂળભૂત રીતે આ કાંઈક નવું હતું, લોકોને એમ થતું હશે કે આ ભાઈ આ શું લટકાવીને ચાલ્યો જાય છે.
સંગીતના સાથે યાત્રાને થોડીક ગરિમામય બનાવી એવું કહેવું જોઈએ.
થોડુંક ચાલતાં જ રસ્તામાં જકાતનાકા પાસે પોલીસનો ડબ્બો ઊભો હતો, મનમાં થયું કે આ લોકો પકડી લેશે તો લોકો સુધી સંદેશો નહીં પહોંચે. પણ કદાચ એમણે મને જોયો નહિ અથવા અવગણ્યો.
રસ્તામાં એક કાકાએ મારી આ યાત્રાનો કડક શબ્દોમાં વિરોધ કર્યો, અને મેં ખેડૂતોને કચડી મરાયા એ ઘટના યાદ દેવડાવી.
હાઈવે પર ચાલતાં ચાલતાં યાત્રા માણસા ગામના બગીચા પાસે પહોંચી અને નગરપાલિકા પાસેથી હું પાછો વળ્યો, ત્યાંથી ચાલતાં ચાલતાં વિઠ્ઠલભાઈના પૂતળે થઈને યાત્રા માણસાના બજારમાં પ્રવેશી.
હું જોતો હતો કે કેટલાક લોકો કુતૂહલપૂર્વક ફોટા પાડી રહ્યા છે.
બજારમાં એક નાના બાળક પાસેથી હું પસાર થયો ત્યારે એ બાળક એના પપ્પાને પૂછી રહ્યું હતું, ‘પપ્પા આ શું જાય છે?’
એના પપ્પાએ શું જવાબ આપ્યો હશે એ તો ખબર નહીં પણ બાળકને આવો સવાલ થયો એટલે મોટેરાઓને પણ કાંઈક તો થયું જ હશે.
બધા તો નહીં પરંતુ ઘણા બધા લોકો આ કાંઈક વિચિત્ર લાગતા દૃશ્યને જોઈ રહ્યા હતા, વાંચી રહ્યા હતા, વિચારી રહ્યા હતા.
રસ્તામાં કેટલાક પરિચિત મિત્રો પણ મળ્યા, એમને તો એમ જ થયું હશે કે એ આ પ્રદ્યોત કાંઈક નવું લાવ્યો!
યાત્રા દરમિયાન સતત પેલા વીડિયો મારી નજર સમક્ષ આવતા હતા અને મારી આંખો …
કદાચ એટલે જ હું કોઈની સામે આંખમાં આંખ મેળવ્યા વગર સીધું જોઈને ચાલ્યો જતો હતો.
એટલામાં દેવડાવાસ આગળ અચાનક એક ભાઈએ મારો હાથ પકડ્યો અને મને રોકવાની કોશિશ કરી. હું રોકાયો નહીં, પછી એણે ચાલતાં ચાલતાં મારો પરિચય લીધો. અને કદાચ પોલીસને ફોન કર્યો.
બજારમાંથી મસ્જિદ ચોક થઈને યાત્રા મહાત્મા ગાંધી પુસ્તકાલયવાળા ટાવર આગળ પહોંચી કે જ્યાં થોડેક દૂર બહુચર માતાનું મંદિર છે, અમિતભાઈ દર વર્ષે ત્યાંની આરતીમાં ભાગ લે છે.
ત્યાંથી આગળ વધતા મેઈન (જૂના) બજારમાં થઈને હું કાળીમાતાના ચોક બાજુ પહોંચ્યો, પેલો ભાઈ મારો પીછો કરી રહ્યો હતો અને કોઈકને ફોન પર વિગત આપી રહ્યો હતો.
મારી પદયાત્રાનું અંતિમ સ્થળ માણસા સિવિલ હોસ્પિટલ હતી કારણ કે અમિતભાઈ એની મુલાકાત લેવાના હતા.
હું સિવિલથી ૧૦૦ ડગલાં દૂર હતો ત્યાં પોલીસની જીપે મારી આવીને મારો રસ્તો રોકી દીધો. કોન્સ્ટેબલે મને જીપમાં બેસી જવા જણાવ્યું પણ મેં ના ભણી.
મેં કહ્યું, મેં આ પોસ્ટરમાં કાંઈ ગાળો નથી લખી.
તો ય એમણે મને જીપમાં બેસી જવા આગ્રહ કર્યો.
મેં કહ્યું, ‘લોકશાહીમાં અમને વિરોધ કરવાનો પણ અધિકાર નથી?’
