પ્રિય ગંગુબાઈ,
તું મજામાં નથી, હું જાણું છું. મજામાં ન રહીને મજામાં રહેવાનો તારો આ સ્વભાવ … હું કાલે બરાબર પારખી ગઈ, જ્યારે મેં તને કાલે પરદા પર જોઈ. મારે માટે તું કોઈ લેખકના પુસ્તકના એક પ્રકરણની વાત નથી. તું જીવંત છો અને કદાચ સદાકાળ જીવંત રહીશ … ક્યારેક તું મારી આસપાસ પસાર પણ થઈ જતી હોય, તો પણ મને ક્યાં ખબર પડે છે કે તું મારી પાસેથી પસાર થઈ ગઈ? હું તો બસ તારી સાથે વાત કરવાની તક શોધી રહી હતી, તને મળવા ઇચ્છતી હતી અને હજી ઇચ્છું છું … પણ તું મને ક્યાં મળીશ? તું થોડી મારા જેવી વ્યક્તિથી થોડી જુદી દેખાય છે? તારી અંધારી એ ગલીઓની વાતો સાંભળી છે, એ વિશે વાંચ્યું છે, ફિલ્મો જોઈ છે … પણ તો ય તારા સુધી હું હજી કેમ પહોંચી નથી શકતી! કદાચ મારામાં હિંમત પણ નથી તારી એ ગલીઓમાં પગ મૂકવાની .. મને તો આદત છે લાલ, ગુલાબી, કેસરી, સફેદ ગુલાબ જોવાની .. કાળા ગુલાબને તો ક્યાંથી જોઈ શકું? આ ગુલાબ જેવી તને મળવામાં એક દિગ્દર્શક નિમિત્ત બન્યો એટલે વળી સારું થયું .. અને હું કાગળ લખવા બેઠી.
જો, તું ઇતિહાસનાં પાનાંઓ પરથી આજે આ રીતે મારા મનમાં સ્થાન પામી છે … એટલે રખે માનતી કે આપણા(?) સમાજમાં તને સ્થાન … જો હું તો તને મારી અગંત માનું એટલે સાચું કહું, શરમ છોડીને કહું … કે જે આપણો ભારત દેશ છે તેમાં તું ક્યાં નથી! એક બે વાતો કરીએ. તેં ઉઠાવેલા સવાલોએ મને વિચારતી કરી મૂકી .. જો તારો બહુ વખત નહી લઉં .. તને અમારા જેવા ભણેલાઓ પાસેથી શી આશા છે તે જાણું છું. અને તેથી જ તો તારો વખત ના બગડે અને મારી વાત કહેવાઈ જાય એટલે આ કાગળ લખું છું. તેં વાત કરી તમારા સંતાનોનાં શિક્ષણની … તો સાંભળ .. અમારા ગુજરાતનું વલણ ખાસ કહું ને તો અમે ગુજરાતીઓ અમારી માતૃભાષામાં બાળકને ન ભણાવવામાં માનીએ .. સાંભળ તો ખરી … એક કારણ એમાં એ પણ ખરું કે આપણાં બાળકો પછાત વર્ગનાં બાળકો સાથે ભણે એ સારું ના લાગે … ત્યાં હું તને કેમ ઠાલું આશ્વાસન આપું, કહે જોઈએ? તું કહે તારાં સંતાનો અમારાં બાળકો સાથે ભણે … સ્વીકૃતિ મળે? તું જ કહે. આવું પાછું બધે ય હોં … એ વાત તને ગળે ઉતરે છે?
