દેશના ગ્રામીણ વિસ્તારોનાં બજારોને રોજગારી આપવા માટે મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી ‘નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ’ દ્વારા સામાજિક ઑડિટ કરવામાં આવ્યું હતું. એમાં આ યોજના હેઠળ ચાલતાં ૧૮૬૯ પ્રોજેક્ટ પૈકી કેટલાક તપાસવામાં આવ્યા હતાં. એમાં દર્શાવવામાં આવેલા મજૂરો કરતાં ઓછા મજૂરો કામ કરતા માલૂમ પડ્યા હતા.
કોઈક લૂમમાં રોલ ઉપર ૨,૭૯૮ કામદારો હોવાનું નોંધાયું હતું, પણ વાસ્તવમાં ૧,૨૫૩ કામદારો કામ કરતા હતા. અન્યત્ર રોલ ઉપર ૭,૮૫૯ કામદારો દર્શાવવામાં આવ્યા હતા, પણ વાસ્તવમાં ૧,૩૪૮ કામદારો કામ કરતા માલૂમ પડ્યા હતા. એ જગ્યાએ માત્ર પાંચ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. એકંદરે ૧.૫૯ લાખ કામદારો નોંધ્યા હતા. એમાંથી ૭૫ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. આમાં કોન્ટ્રાક્ટરો કામદારોનાં નામ નોંધે છે. એમને થોડું કમિશન આપે છે. બાકીની રકમ એ લોકો લઈ જાય છે. ઝારખંડમાં ૯.૩૪ કરોડની મજૂરદિવસોની રોજગારી અપાઈ હતી. એકંદરે ૨૮ લાખ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી હતી. આમાં ખરેખર કેટલાં કામદારોને રોજગારી અપાઈ હશે તે પ્રશ્નાર્થ રહે છે. ઑડિટ પ્રમાણે ચાલીએ તો શંકા પ્રબળ બને છે. આ યોજના પાછળ રૂ. ૨,૬૩૭ કરોડ ખર્ચાયા હતા. એમાંથી કેટલાં ભ્રષ્ટાચારમાં ગયા હશે એ પ્રશ્ન આપણને રહે છે.
આ એક કલ્યાણ કાર્યક્રમ છે. જે દેશમાં સામાજિક સલામતીની કોઈ યોજના નથી એમાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ કામોમાં વેતન કાયદાથી ઠરાવેલા ન્યૂનતમ વેતનદર આપવાનો ખ્યાલ છે. આમ, આ યોજનાનો ઉદ્દેશ સારો છે, પણ આપણું ભ્રષ્ટ વહીવટી તંત્ર એના ઉદ્દેશને પાર પાડવામાં અવરોધક છે. ભારત જેવાં બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટ વહીવટીતંત્ર ધરાવતા દેશમાં કલ્યાણ યોજનાઓ કેમ મહદંશે નિષ્ફળ જાય છે. એનો ખુલાસો આ ઑડિટમાંથી સાંપડે છે. પૂર્વે દુકાળના સમયે લોકોને રોજગારી આપવા માટે જે રાહત કાર્યો હાથ ધરવામાં આવતાં હતાં એમાં જે ગેરરીતિઓ ચાલતી હતી એ મનરેગામાં મોટા પ્રમાણમાં ચાલી રહી છે, એનું ચિત્ર આ સામાજિક ઑડિટમાંથી સાંપડે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 07
![]()


ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને કેરળ, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળને સમકક્ષ રાજ્ય બનાવવાની પોતાની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે મતદારોને ઉદ્દેશીને એવી અપીલ કરી હતી કે મતદારો ભા.જ.પ.ને નહીં ચૂંટે તો આ દિશાની પોતાની મહેનત માથે પડશે. આના આધારે અર્થશાસ્ત્રીઓએ આ ચાર રાજ્યોના વિકાસની તુલના કરી હતી. એમાંથી જે તારણ સાંપડ્યું તે નિરાશાજનક હતું. ઉત્તર પ્રદેશ દેશના અન્ય રાજ્યોની તુલનામાં કેટલું પછાત છે તે આ તુલનામાંથી દેખાઈ આવ્યું.