વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ, ૩૧મી ડિસેમ્બર એટલે દુનિયા માટે ઉજાણીનો દિવસ. મારા માટે પણ એ દિવસથી એક ઉજાણી શરૂ થઈ તે પણ દસ દિવસ ચાલી. આમે આપણે ત્યાં દસ દિવસીય તહેવારોની ભવ્ય પરંપરા છે. માતાજીના ગરબાની પહેલે દિવસે સ્થાપના થાય ને નવ દિવસ આનંદ મજાના જાય. દસમે દિવસે માતાજી વિદાય તો થાય, પણ નવ દિવસના સહવાસે એટલું અજવાળું જીવતરમાં ભરી દીધું હોય કે પાછા આવે ત્યાં સુધી એનો પરતાપ ચાલે.
૩૧મીની બપોરે કૉલેજથી ઘરે પહોંચતાં કામને કારણે થોડું મોડું થયું. ઘરમાં બધા રાહ જોઈને બેઠેલાં. ઘરમાં પ્રવેશતાં જ મારા પરમપ્રિય ગુરુણી ગીતાબહેન જૈન અને દીપકભાઈના પ્રેમભર્યા આભામંડળથી હું ઘેરાઈ ગયો. એ લોકો તો વ્હેલેરા આવી ગયેલાં, પણ જમવામાં મારી રાહ જોઈને બેઠાં હતાં. દર્શનાબહેને વર્ગમાં કહેલું કે, 'જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.' ગીતાબહેનનાં માતૃત્વના સ્થાપનનો આ પહેલો દિવસ હતો.
વર્ષ ૧૯૯૯ની યોગ શિબિરથી ગીતાબહેન સાથે જે અનુબંધ બંધાયો છે, તે ક્રમશઃ વિસ્તરતો ચાલ્યો છે. મારા જીવનવિકાસમાં એમની ભૂમિકા બહુ મોટી છે, એની વાત વળી ક્યારેક નિરાંતે કરીશ. પણ નીલપર આવ્યા પછી દર વર્ષે ગીતાબહેન એક બે વખત તો સમય લઈને ઘરે આવે જ. એમની નીલપર અને રાપરમાં દસ દિવસીય યોગ શિબિર પણ યોજાય. મને તો એક જ લોભ હોય એ બહાને એમની સાથે રહેવા મળે ! એમની સાથે રહેવા માત્રથી જ જીવન ઘડતરના પાઠ અનાયાસ મળી જાય. કોરોનાકાળને લીધે તેઓ બે વર્ષ સુધી આવી ન શક્યાં, એનો સાગમટે પ્રેમ આપવા આ વર્ષે તેઓ દસ દિવસ અમસ્તા રોકાવા આવ્યાં. સંજોગોને આધીન એમની શિબિર કે એમનું વ્યાખ્યાન ગોઠવી વિદ્યાર્થીઓ કે ગ્રામજનોને એમનો લાભ ન અપાવી શક્યો, એનો વસવસો એક તરફ હૈયે હતો તો બીજી બાજુ આ વખતે એકલા અમારા માટે ગીતાબહેન રોકાયાં એનો રાજીપો પણ અંતર ભરી દેતો હતો.

ઈશુના નવલાં વર્ષની પ્રથમ ચા અમે બધાએ સાથે મળીને પીધી. રુહાનીબહેનની નાનકડી ખાટલી અમારી ભોંય પર બેસીને ખાવાનું ડાઈનિંગ ટેબલ બની. નાનીબહેને બારડોલીથી સિવડાવીને મોકલેલ કુર્તામાં સજ્જ થઈ હું વટ પડાવતો હતો, એ વટનું સાચું કારણ સ્વજનોનો સંગાથ હતો.
વર્ષનો પહેલો દિવસ અમસ્તાં ઉજાણીનો દિવસ બની જ રહ્યો હતો, પણ તોયે નિત્ય પ્રવાસી ઘેર આવે ત્યારે બારણે બંધાઈ રહેવું તો કેમ ગમે ? અમે સઈ ગામમાં પાતાળેશ્વર મહાદેવ, હોથલ પદમણી ને પાબુદાદાની જગ્યાઓ જોઈને સાંજે ટીંડલવા અલખધણીના આશ્રમે પહોંચ્યાં. એમની સંગાથે કરેલા પ્રવાસની વાતો કાગ રામ અને જ્યોતિબહેન મોતાએ લખી છે, તેથી તેનું પુનરાવર્તન નથી કરતો, પણ 'જીવ્યા કરતાં જોયું ભલું'માં માનનારા ને ભમતા રહી વિસ્તરતા રહેનાર ગીતાબહેન અને દીપકભાઈ સાથે હતાં એટલે પ્રવાસ વધુ યાદગાર બની રહ્યો એટલું તો કહેવું જ રહ્યું.