તારી વાતોમાં મને નર્મદના સુધારાનો અવાજ સંભળાય છે. કહે છે કે ગુજરાતી સાહિત્યમાં હાલ અનુઆધુનિક યુગ ચાલે છે, પણ આ બધું તારે સાચું નહી માનવું … હા, હા, ખબર છે તને ને સાહિત્યને શું લાગે વળગે? લાગે વળગે છે, ગંગુ … તું જ્યારે કાગળ લખી આપતી હતી’ને તારી બહેનપણી માટે .. ત્યારે મેં કોઈ કાચી ઉમરની દીકરીમાં પત્રલેખા ભાળી’તી .. સાહિત્યરસિક … તું હોત જ; જો એ ગલીઓમાં તું ના હોત. તું સમસંવેદનશીલ ખરી ને? હા .. હા .. ભૂલી ગઈ તું કૉલેજ નથી ગઈ .. નથી જઈ શકી … આ બધું આવે લખવામાં, વાંચવામાં, સમજવામાં (?) .. હા, તો આ સમભાવ દાખવીને કહેવા એ માંગું છું કે અમે તારા પરથી બનતી ફિલ્મો જોઈશું, તારા પર લખાયેલી નવલકથા વાંચીશું, આંખમાં પાણી ભરીશું..પણ .. .અમારાથી તને ન્યાય નહીં થાય … તું જે સમાજને જાણે છે, તે કેટલો દંભી અને નિર્વીર્ય છે જાણે છે? ક્યાંથી જાણે? તું તારી ગલીઓમાં ગૂંચવાયેલી છે તે? તારું શરીર પહેલીવાર વિખેરાય છે, ત્યારે હું ય વિખેરાઉં છું, ગંગુ … પણ તું જાણે છે, દરરોજ કોઈને કોઈ જગ્યાએ શરીરની જેમ કોઈને કોઈ પીડિત અને શોષિતનો આત્મા હણાય છે? એ માત્ર તારી જેમ એક નામથી ઓળખાતી નથી. બસ, આટલો ફરક છે. દેહ અને આત્માને તું જુદા કેમ ગણી શકે? તારી ન્યાયની અપેક્ષા યોગ્ય, પણ તું કઈ જગ્યાએ માંગણી કરે છે તે તો જરા જો. આના કરતાં કોઈ પથ્થર આગળ … જો એમાં એવું છે ને કે એને કોઈ સમાજ, રિવાજ, નિયમો, સ્ટેટસ વગેરે નહીં નડે .. અને તારી વાતથી એ પીગળી શકે એની મને ખાતરી છે … જો હું પીગળી ને?
તું ખરેખર સફેદ રંગમાં શોભી ઊઠે છે … પવિત્ર તું … તારું મન … પારદર્શક … તારા વિચારો … તું બોલી શકે. ‘હાશ’ કેવી થતી હશે ને તને? તું એકાકી … હારીને બીજાનો ઉદ્ધાર કરવાનો રસ્તો અપનાવનાર. ધારે તો તું જઈ શકતી હતી કોઈની સાથે તારું ઘર વસાવી દૂર … તું ના ગઈ … તેં ધરી દીધું સઘળું … ક્યારે ય ના વિચારેલો, ન ધારેલો પ્રેમ મળ્યો; તેમ છતાં તું ન ગઈ … આ સવાલો ઉઠાવવા. ‘એ લોકો’નું – બધાનું ભલું કરવા. ગંગુ, સાંભળે છે? આ મારી વાંઝણી વાતો … તું પરદે કોઈ વડે વ્યથાઓનો લોક ખુલ્લો મૂકી ચાલી, પણ હું સમભાગી બનવા ઇચ્છું છું … તારા દર્દમાંથી તને બહાર લાવીશ, લાવવા પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરીશ … જો ને, આ પ્રયત્ન શરૂ પણ કર્યો … આપણે સફળ થઈશું, ગંગુ … સફળ … તારા એ કાળા ગુલાબનો બગીચો અને એના ગમતાં, પોતાના રંગો આપવા તને મારા સમાજમાંથી ચોખ્ખું જળ જોઈશે ને? તું એ સમાજ પસેથી ઇચ્છે છે ને? ચાલ, હું તારી સાથે છું. જો તારા દ્વારે કોઈ અણધારી ક્ષણે બારણું ખખડે જોરથી .. તો દર વખતે તારો ગ્રાહક ન પણ હોય … કદાચ હું પહોચીશ … તારે દ્વારે, અને ગંગુ, ત્યારે આપણે સાથે મળીને થઈશું રંગ …. રંગ … તેમ છતાં … ગંગાનાં જલ જેવા …. પારદર્શી … બેરંગ છતાં …. રંગીન!