તો ય એમણે એમની વાત પકડી રાખી.
એટલામાં થોડાક લોકો એકઠા થઈ ગયા.
મારી સતત ના હોવા છતાં મને બળજબરીપૂર્વક જીપમાં બેસાડી દેવાયો.
અને 10;15એ મારી યાત્રાનો અંત આવ્યો.
પોણો કલાક ચાલેલી આ યાત્રા મારી કલ્પના મુજબ લગભગ પૂરી થઈ ગઈ હતી એટલે અસંતોષ નહોતો. (મૂળે વાત પહોંચાડવાનો આશય પૂરો થયો હતો.)
આમ એમની ઇચ્છા કોઈ ર્નિજન સ્થળે જ મને પકડી પાડવાની હતી કે જેથી કોઈ જાણે નહીં પણ એ શક્ય ન બન્યું.
પેલા ચાડિયાભાઈ જીપમાં ડ્રાઈવર પાસે બેઠા અને એક પો.કો. મારી પાસે. મેં ચાડિયાભાઈનો પરિચય માંગ્યો તો મને કહે હું પત્રકાર છું. મને એમનો જવાબ ખોટો લાગ્યો.
મેં કહ્યું, ‘સામાન્ય રીતે પત્રકાર આવું કરે નહીં અને તમે ખરેખર પત્રકાર હોવ તો બિકાઉ ગણાઓ’
છેવટ સુધી એ ભાઈએ એનું નામ તો ના જ જણાવ્યું. પણ એ ચહેરો સાવ અપરિચિત પણ નહોતો.
એટલામાં જીપ પોલીસ સ્ટેશને પહોંચી.
સામાન્ય રીતે આવી બધી ઘટનાઓ પૂર્ણ થઈ ગયા બાદ જ હું મારા ઘેર જણાવતો હોઉં છું કારણ કે ઘરવાળાં બહુ ચિંતા ના કરે પણ એ દિવસે પોલીસ સ્ટેશનમાં અમારા ગામનો એક કેસ આવ્યો હતો એટલે વાત તરત ઘેર પહોંચી ગઈ.
ગાડીમાંથી ઊતરતાં વેંત પોસ્ટર વગેરે લઈ લેવાયાં.
એટલામાં મારે નિશાળે જવાનો સમય થયો, મને એમ કે આ લોકો થોડીવારમાં મને છોડી દેશે એટલે હું મારા સહકર્મીને ફોન પર જણાવી રહ્યો હતો કે હું થોડીવારમાં આવું છું.
પણ છોડવાની વાત તો બાજુ પર રહી એ લોકોએ બળજબરીપૂર્વક મારો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો.
(કાયદેસર એ લોકો મારો ફોન જપ્ત કરી શકે કે કેમ એની મને જાણ નહોતી એટલે …)
આ દરમિયાન અકળાઈને મેં પોલીસવાળાઓને કહ્યું,
‘તમે તો સરકારના ગુલામ છો, હું નથી.’
ગુલામ શબ્દ સાંભળીને એક પો.કો. મારી પર ગુસ્સે થઈને બોલ્યો, ‘તમે પણ સરકારના નોકર જ છો, અને ૫૦,૦૦૦ પગાર લઈને તમે કેટલા આઈ.પી.એસ. પેદા કર્યા?’
મેં કહ્યું, ‘પહેલી વાત તો એ કે હું સરકારે કહેલી અયોગ્ય બાબતો માનતો નથી એટલે હું સરકારનો ગુલામ તો નથી જ, બીજું એ કે અમારું (શિક્ષકોનું) કામ આઈ.પી.એસ. પેદા કરવાનું છે જ નહીં, કોઈક પોતાની ધગશથી થાય એ જુદી વાત છે, અમારું કામ તો સારા નાગરિકો પેદા કરવાનું છે.’
આટલું સાંભળ્યા બાદ એ ભાઈ સાધારણ ઠર્યા. (ગુલામ શબ્દ સાંભળવો પણ ગાળ જેવો લાગે છે છતાં ય લોકો મજબૂરીના માર્યા …)
ખેર, મને એક પાટલી પર બેસાડવામાં આવેલો, હું પોલીસ સ્ટેશન પહોંચ્યો એ પહેલાં મારી વાત બધા પોલીસવાળાઓ સુધી પહોંચી ગઈ હશે, એટલે જ આવનાર સૌ મારી સામે જોઈને પૂછતા હતા, આ પેલો ભાઈ.
પછી પોસ્ટર વાંચીને મોટા ભાગે એવું બોલતા, આ બધું કરવાની શું જરૂર હતી?