બીજા દિવસે થોડાં વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રોને પણ અમારી રખડપટ્ટીમાં ભેળવી દીધાં. રખડુઓની નાત મોટી થાય એટલે આનંદ પણ સ્વાભાવિક વધે જ. સવારે વહેલા નીકળી અમે ફતેહગઢ પહોંચ્યાં. રણમાં દેશાંતરથી આવેલાં સુરખાબને દૂરથી મળીને બધાએ દિવસની શરૂઆત કરી. ડોરાગામથી પણ પાંચેક કિલોમીટર દૂર બોરડીના જંગલમાં બેઠેલા વીડીવાળાપીરની દરગાહે બધાએ સલામ ભર્યાને એથીયે વધુ ચણી-મણી બોર ખાવાની મજા લીધી. બધાને દરગાહથી થોડે દૂર જ ગાડીમાંથી ઉતારી દઈ, ગીતાબહેને જ બધાને બોરની ખાટી-મીઠી ટ્રીટ આપી. શૈલેષભાઈ કાનાણી ને વિદ્યાર્થીઓએ તો કવિતા બનાવી દીધી – 'જેને ખાવા હોય બોરા તે આવે ડોરા ..'
ડોરાથી રા'નવઘણની કથા સાથે જોડાયેલા વરુડી માતાના મંદિરે પહોંચ્યાં. રસ્તામાં ગીતોનો આનંદ તો ખરો જ. બપોરનું ભોજન વ્રજવાણીમાં લીધું. રાધા કૃષ્ણની મનોહર મૂર્તિ ને સાતવીસુ ગોવાલણીઓના ભાવવિશ્વમાંથી નીકળવું અઘરું હતું, પણ હજુ એક બે જગ્યાઓ અમારી રાહ જોઈ રહી હતી. જૂના વિદ્યાર્થી મિત્ર દિલીપભાઈના ફોન પર ફોન આવતા હતા. અમારો સંઘ પહોંચ્યો લોદ્રાણી. દિલીપભાઈ પહેલા અમને લઈ ગયા પંખેરા પીરની દરગાહે. રણની વચાળે પાણીની છેલોર ને પાણીની પ્રેમાળ છાલકોથી પથ્થરે ધરેલાં રૂપકડાં આકારો જોવાની મજા પડી. બી.એસ.એફ.ના જવાનોને પણ મળવાનું સદ્ભાગ્ય મળ્યું. ગીતાબહેન અને દીપકભાઈએ પોતાના આગળના અનુભવો સંભળાવ્યાં ને એટલા જ ઉમળકાથી અધિકારીઓએ પોતાનો પ્રેમભાવ વરસાવ્યો. વડીલો સાથે હોય ત્યારે આવા લાભ સહજ મળી જાય. વિદ્યાર્થી મિત્રો પરબત અને દિલીપ સતત સેવામાં હાજર હતા. આખરે અમારી સવારી ઉપડી દિલીપના ઘર ભણી. આખી શેરીનાં બાળકો ને ગામના અગ્રણીઓ સહિત માયાભાઈ અને એમના પરિજનો હાથમાં ફૂલહાર લઈ સ્વાગત માટે બારણે જ ઊભા હતા. ગામના ભજનિકોને પહેલેથી જ બોલાવી લીધેલા. બેસતાંવેંત ભજનમંડળીની ભાવ-ધારા શરૂ થઈ ને એમાં અમે સૌ પણ ભળ્યાં. ગીતાબહેને દીપકભાઈ, વિજયભાઈ ને મારી પાસેથી પણ ભજન ગવડાવ્યાં. ચા ને બીજા રાઉન્ડમાં દૂધ પીને પરસ્પર મીઠપની લ્હાણી કરી, અમે આછા અંધકારમાં લોદ્રાણીથી વિદાય લીધી. બધાને ભૂખ લાગી હશે એવું કહી ગીતાબહેન અને દીપકભાઈએ બાલાસર ગાડી ઊભી રખાવી ત્યાં સહજ ઉપલબ્ધ જલેબી, પાપડી ગાંઠિયા ને ડુંગળીનું ભોજન સૌને કરાવ્યું. વર્ષના આરંભે આવા બે મજાના પ્રવાસ ગીતાબહેન થકી થઈ શક્યા.