તારી જ સંવેદનભાગી ગંગુ
Email : cbchaitub@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 12
![]()


ગુરુવારની મારી કોલમમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશેના વિવાદને લઈને ત્રણ મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. પહેલો એ કે કાશ્મીરમાં કેટલાક કાશ્મીરી મુસલમાનોએ હિંદુ પંડિતો સાથે અન્યાય અને અત્યાચાર કર્યા હતા, તો ૨૦૦૨માં ગુજરાતમાં કેટલાક ગુજરાતી હિંદુઓએ મુસલમાનો સાથે શું પ્રેમ કર્યો હતો? એ બે ઘટનાઓ વચ્ચે તસુભાર પણ ફરક નથી. એક વાત ઉમેરવી જોઈએ કે બન્ને સ્થળે “કેટલાક” મુસલમાનોએ અને “કેટલાક” હિંદુઓએ શરમજનક કૃત્ય કર્યાં હતાં અને “કેટલાક” મુસલમાનો અને “કેટલાક” હિંદુઓએ લજ્જાસ્પદ ઘટનાઓને મૂક સમર્થન આપ્યું હતું. બધાએ નહીં, કેટલાકે. નીચ કૃત્ય કરવા માટે જો કેટલાક હિંદુઓ પાસે કારણ છે તો કેટલાક મુસલમાનો પાસે પણ છે. બીજો મુદ્દો એ કે માનવીની ચિત્તવૃત્તિ અકળ હોય છે. વખત આવ્યે અને મોકો મળ્યે આપણે જેને આદરણીય વ્યક્તિ સમજતા હતા એ વ્યક્તિ રાક્ષસ જેવો વ્યવહાર કરતી જોવા મળે છે. ભારતનાં વિભાજન વખતે અનેક લોકોને આવો અનુભવ થયો હતો. અને ત્રીજો મુદ્દો એ ઉપસ્થિત કર્યો હતો કે સંકટનો લાભ માત્ર વિધર્મી નથી લેતો, સધર્મી પણ લેતો હોય છે. આ ઉપરાંત સગો ભાઈ પણ સંકટ સમયે હાથ છોડીને ભાગી જતો હોય છે. હિંદુ-હિંદુ ભાઈ ભાઈ અને મુસલમાન મુસલમાન ભાઈ ભાઈ એ ભાવ નથી, રાજકારણ છે. નર્યું રાજકારણ. ફાયદો થાય માટે ભાઈ ભાઈ અને ફાયદો થાય ત્યાં સુધી ભાઈ ભાઈ.
‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થઇ અને ‘પેન્ડોરાઝ બૉક્સ’ ખૂલી ગયું. હિંદુવાદીઓ અને રાષ્ટ્રવાદીઓને ઠેકડા મારવા માટે જૂના મુદ્દા પર નવો તાલ મળ્યો. હિંદુ ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ બન્ને આ પેલા ‘વાદ’થી અલગ છે તે સમજવું – ન સમજી શકાય એમ હોય તો શાંત રહેવું. નેવુંના દાયકાના પૂર્વાર્ધમાં કાશ્મીર ઘાટી પર આતંકવાદે પોતાની પકડ એવી મજબૂત કરી કે કારમા સંજોગો ખડા થયા અને કાશ્મીરી પંડિતોએ હિજરત કરવી પડી. પરંતુ આતંકવાદનું પરિણામ માત્ર કાશ્મીરી પંડિતોની હિજરત નહોતી, ઘણાં ય મુસલમાન રહેવાસીઓનાં પણ જીવ ગયાં અને તેમણે પણ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું. કમનસીબે આટલાં વર્ષે પણ આ લાવા થોભ્યો નથી, તેની ઝાળ લબલબ થયાં જ કરે છે અને આતંકવાદ આજે પણ કાશ્મીર ઘાટીમાં ફેલાયેલો છે, સૈન્યની હાજરી હોવા છતાં પણ સંજોગો સલામત નથી.