મંદિરો-મસ્જિદોનો પાર નથી !
એ છતાં તકલીફોનો પાર નથી !
આમ તો સખ્તીઓનો પાર નથી !
ખૈરખાં હસ્તિઓનો પાર નથી !
વ્યાસપીઠ સામે કૈંક બેઠા છે,
જેલમાં કેદીઓનો પાર નથી !
કોઇ કોઈ છે ભક્તજન સાચાં;
ધૂર્ત ને ઢોંગીઓનો પાર નથી !
એક-બે નામ રોજ ચમકે છે,
બાકી તો વસ્તીઓનો પાર નથી !
પારધિઓની ધાક બ્હોળી છે,
અવનવા પંખીઓનો પાર નથી !
મોંઘવારીએ મૂકી છે માઝા
ને વળી મંદીઓનો પાર નથી !
એક તો છે બીમાર હૉસ્પિટલ,
ને વળી દર્દીઓનો પાર નથી !
એની વચ્ચે ય જીવનારા; જ્યાં,
મચ્છરો-માખીઓનો પાર નથી !
પગ ‘પ્રણય’, મૂકજો સંભાળીને,
સાપ ને વીંછીઓનો પાર નથી !
તા. ૧૫/૦૬/૨૦૨૧
![]()


બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની દોઢસોમી જયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872 વર્ષના 18, મેના રોજ બ્રિટનના મોનમોથશાયરમાં જન્મ્યા. વીસમી સદીના અગ્રગણ્ય તર્કશાસ્ત્રી તરીકે તેમની ઓળખ અપાય છે. આ ઉપરાંત, તેઓ ગણિત, સમાજશાસ્ત્ર, ધર્મ અને નીતિ જેવા વિષયોને પણ પોતાનાં લખાણોમાં આવર્યાં. દરેક વિષયને તેમણે પોતાની આગવી દૃષ્ટિથી ખેડ્યો અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસથી જ તેઓએ અદ્વિતીય સાહિત્ય રચ્યું અને 1950ના વર્ષમાં તેમને નોબલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. બર્ટ્રાન્ડ રસેલની આટલી સિદ્ધિથી જ તેઓ મહાન બની ચૂક્યા હતા. પણ આ ઉપરાંત તેઓ વિચાર-વાણી સ્વાતંત્ર્યના હિમાયતી રહ્યા અને તે અંગે જ્યાં બોલવાનું આવ્યું ત્યાં ખૂલીને બોલ્યા. સામ્રાજ્યવાદનો તેઓ સતત વિરોધ કરતા રહ્યા અને ભારતને આઝાદી મળે તે માટે પણ તેમના પ્રયાસો હતા. આ પ્રયાસરૂપે સ્થપાયેલી સંસ્થા ‘ધ ઇન્ડિયા લિગ’ના તેઓ અધ્યક્ષ હતા. વીસમી સદીના મધ્યમાં જ્યારે પરમાણુ શસ્ત્રોની ધમકીઓ છૂટથી અપાતી હતી તે દરમિયાન તેમણે પરમાણુ શસ્ત્રોનો વિરોધ જોરશોરથી ઉપાડ્યો. અમેરિકા અને બ્રિટનના સામ્રાજ્યવાદનાં વલણના તેઓ પ્રખર વિરોધ કરતા રહ્યા. એડોલ્ફ હિટલર, સ્ટાલિનના શાસનનો પણ તેઓ વિરોધમાં સતત લખતાં-બોલતાં રહ્યા. આમ આજીવન તેમનો અભ્યાસ અને યુદ્ધ પ્રત્યેનો વિરોધ ચાલતો રહ્યો. જગતવ્યાપી શાંતિ સ્થાપવા તેઓ સતત ચિંતનશીલ રહ્યા અને આ અર્થે જ તેમણે ‘વિશ્વ સરકાર’નો ખ્યાલ રજૂ કર્યો. માનવજાતિના ઉદ્ધાર માટે બર્ટ્રાન્ડ રસેલનું કાર્ય ક્યારે ય ભૂંસાય એવું નથી. તેમના વિશે ગુજરાતી ભાષામાં પણ ખૂબ લખાયું છે. અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતાએ તેમના વિશે વિસ્તૃત લેખ કર્યો છે. ભોગીલાલ ગાંધીએ રસેલના ભારતવિરોધી વલણ વિશે અભ્યાસલેખ કર્યો છે. ફાધર વોલેસ રસેલના ગણિતના અભ્યાસ વિશે લખ્યું છે. આમ, અનેક ગુજરાતી લેખકોએ તેમના જીવનનાં જુદાં જુદાં પાસાં વિશે રજૂઆત કરી છે.