પછી ચાલુ દિવસોમાં ક્યાં ય બહાર ફરવા ન જવાયું પણ રોજ સાથે ભોજન લેવાનો, વાતો કરવાનો, સાંજે સાથે ચાલવા જવાનો આનંદ ને એક જ શબ્દમાં કહું તો સહવાસનો આનંદ અમે બધાએ લીધો. ગીતાબહેન પાસેથી નિયમિત નવી નવી વાનગી બનાવતાં શીખી. બાળકો સાથે ગીતાદાદી ને દીપકભાઈએ જાતજાતની રમતો રમી એમને પોતીકાં કરી લીધાં. વચ્ચે બે દિવસ તેઓ રણોત્સવમાં જઈ આવ્યાં, પણ એમનાં સામાનને જોઈ જોઈને અમે રાજી થતાં રહ્યાં કે તેઓ અમારી સાથે જ છે. અમારો પ્રેમ તેમને ઝડપથી પાછો નીલપર ખેંચી લાવ્યો ને વળી એ જ સહજ સહવાસનો આનંદ. એક સાંજે બાજુના હંસનિર્વાણ પરંપરાના આશ્રમે જઈ ભજનવાણીનો લાભ પણ સૌએ લીધો. આમ અમારું આનંદલોક વિસ્તરતું ચાલ્યું. રવિવારની બપોરે ભીંની આંખ અને ભીનાં હૃદયે તેમણે નીલપરથી પ્રસ્થાન કર્યું.
બંગાળીના બહુખ્યાત લેખિકા મૈત્રેય દેવીના ઘરે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર રોકાવા પધારતા, ત્યારના અનુભવો તેમણે 'મંગ્પુ તે રવીન્દ્રનાથ' નામક પુસ્તકમાં આલેખ્યાં છે, જેનો રમણીક મેઘાણીએ 'ગુરુદેવ અમારે આંગણે' નામે અનુવાદ કર્યો છે. દરેક વ્યક્તિને પોતપોતાના ગુરુજનોની ઘર આગમનની ક્ષણો એટલી જ ભાવસભર લાગતી હશે. પુસ્તક તો જ્યારે થાય ત્યારે પણ દર્શનાબહેનની તાલીમ મુજબ અમારે ને બદલે આપણે શબ્દ પ્રયોગ કરી, ગુરુજન પધરામણીનો મારો હરખ આપ સૌની સાથે વહેંચું છું.
e.mail : ramjanhasaniya@gmail.com
![]()


મેં તબલીગી જમાત વિશેના લેખમાં લખ્યું હતું કે તબલીગી જમાત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક જ સમયે અને એક જ સરખા સંજોગોમાં આગળ-પાછળ થઈ છે એ યોગાનુયોગ નથી. એ શું સંજોગો હતા એ સ્પષ્ટ કરવાનું એક વાચકે મને કહ્યું હતું. અહીં થોડી વાત એના વિશે કરીએ.
જો માનવી હોવાપણામાં ભારતીય હોવાપણું આવી જાય, હિંદુ હોવાપણું આવી જાય, મુસલમાન હોવાપણું આવી જાય, દ્રવિડ હોવાપણું આવી જાય, ગુજરાતી હોવાપણું આવી જાય, પટેલ મરાઠા કે બ્રાહ્મણ હોવાપણું આવી જાય, પુરુષ હોવાપણું આવી જાય તો ઓળખોના સાંકડા સંકુચિત રાજકારણ માટે જગ્યા જ ન બચે. વળી આ મહાત્મા કેવળ ઉપદેશ નથી આપતો; લોકોને જોડે છે, દરેક પ્રજાને એક સરખાં વાત્સલ્ય સાથે બાથમાં લે છે, લોકોને આંદોલિત કરે છે અને સંસારમાં ક્યારે ય જોવાં નહોતું મળ્યું એ રીતે પ્રચંડ રાજકીય હસ્તક્ષેપ કરી શકે છે. પ્રજા તેમને સાંભળે છે અને તેમની સાથે ચાલે છે.
વર્ષનો પહેલો દિવસ અમુક મુસલમાન યુવતીઓ માટે આઘાતજનક રહ્યો. સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ ફેલાયલા હતા અને તેમની ‘હરાજી’ થઇ રહી હતી. ભારતમાં મુસલમાન સ્ત્રીઓની હરાજીનો આ કિસ્સો ઉછળ્યો. વળી આ સ્ત્રીઓમાંથી કેટલીક પત્રકાર, નાગરિકો માટે અવાજ ઉઠાવનારી મહિલાઓ, વગેરે હતી. આ કિસ્સામાં સાઇબર ક્રાઇમ ઝડપનાર પોલીસકર્મીઓ ઝડપી કામ કર્યું અને ધરપકડ પણ થઇ અને ચોંકાવનારી વિગતો બહાર આવી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજી આ મામલામાં કોઇને કોઇ અપડેટ આવી રહી છે.