મારો જવાબ એક જ હતો, લખીમપુર ખીરી વાળી ઘટના બાદ મને કરવા યોગ્ય લાગ્યું એ મેં કર્યું.
એટલામાં પોલીસ ઇન્સ્પેકટર આવ્યા. મને પોસ્ટર સહિત P.I. સમક્ષ રજૂ કરવામાં આવ્યો, એમણે મારી સાથે થોડુંક ઉદ્ધત વર્તન કર્યું. બારીના કાચ તૂટી જાય એટલું તો તાડુક્યા.
પછી પોસ્ટર વાંચીને સૂચના આપી કે અમિત શાહ આવીને જાય પછી આને છોડજો.
ફિક્સ પગારના કર્મચારીને આમ પણ 12 જ રજાઓ મળે એમાંથી એક આ લોકો ખાઈ ગયા!
પછી મારું નિવેદન નોંધવામાં આવ્યું, જે ભાઈ આઈ.પી.એસ. વાળી વાત કરતા હતા એ જ type કરવા બેઠા હતા, વાતવાતમાં એમણે કહ્યું કે ‘હું પણ ખેડૂત જ છું અને જે થયું છે એ બહુ ખોટું થયું છે.’
આ સાંભળીને મને થોડીક હાશ થઈ.
નિવેદનમાં મારો પરિચય અને પદયાત્રાનું કારણ નોંધવામાં આવ્યાં.
ત્યાર બાદ કુદરતી ગાદીના અભાવે લાકડાની પાટલીના બદલે મેં ગાદીવાળી ખુરશીમાં બેસવાનું પસંદ કર્યું.
અને પછી પોલીસ સ્ટેશનમાં ચાલુ થયું લોકશાહીપુરાણ.
કેટલાક રસિકજનોએ પ્રેમપૂર્વક મારી સાથે સંવાદ કર્યો.
થોડાક જ દિવસ પહેલાં એક બાબતે મારું એક પોસ્ટકાર્ડ ત્યાં પહોંચ્યું હતું એટલે એ રીતે પણ થોડોક વિગતે પરિચય થયો.
બહુ વાતો થયા પછી એક પોલીસવાળાભાઈ મને કહે, ‘અમારા પગાર બાબતે કાંઈક લખોને!’
(અલ્યા, તમારા પગાર બાબતે ય અમારે લડવાનું?!)
બીજા એક પો.કો. કહે, ‘ભાઈ અમારા ગામના સરપંચ પાણી બાબતે ભેદભાવ કરે છે અને અમારા મહોલ્લામાં બહુ મોડું પાણી છોડે છે એટલે મારે નાહ્યા વગર પોલીસ સ્ટેશને આવવું પડે છે, એનું કાંઈક કરો ને!’
આવું બધું સાંભળીને મને એમ થયું કે અહીંયા પણ બધા પીડિતો જ છે.
મેં ઉપરોક્ત બંને મિત્રોને સાંત્વના આપી.
સાંજે અમિત શાહ આવવાના હોઈ, ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હતો એટલે ધીમે ધીમે સૌ રવાના થયા. આખા જિલ્લાની પોલીસ માણસામાં ઉતારી હતી.
આ વધારે પડતી સુરક્ષાને લઈને અમે આપણા દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા.
અને મેં પોલીસની પીડા અંગે પણ લખ્યું છે એ દર્શાવતાં, 'રાષ્ટ્રવાદી છત્રી’ને યાદ કરી.
માણસા પોલીસ સ્ટેશનમાં મચ્છર સિવાય કોઈ તકલીફ નહોતી.
એટલે પી.આઈ.ને એક પત્ર લખવાનું નક્કી કર્યું,
જેમાં ગુસ્સો કરવાથી બી.પી. વધે અને મચ્છર કરડવાથી રોગ થાય એવું બધું લખવાનું વિચાર્યું.આ બધું જાણીને પોલીસ સ્ટાફ બોલ્યો,‘લખો, લખો, મજા આવશે.’ભોજનનો સમય થતાં પોલીસે ભોજનનો ભાવ પૂછ્યો પણ મેં આદિત્ય મારફત મારા ઍક્ટિવામાંથી નાસ્તાનો ડબ્બો મંગાવીને ખાધું.
બાદમાં એક કાઁગ્રેસી કાર્યકર્તા મને મળવા આવ્યા.
મારે એમને કહેવું પડ્યું કે આ તમારે કરવાનાં કામ હું કરું છું.
એમણે થોડીક પૃચ્છા કરી અને યાત્રાને સમાચાર બનાવ્યા.
માણસા નાનું ગામ છે એટલે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ કેટલા ય પરિચિતો મળ્યા. એક પરિચિતને તો ત્યાં બેઠા બેઠા અરજી પણ લખી આપી.
જેમ જેમ મારી ધરપકડની જાણ થતી ગઈ એમ એમ મિત્રો મળવા આવવા લાગ્યા.
પરેશ, પ્રજ્ઞેશ, અજય, આદિત્ય, હસમુખભાઈ સાહેબ વગેરે મળવા આવ્યા.
પરેશ ચડ્ડો પહેરીને આવ્યો એટલે એને પોલીસ સ્ટેશનમાં એમ કહીને પ્રવેશ ના આપ્યો કે આ જાહેર સ્થળ છે. અને એની પાંચ મિનિટ બાદ પી.આઈ.એ સિગારેટ પીધી.
આખા દિવસમાં છૂટાછેડાના કેસ સૌથી વધુ આવ્યા. એ નોંધવું રહ્યું.
સાંજે એક ખેડૂતનો ફોન આવ્યો કે એના ખેતરમાં ચંદનનાં ઝાડ છે, એક ચોર એ કાપીને લઈ જતો હતો અને એમણે એ ચોરને પકડી રાખ્યો છે.
ખેડૂતને અપેક્ષા હતી કે પોલીસ હાલ આવીને ચોરને પકડી જાય, પણ અહીંથી એવો જવાબ મળ્યો કે, ‘તારું ચંદન તો ચોરાય પણ અમારે અહીં ગૃહ મંત્રી આવ્યા છે.’
બોલો, પોલીસ પ્રજા માટે છે કે નેતાઓની સુરક્ષા માટે માત્ર!
સાંજે દાદા પણ આવ્યા, મને થોડોક ઠપકો આપી ગયા.
લાંબા કલાકો ત્યાં બેઠા બાદ એવું લાગ્યું કે પોલીસ સ્ટેશનમાં જે વાયરલેસ મેસેન્જર હોય છે એના કર્કશ અવાજના કારણે કોઈ પણ માણસ બરછટ બની શકે.
સાંજના ભોજનની વાત ચાલી પણ મેં ઘેર જઈને જ જમવાનો આગ્રહ રાખ્યો છતાં એક પો.કો.એ ચેવડો મંગાવીને ખવડાવ્યો.
વધુ મોડું થતાં પોલીસ બંદોબસ્તમાં રહેલા કર્મચારીઓ માટે મંગાવેલા કેળાંમાંથી મને ત્રણ કેળાં આપવામાં આવ્યાં.
કેટલાક પોલીસ એવા હતા કે જેમણે લખીમપુરવાળી ઘટનાનો video જ નહોતો જોયો, છેલ્લે મોબાઈલ મળતાં એમને એ બતાવ્યો, સૌ આઘાત પામ્યા.
રાત્રે ૮ વાગે અમિત શાહ આવી પહોંચ્યા હતા અને 9:45 પછી ગયા.
એમના આવ્યા પહેલાં અને ગયા પછી જો પોલીસ કર્મચારીઓનું B.P. માપવામાં આવે તો મોટો ફરક દેખાય.
છેલ્લે, પપ્પા અને ગામના થોડાક માણસો પણ મળવા આવ્યા.
અમિત શાહના ગયા પછી પપ્પા અને મિત્ર અજયની સાક્ષીમાં નિવેદન નીચે સહી કર્યા બાદ મુક્ત થયો.
તો ય, વિચારવું તો પડશે જ,
લોકશાહીમાં વિરોધ કરનારનું સ્થાન પોલીસ સ્ટેશનમાં!
સવા દસથી સવા દસ એમ કુલ 12 કલાકનો આ સમયગાળો ઘણું આપીને ગયો.
પણ સવાલ તો હજુ ઊભો જ છે,
HOW DARE YOU???
તમે કચડી જ કેવી રીતે શકો???
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 08-10 તેમ જ 07
![]()


હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.
તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.
મેં એ તન્ત્રીને કહ્યું હતું -કોઈ લખાણ અઘરું છે એમ કહીએ એનો અર્થ એ કે એમ કહેનારા માટે એ જરૂર અઘરું છે. અને મેં ઉમેર્યું હતું કે કોઇપણ લેખનને વ્યર્થ કહી દેવાથી શું વળે? વ્યર્થ કઇ રીતે છે એ વીગતો આપીને પુરવાર કરવું જોઇએ …